Tuesday 27 September 2016

બેસ્ટ ઓફ લક ટુ ધેમ

બેસ્ટ ઓફ લક ટુ ધેમ.        પલ્લવી  જીતેન્દ્ર મિસ્ત્રી.

આ સૃષ્ટી ઉપર પર્વત, ઝરણાં, ફૂલો, છોડ, વાદળો, સાગર વગેરે અનેક સર્જનો કર્યા પછી ઈશ્વરે આદમ નામના પ્રાણીનું સર્જન કર્યું. એમને લાગ્યું કે ‘આ મારું શ્રેષ્ઠ સર્જન છે’ (ઈશ્વરને પણ ક્યારેક ભ્રમ થઇ જતો હશે? - રામ જાણે)   અમરત્વનું વરદાનધારી આદમ આનંદ પૂર્વક પૃથ્વી ઉપર વિહરતો હતો, અને ઈચ્છા થાય ત્યારે સ્વર્ગમાં આંટો મારી આવતો હતો.
એ વખતે કુહાડીની શોધ નહોતી થઇ, છતાંય ‘પોતાના પગ પર કુહાડી મારવી’  એવો  સ્વભાવ એ વખતથી જ મનુષ્યને વારસામાં મળ્યો હતો, એ વાત આદમના વર્તનથી ફલિત થાય છે. એકલો એકલો રઝળપાટ કરીને આદમ થાક્યો અને કંટાળ્યો હતો. તે વખતે ટેલીફોન કે મોબાઈલ ની શોધ નહોતી થઇ, એટલે એણે પોતાના બે હાથ એન્ટેનાની જેમ ઊંચા કરીને ઈશ્વરને પોકાર્યા.

ઈશ્વર કોઈ રાજકારણી નેતા ન હોવાને કારણે એમણે  આદમનો અવાજ તરત જ સાંભળ્યો. એટલું જ નહિ એનો જવાબ પણ વાળ્યો, જે આદમે સાંભળ્યો. આજે તો ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ એવી એક પણ એન્ટેનાડીશ આપણી પાસે નથી. અરે! ઈશ્વરના અવાજની વાત તો છોડો, એ તો ઘણો દુર છે (એવું આપણે માનીએ છીએ), પણ આપણી સાવ  નજીક છે, એવા આત્માના અવાજને પણ આપણે ક્યાં સાંભળીએ છીએ?

આદમે ઈશ્વરને પોતાની એકલતાનો ઉપાય કરવા વિનંતી કરી. ઈશ્વરને લાગ્યું હશે કે હવે આને સલાહ આપવાનો કોઈ અર્થ નથી. (વાળ્યો ન વળે એ હાર્યો વળે) એથી ઈશ્વરે એક સુંદર સ્ત્રી ‘આવા’ એટલે કે ‘ઈવ’ નું સર્જન કર્યું. આદમ ઈવને જોઇને ખુબ પ્રસન્ન થયો. માન્યું કે આદમને તો ‘આવનાર ઉપાધી’ ની જાણ નહોતી એટલે એ ખુશ થાય એ સ્વાભાવિક છે. પણ  મને નવાઈ એ વાતની લાગે છે કે આજે પણ (આટલા વર્ષોના અનુભવ પછી) પુરુષો સુંદર સ્ત્રીને જોઇને ખુશ જ થાય છે.

ઈશ્વરે આદમને આદેશ આપ્યો કે, ‘મારા માથા સહિત તારે જે ખાવું હોય તે ખાજે પણ જ્ઞાનવૃક્ષનું ફળ ખાઈશ નહી. આદમે ઈવને પણ ઈશ્વરનો આદેશ સંભળાવ્યો. પુરુષો તો પહેલેથી જ આજ્ઞાંકિત રહ્યા છે, અને સ્ત્રીઓ પહેલેથી જ એને જે કામ કરવાની ના પાડી હોય તે પહેલા કરે – એમ કરતી આવી છે.  ઇવે એ ફળ ખાધું, એટલું જ નહી પણ આદમને પણ એ ફળ ખાવા મજબુર કર્યો. આજે પણ સ્ત્રીઓ પ્રેમથી પુરુષને મજબુર કરીને કઈ રીતે પોતાની વાત મનાવવી એ કળા સારી રીતે જાણે છે. 
  
‘જ્ઞાન જ બધી તકલીફોનું મૂળ છે’ , ‘Ignorance is Bliss’  વગેરે કહેવતો આદમ કે ઇવે સાંભળી નહોતી. પહેલીવાર બંનેને પોતાની જાત વિશે જ્ઞાન થયું, અને વિજ્ઞાનનો પાયો નખાયો. અને ત્યારથી કપડાં પહેરવાની (માણસના દંભીપણાની) શરૂઆત થઇ. ઈશ્વરે નારાજ થઈને આદમને ‘હવે દરેક નિર્ણય પુરુષે જાતે જ કરવા’ એવો આદેશ આપ્યો. ત્યારથી પુરુષ દરેક નિર્ણય પોતાની જાતે જ (પત્નીને પૂછીને) કરતો આવ્યો છે.

આદમ અને ઈવને ઘરે પ્રથમ સંતાન નો જન્મ થયો અને ત્યાર પછી પૃથ્વી ઉપરનો ભાર ઉત્તરોત્તર વધતો જ ગયો. આદમ અને ઇવે પોતાના પ્રથમ સંતાનનું નામ ‘કેન’ અને બીજા સંતાનનું નામ ‘એબલ’ રાખ્યું. આ ઉપરથી મને લાગે છે કે પૃથ્વી ઉપર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ પહેલેથી જ રહ્યું છે. આદમ અને ઇવે સંતાનોના બદલામાં પ્રભુને અનાજની આહુતિ આપી. આપણે આજે પણ આપણા સંતાનોના બદલામાં નર્સિંગ હોમના ડોકટરોને રૂપિયાની આહુતિ આપવી પડે છે. એટલું જ નહી, સ્કૂલો કે કોલેજોમાં એડમીશનના બદલામાં ડોનેશનના રૂપમાં રૂપિયાની આહુતિ આપવી પડે છે.

એબલના આવ્યા પછી કેનને પોતાનું મહત્વ ઓછું થઇ ગયું  હોય એવું લાગ્યું.  એથી એ ‘એબલનો કાંકરો કાઢી નાખવા’  તત્પર થયો. આજે પણ ઘણા ભાઈઓ પિતાના વારસા માટે સગા ભાઈનું કાટલું કાઢી નાખતા અચકાતા નથી. એબલ બકરાં ચરાવતો હતો તેથી એણે એકવાર ઈશ્વરને બકરાની આહુતિ આપી. ‘બલીનો બકરો’ કહેવત એ પરથી શરુ થઇ હશે એવું મને લાગે છે.

આ તરફ કેને પોતાની નામરજીથી ઈશ્વરને અનાજની આહુતિ આપી તો ઈશ્વરે એ સ્વીકારી નહિ અને કેનને ભગાડી મુક્યો. આજે પણ આપણે આપણું કામ કઢાવવા લાગતા વળગતા ઓફિસરોને આપણી નામરજીથી રૂપિયાની આહુતિ (લાંચ) આપીએ છીએ. અધિકારીઓ આ આહુતિ હોંશે હોંશે સ્વીકારી લે છે. (પછી આપણું કામ કરે ન કરે એ એમની મરજી પર આધારિત છે)
 
એક દિવસ લાગ મળતા કેન એબલને માથા પર હાડકાનો ફટકો મારીને મારી નાખે છે. આજે પણ એ શિરસ્તો ચાલ્યો આવે છે અને ભાઈ ભાઈની હત્યા કરે છે. બસ હાડકાનું સ્થાન ખંજર કે સ્ટેનગને લીધું છે.

એબલના મૃત્યુ પર એની માતા ઈવ કરુણ રુદન કરે છે. આજે પણ ધરતી માતા પોતાના પુત્રો (હિંદુ – મુસ્લિમ – શીખ – ઈસાઈ) કે પછી (ભારતીય – પાકિસ્તાની) ના અકાળ અવસાન પર લોહીના આંસુ સારે છે. આપણને રુદન સંભળાય છે ખરું, પણ એની અસર થતી નથી કેમ કે આપણે એ અવાજથી હવે ટેવાઈ ગયા છીએ.


 આપણા વૈજ્ઞાનિકો હવે ‘આંસુમાંથી એટમ બોમ્બ’ બનાવવાની થીયરી પર રીસર્ચ કરી રહ્યા છે, ‘BEST LUCK TO THEM’  

Tuesday 20 September 2016

સોરી, આપ કે લિયે હમ કુછ નહિ કર શકતે.

સોરી, આપ કે લિયે હમ કુછ નહિ કર શકતે.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

આજકાલ રાજકારણ મા અસામાજિક તત્વો જે રીતે બહુમતીથી ચૂંટાઈ આવે છે, અને નેતા બની જાય છે, એ જોતાં મેં નીચે આલેખેલો કિસ્સો ભવિષ્યમાં સાચો બને તો નવાઈ પામવા જેવું નથી.

થોડા વર્ષો પહેલાં ભરૂચ શહેરની એક સ્કુલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિધાર્થીએ જીલ્લા કલેકટર પાસે  ‘ખિસ્સા કાતરવાનું’ લાયસન્સ માગ્યું છે. ‘ખિસ્સા કાતારવાની કળા’ એવા પ્રકારનો કોઈ વિષય બારમાં ધોરણમાં ભણાવવામાં નહિ જ આવતો હોય, એની મને ખાતરી છે. છતાં ‘પેટીયું રળવા માટે આ વ્યવસાય પણ ખોટો નહિ’  એવો વિચાર આ કિશોરને આવ્યો, એ વાત જ બતાવે છે કે એનો બુદ્ધિઆંક સામાન્ય કિશોર કરતાં ઘણો ઉંચો છે.

આવા તો કઈ કેટલાય ‘ઉટપટાંગ’ વિચારો આપણને પણ આવતા જ હોય છે, પણ આપણે ફક્ત વિચાર કરીને અટકી જઈએ છીએ. પણ આ કિશોર  ફક્ત વિચાર કરીને અટક્યો નહિ, એણે એ બાબતે કલેકટરને પત્ર લખ્યો. એ વાત જ બતાવે છે કે એ કિશોર ઉધમી પણ છે. જે રીતે પત્ર લખીને એણે કલેકટર પાસે ‘ખિસ્સા કતારવાનું’ લાઈસન્સ માંગ્યું એ પરથી લાગે છે કે એ કિશોર હિંમતવાન પણ છે.

ધારો કે પત્ર વાંચીને આ સંદર્ભમાં કલેકટર એ કિશોર ને મળવા બોલાવે છે...

-ગુડ મોર્નીગ, સર. 
-કોણ?
-હું કિશોર.
-બોલો, કેમ આવવું થયું? શું કામ છે?
-સર, મેં તમને એક અરજી મોકલી હતી.
-શાની અરજી?
 -‘ખિસ્સા કાતરવાનું લાયસન્સ’ માટેની.
-અમે કોઈને એવું લાયસન્સ હજી સુધી આપ્યું નથી.
-તો હવેથી આપો, સર.
-પણ તને એવું લાયસન્સ લેવાનો વિચાર આવ્યો શી રીતે?
-હિન્દી ફિલ્મો જોઇને, સર.
-ઠીક, પણ તારે એવું લાયસન્સ શા માટે જોઈએ છે?
-રોજી રોટી મેળવવા માટે, સર.
-એ માટે તારી પાસે બીજા કોઈ સારા રસ્તા નથી?
-સર, આજકાલ ગ્રેજ્યુએટ થયેલા ને નોકરી મળતી નથી, તો  મને બારમાં ધોરણમાં ભણતા કિશોરને કોણ જોબ આપે? હા, મારા મૃત પિતાનું બાકી રહેલું પેન્શન જો મને મળી જાય, તો એ પૈસામાંથી નાનો મોટો કોઈ ધંધો કરું.
-તો પેન્શન કેમ લઇ આવતો નથી?
-કોઈ આપે તો લઇ આવું ને, સર?  ભણવાનું છોડીને ઓફીસના કેટલાય ધક્કા ખાધા, ખુબ રીક્વેસ્ટ કરી, ઓફિસરના પગમાં પડ્યો..
-તો પણ પેન્શન ન મળ્યું?
-ના, પેન્શનના બદલે ગાળો મળી. ‘પેન્શન વગર હું મારું અને મારી માનું ગુજરાન કઈ રીતે ચલાવીશ?’ એમ પૂછ્યું તો કહ્યું, ‘ ચોરી કર, લુંટ ફાટ કર, ભીખ માંગ કે ખિસ્સા કાતર.’
-અરરરર! ઓફિસરે આવું કહ્યું?
-આ સિવાય પણ બીજું ઘણું બધું કહ્યું. પણ એ બધું આપને જણાવીને આપનો કીમતી સમય હું બરબાદ કરવા નથી માગતો.
-ગુડ, વેરી ગુડ. તું સમજદાર લાગે  છે.
-તો સર, આપો છો ને મને ‘ખિસ્સા કાતારવાનું’ લાયસન્સ?
-કોઈ પણ પ્રકારનું લાયસન્સ આપતા પહેલા અમે એનો ધારક એ વિષયમાં નિપુણ છે કે નહિ, તેનો ટેસ્ટ લઈએ છીએ.
-એ માટે મેં થોડી ‘નેટ પ્રેકટીસ’ પણ કરી છે, હું ટેસ્ટ માટે તૈયાર છું.
-અચ્છા? તો બતાવ તારી કરતબ.
-સર, આપના ખિસ્સા ચેક કરો.
-હેં ! મારું પર્સ? મારું ઘડિયાળ?
-લ્યો, આ રહ્યું આપનું પર્સ અને આપની ઘડિયાળ.
તું તો જબરો નીકળ્યો, ક્યારે મારું ખિસ્સું કાતરી લીધું મને ખબર પણ ન પડી.
-તો સર, હું પાસ ને? મને લાયસન્સ આપો છો ને?
-આપવું જ પડશે ને! સારું છે કે તું ‘ખૂન કરવા’ માટેનું લાયસન્સ લેવા નથી આવ્યો. લે તારું લાયસન્સ.
-થેન્ક્યુ, સર.

થોડા સમય બાદ એક પોલીસ ચોકીમાં.....

-ઇન્સ્પેક્ટર સાં’બ.
-અબે પાંડુ, અંધે કઈ ઔલાદ! દિખતા નહિ ..મેં કામ કર રહા હું... તેરી તો...(ગાળ..ગાળ)
-સા’બ, સોરી. પર ઇસ લડકેને ઇસ શેઠ કી જેબ કાટી હૈ.
- -તેરી તો..(ગાળ..) અબે સાલે, તુને યે શેઠ કી જેબ કયું કાટી?
-સર, સ્કુલની ફી ભરવાની છે, મધરની દવા લાવવાની છે.
-અચ્છા? યે શેઠ તેરા બાપ લગતા હૈ ક્યા? (ગાળ..ગાળ..)
-ગાળ ન બોલો, સર. એક તો ફાધરનું પેન્શન મળતું નથી..અને ઉપરથી...
-સાલે ગધે, તું દેખ, પેન્શન તો અબ મેં તુઝે દુંગા..(ગાળ ..)  તુઝે સસુરાલ (જેલ) ભેજુન્ગા. પાંડુ, ઇસ હરામીકી ઔલાદકો અંદર કર. દો દિન હવાલાત કી  હવા ખાયેગા તો માલુમ પડેગા..સાલા, જેબ કાટના ભૂલ જાયેગા.
-તમે એવું નહિ કરી શકો.
-હમ ક્યા કર શકતે હૈ તુઝે દેખના હૈ ક્યા, ગીધડ કી ઔલાદ.
-સર, મારી પાસે ‘ખિસ્સા કાતરવાનું’ કલેકટર સાહેબનું લાયસન્સ છે.
-હીહીહીહી..પાંડુ, યે તો સાલા કોઈ ‘ભેજાગેપ’ લગતા હૈ. ઇસે જેલ કી બજાય પાગલખાને ભેજના પડેગા.
-હું ક્યાંય નહિ જાઉં. સર, એકવાર તમે જુઓ, મારી પાસે લાયસન્સ છે કે નહિ.
-અરે, ઇન્સ્પેક્ટર સા’બ. ઇસ કે પાસ તો સચમુચ ‘ખિસ્સા કાતરને’ કા લાયસન્સ હૈ. કલેકટર સાં’બ કા સિક્કા ભી લાગાયલા હૈ, ઓર સહી ભી કિયેલા હૈ.
-દિખા,મુજે દિખા. ઓહ ! ઇસ કી બાત સચ હૈ પાંડુ, છોડ દે, છોડ દે, ઇસે જાને દે.  
-ઇન્સ્પેક્ટર સાહેબ, મારા પૈસા? મારું પર્સ? - શેઠ બોલ્યા.
-સોરી, આપકે લિયે હમ કુછ નહિ કર શકતે.   


Tuesday 13 September 2016

નસીબ અપના અપના.

નસીબ અપના અપના.  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મનુષ્ય સાથે સંકળાયેલ અજીબો ગરીબ ચીજોમાં નસીબનો પણ સમાવેશ થાય છે. નસીબ જેવું કંઈ હોય છે, એ વાત માનવા આજના ભણેલા ગણેલા અને પુરુષાર્થમાં માનતા લોકો તૈયાર નથી હોતા. પણ ક્યારેક નસીબમાં માનવાનું મન થઇ જાય એવા કિસ્સા બનતા હોય છે ખરા. આજે તમને એવો જ એક કિસ્સો કહું છું.

અમારી રો-હાઉસ સોસાયટીના એક મકાનમાં એક પ્રોઢ યુગલ વર્ષોથી રહે છે. ઘરનું કામકાજ કરવા તેઓ કામવાળી રાખે છે. કામવાળીઓ બે ત્રણ વર્ષે બદલાતી રહે છે, બંનેનો સ્વભાવ સારો છે, પણ કામવાળી જૂની થતાં આડાઈ કરવા માંડે છે,  એમને કામ ઓછું અને દામ વધુ જોઈએ છે,  ટીવી જોવાની અને ફ્રિઝનું ઠંડુ પાણી પીવાની ડીમાન્ડ રાખે છે. મન થાય ત્યારે જણાવ્યા વિના રજા પાડી દે છે.

છેલ્લે મુળી નામની કામવાળી આવી, એ બોલતી ઓછું અને કામ વધુ કરતી, ઘરને ચોખ્ખું ચણાક રાખતી. એક દિવસ ઘરના કબાટની ચાવી કબાટમાં જ રહી ગઈ તો એણે કબાટને પણ અંદરથી સાફ કરી નાખ્યું. રૂપિયા અને ઘરેણા મળીને દોઢેક લાખ જેટલી માલમતા   એ લઇ ગઈ, સાથે શેઠના ડ્રાઈવરને પણ લઇ ગઈ. શેઠનું નસીબ થોડું સારું કે ડ્રાઈવર પોતાની સાથે શેઠની કાર ન લઇ ગયો.

શેઠે પોલીસ ચોકીમાં ફરિયાદ નોધાવી તો પોલીસે શેઠને જ ધમકાવ્યા, ‘અજાણી બાઈને કામે શું કામ રાખી? રાખી તો એનું સરનામું કેમ ન નોધ્યું? એનો ફોટો કેમ ન પાડ્યો? કબાટ લોક કેમ ન રાખ્યું? કામવાળી અને ડ્રાઈવર પર ચાંપતી નજર કેમ ન રાખી? તમે ધ્યાન ન રાખો અને પછી ફરિયાદ કરવા દોડી આવો તો અમે કંઈ જાદુગર છીએ કે ચોરને ચપટી વગાડતામાં પકડી લાવીએ?’ પોલીસના પ્રશ્નો ના મારાથી થાકેલા શેઠે મનોમન ‘આજ પછી ક્યારેય પોલીસની મદદ ન લેવી’ એવું નક્કી કર્યું.

થોડા સમય બાદ એમણે સોસાયટીમાં કામ કરતા લક્ષ્મણની ઓળખાણ થી ડુંગરપુરના બાર-તેર વર્ષના છોકરા શંકરને કામે રાખ્યો, એનું નામ સરનામું નોધ્યું, એનો ફોટો પાડ્યો, પછી શેઠને નિરાંત થઇ. પણ શેઠનું નસીબ કંઈ એમ એમને નિરાંતે બેસવા દે? ડુંગરપુરીયાનું ધ્યાન કામ કરતા, રમત તરફ વધારે રહેતું. જેમ તેમ કામ પતાવીને એ ભાઈબંધો સાથે રમવા ઉપડી જતો. શેઠાણી એને ધમકાવતા અને ડુંગરપુર પાછો મોકલી આપવાની ધમકી પણ આપતા. પણ શંકર તો શંકર હતો, શેઠાણીની શિખામણ  જાણે ‘પથ્થર પર પાણી’
ચોમાસાના દિવસો હતા, બાથરુમોના બારણા ચુટણીમાં જીતેલા નેતાઓની છાતીની માફક ફૂલી ગયા હતા.જેમ નેતાના કોટના બટનો ન ભીડાય, એમ બારણાની કડીઓ વસાતી નહોતી. શેઠાણી રસોડામાં શાક સમારતા હતા, શેઠ ઉપરના રૂમની બાથરુમમાં  નહાતા હતા. શંકરને ક્રિકેટ રમવા જવાની ઉતાવળ હતી, પણ શેઠાણીએ કહ્યું, ‘ઉપરની બંને બાથરુમો ધોઈને તારે જ્યાં જવું હોય ત્યાં (જોઈએ તો  જહન્નમ માં) જા.

એટલે ડુંગરપુરીયો  તો ધડાધડ દાદરા ચઢીને ઉપર ગયો. પાંચ મીનીટમાં પાછલા રૂમની બાથરૂમ ધોઈને આગલા રૂમની બાથરૂમ તરફ વળ્યો, અને બારણાને બહારથી ધક્કો માર્યો. અંદર શરીર લુછી રહેલા શેઠ ચમક્યા, અને એમને બારણાને અંદરથી  ધક્કો માર્યો.  શંકરની ચારેય આંગળીઓ બારણામાં ચગદાઈ ગઈ અને એણે જોરથી ચીસ પાડી. ચીસ સાંભળીને ચમકેલા શેઠાણીની આંગળીમાં શાક સમારવાનું ચપ્પુ ઘુસી ગયું અને લોહીની ધાર થઇ, એ સાથે જ શેઠાણીની ચીસ સંભળાઇ. બંને ચીસોથી ચમકેલા શેઠ ફટાફટ કપડાં પહેરીને બહાર આવ્યા, પરિસ્થિતિ જોઇને ડોક્ટરને ફોન કરી બોલાવ્યા. માંડમાંડ અઠવાડિયે બંને જણ સાજા થયા.

ઉત્તરાયણ ને હજી મહિનાની વાર હતી. તો ય શંકરીયો રોજ ધાબે કપાયેલી પતંગો પકડવા રઘવાયો થઈને ચઢી જતો. શેઠાણીએ એને ચેતવણી આપી રાખી હતી કે – ‘વાંદરા, ધાબેથી પડ્યો છે તો તારી ખેર નથી, એવો ઝૂડી નાખીશ ને’  પણ શંકરીયો તો નર્યો સંત માફક હતો, ચેતવણીઓ થી તદ્દન  નિર્લેપ. નસીબજોગે એક દિવસ કપાયેલી પતંગ પકડવા જતા શંકર ખરેખર ધાબેથી નીચે પટકાયો.

શેઠાણી ન તો એને ધમકાવી શક્યા કે ન તો એને ઝૂડી શક્યા, કેમ કે પડતાની સાથે શંકરના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને એ  બેભાન થઇ ગયો. શેઠે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એને હોસ્પિટલ પહોચાડ્યો, જ્યાં એને ઇન્ટેન્સીવ કે યુનિટ ( ICU) માં દાખલ કરવો પડ્યો. ડોકટરે કહ્યું, ‘સાજો તો થઇ જશે, પણ મેમરી લોસ થવાની શક્યતા ખરી.’  પોલીસે શેઠની એવી પૂછપરછ કરી, જાણે  શેઠે જ એને ઉઠાવીને ધાબેથી નીચે ન નાખ્યો હોય. પણ નસીબ આગળ શેઠ લાચાર હતા.
શંકરના સગાઓ ગામડેથી દોડી આવ્યા, એમણે રડારોળ  અને કાગારોળ મચાવી મૂકી. શેઠે બધાને શાંત પાડ્યા અને એમની રહેવા જમવાની સગવડ કરી આપી. આ કેસમાં પુરુષાર્થ શંકરનો અને નસીબ શેઠ શેઠાણીનું. 

જો કે દુખ બંને એ ભોગવવાનું છે, જીવતો રહ્યો તો ડુંગરપુરીયાએ અને મરી ગયો તો શેઠ શેઠાણીએ. નસીબ અપના અપના, બીજું શું?


Tuesday 6 September 2016

શ્રદ્ધાંજલિ – સત્યાંજલિ.

શ્રદ્ધાંજલિ – સત્યાંજલિ.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સત્યવાદી કલબની મારી વહાલી બહેનો,

આપણી કલબના સીનીયર-મોસ્ટ (ઓફકોર્સ ઉમરની દ્રષ્ટિ એ જ) ગણાતા મોંઘીબેનના અવસાન પ્રસંગે એમને શ્રધ્ધાંજલિ આપવા માટે આજે આપણે અહીં એકત્ર થયા છીએ. એમના અકાળ(?) અવસાનથી આપણી ક્લબને ન પુરાય એવી ખોટ પડી છે, પણ ભગવાનને જે ગમ્યું તે ખરું.સત્યવાદી કલબના તમામ સભ્યોએ સાચું જ બોલવાના શપથ લીધા છે, એટલે એમની શ્રધ્ધાંજલિ ના કાર્યક્રમમાં પણ આપણે સાચું જ બોલીશું, અંતે મોંઘીબેન ના આત્માની શાંતિ અર્થે આપણે પ્રાર્થના કરીને છુટા પડીશું.

આપણી જેમ મોંઘીબેન પણ ‘અપ્રિય’ કે ‘અળખામણા’ થવાનો ડર રાખ્યા વગર હંમેશા સાચું જ બોલતા. પણ આ જગતના લોકો સાચા માણસને સહન કરી શકતાં નથી, કે તેમની કદર કરી શકતાં નથી, પણ આપણે આજે આ કમીને પૂરી કરીશું. આ શ્રધ્ધાંજલિ કે સત્યાંજલિ નો કાર્યક્રમ પૂરો થયા બાદ આપણે એમને મરણોત્તર ‘સત્યવાદી રાણી - મોંઘીવતી‘ નો એવોર્ડ એનાયત કરીશું. એમના કોઈ સગા કે  વહાલાં (?) આવ્યા હોય તો એમને વિનંતી છે કે તેઓ કાર્યક્રમના અંતે આ એવોર્ડ લઇ જવાની કૃપા કરશો.

કહેવાય છે કે - ‘સત્યં વદ, અપ્રિયમ વદ’ ની નીતિને ચુસ્ત પણે વળગી રહેનારા મોંઘીબેનના કડવા બોલની સામે ‘કારેલા’ કે ‘કરિયાતું’ ની કડવાશ ફિક્કી પડે. ‘બોલ અમોલખ બોલ હૈ, બોલ શકે તો બોલ, પહેલે ભીતર તોલ લે, બાદ મેં મુખડા ખોલ’ આ પંક્તિને અવગણીને ‘આપણે તો મનમાં આવે એ બોલી નાખીએ, બાકી આપણા મનમાં કોઈ પાપ નહિ હોં’  એવું હંમેશા એ કહેતા. ‘કોઈને ખોટું લાગે તો મારે કેટલા ટકા?’ એવી ગીતામાં પણ જોવા ન મળે તેવી  સ્થિતપ્રજ્ઞતા એમણે કેળવી હતી, એ બદલ તેઓ સાચા અભિનંદન ના અધિકારી છે. હજી તો મારે એમના વિશે ઘણું બોલવું છે, પરંતુ પ્રમુખ શ્રીનો ઈશારો (‘બેસી જાવ’) સમજીને હું બેસી જાવ છું.        
                                        *
પ્યારી સત્યવચની બહેનો,

નીલાબેને મોંઘીબેનના પ્રશસ્તિના જે પુષ્પો ખીલવ્યા, એનાથી એમનો આત્મા જરૂર પ્રસન્ન થયો હશે. હવે હું મારા વક્તવ્ય દ્વારા એમના આત્માને વધુ પ્રસન્ન કરવાના સનિષ્ઠ પ્રયત્નો કરીશ.

નારીમાં ઉદારતા, ક્ષમા અને સહાનુભુતિ નો ત્રિવેણી સંગમ હોય છે. નારી સ્નેહ, મમતા, કર્તવ્ય પરાયણતા અને સદભાવની મૂર્તિ હોય છે. એ તકરાર ના ‘ત’ થી અને અભિમાનના ‘અ’ થી સો ગજ દુર ભાગે છે, વગેરે વગેરે.. નારીના શોષણ કાજે પુરુષોએ ઘડેલા આવા ખોટા નિયમોને મોંઘીબેને સદા માટે ફગાવી દીધા હતા. મોંઘીબેન ખાવા-પીવા ના અત્યંત શોખીન હતાં, પરંતુ કંજૂસ અને અરસિક પતિ મહાશયની કચકચ ના કારણે એમના આ શોખ પોષાયા નહોતા. એનો અસંતોષ મોંઘીબેન ને જીવનભર રહ્યો હતો.

અસંતોષની આગમાં બળતા મોંઘીબેનને પતિ સાથે ‘બારમો ચંદ્રમાં’ જેવો સંબંધ હતો. તેઓ ‘સાત જનમના સાથી’ નહિ, પરંતુ ‘સાત જનમના દુશ્મન’ હતા. બંને એક બીજાને માટે ‘આ જનમમાં તો ભલે મળ્યા, પણ હવે પછી સાત જનમમાં કદી ન મળજો’ એવી પ્રાર્થના કરતા. એમના પતિ કહેતા, ‘તને સ્મશાને વળાવ્યા વગર હું મરવાનો નથી’ અને મોંઘીબેન વાણીનો વળતો પ્રહાર કરતા કહેતા, ‘તમારા બારમાના લાડુ ખાધા વિના હું મરીશ નહિ’

આમ મોંઘીબેનના દામ્પત્ય રથનું એક પૈંડું સ્કુટરનું અને બીજું પૈંડું ટ્રેક્ટરનું હોવાથી રથ હંમેશા ખોડંગાતો. મોંઘીબેન વિશેની પ્રાપ્ત થયેલી બધી માહિતી  જો પ્રગટ કરવામાં આવે, તો એક મહાનિબંધ રચાય, અને રચયિતાને પીએચડી ની ડીગ્રી પણ મળે. પરંતુ હજી બીજી બે બહેનો બોલનાર છે, તેથી મોંઘીબેન ના આત્માની શાંતિ માટેની પ્રાર્થના કરી હું બેસી જવાની રજા લઉં છું.
                                              *
પ્રિય સત્ય શોધક સભાની મહિલાઓ,

હું ગીતા ઉપર (પુસ્તક હાજર નથી એટલે આ ગીતાબેન પર) હાથ મુકીને કહું છું કે – હું મોંઘીબેન વિશે જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. મેં મોંઘીબેન વિશે જાતે તપાસ કરી છે, એ માટે મેં એમના પડોશીઓ અને સોસાયટી વાળાઓ ની સહાય લઈને માહિતી એકત્ર કરી છે, જે તમારી સમક્ષ પ્રગટ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. ‘જો મને આજે માઈક નહિ મળે, તો હું કલબમાંથી રાજીનામું આપી દઈશ’ એવી મારી રીક્વેસ્ટ(?)  ધ્યાનમાં લઈને મને માઈક આપવા બદલ હું પ્રમુખ રીટાબેનનો  આભાર માનું છું. 

‘પોતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે કરતા બીજાએ શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ’ એ વાત પ્રત્યે મોંઘીબેન વધુ સભાન હતા. ‘શ્રવણે એના મા બાપને જાત્રા કરાવી તો મારો પુત્ર મને(અમને નહિ)  જાત્રા ન કરાવે?’ એવો એમનો આગ્રહ હતો. પણ એમના પુત્રની દલીલ હતી કે – ‘શ્રવણના માં-બાપ તો આંધળા હતા’ એની સામે મોંઘીબેન ની શું દલીલ હતી તે જાણવા મળ્યું નથી.

પૈસાની બાબતે મોંઘીબેન ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાની દાસી’ ની નીતિ ને અનુસરતા. પુરતા પૈસા હોવા છતાં જીવન જરૂરીયાતની ચીજો અને દવા તેઓ જીવ બાળી ને લાવતા, અને કરકસર કરીને વાપરતા. સાચું કહું તો તેઓ પૈસો ખર્ચવાને બદલે સાચવી રાખવામાં માનતા. બહારની ચટાકેદાર  વાનગી ખાવાના શોખીન મોંઘીબેન કોઈ એવી વાનગી ખવડાવે તો હોંશભેર ખાતા,પણ જાતે એમાં પૈસા ખર્ચતા નહિ. આવા અનન્ય રત્ન સમા મોંઘીબેનને ભાવભરી અંજલી અર્પીને હું રીટાબેનેને બોલવા વિનંતી કરું છું.
                                                    *
પરમ પ્રિય સત્યવાદી બહેનો,

સૌ પ્રથમ તો નીલાબેન, શીલાબેન અને રસીલાબેને જાત તપાસ દ્વારા એકત્ર કરેલી માહિતી દ્વારા મોંઘીબેન ને જે ભાવભીની હૃદયાન્જલી આપી છે, તે બદલ હું આપણા સૌ વતી એમનો આભાર માનું છું. મોંઘીબેન માટે એમણે જે એવોર્ડનું સુચન કર્યું એ વધાવી લઉં છું, અને સત્યાંજલીનો  આ કાર્યક્રમ આગળ વધારું છું. સ્વર્ગવાસી(કે નાર્ક્વાસી?)  મોંઘીબેન નું સમગ્ર રેખાચિત્ર દોરવું અત્યંત કઠીન કાર્ય છે. પણ ‘કાર્ય કઠીન હૈ ઈસ લીયે વો કરને યોગ્ય હૈ’ એવું કંઈ ઇન્દિરા ગાંધી કહી ગયેલા એટલે એ માટે હું પ્રયત્ન કરું છું.

મને બરાબર યાદ છે, મેં જ્યારે મોંઘીબેન ને પહેલીવાર જોયેલા ત્યારે મારા સ્મિતના બદલામાં ‘હમણાં રડી પડશે’ એવું સ્માઈલ એમણે આપેલું. સમગ્ર વિશ્વ ના ‘નિભાવ’ અને ‘સલામતી’ ની જવાબદારી કોઈકે એમના શિરે લાદી હોય, એવો ભારે ચિંતિત અને તંગ ચહેરો જોઇને ‘એમને શું ટેન્શન હશે?’ એવો વિચાર મને આવેલો. પછી કલબની વારંવાર ની એમની મુલાકાત થી મને જાણવા મળ્યું કે આવો ચહેરો એમને જન્મજાત ભેટમાં મળેલો હતો, અને ભારે જહેમતથી એમણે એ જાળવી રાખ્યો હતો.

‘જે વ્યક્તિ ખુલ્લા દિલે હસી ન શકે એનો વિશ્વાસ ન કરવો’ એવી વાત મેં સાંભળેલી, પણ મોંઘીબેન તો ખુલ્લા દિલે હસનાર પર કદી વિશ્વાસ ન કરતા. હકીકતમાં મોંઘીબેન કોઈના પર પણ વિશ્વાસ ન કરતા. કુટુંબી જનોની કોઈ પણ વાતને તેઓ ‘ક્રોસ ચેકિંગ’ દ્વારા તપાસી લેતાં. ‘કોઈ ખોટું તો નથી બોલાતું ને?’ એ વાતની ખાતરી કરવા તેઓ વારા ફરતી બધાને એક ની એક વાત પૂછી લેતાં. એમની આ ‘કુટેવ’ જાણી ગયેલા ફેમીલી મેમ્બર જે વાત મોંઘીબેન થી છુપાવવાની હોય તે – ‘આપણે આ વાતને એમની આગળ આ પ્રમાણે રજુ કરીશું’  એમ સંતલસ કરી લેતાં, જેથી ક્રોસ ચેકિંગ માં પકડાઈ જ જવાય.

પડોશમાં કોણ આવ્યું, કોણ ગયું? કોની છોકરી કોની સાથે ફરે છે? કઈ વહુને એની સાસુ સાથે નથી બનતું? કરિયાવરમાં કોણે કોને શું આપ્યું? કોણ કેટલા વાગ્યે ઉઠે છે, કેટલા વાગ્યે બ્રશ કરે છે, કેટલા વાગ્યે નહાય છે, કેટલા વાગ્યે ખાય છે...વગેરે ઝીણામાં ઝીણી બાબત જાણવાની ઇન્તેજારી મોંઘીબેન ને રહેતી. ગુસ્સો, ક્રોધ, બળાપો, હતાશા, નિરાશા, ફરિયાદ, પારકી પંચાત વગેરે એમના મુખ્ય ગુણો હતા, જેનો ભરપુર લાભ એમને ઘરના લોકોને આપ્યો હતો.

આવા અનન્ય નારીરત્ન સમા મોંઘીબેન વિશે તો કેટલું કહું અને કેટલું ન કહું? અંતે એમને ‘સત્યવાદી રાણી મોંઘીવતી’ નો એવોર્ડ એનાયત કરું છું. અને આ કાર્યક્રમને અહી જ સમાપ્ત થયેલો જાહેર કરું છું.
                                             *

(આપણામાં ક્યાંક આ મોંઘીબેન ના કોઈ ગુણો તો નથી સમાયાને? ચેક કરવું પડશે.)