Wednesday 25 July 2018

આ વેકેશનમાં હવે શું કરવું?


આ વેકેશનમાં હવે શું કરવું?   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

થોડા સમય પહેલાં મુંબઈના એક દરિયા કિનારે પૂણેના કેટલાક વિધાર્થીઓ દરિયામાં નહાવા પડ્યા, અને લગભગ ૧૪ વિધાર્થીઓ ડૂબી ગયાં. આગ અને પાણી સાથે રમત કરવી નહીં એવું આપણા પૂર્વજો કહી ગયા છે.  વંશજો તરીકે જેમ આપણે આપણા પૂર્વજોની વાત લક્ષમાં લેતા નથી, તે જ રીતે  આપણા વંશજો પણ આપણી વાત લક્ષમાં લેશે નહીં, અને આગ અને પાણી સાથે રમત ચાલુ જ રાખશે.
થોડા સમય પહેલાં જ સરકારે પતંગોત્સવ  વખતે ચાઈનીઝ બલુન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, કેમ કે તેનાથી ઘણી જગ્યાએ આગ લાગવાની સંભાવના હતી. છતાં કેટલાક ઉત્સાહી જીવોએ, બજારમાં ન મળતા આવા બલુનો,  કાળા બજારમાંથી મનમાગી કીમત આપીને પણ ખરીધા હતાં. અને પતંગોની સાથે સાથે આવા બલુનો પણ છોડ્યા હતાં. એટલું જ નહીં પણ બલુનોની સાથે સાથે ફટાકડા પણ ફોડ્યા હતા. ફટાકડા ફોડવા એ પણ આગ સાથેની એક જાતની રમત જ છે ને ?  દિવાળીમાં, લગ્ન કરવા જતા જાનમાં, ચૂંટણીની જીતમાં, કે ક્રિકેટ મેચની જીત જેવા મહત્વના પ્રસંગે આપણે ફટાકડા ફોડીને આપણી ખુશી વ્યક્ત કરીએ છીએ.
પાણી સાથે રમત કરવા આપણે વોટરગેમ્સ શોધી છે, સ્વીમિંગ પુલ અને વોટર પાર્ક્સ બનાવ્યા છે. એમાં ક્યારેક રમત કરવા જતાં ગફલત થઈ તો માણસ મરે છે પણ ખરો. ગણેશ-ચતુર્થી વખતે ગણેશ વિસર્જન કરવા જતાં ક્યારેક માણસ પોતે જ દરિયામાં વિસર્જિત થઈ જાય છે. પણ તેથી શું થયું, આપણે સાહસ છોડી દેવું ? માર્ગ અકસ્માત પણ કેટલા થાય છે, તેથી ડરીને કંઈ રસ્તામાં ચાલવાનું કે વાહનો ચલાવવાનું બંધ તો ન જ કરાયને ? હા, શક્ય હોય એટલી તકેદારી રાખી શકાય. માણસ સ્વભાવે સાહસિક છે, એટલે બધી સમસ્યાનો હલ પણ એ શોધી કાઢે છે. પણ ઘણીવાર આ વેકેશનમાં શું કરવું ?’ એવો સીધો સાદો પ્રશ્ન આવે એ ત્યારે ગૂંચવાઈ જાય છે.
દિવાળીના એક વેકેશનમાં મેં પણ આળસુની જેમ ઘરમાં પડી રહેલા મારા બન્ને પુત્રોને કહ્યું:
- અલ્યાઓ, આમ એદીની જેમ ઘરમાં પડી રહ્યા છો, તે તમને લોકોને એમ નથી થતું કે કશુંક કામ કરીએ ? કશું નવું શીખીએ ?
- મમ્મી, અમને તો એવું કશું નથી થતું. કેમ કે પરીક્ષામાંથી હમણા જ પરવારીને અમે તો વેકેશન એંજોય કરી રહ્યાં છીએ. છતાં તને જો એવું થતું હોય કે અમારે કશું કરવું જોઈએ કે નવું કશું શીખવું જોઈએ, તો તું જ કહે કે અમારે શું કરવું ?
- ડ્રોઈંગકામ કરો.
- એ તો આવડે છે.
- ક્રિકેટ કોચીંગના ક્લાસ કરો.
- શું ફાયદો ? તું અમને ભણવાનું છે, ભણવાનું છે કહીને વધારે સમય ક્રિકેટ રમવા તો દેતી નથી.
- હા, એ વાત સાચી. તો પછી કોમ્પ્યુટર શીખો.
- એ તો સ્કુલમાં શીખીએ જ છીએ, અને અમને બરાબર આવડે પણ છે. નાઈન્ટી અપ પરસન્ટેજ  તો આવે છે.
- તો પછી એમ કરો, સ્વીમિંગ શીખવા જાવ.
- યસ. ગુડ આઈડિયા. પણ મોમ, એ શીખવાથી શું થશે ?
- અરે! જુઓ આપણો રીહેન મહેતા, નાનકડો છોકરડો. રમત રમતમાં ઈંગ્લીશ ચેનલ તરી ગયો, અને એના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું.
- પપ્પાનું નામ રોશન કર્યું એ બરાબર, પણ મમ્મીનું નામ રોશની  કર્યું એમ ન કહેવાય ? નાનાએ કહ્યું.
- છોટુ, તારી સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે.  મોટાએ કહ્યું.
- હા, પણ આપણે કોમેડિયન તરીકે કેરિયર નથી બનવવાની.  મેં એમને ટોક્યા.
- ઓકે મોમ, પણ સ્વીમિંગ શીખવા અમારે શું કરવાનું ?
- કર્ણાવતી ક્લબમાં જઈને સ્વીમીંગ માટેની ઇન્ફરમેશન લઈ આવો.
- મમ્મી, હમણા તો અમે આ ચેનલ પર મૂવી જોઈ રહ્યા છીએ તે પહેલા પુરું જોઈ લઈએ ?
- હા, જોઈ લો. આમ પણ તમને એકલાને ક્લબમાં એંટ્રી નહી મળે, મારે જ તમને લઈ જવા પડશે.
વેકેશનમાં નાના બાળકોના મા બાપને સતાવતો સૌથી મોટો સવાલ એ જ છે, આ વેકેશનમાં શું કરીએ તો પોતાના બાળકો બીઝી રહે ? બાળકો તો પોતાનામાં મસ્ત હોય છે, ક્ષણમાં જીવનારા જીવો, એમને ભવિષ્યની ચિંતા નથી સતાવતી. પણ એમની ધમાલ મસ્તીથી મા બાપ ત્રાસી જાય છે. અને એટલે જ વેકેશન પડે કે  મા બાપને ધખારા ઉપડે, બાળકને ડ્રોઈંગ, પેઈન્ટિંગ, ક્રિકેટ, કરાટે, પરસનાલિટી ડેવલપમેંટ વગેરે જાત જાતના ક્લાસીસમાં મોકલે. છોકરાઓને થાય, આના કરતાં તો વેકેશન ન પડ્યું હોત તો સારું.  વેકેશનમાં બાળકોનું આરામથી ઊઠવું, આરામથી પરવારવું, પથારીમાં પડ્યા રહેવું, ટી.વી, ની સામે ચોંટ્યા રહેવું, ઘરમાં કે ઘરની બહાર રમતાં રહેવું વગેરે વગેરે જોઈને મા બાપને (ખાસ કરીને મમ્મીને), ચિંતા (કે પછી ઈર્ષ્યા ?) થાય છે. મને પણ થઈ. એટલે મેં મારા બાળકોને આ વેકેશનમાં સ્વીમિંગમાં મોકલવાનું નક્કી કર્યું.
બીજે દિવસે નક્કી કર્યા મુજબ હું બન્નેને સ્વીમિંગ ક્લાસમાં લઈ ગઈ, બન્ને માટે સ્વીમિંગ કોશ્ચ્યુમ ખરીદ્યા.  બીજા છોકરાઓની સાથે સાથે મારા બન્ને બાળકો પણ સ્વીમિંગ શીખવા માંડ્યા.  અને એ બન્નેને એમાં ખુબ મજા પણ આવવા માંડી. માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાઝે જોને એમ મારા છોકરાંઓને સ્વીમિંગ પુલમાં મજા આવવા માંડી અને મને બહાર બેસી રહેવાનો કંટાળો. ત્યાં કેટલાક નાના બાળકોની સાથે સાથે એમની મમ્મીઓ પણ સ્વીમિંગ શીખતી હતી. એટલે એ જોઇને લોકોની સાથે સાથે મેં પણ સ્વીમિંગ શીખવાનું નક્કી કર્યું. કોચ સરની સાથે વાત કરીને નક્કી પણ કરી લીધું અને મારો સ્વીમિંગ કોશ્ચ્યુમ પણ ખરીદી લાવી.
મારા સ્વીમિંગ શીખવાના નિર્ણયથી મારા પતિ અને બાળકોને આશ્ચર્ય થયું. બાળકોની આંખોમાં, મમ્મી તું ?’ એવો સવાલ દેખાયો અને પતિદેવની આંખોમાં, નવું નવ દિવસ એવો સંદેશ વંચાયો. પણ એમને ક્યાં ખબર હતી કે હું વીર કવિ શ્રી નર્મદના ગામની એટલે કે શહેર સુરતની છું,  કે જે ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું માં માને છે. સ્વીમિંગ સુટ અને કેપમાં હું મને પોતાને જ કાર્ટૂન જેવી દેખાઈ. મને ચેન્જીંગ રૂમની બહાર નીકળી સ્વીમિંગ પુલ સુધી જવાની પણ શરમ આવતી હતી. પણ જ્યારે મેં એક ટુનટુન જેવી મહિલાને બિંદાસ એ રીતે સ્વીમિંગ પુલમાં જતી જોઈ, તો હું પણ સંકોચ છોડી પુલમાં ગઈ. બાળકો તો તરવામાં અને મસ્તી કરવામાં વ્યસ્ત હતા. મેં પણ બીજી બધી બાબતોની ચિંતા છોડીને તરવા પર ધ્યાન આપ્યું.
દસ દિવસમાં મેં ઠીક ઠીક કહી શકાય એવું તરતાં શીખી લીધું. જ્યારે બારમાં  દિવસે પરીક્ષાના ભાગ રૂપે મેં બીજી બધી મહિલાઓ સાથે હાઈ બૉર્ડ પરથી જમ્પ માર્યો, ત્યારે મને પોતાને જ આશ્ચર્ય થયું. બાળકોએ મને તાળીઓ પાડીને વધાવી, આ વેકેશન તો સ્વીમિંગની જુદી જુદી સ્ટાઈલો ડકસ્ટાઈલ, ફ્રીસ્ટાઈલ, ડોગસ્ટાઈલ, ડોલ્ફીનસ્ટાઈલ, બટરફ્લાય વગેરે વગેરે શીખવામાં નીકળી જશે. પણ પાછું આવતું વેકેશન આવશે ત્યારે વિચારવું પડશે ને કે –આ વેકેશનમાં હવે શું કરવું ?

Wednesday 18 July 2018

આન્ટી.


આન્ટી.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મેં એક દિવસ છાપામાં એક નારીનો ભાવુક સંદેશ વાંચ્યો :  ‘હું એક દીકરી છું, હું એક બહેન છું, હું એક પત્ની છું, હું એક મા પણ છું, પણ ખબરદાર જો કોઈએ મને આન્ટી કહ્યું છે તો...’  મને આ નારીનો ભાવુક સંદેશ ખુબ ગમી ગયો. ‘આન્ટી’ નામના એક ‘રૂડ’ શબ્દે આ લાગણીશીલ નારીને કેટલી વ્યથા આપી હશે, એના નાજુક દિલને કેવી ઠેસ પંહોચાડી હશે, ત્યારે એણે આપણા બધાની સામે આવો સંદેશ મૂકવાની ફરજ પડી હશે ને ? તમે પણ આ નારીના ભાવુક સંદેશ ને ધ્યાનમાં લઈને, એને માન આપીને આજે જ, અત્યારે જ નક્કી કરો, કે – કોઈપણ સ્ત્રીને એની ઈચ્છા વિરુદ્ધ ‘આન્ટી’ કહીને તમે એને અપમાનિત નહિ કરો.
આમ જુઓ તો આન્ટી’ એ કોઈ સારો શબ્દ તો નથી જ. એ શબ્દ એટલા માટે સારો નથી, કેમ કે એ સાંભળવો ગમે એવો નથી. એટલું જ નહિ એ શબ્દ સાવ ગરબડીયો અને સમજમાં ન આવે એવો જટિલ છે. પપ્પાની બહેન આન્ટી, મમ્મીની બહેન પણ આન્ટી, કાકાની પત્ની આન્ટી અને મામાની પત્ની પણ આન્ટી, અરે સગપણ ની વાત છોડો, આપણે તો ન ઓળખાતા હોઈએ એવા એવા લોકો પણ આપણને હક્કથી ‘આન્ટી’ કહીને બોલાવે એ કેવી રીતે સહન થાય ? છતાં મન મારીને પણ, દિલ પર પથ્થર મૂકીને અને હસતા મોં એ આપણે એ સહન કરવું જ પડે છે ને ?
અવલોકન કરતાં એક વાત મારા ધ્યાનમાં આવી છે કે, આપણા વાળમાં થોડી સફેદી આવવા માંડે એટલે લોકો આપણને ‘આન્ટી’ કહેવા માંડે છે. મારી ભત્રીજી શ્વેતા એ ફેસબુક પર ‘Happens every single Time’  નામની એક પોસ્ટ શેર કરી, જેમાં આલિયા ભટ્ટ કહે છે, ‘Today I didn’t wear kajal, and five people asked me if I was sick, આંખમાં કાજલ ન લગાડવાથી પાંચ જણે એને પૂછ્યું કે, ‘તું બીમાર હતી ?’ મેં શ્વેતાની  પોસ્ટ પર લખ્યું, ‘ Same Experience with me without Hair Color.’  મેં પણ હેરડાઈ નહોતી કરી ત્યારે મને ત્રણ જણે પૂછ્યું,’તબિયત નથી સારી ?’ એ લોકો કદાચ સીધી રીતે કહેવાની હિંમત નહિ કરતા હોય કે – ‘કાબરચીતરા વાળમાં તમે સારાં નથી દેખાતાં’
હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે -  અમે એક ઇન્ટરનલ ક્રોસ રોડ પર ટ્રાફિક જામ માં ફસાયા હતા. કેટલાક અણઘડ શિક્ષકો ક્લાસમાં તોફાની વિધાર્થીઓને કાબુમાં લેવાની કોશિશ કરતા હોય તેમ, કેટલાક સ્વયંસેવકો ટ્રાફિક નિયમન કરવાની નાકામયાબ કોશિશ કરી રહ્યા હતા. બધા પોતપોતાના વાહનો (સાઈકલ, સ્કુટર, રીક્ષા, કાર, ટેમ્પો) આડેધડ ઘુસાડી રહ્યા હતા. મેં કારમાં બેસીને સ્વયંસેવકોની અણઘડ કાર્યવાહી વીસ મિનિટ સુધી શાંતિપૂર્વક જોતાં મારા વારાની રાહ જોઈ, પછી મને લાગ્યું કે હવે  નિયમભંગ  કર્યા વિના અહીંથી નીકળાય એવું લાગતું નથી.  મેં કાર ધીમે ધીમે આગળ વધારવા માંડી, એક સ્વયંસેવક ગુસ્સે થઇ ગયો, મને કહે,’ માજી, ઉતાવળ ન કરો, શાંતિ રાખો’ એનું ‘માજી’ સાંભળીને મને આઘાત લાગ્યો. પહેલીવાર મને લાગ્યું કે ‘આ કરતા તો એણે મને આન્ટી કહ્યું હોત તો સારું હતું.’
સ્ત્રી નું તો જાણે સમજ્યા, નાનપણથી જ એને સુંદર દેખાવાની ખેવના હોય છે, પણ પુરુષો આ બાબતમાં શું  વિચારે કે અનુભવે છે તે જાણીએ.  પત્ની : ક્યારના પથારીમાં સળવળ સળવળ થાવ છો, રાતના બે વાગ્યા છે, ઊંઘ નથી આવતી ? તમને કંઈ થયું છે ?  પતિ : આમ જુએ તો કશું થયું નથી...પણ.. એવું છે કે... આજે મને એક સુંદર અને યુવાન છોકરીએ ‘અંકલ’ કહ્યું.  પત્ની : ઓહ ! એમ વાત છે ? તમારી વ્યથા હું સમજુ છું, કેમ કે યુવાન છોકરાઓ મને આન્ટી કહે છે, ત્યારે મને પણ બહુ સેડ ફિલ થાય છે.
 હું રેડિયો ઓન કરું છું અને એના પર એક જાહેરાત આવે છે : ‘હલ્લો, મેડમ, મે આઈ હેલ્પ યુ ?’  ત્યારે પાછળથી બીજો અવાજ સંભળાય છે, ‘મેડમ ? અરે એમને આન્ટી કહો આન્ટી’ ત્યાર પછી એક પછી એક ઘણા હથોડામાર અવાજો આવે છે, ‘આન્ટી’, ‘આન્ટી’, આન્ટી’.....પછી ધીરેથી એક અવાજ કહે છે, ’આન્ટી બનનેસે બચના હો તો અપને પકે બાલોમેં હર્બલ મહેંદી લગાયેં.’ લોકો ભલે ‘નોટબંધી’ પછી ‘કાળા’ નાણાને ‘ધોળા’માં ફેરવે, આપણે  ‘આન્ટી’ માંથી ‘મેડમ’ બનવું હોય તો ‘ધોળા’ વાળને ‘કાળા’ કરવા જ રહ્યા.
એકવાર કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી ચાલવા નીકળવાના હતા, દસ મિનીટ સુધી રવીન્દ્રનાથ પોતાના વાળ ઓળતા રહ્યા. આ જોઈને ગાંધીજીએ કહ્યું, ‘કવિવર, તમારા માથે ખાસ વાળ રહ્યા નથી, પછી આટલો બધો સમય એની ગોઠવણી પાછળ ગાળવાનું કારણ શું ?’ રવીન્દ્રનાથ બોલ્યા, ‘લોકો મારા લઘરવઘર વાળ જૂએ અને એમના મનમાં દુઃખ પેદા થાય એવું મારે ન કરવું જોઈએ, એટલે ખાસ મહેનત લઈને મારા વાળને સરખી રીતે ગોઠવ્યા છે.’  જો એક મહાન કવિ પોતાના દેખાવ અંગે લોકોનું આટલું ધ્યાન રાખતા હોય, તો એમના વર્તન પરથી શીખ લઈને આપણે પણ આપણો દેખાવ ઠીક ઠાક રાખવો જ જોઈએ ને ?
એક સંસ્કૃત શ્લોક છે:  ‘અન્ગમ ગલિતમ પલિતમ મુંડમ, દશન વિહીનમ જાતમ તુન્ડમ, વૃધ્ધો યાતિ ગૃહીત્વા દન્ડમ, તદપિ ન મુચ્યતી  આશા પીન્ડમ.‘  એનો મતલબ ઘણું કરીને એવો થાય છે  કે - અંગો ગળી જાય છે, વાળ ખરી જાય છે, દાંત વગર મો બોખું લાગે છે, વૃદ્ધ થઈને લાકડી પકડીને ચાલે છે, છતાં મનુષ્ય થી આશા છૂટતી નથી. આશા અમર છે, આશા જીવન જીવવાનું બળ છે, એટલે કોઈ આશાવાદી નારી  એવી આશા રાખે કે એને કોઈ ‘આન્ટી’ ન કહે, તો તમે એને નિરાશ કરશો નહીં.

Wednesday 11 July 2018

જેવી મારા વહાલાની ઈચ્છા.


જેવી મારા વહાલાની ઈચ્છા.    પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

પલ્લવીબેન, આ તમને યોગ્ય લાગે છે ખરું ?’ અમારા પાડોશી હેમાબેને મને અચાનક પૂછ્યું.
 તમે શાની વાત કરો છો, હેમાબેન ? મેં કંઈ અયોગ્ય કામ કર્યું છે ?’ મેં ઘભરાઈને પૂછ્યું.
 હું તમારી વાત નથી કરતી.એમણે સ્પષ્ટતા કરી.
 તો ઠીક.એમનો જવાબ સાંભળીને મારો જીવ હેઠો બેઠો.
 શું ખાક ઠીક ? હું આ દસ નંબરવાળા વત્સલાબેનની વાત કરું છું.
 કેમ, એ દસ નંબરવાળા તમને જેમ તેમ સંભળાવી ગયા ?’
 ના રે ના. એમ કોઈ મને જેમ તેમ સંભળાવી જાય અને હું ચૂપ બેસું એવું તમને લાગે છે ?’
લાગતું તો નથી. પણ તો પછી દસ નંબરવાળાની શું વાત છે ?’ 
તેમણે સોસાયટીમાં દેરાસર બંધાવ્યું છે તેની વાત કરું છું, શું એ વાત યોગ્ય છે ?’ 
દેરાસર તેમણે આપણી સોસાયટીના કોમન પ્લોટમાં બંધાવ્યું  છે ?’
 ના. 
 તો પછી તમારી માલિકીના પ્લોટમાં બંધાવ્યું છે ?’
 ના, તમે પણ શું પલ્લવીબેન ? એ તો એમના પોતાના ઘરના આગળના વરંડાના ભાગમાં દેરાસર બંધાવ્યું છે.
તો પછી એમાં તમને શું વાંધો છે ?’ 
તમે જરા વિચારો, દેરાસરના કારણે  સોસાયટીની બહારના લોકો પણ દર્શન કરવા આવશે કે નહીં ?’
હા, એ તો આવે તો ખરાં જ ને ?’
તો પછી આપણી સોસાયટીમાં ન્યૂસન્સ વધશે કે નહીં ?’
 શાનું ન્યૂસન્સ ?’ 
કેમ, દર્શન કરવા આવનાર લોકો બધા કંઈ એકસરખા થોડા જ હોવાના ? એમાં કોઈ ખરાબ પણ  હોઈ શકે કે નહીં ?’
હેમાબેન, મંદિરો અને દેરાસરોમાં દર્શનાર્થે આવતાં લોકો મોટે ભાગે દીન દુખિયા કે ધર્મભીરુ જ હોવાના, તેઓ કોઈ ન્યૂસન્સ ફેલાવે એવું મને તો લાગતું નથી.
મને હતું જ કે તમે આવું જ કહેશો. ચાલો, માની લીધું કે તેઓ સારા જ હશે, પણ પછી સોસાયટીમાં પાર્કિંગનો પ્રોબ્લેમ ઊભો થશે એનું શું ?’ 
હા, તમારી એ વાત સો ટકા સાચી છે હોં,  આપણે એ માટે દસ નંબરી વત્સલાબેનને કહી દઈશું કે તેઓ દર્શનાર્થીઓને સૂચના આપી રાખે કે  - પોતાના વાહનો સોસાયટીની બહાર મૂકીને આવવું,  બરાબર ?’ 
બરાબર, તમે એમને ભાર દઈને આ વાત કહેજો.
ભલે, હું કહી દઈશ, બીજું કંઈ ?’ 
‘પલ્લવીબેન, તમે કયો ધર્મ પાળો છો ?
માનવતા નો ધર્મ.’ 
‘એટલે હિંદુ ધર્મ જ ને ?
‘તમને જૉ એમ લાગતું હોય કે હિંદુ ધર્મ માનવતાવાદી છે તો એમ જ.’ 
‘પણ તમે કયા ભગવાનમાં માનો ?
‘એ તો કંઈ નક્કી નહીં.’
‘એટલે ? 
‘એટલે એમ કે –  હું કોઈવાર મહાદેવજીનું  મૃત્યું જય મહાદેવ ત્રાહિમામ શરણાગત એવું  શિવ સ્તોત્ર બોલું, સવારે યોગાસન કરતી વખતે અંબામાતા ની આરતી, જય આધશક્તિ મા જય આધશક્તિ  બોલું, કોઈ વાર મનોહારી કૃષ્ણ ભગવાનને યાદ કરીને શામ રંગ રંગા રે હરપલ મેરા રે ગાઉં, જરૂર પડ્યે  મહાલક્ષ્મીમાતાને, ઓમ રીમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમ: કહીને યાદ કરું અને આવા લેખો લખતી વખતે તો હું મા સરસ્વતીની આરાધના, યા કુન્દેંન્દુ  તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રા વૃતા ગાઉં, રોજ સવારે ઊઠતાં વેંત હું મારા હાથના દર્શન કરી, કરાગ્રે વસતુ લક્ષ્મી, કરમૂલે તુ સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ બોલીને બધા ભગવાનનો આભાર માની લઉં. મંદિર ઉપરાંત અગિયારી, ચર્ચ, ગુરુદ્વારા કે મસ્જિદમાં પણ હું ક્યારેક તો ગઈ જ છું.’ હું એકીશ્વાસે બોલી ગઈ.
‘લો, તમને તો મેં જરા અમસ્તું - કેમ છો ?  પૂછ્યું ને તમે તો આખી કથા સંભળાવી દીધી.’ હેમાબેન કંઇક નારાજગી સાથે બોલ્યા.
‘સોરી હોં, મેં તમને બોર કર્યા.’
‘ઇટ્સ ઓકે. ચાલે કોઈક વાર એવું. પણ તો ય તમે મને કહ્યું નહીં કે તમે કયા પંથમાં માનો છો ?
 ‘હું તો પ્રગતિ ના પંથ માં માનું છું. કાયદાના દાયરામાં રહીને, સદમાર્ગે ચાલીને જીવનમાં પ્રગતિ થાય એજ મારો ધર્મ.  હેમાબેન, સાચું કહું તો,  ધર્મ અને રાજકારણ, આ બે બાબતમાં બહુ બોલવા જેવું જ નથી.’  
‘પણ તમે જોજો, લોકો આ બે બાબતમાં જ બહુ બોલતાં હોય છે, છાપાઓમાં પણ આવા જ લેખો બહુ છપાતા હોય છે. અને તમે જોશો તો લોકોને એ બાબતમાં સાંભળવાની અને વાંચવાની પણ બહુ મઝા આવતી હોય છે.’
‘હા, એ વાત સાચી. રસ પડે તો જ લોકો  છાપા વાંચે ને ? અને લોકો છાપા વાંચે તો જ છાપાવાળાનું સરક્યુલેશન વધે ને ? પણ તમે ચિંતા ન કરો, હું  દેરાસર બાબતમાં દસ નંબરવાળા સાથે વાત કરી લઈશ.’
આમ હેમાબેન સાથેનું મારું દેરાસર પુરાણ તો પત્યું. અમને દેરાસરે દર્શન કરવા આવતા માણસોનું વર્તન કે એમના વાહનોના  પાર્કિંગનો પ્રશ્ન તો ન નડ્યો. પણ એક બીજી જ મુસીબત ઉભી થઈ. દસ નંબરવાળા વત્સલાબેન સવાર સાંજ ઘંટ વગાડતાં તે એવી ખરાબ રીતે વગાડતાં કે સાંભળનારા બધાંજ ડીસ્ટર્બ થતાં હતાં. છેવટે હેમાબેન અને મારા અભ્યાસુ દિકરાના કહેવાથી એકવાર એમના ઘરે જઈને મારે વાત કરવી જ પડી.
‘વત્સલાબેન, તમે તમારા ઘરના આંગણમાં દેરાસર બનાવ્યું છે, અને પૂજા અર્ચના કરો છો એનો આનંદ છે, પણ તમે સવાર સાંજ આ ઘંટ વગાડો છો એનાથી બધાં ડીસ્ટર્બ થાય છે.’
‘હું તો સવાર – સાંજ આરતી ટાણે માત્ર પાંચ પાંચ મિનિટ જ ઘંટ વગાડું છું.’
 ‘હા, પણ ત્યારે મારો પણ પ્રાર્થના અને ધ્યાનનો સમય હોય છે. હેમાબેનના દિકરાને બારમાની બૉર્ડની એક્ઝામ છે અને મારા દિકરાને સીએ ની એક્ઝામ આપવાની છે. તમારા ઘંટનાદ થી  અમે બધાં જ ડીસ્ટર્બ થઈએ છીએ.’
‘માત્ર પાંચ મિનિટમાં વળી શું ડીસ્ટર્બન્સ થાય ? 
‘તમે સમજવાની કોશિશ કરો વત્સલાબેન. અભ્યાસ અને ધ્યાન,  બન્નેમાં લીંક તૂટી જાય તો ફરી જોડતાં બીજી  પંદર મિનિટ લાગી જાય.’
‘તમારી વાત સાચી હશે. પણ મંદિરોમાં પણ ક્યાં ઘંટ નથી વાગતાં ?
‘સોસાયટીની બહારના મંદિરો અને સોસાયટીની અંદરનું દેરાસર – એ બે માં ફર્ક હોય કે નહીં ?
‘હોય જ. પણ આપણી સોસાયટીમાં પણ ઘણાં લોકો મોટે મોટે થી મ્યૂઝિક નથી વગાડતાં ? તે સાંભળો છો તે કરતાં આરતીનો ઘંટ સાંભળવો સારો નહીં ?
‘ડેફીનેટલી સારો, વત્સલાબેન. પણ એક તો એ કે એ ઘંટ વાગે ત્યારે આરતીનો ઘંટ વાગે છે એવું લાગવું જોઈએ. આ તો શાકવાળો શાક વેચવા આવ્યો છે એવું એ ઘંટ સાંભળતાં લાગે છે. તમે ખરાબ ન લગાડતાં પણ  સાચું કહું તો  શાકવાળો આનાથી વધુ સારો અને રીધમીક ઘંટ વગાડે છે.’
‘એ તો હમણાં જરા નવું નવું છે એટલે એવું થાય છે. પછી પ્રેકટીસથી ટેવાઈ જવાશે.’
‘એટલે ? પ્રેકટિસથી તમે આરતીનો ઘંટ વગાડતાં શીખી જશો, કે અમે તમારો શાકવાળા ટાઇપ ઘંટ સાંભળતાં ટેવાઈ જઈશું ?
‘તમે આકરાં ન થાઓ, પલ્લવીબેન. પણ એક રીતે જુઓ તો આ તો તમને વગર પ્રાર્થના કર્યે પાર્થનાફળ મળે છે.’ 
‘પણ મારે એવું ફળ નથી જોઈતું એનું શું ? 
‘ઘણી વસ્તુ આપણને જોઈએ કે ન જોઈએ લેવી જ પડે.’
‘એટલે ? તમે આ કર્કશ  ઘંટ વગાડવાનું બંધ નહીં કરો એમ જ ને ?
‘બીજા લોકો ટેપરેકોર્ડર પર મોટે મોટેથી ગીતો વગાડવાનું બંધ કરશે તો હું પણ ઘંટ વગાડવાનું બંધ કરી દઈશ.’
‘વત્સલાબેન, એ બધાં તો  અનએજ્યુકેટેડ- અનસોફિસ્ટીકેટેડ - અણસમજુ લોકો છે. એટલે એમને આ બાબતે કહેવાનો કશો અર્થ નથી.  પણ તમે તો ભણ્રેલાં- ગણેલાં – સોબર અને સીવીલાઈઝ્ડ પર્સન છો, એમ માની હું તમને કહેવા આવી હતી.’
‘સારું, તમે આટલું ઈન્સીસ્ટ કરો છો તો હુ આજથી જ  ઘંટ વગાડવાનું બંધ કરીશ. ભલે મારા પ્રભુ નારાજ થતાં.’
‘પ્રભુ તો મૌનની ભાષા સમજે છે, વત્સલાબેન.’
‘જેવી મારા વહાલાની ઈચ્છા !’ બોલીને વત્સલાબેને નિસાસો નાખ્યો.
‘તમારો ખુબ ખુબ આભાર !’ એમની નારાજગીને નજરઅંદાજ કરીને મેં એમનો આભાર માન્યો.



Wednesday 4 July 2018

છેતરામણી.


છેતરામણી.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પતિ : હેપ્પી બર્થ ડે ડાર્લિંગ, જો હું  તારા માટે સાડી લાવ્યો છું. કેવી છે ?
પત્ની : અરે વાહ, સરસ છે.  કેટલાની લાવ્યા ?
પતિ : બારસો રૂપિયાની.
પત્ની : બાપ રે, આ સાડીના બારસો રૂપિયા આપી આવ્યા ? દુકાનદારે તમને છેત્તરી લીધા.
પતિ : ખરેખર તો એ છસો રૂપિયાની છે, જો આ બીલ.
પત્ની : દેખાય છે તો સારી, પણ એની ક્વોલિટી નહિ સારી હોય. તમને ખરીદી કરતા જ નથી આવડતી, હંમેશા છેતરાઈને જ આવો છો.
પતિ બિચારો શું બોલે ? એને તો કહેવું હોય છે, ‘સાચી વાત છે, બગડેલો માલ મારા માથે મારીને, એટલે કે તારી સાથે મારા લગ્ન કરાવીને, સૌથી પહેલા તો તારા બાપાએ જ મને  છેતરી  લીધો હતો.’  પણ પોતે જ વાજતે ગાજતે જાન જોડીને પરણવા ગયેલો, પછી વાંક પણ કોનો કાઢે ? જોકે લગ્નજીવનમાં છેતરવા બાબતે એકલા પતિઓની જ ફરિયાદ નથી હોતી, પત્નીઓને પણ એટલી જ ફરિયાદ હોય છે.
પત્ની : લગ્ન પહેલાં તો કેવું કેવું કહેતા હતા, તારા માટે આકાશમાંથી ચાંદ-તારા તોડી લાવીશ.
પતિ : હા, તારી વાત સાચી છે, પણ હવે લગ્નજીવનના દસ વર્ષ પુરા થયા ત્યારે  એ બધું કેમ યાદ કરે છે ?
પત્ની : ચાંદ-તારાની વાત તો છોડો,  તમે મને કોઈ દિવસ સોસાયટીના નાકેથી કાંદા-બટાકા પણ લાવી નથી આપ્યા. 
પતિ : તેં કોઈ માછીમારને જાળમાં ફસાયેલી માછલીને ખાવાનું નાખતો જોયો છે ?
પત્ની : એ હું કઈ ન જાણું, લગ્ન પહેલા ખોટા ખોટા વચનો આપીને તમે મને છેતરી છે.
થોડા સમય પહેલા જ એક બનાવ છાપામાં વાંચ્યો. એક આધેડ માણસે એક જુવાન ને પેઈંગ ગેસ્ટ તરીકે રાખ્યો હતો. આમ તો નિયમ છે કે પેઈંગ ગેસ્ટ રાખો ત્યારે એ ઇસમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એની પૂરી વિગત પેપર પર લઈને પોલીસ સ્ટેશનમાં એનું વેરીફીકેશન કરીને રાખવાના હોય છે. પણ આપણે ત્યાં એટલે કે ભારત દેશમાં નિયમો બને છે જ તોડવા માટે. પછી પાછળથી પસ્તાય તો પણ શું થાય ? ‘ચોરની મા કોઠીમાં મોં નાખીને રડે’ એવું જ થાય  ને ?  
 હા, તો વાત એમ બની કે  થોડા સમય પહેલા આપણે ત્યાં ‘નોટબંધી’  થઇ, ત્યાર પછી એક ભાડુઆત તરીકે રહેતા જુવાને મકાન માલિક આધેડને થોડી ૫૦૦ અને ૧૦૦૦ ની જૂની નોટ બદલીને નવી નોટો આપી, અને કહ્યું, ‘મારે બેન્કવાળા સાથે સારી ઓળખાણ છે, જેટલી નોટ બદલાવવી હોય એટલી બદલી શકાશે.’ આધેડે લાલચમાં આવીને એને ૫૦ હાજર રૂપિયાની  જૂની નોટ બદલવા આપી. જુવાને આધેડને કહ્યું, ‘મારે એક સારો ફોટો પડાવવો છે, એ માટે સ્ટુડિયો જાઉં છું, તમારી ચેન અને વીંટી થોડો સમય માટે પહેરવા આપો. હું ફોટો પડાવીને તમને પાછી આપી દઈશ.’
આધેડને થોડો અવિશ્વાસ તો થયો જ હશે, પણ શરમમાં ના નહિ પાડી શક્યા હોય. એનો ગેરલાભ લઈને પેલો જુવાન લગભગ સવા લાખના સોનાના  ઘરેણા, પચાસ હજારની જૂની નોટ અને પોતાનું સરનામું લઈને રફુચક્કર થઇ ગયો. આને જ કહેવાતું હશે,  ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે ?’
સ્ત્રી : આ શો પીસનું શું છે ?
દુકાનદાર : સત્રહ રૂપિયે બહેનજી.
સ્ત્રી : પચાસમાં આપવું છે ?
દુકાનદાર : બહેનજી, મૈને સત્રહ બોલા, દસ ઔર સાત- સત્રહ. સત્તર (૭૦) નહીં.
સ્ત્રી : ઠીક છે ઠીક છે, પંદરમાં આપવું હોય તો બોલ.   
પુરુષો ભલે  બિચારા સહેલાઈથી છેતરાઈ જાય, પણ સ્ત્રીઓને આમ છેતરવાની થોડી અઘરી ખરી. જો કે કેટલાક  ઉસ્તાદ લોકો ચતુર ગણાતી સ્ત્રીઓની વીકનેસ જાણીને એમને પણ છેતરી જતા હોય છે. ખાસ કરીને ઘરે ઘરે ફરતા ફેરિયાઓ ઘરેણા ચમકાવી આપવાને બહાને સ્ત્રીઓના ઘરેણા ચોરી લઈને સ્ત્રીઓને ચમકાવી દે છે. બજારમાં ખરીદી કરવા નીકળેલી એકલ દોકલ  સ્ત્રીને, ‘આગળ પોલીસ પૂછપરછ કરે છે, તમારા ઘરેણા થેલીમાં મૂકી દો,’ એમ કહીને  ઠગ લોકો હાથચાલાકી કરીને થેલીમાં મુકેલા ઘરેણા ક્યારે સેરવી લે છે તે મહિલાને  ખબર નથી પડતી. જો કે  હવે સ્ત્રીઓ આવા સમાચારો વાંચીને સાવધાન થવા માંડી  છે. પણ છેતરનારા નવી નવી ટેકનીક સાથે છેતરવા આવી જ પહોંચે છે.
આમ તો કહેવાય છે કે કોયલ બહુ ચતુર પક્ષી છે, એ કાગડાને છેતરીને એના માળામાં પોતાના ઈંડા મુકે છે, અને ઈંડા સેવવાનું કામ કાગડી પાસે ફ્રી ઓફ ચાર્જમાં કરાવી લે છે. પણ અમદાવાદના કાગડાપીઠમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધને, એક ગઠીયાએ ‘એસબીઆઈ નો મેનેજર બોલું છું, તમારો એટીએમ કાર્ડનો નંબર અને પીન નંબર આપો, નહીંતર કાર્ડ બંધ થઇ જશે’,  એમ કહીને એમની પાસેથી નંબરો લઈને, એમના ખાતામાંથી  રૂપિયા ૮ લાખની ખરીદી ઓનલાઈન  કરીને એમને છેતર્યા.  જ્યારથી મોદીજીએ ‘કેશલેસ ઇન્ડિયા’ ની ઝુંબેશ ઉપાડી છે, ત્યારથી આવા સાઈબર ક્રાઈમ વધી ગયા છે.
નકલી પોલીસ બનીને લોકોને લુંટવાના અને નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને કમ્પનીવાળાઓને છેતરવાના બનાવો પણ બની રહ્યા છે. માણસ માણસને તો છેતરે જ છે, પણ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ થઇ ત્યારે માણસે મંદિરોની દાનપેટીમાં આવી નોટોનું દાન કરીને ભગવાનને પણ છેતર્યા છે.
પ્રભુ તારા બનાવેલા આજે તને કેવો બનાવે છે, છેતરીને માણસ માણસને, દિવાળી અને ઈદ મનાવે છે.
છેતરવું એ પણ એક કળા છે, એમાં તમારા કૃત્યની (ઈરાદાની) જો જાણ સામેવાળાને અગાઉથી થઈ જાય તો બાજી બગડી જાય છે, એટલે છેતરનારે  એકદમ સજાગ રહેવું પડે છે.  અને જેમને છેતરવાના છે તે ‘ગાફેલ’ રહે તે માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. જો આમ થાય તો જ છેતરવાનું કામ સફળતા પૂર્વક પાર પડે છે.
છેતરવાની જ વાત નીકળી છે તો નકલી દુલ્હન બનીને અસલી દુલ્હાને છેતરવાના (એના રૂપિયા-ઘરેણા લઈને નાસી જઈને) અને યુવક દ્વારા પરણેલો હોવા છતાં યુવતીને એનાથી અજાણ રાખીને ફરી પરણવાના કીસ્સા પણ બની રહ્યા છે. અને છેલ્લે એકબીજાને છેતરવાનો કિસ્સો મુકીને લેખ સમાપ્ત કરું છું.
સસરો: તમે દારુ પીઓ છો તે વાત તમે લગ્ન પહેલા નહોતી કરી.
જમાઈ: તે તમારી દીકરી લોહી પીએ છે, એવું તમેય ક્યાં લગ્ન પહેલા કીધું’તું ?