Wednesday 25 February 2015

કૌન બનેગા કરોડપતિ.

કૌન  બનેગા કરોડપતિ.                        પલ્લવી જિતેંદ્ર. મિસ્ત્રી.

-મીની, એ મી..ની. મીની ઇ ઇ ઇ ઇ ઇ ઇ.....
-શું છે, અમર? શા માટે રાડો નાંખો છો?
-મીની, અહીં આવ. આ ક્રોસવર્ડ[બુકસ્ટોલ] માંથી એક માણસ મોટું પાર્સલ લઈને આવ્યો છે.
-તો એટલામા આમ અમદાવાદથી ઠે..ઠ ભાવનગર સંભળાય એવી બૂમો પાડી રહ્યા છો?
-ભાન વગરની વાત ના કર. આ પાર્સલ તેં મંગાવ્યું છે?
-તમને શું લાગે છે? ક્રોસવર્ડ વાળો આપણો કંઇ સગો થાય છે, કે મંગાવ્યા વગર આવું મોટું પાર્સલ પધરાવવા આપણા ઘર સુધી લાંબો થાય?
-પણ એમાં છે શું, એ તો કહે.
-ભાઇસા, તમે તો બહુ અધીરા. કહું છું. પણ પહેલા એનું પેમેન્ટ તો કરો.
-એ પાછુ મારે કરવાનુ?
-તમે નહી કરશો તો શું પડોશી કરવા આવશે? કમાવા કોણ જાય છે, તમે કે હું?
-અત્યાર સુધી તો હું જ કમાવા જાઉં છું. પણ તારો છુટ્ટો હાથ જોતાં લાગે છે, કે હવે પછી કાલથી કદાચ તારે પણ કમાવા જવું પડશે.
-આ મેં પાંચેક હજારના ચોપડા શું ખરીદ્યાં કે તમારે ભૂખે મરવાનો વારો આવ્યો હોય એમ બૂમાબૂમ કરો છો  
-જો, સાંભળ. ભૂખે મરવા માટે અમે લેખકો હમેશા ટેવાયેલા જ છીએ. તેં પેલી જોક સાંભળી જ હશે:
 બૂક ખરીદનાર વાચક: [પ્રકાશકને] આ બુકની કિમત તમે ૫૦ રુપિયા અને ૫૦ પૈસા એવી કેમ રાખી છે? માત્ર ૫0 રુપિયા રાખી હોત, તો ના ચાલત?
  પ્રકાશક: હા ચાલત. પણ અમને થયું કે એના લેખકને પણ છેવટે કંઇક તો મળવું જોઇએ ને?
-એક લેખક હોવાની તમને શરમ આવે છે, અમર?
-જરા પણ નહી, મીની. લેખકોની સ્થિતિ માટે આ દેશના વાચકોને, તંત્રીઓને, પ્રકશકોને, શિક્ષણશાસ્ત્રીઓને કે નેતાઓને શરમ નથી આવતી તો અમને લેખકોને શા માટે શરમ આવવી જોઇએ? પણ એક લેખકની પત્ની થઈને તને એટલી પણ ખબર નથી,  કે ચોપડીઓ તો કદી ખરીદીને વંચાતી હશે? રુપિયા તે કંઇ આમ વેડફાતા હશે?
-ક્યારના રુપિયા રુપિયાના નામનુ રડ્યે રાખો છો, તો સાંભળો. હું તમને આમાથી એક કરોડ રુપિયા ના કમાઇ બતાવું તો તમે મને  ફટ  કહેજો.
-શું ઉ ઉ ઉ ઉ ? એક કરોડ રુપિયા? આ ચોપડીઓમાથી? તું  કોઇ ફેક્ટરી નાંખવાની છે? કે પછી  હોટકેક ની જેમ વેચાઇ જાય એવી કોઇ  બેસ્ટ સેલર બુક લખવાની છે?
-છી! તમને લેખકોને વિચાર પણ કેવા મુફલિસ જેવા આવે છે. હું તો આ જનરલ નોલેજની બુક્સ વાંચીને કૌન બનેગા કરોડપતિ પ્રોગ્રામમા ભાગ લઈશ અને એમાથી એક કરોડ રુપિયા કમાઇ લાવીશ.
-ઓહ નો! મીની.
-ઓહ યસ! અમર.
-નહિ મીની નહિ. તું આ ઉંધા રસ્તેથી પાછી વળ.
-કેમ, તમે જ તો પેલા કોઇ કવિ--- કોણ?  હ, યાદ આવ્યું,  કવિ નર્મદ. એમની લખેલી કવિતા ઘણીવાર મને સંભળાવો છો, ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું ...
-એય મીની. ચાલ, તે દિવસે તને પાંચાલીમા ગમી ગઈ હતી તે મોંઘામાની સાડી અપાવું.
-મારે નથી જોઇતી સાડી, અમર.
-ચાલ ડાર્લિંગ, તને ગોરધન થાળ મા ભાવતા ભોજન જમાડું.
-હું આજકાલ ડાયેટિંગ પર છું.
-ચાલ તને મલ્ટીપ્લેક્સમા નરેશ કનોડીયાની ગુજરાતી ફિલ્મ દેખાડું.
-એવી ધમકીથી હું ડરી જાઉં એવી નથી.
-ડીયર, ચાલ તને લો-ગાર્ડનમા ફરવા લઈ જાઉં.
-એ કરતાં તમે મારી મુંબઈ જવાની એર ટિકીટ બુક કરાવો. મારે કૌન બનેગા કરોડપતિ મા ભાગ લઇને કરોડપતિ [પત્ની]  બનવું છે.
-તું કરોડપતિ/પત્ની થઈશ કે નહી તે મને ખબર નથી. પણ આ જ રટ જો  ચાલુ રાખીશ તો મને રોડપતિ તું જરુર બનાવી દઈશ.
-બીજા બધાને તો તમે પોઝિટીવ થીંકીંગ કરવાનુ કહો છો અને મારા કેસમા જ કેમ તમને નેગેટીવ થીંકીંગ સુઝે છે?
-તારી સાથે ના પાસ્ટ એક્સ્પીરીયંસને આધારે એવું થાય છે.
-તો હવે પાસ્ટ ને છોડીને પ્રેઝન્ટ મા આવો.
-બોલ સ્વીટી. તને શું પ્રેઝન્ટ અપાવું?
-કે.બી.સી. મા ભાગ લેવાની પરમિશન આપો.
-એ નહી બને. એ વિચાર તો તું પડતો જ મૂક.
-અને નહી મૂકું તો?
-તો હું ચાલુ ટ્રેઇનની નીચે પડતું મૂકીને આપઘાત કરીશ.
-સ્ટેશને જાવ ત્યારે ટિફિન લેતા જજો. આજકાલ ટ્રેઇનો બહુ લેઇટ આવતી હોય છે.
-મારો અહીં જીવ જાય છે અને તને મજાક સૂઝે છે?
-નોટ એટ ઓલ. આઇ એમ વેરી સિરીયસ અબાઉટ ઇટ.  આજે ઓફિસથી આવો ત્યારે પ્રીતિ શાહના ક્લાસનુ એક ફોર્મ લેતા આવજો, પ્લીઝ!
-ફોર યોર કાઇન્ડ ઇન્ફર્મેશન મેડમ, પ્રીતિ શાહ ઇંગ્લીશ સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ના ક્લાસ લે છે. જનરલ નોલેજ ના નહી.
-આઇ નો ઇટ વેરી વેલ, સર. હું એમની પાસે ઇંગ્લીશ શીખીને પછી ઇંગ્લીશમા જનરલ નોલેજની જેટલી પણ બુક હશે તે બધી લાવીને વાંચી જઈશ.
-માય ગોડ, મીની. તું મારી સાથે આ કયા જનમનું વેર વાળવા બેઠી છે?
-ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ મી, અમર. આ મારું વેર નથી, પરંતુ તમારા પ્રત્યેનો મારો સાચા દિલનો પ્રેમ છે. આજ સુધી ગુજરાન ચલાવવા તમે ઘણી મજૂરી ... આઇ મીન મહેનત કરી. હવે હું તમને મદદ કરવા ધારું છું. એક કરોડ રુપિયા કમાઇ લાવીને તમારી દરિદ્રતા દૂર કરવા માંગુ છું.
-એ કામ તું દરિદ્રનારાયણ ભગવાન પર છોડી દે તો હું તારો ખૂબ આભારી થઈશ.
-બધાં જ કામો એમ આપણે ભગવાન પર છોડી દઈએ તો એમનો વર્કલોડ કેટલો વધી જાય. એમને બીજાં પણ કંઇ કામો કરવાના હોય કે નહી?
-ઠીક છે. ભગવાનને એમનું કામ કરવા દે.તું તારું કામ કર અને હું મારું કામ કરવા જાઉં છું.
-તમારું કામ? અત્યારે વળી તમને શું કામ છે?
-કેબલ ઓપરેટરને કહીને ટી. વી. ની બધી ચેનલો કઢાવી નાંખુ છું. જે જોઇ જોઇ ને તારું મગજ ખરાબ થઈ ગયું છે. પછી ના રહેગા બાંસ, ના બાજેગી બાંસુરી.
-ઓહ નો, અમર.
-ઓહ યસ, મીની.
-પ્લીઝ, અમર. ચેનલો બંધ ના કરાવશો. હું કે.બી.સી. મા ભાગ લેવાનો વિચાર પડતો મૂકું છું, બસ?
-અબ આયા ના ઊંટ પહાડ કે નીચે.
-હં અ અ અ અ. કોઇ ના નસીબમા કરોડ રુપિયા ના લખાયા હોય તો કોઇ શું કરી શકે?
આજની જોક:
રમેશ: સાંભળ્યું છે કે પેલો આનંદ લગ્ન પછી કરોડપતિ બની ગયો?

મહેશ: સાચી વાત છે, લગ્ન પહેલા એ અબજોપતિ હતો.

ત્રીજી દિકરી [ઇનામ વિજેતા ટુંકી વાર્તા]

ત્રીજી દિકરી [ઇનામ વિજેતા ટુંકી વાર્તા]        પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.


-હે પ્રભુ, મારી બાળકીને બચાવી લે.
આંખ બંધ કરી, હાથ જોડીને સરિતા પ્રભુને વિનવી રહી.
સરિતા, જલદી કર. દવાખાને જવાનુ મોડું થાય છે. પતિ નવીનની બૂમ સાંભળતા જ બેબાકળી સરિતા દોડી. ગઈ રાતના નવીન સાથેના ઝગડા બાદ સરિતા આજે ચુપચાપ એની સાથે રિક્ષામા બેસી ગઈ. ત્રણ બહેનોમા સરિતા સૌથી નાની. માની માંદગી અને બે બહેનોના લગ્નમા એના પિતા આર્થિક રીતે ઘસાઇ ગયેલા. એટલે બીજવર નવીનનું વિના દહેજનું  માંગુ આવ્યું ત્યારે પિતાએ ભારે હ્રદયે એને પરણાવી  દીધી.
પ્રથમ પત્નીથી બે દિકરીના પિતા બનેલા નવીનને હવે વારસદાર જોઇતો હતો. એટલે સરિતા જ્યારે મા બનવાની  છે,’ એમ જાણ્યું, ત્યારે નવીને એની ઈચ્છા વિરુધ્ધ ગર્ભપરીક્ષણ કરાવ્યું. દિકરી છે. એમ જાણ્યું ત્યારે નવીને ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો. સરિતા ઘણું કરગરી, પણ એનું કંઇ ના ચાલ્યું. અને આજે નવીન એને ગર્ભપાત કરાવવા દવાખાને લઈ આવ્યો.
અન્યમનસ્ક એવી સરિતાએ દવાખાનાનુ પગથીયું ચઢતા કહ્યું, મારા પિતાએ પણ જો મારી માતાને ગર્ભપાત કરાવ્યો હોત, તો તમારી બે દિકરીઓની સંભાળ લેવા માટે હું તમને મળત ખરી?’ નવીન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. બે ક્ષણ વિચાર્યું અને બોલ્યો, ચાલ સરિતા ઘરે. આપણે બન્ને મળીને આપણી ત્રીજી દિકરીને ઊછેરીશું. અને આ સાંભળતાંજ સરિતાનો ચહેરો મલકી ઊઠ્યો.

Wednesday 18 February 2015

રામ જાણે બાબા.

રામ જાણે, બાબા!               પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.
ચાર રસ્તાના સિગ્નલ પાસે કરોડપતિ શેઠ શ્રી મનહરપ્રસાદની નવીનકોર ચકચકિત ઈમ્પોર્ટેડ કાર આવીને ઊભી રહી. આગળ સફેદ યુનિફોર્મધારી ડ્રાઇવર બેઠો હતો અને પાછળ શેઠાણી ઠસ્સાભેર બેઠાં હતાં. બાજુમા એમનો ૭-૮ વર્ષનો બાબો બેઠો કમ ઊભો હતો. ત્યાં જ ગાડી પાસે એક મેલાં-ઘેલાં કપડાંવાળો ભિખારી દોડી આવ્યો અને શેઠાણી આગળ હાથ લાંબો કરી દયામણા અવાજે કહ્યું,
ભિખારીને કંઇક આપો, શેઠાણી બા !
કાંઇ નથી.  શેઠાણીએ તિરસ્કારથી એની સામે જોયું.
ભૂખ્યાને કંઇ આપો માઇ-બાપ.
કહ્યું ને કંઇ નથી. આગળ જા. શેઠાણીએ આડું જોઇ કહ્યું.
બહુ ભૂખ લાગી છે, બા. બે દનથી કંઇ ખાધું નથી.
જુઠ્ઠાડા, મારું માથું ન ખા, જા.
સાચું કહું છું મા, રુપિયો બે રુપિયા આપો બા.
જાય છે કે પોલીસને બોલાવું?’
દુખિયા પર દયા કરો, ભગવાન તમારું ભલું કરશે.
શેઠાણીએ ગુસ્સે થઈ બારીનો કાચ બંધ કરી દીધો. ભિખારી બબડતો બબડતો બીજી ગાડી તરફ દોડ્યો. ગ્રીન સિગ્નલ મળતાં જ ગાડી ચાલુ થઈ અને બાબાના પ્રશ્નો પણ.
મમ્મી, મમ્મી. એ કોણ હતો?’
ભિખારી હતો, બેટા.
મમ્મી, ભિખારી કોને કહેવાય?’
જે કંઇ કામકાજ ન કરે અને મફતનું માંગીને ખાય એને ભિખારી કહેવાય.
તે હેં મમ્મી, મનુમામા ભિખારી કહેવાય?’
શું બકે છે બાબા તું?’
કેમ, મમ્મી કાલે જ તો પપ્પા તને કહેતા હતા કે આ તારો ભાઇ મનિયો કંઇ કામબામ તો કરતો નથી અને મફતનું ખાય છે.
મોટાંની વાતો નાનાએ નહીં સાંભળવાની, સમજ્યો?’
મમ્મી, એ ભિખારી કહેતો હતો કે ભૂખ લાગી છે.
હા, તેનું શું છે?’
તે હેં મમ્મી, ભૂખ ક્યાં લાગે?’
ભૂખ પેટમા લાગે, મુન્ના એટલું પણ નથી સમજતો?’
કોના પેટમાં લાગે, મમ્મી?’
તારા, મારાં અને...બધાંના પેટમાં લાગે.
પણ મને તો ક્યારેય ભૂખ નથી લાગી, મમ્મી.
લાગી હોય, બેટા. પણ તને ખબર ન પડી હોય.
ભૂખ લાગીહોય એવી ખબર શી રીતે પડે, મમ્મી?’
કંઇ ખાવાની ઈચ્છા થાય ત્યારે ભૂખ લાગી છે એમ ખબર પડે.
મમ્મી, મને ભૂખ લાગી છે.
અરે! હમણાં તો આપણે ફાઇવસ્ટાર હોટલમા જમ્યાં.
મને કેડબરીની ભૂખ લાગી છે, મમ્મી.
હે રામ! આ બાબાને તો શું કહેવું? એ કંઇ ભૂખ ન કહેવાય, બાબા.
તો ભૂખ કોને કહેવાય, મમ્મી?”
એ તને નહી સમજાય.’
તો કોને સમજાય, મમ્મી?’
હંઅઅઅ...પેલા ભિખારીને.
મમ્મી, ભિખારીએ કહ્યું કે દુખિયા પર દયા કરો, તે દુખિયા શું હોય?’
જેની પાસે રહેવા  ઘર ન હોય, ખાવા માટે અનાજ ન હોય અને પહેરવા માટે પૂરાંકપડાં ન હોય, તેને દુખિયા કહેવાય.
તો આપણને શું કહેવાય?’
આપણને...?  કંઇ નહી, બાબા.
‘’મમ્મી, એ મમ્મી...
વળી પાછું શું છે, મુન્ના?’
ભિખારીએકહ્યું કે દયા કરો, એ દયા શું હોય?’
જો બાબા, આપણું ઘર આવી જાય ત્યાં સુધી તું તારું મોં બંધ રાખે, એક પણ સવાલ ન પૂછે તો તેં મારા પર દયા કરી કહેવાય, સમજ્યો?’
ના મમ્મી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અંડરસ્ટેન્ડ. કાલે ટીચરને પૂછી લઈશ.
હા...શ.
પણ મમ્મી...
ઓહ બાબા, નો મોર ક્વેશ્ચન પ્લીઝ.
મમ્મી, લાસ્ટ ક્વેશ્ચન. ભિખારીને આવા અઘરા અઘરા શબ્દો કેવી રીતે આવડ્યા હશે?’

રામ જાણે, બાબા.  

Wednesday 11 February 2015

પસંદગી.

પસંદગી.                          પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

પુરુષો પસંદગીની બાબતમાં નાના બાળકો જેવા હોય છે. નાના બાળકને તમે એક ખોબામા રંગીન ચોકલેટ્સ ધરીને કહો, કે તારે આમાંથી એક લઈ લેવાની છે, તો બાળક પહેલા તો ખોબાની સામે તાકી રહેશે. પછી એમાંથી એક ચોકલેટ પસંદ કરશે. અને પછી, ના ના આ નહી, પેલી.  એમ એક મૂકીને બીજી લેશે, બીજી મૂકીને ત્રીજી લેશે,  છેવટે તમે જ્યારે એની સામેથી ખોબો ખસેડી લેવાની ધમકી આપશો, ત્યારે જ એ ચોકલેટની ફાઇનલ પસંદગી કરશે. પરંતુ બાળકો અને પુરુષોની બાબતમા તફાવત હોય તો માત્ર એટલો જ કે બાળક એકવાર ફાઇનલ પસંદગી કર્યા પછી ક્યારેય એના વિશે અફસોસ નથી કરતું, જ્યારે પુરુષો??? 
તમને દ્રસ્ટાંત આપીને સમજાવું. નવા પરણેલા અમિતને એનો ફ્રેન્ડ સમીર મળવા આવે છે, અને બન્ને વચ્ચે આ પ્રમાણે સંવાદ થાય છે.
-હાય, અમિત. કોંગ્રેચ્યુલેસન્સ!
-થેન્ક્યુ, સમીર.
-તો અમિતભાઇ, તમે પરણ્યા ખરાં.
-હા યાર. પરણ્યા વગર કંઇ છુટકો હતો?
-કેમ એમ કહે છે, અમિત?   કે દાડાનો પૈણું પૈણું તો કરતો હતો.
-તારી વાત તો સાચી છે, યાર. પણ આ જરા ઉતાવળ થઈ ગઇ.
-ઉતાવળ થઈ ગઈ? એય અમિતીયા, સાચું કહેજે, નિતાભાભી તને નથી ગમતાં?
-ના ના, એવું નથી. નિતા આમ સારી છે, પણ...
-પણ પણ કર્યા વગર ભસી મર ને.
-નિતા આમ સારી છે, પણ એની આંખો અલકા જેવી નથી. અલકાની આંખો? અહાહાહા!
-તો પછી તું એ અલકાને કેમ ના પરણ્યો?
-અલકાની આંખો સરસ. પણ એના વાળ વૈભવી જેવા નહી. વૈભવીના વાળ? લાંબા, કાળા, સુંવાળા...
-તો પછી તારે એ વૈભવીને પરણવું હતું ને?
-યાર, વૈભવીના વાળ સારા. પણ એના હોઠ હેતલ જેવા નહીને? હેતલના હોઠ તો જાણે ગુલાબની પાંદડી.
-તો પછી એ ગુલાબ જોડે પરણતાં તને શું કાંટા વાગતા હતા?
-તુ સમજતો નથી, યાર. હેતલ બ્યૂટિફૂલ ખરી. પણ એની હાઇટ? પાંચ જ ફૂટ.
-આઇ થીંક, તુ સાડાપાંચ ફૂટ વાળી માનસી સાથે પણ ફરતો હતો ને? એને કેમ ના પરણ્યો?
-મારે તો એને જ પરણવું હતું. પણ...
-પણ???
-પણ એને તો કોક છ ફૂટ વાળો જોઇતો હતો.
-અચ્છા! તો ભાઇ સાહેબ ત્યાં રીજેક્ટ થયા, ખરું ને?
-હા યાર. આજકાલની છોકરીઓ! પસંદ નાપસંદ ના નખરાં કરતી થઇ ગઈ છે.
-એવું નથી, અમિત.
-એવું જ છે, સમીર.
-અચ્છા! જો એવું જ હોત તો નિતાભાભી તને પરણત ખરાં?
-એટલે સમીરીયા, તું કહેવા શું માંગે છે? હું નિતાને લાયક નથી એમ?
-હું એવું કહેવા નથી માંગતો, અમિત. પણ નિતાભાભીએ પણ જો તારી જેમ જ...અમિતાભ જેવી હાઇટ, આમિરખાન જેવી આંખો, ગોવિંદા જેવી અદા કે,  જેકી જેવી પર્સનાલિટિનો આગ્રહ રાખ્યો હોત તો તને પરણત ખરાં?
-તારી વાત તો સાચી છે, યાર. પણ...
-પણ? હજી ય પણ???
-યાર, તેં પેલા પ્રેમલની વાઇફને જોઇ? વોટ અ પર્ફેક્ટ લેડી!
આમ અમિતને પ્રેમલની વાઇફ પરફેક્ટ લાગે, પ્રેમલને અજયની વાઇફ આલાગ્રાંડ લાગે, અજયને બિમલની વાઇફ બ્યૂટિફૂલ લાગે, તો બિમલને સુનિલની વાઇફ સ્માર્ટ લાગે. આમ ચક્કર ચાલ્યા જ  કરે. પુરુષોને તમે પસંદગીની પચ્ચીસ તક પણ આપોને તો પણ છવ્વીસમી સુંદરીને જોઇને એ બોલી પડશે, અહાહા!આ મને પહેલા કેમ નહોતી દેખાઇ?’


Friday 6 February 2015

લેખિકા વિશે. [પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી - હાસ્યલેખિકા.]

લેખિકા વિશે.    [પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી - હાસ્યલેખિકા.]

પોતાના વિશે વખાણવા લાયક અને બીજાના વિશે વખોડવા લાયક વાતો કહેવાનું આપણને હંમેશા ગમતું આવ્યું છે. હું મારા વિશે જ વાત કરું તો  સંદેશ ન્યૂઝપેપરમા હાસ્યલેખો લખવાની હરિફાઇમા મેં ભાગ લીધો. ત્રણ-ચાર લેખો છપાયા એમા એક્ને પ્રથમ ઇનામ પણ મળ્યું.  હાસ્યલેખક શ્રી અશોક  દવે ને એમા હ્યુમર-સ્પાર્ક દેખાયો. એમણે મારી મુલાકાત  સમભાવ ના તંત્રી શ્રી ભૂપતભાઇ વડોદરીઆ સાથે કરાવી. અને રવિવારની પૂર્તિમા મારી હાસ્ય કોલમ પત્તાનો મહેલ શરુ થઈ. આ પત્તાનો મહેલ લાંબો ટક્યો. અમારા એક  વડીલ મિત્ર, પ્રસિધ્ધ ચિત્રકાર શ્રી જય પંચોલીએ આ લેખોને પુસ્તક્મા પરિવર્તિત કરવાની પ્રેરણા અને મદદ આપી.  અને ગૂર્જર  દ્વારા મારું પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ છપાયું. અને આમ પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ દ્વારા મેં હાસ્યક્ષેત્રે પદાર્પણ કર્યું.

મારા પતિ શ્રી જીતેંદ્ર મિસ્ત્રી એ પુસ્તક વાંચીને નોંધ્યું, પલ્લવીના લેખનનો હું [અ] વાચક હતો તે હાસ્યપલ્લવ વાંચ્યા પછી અવાચક થઈ ગયો. શ્રી તારક  મહેતાએ લખ્યું, લેખો તાજા લાગ્યાં. મજા આવી. સંગ્રહ ઉત્તમ થયો છે, લેખન ચાલુ રાખવું જોઇએ.  શ્રી વિનોદ ભટ્ટે કહ્યું, પ્રથમ પ્રયત્ન ખરેખર સારો છે, વિનોદ ભટ્ટનું પ્રથમ પુસ્તક પણ આટલું સારું નહોતું.  શ્રી અશોક દવેએ જણાવ્યું, નિરીક્ષણને હાસ્યનું સાધન બનાવી રોજિંદા બનાવોને હળવો સ્પર્શ આપવામાં શ્રીમતિ પલ્લવી મિસ્ત્રીએ નિપૂણતા કેળવી છે. 
અત્યાર સુધીમા મારા  સાત  પુસ્તકો ,  ગૂર્જર દ્વારા પ્રકાશિત થયા છે. ----
૧૯૯૭ -હાસ્યપલ્લવ’,  ૧૯૯૯ -છે મજા તો એ  જ',  ૨૦૦૨ - હાસ્યકળશ છલકે',    ૨૦૧૧ - હાસ્યવસંત’, ૨૦૧૭ -'હાસ્યવર્ષા', ૨૦૧૮ - 'હાસ્ય - હેમંત'  અને 'છ બહેનોના સાત ખોટના એક ભાઈ જેવું છ હાસ્યલેખોના પુસ્તકો પછી વાર્તાનું સાતમું પુસ્તક - 'દેવદૂત'. ફક્ત વાચકોની જાણકારી માટે - હાસ્યપલ્લવ અને  હાસ્યવસંત બન્નેને   સાહિત્ય અકાદમીનું દ્વિતિય પારિતોષિક પ્રાપ્ત થયું.
  સમભાવ ની હાસ્યપલ્લવ કોલમ  સિવાય  સંદેશ, દિવ્યભાસ્કર, નવચેતન,અખંડાનંદ, જનસત્તા, કુમાર, ચંદન, લેખિની, નવયુગ, ટાઈમ્સ ગુજરાતી, મમતા, ગુજરાત મિત્ર, કિડ્સ ગાર્ડિયન વગેરે સમાચાર પત્રો અને  સામાયિકોમા પ્રસંગોપાત મારા લેખો પ્રસિધ્ધ થયા છે.  સબરસ ગુજરાતી ડોટ કોમ મા મારા હાસ્યલેખ ને ઇનામ મળ્યું. પ્રતિલીપી,  માતૃભારતી, સ્પોટલાઈટ, જલસા કરો જેન્તીલાલ, વગેરે વેબસાઈટ પર મારા લેખો અને વાર્તાઓ પ્રકાશિત થયા.  
મારા એક વાચક મિત્રે જણાવ્યું કે  નવનીતની જનરલ નોલેજની બુકમા તમારું નામ જાણીતા હાસ્યલેખકોની સાથે છપાયું છે, ત્યારે મને ખુબ આનંદ થયો. સ્પીક બિન્દાસમા મારો ઈન્ટરવ્યુ છપાયો.  ઇંગ્લીશ મેગેઝીન ફેમીનામા મારો  ઈન્ટરવ્યુ છપાયો. 'પ્રતિલીપી અને રીડગુજરાતી માં પણ મારો ઇન્ટરવ્યુ છપાયો. શ્રી રાધેશ્યામ શર્માએ એમના સંગ્રહમા મારો ઇંટરવ્યુ  સાક્ષરજન તો કોને રે કહીએ  છાપ્યો. ઓલ ઇંડીયા રેડિયો પર મારા ૮ હાસ્યલેખો  નાટ્ય રુપાંતર રુપે પ્રસારિત થયા.
મારા તમામ વાચકો - વિવેચકો -  ચાહકો - પ્રકાશકો અને ઈશ્વરનો અંત:કરણપૂર્વક આભાર !