Wednesday 29 August 2018

બ્યુટી પાર્લર.


બ્યુટી પાર્લર.            પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક બ્યુટી પાર્લરની બહારની બાજુએ બોર્ડ લગાવેલું હતું:
‘અહીંથી બહાર નીકળતી સુંદર સ્ત્રી ની સામે જોઇને સીટી મારશો નહિ, એ કદાચ તમારી દાદીમા પણ હોઈ શકે છે.’
આ બ્યુટી પાર્લર વાળાની ‘બીઝનેસ સેન્સ’ ખરેખર ‘કાબિલે તારીફ’ છે. ‘દાદીમા’ ને નખશીખ સુંદર યુવતી બનાવવાની એની કળાના વખાણ તો કરવા જ પડે. આજ કાલ તો ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, દાખલા તરીકે – સગાઇ, લગ્ન, જનોઈ, ફેરવેલ પાર્ટી કે બર્થડે પાર્ટી,  તારીખ નક્કી થાય એટલે સૌથી પહેલા બ્યુટી પાર્લર વાળા બહેનની એપોઇન્ટમેન્ટ લેવાય છે.
કેટલાક પુરુષો (પતિઓ) ની ફરિયાદ છે કે, એમની પત્ની બ્યુટી પાર્લરમાં જોઈએ તે કરતા વધુ સમય અને પૈસા વેડફે છે. પણ સાથે સાથે આપણે એ પણ કબૂલવું જોઈએ કે પુરુષો પોતે પણ સાધારણ દેખાવાની યુવતી કરતા સુંદર અને દેખાવડી યુવતી પાછળ વધુ સમય અને પૈસા વેડફે છે.
એક સુંદર ફિલ્મ એક્ટ્રેસ નો ઈન્ટરવ્યુ લેનાર ભાઈએ ઈન્ટરવ્યુ ના જ ભાગરૂપે એમને એક પ્રશ્ન કર્યો: તમે ફિલ્મ એક્ટ્રેસ પોતાની સુંદરતાને સજાવવા જેટલો સમય અને પૈસા ખર્ચો છો, એટલો સમય અને મહેનત તમારા અભિનયને સવાંરવા પાછળ ખર્ચો તો વધુ સફળ ન થાવ?   એ પણ કરી શકાય. પણ મુદ્દાની વાત એ છે કે ૯૦% પુરુષો અમારા અભિનયને જોવા કરતા અમારું રૂપ જોવા થીયેટરમાં આવે છે. ફિલ્મ એક્ટ્રેસ સો ટકા સાચો અને જડબાતોડ જવાબ આપ્યો.
થીયેટરની વાત છોડો, મોટેભાગના પુરુષો તો અસલ જિંદગીમા અત્યંત અગત્યનો ફેસલો, લગ્ન કરવાનો નિર્ણય કરે ત્યારે પણ પોતાની બુદ્ધિ કરતા પોતાની આંખો પાસેથી જ વધુ કામ લે છે, એટલે ગુણવાન યુવતી કરતા સ્વરૂપવાન યુવતીને પહેલા પસંદ કરે છે. આ બે વચ્ચેના તફાવતની ખબર એને પડે ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હોય છે. યુવતીઓ પણ આ વાત સારી રીતે જાણે છે, એટલે એ પોતાની પાણીદાર આંખોને કાજળથી વધુ પાણીદાર બનાવીને પુરુષોને ઘાયલ કરે છે. પુરુષો ભલે કહેતા હોય કે,’ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ પણ લગ્ન કરતી વખતે પુરુષોની સરખામણી એ સ્ત્રીઓ પોતાની બુદ્ધિનો વધુ ઉપયોગ કરે છે  એ વાત આ જોકથી આસાનીથી સમજી શકાય એમ છે:
મોનિકા : શેફાલી, તું તો આટલી યંગ અને બ્યુટીફૂલ છે તો પછી તારો હસબંડ આવો કાળીયો, જાડિયો અને ટાલિયો કેમ છે ?
શેફાલી: કેમ કે એ હીરા બજારનો કિંગ ગણાય છે. ઇન્ડીયામાં જ નહિ ફોરીનમાં પણ અનેક જગ્યાએ એની ઓફિસની બ્રાન્ચ આવેલી છે. વાલકેશ્વરમાં ૮ બેડરુમનો એનો બંગલો છે, બંગલાના પાર્કિંગમાં પોતાની માલિકીની ચાર ઈમ્પોર્ટેડ  કાર રાખે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એના કોઈ ભાઈ ભાંડુ નથી, પોતાની મિલકતનો એ એકલો જ વારસદાર છે.
મોનિકા: સમજી ગઈ, પુરુષોની સુંદરતા થોડી જ જોવાય ? એમની તો કાબેલિયત જ એની સંપતિ છે, હેં ને ?
 લગ્ન બજારમાં પુરુષોની સુંદરતા ભલે મહત્વની ન હોય, પણ સ્ત્રીઓની સુંદરતા અતિ મહત્વની છે, એ વાત તમને આ નીચે લખેલા કિસ્સાથી સમજમાં આવશે.
થોડા દિવસ પહેલા ન્યૂસ પેપર દ્વારા દુબઈ (યુએઈ) નો એક કિસ્સો પ્રકાશમાં એટલે કે સૌના જાણવામાં આવ્યો. તાજેતરમાં જ જેમના લગ્ન થયેલા હતા એવો, ૩૪ વર્ષનો યુવાન પતિ પોતાની ૨૮ વર્ષની પત્ની સાથે શારજાહના અલ-મમઝર બીચ પર ફરવા આવ્યો હતો. પત્ની દરિયામાં સ્વીમીંગ કરીને બહાર આવી ત્યારે પતિ એને ઓળખી ન શક્યો. કેમ? કેમ કે દરિયાના પાણી એની પત્નીના મેકઅપ (કોસ્મેટીક સર્જરી અને બનાવટી પાંપણો) ને તાણી ગયા હતા, એટલે કાયમ મેકઅપમાં જ જોયેલી પત્નીને ઓરીજીનલ રૂપમાં એ ઓળખી ન શક્યો. પતિએ આ અજાણ લાગતી યુવતીને એટલે કે પત્નીને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને તાત્કાલિક છુટાછેડા આપી દીધા.
પત્ની માટે આવા કારણોસર પતિનો ‘અસ્વીકાર’ અસહ્ય હતો. એ માનસિક આઘાતમાં સરી ગઈ. સાજી થઈને એ એના કોસ્મેટીક સર્જન કે બ્યુટીશીયન પર કેસ માંડે તો નવાઈ નહિ. પણ સવાલ એ થાય છે કે દરેક જગ્યાએ  બ્યુટી પાર્લરનું મહત્વ આટલું બધું વધી જવાનું કારણ શું ? કારણ એ જ કે:
‘ના કજરેકી ધાર, ના મોતિયોં કે હાર, ના કોઈ  કિયા શિંગાર ફિર ભી કિતની સુંદર હો, તુમ કિતની સુંદર હો’ એવી નેચરલ બ્યુટી આ જગતમાં માંડ બે કે પાંચ ટકા હશે. અથવા આવી યુવતીને પસંદ કરનારા પુરુષો આ જગતમાં માંડ બે કે પાંચ ટકા હશે. એક ન્યૂસ પેપરનો સર્વે કહે છે કે, ‘માત્ર ૨% યુવતિઓ માને છે કે તેઓ કુદરતી રીતે જ સુંદર છે, એમને વધારાની સુંદરતા (બ્યુટી પાર્લરની મદદ) ની જરૂર નથી. પણ તેનાથી શું ફરક પડે? એમને લગ્ન જેમની સાથે કરવાના હોય છે એ પુરુષો કુદરતી કરતા કૃત્રિમ સુંદરતાથી વધુ આકર્ષાય છે.
ફેસબુક આ બાબતમાં જ્ઞાન સમુદ્રનો ભંડાર છે. એમાં વિજય ભાઈ રાવલ નામના ભાઈ એ લખ્યું છે:  ‘લગ્નસરાની સીઝન શરુ થતા જ બ્યુટી પાર્લરમાં વધતી ભીડ જોઇને એમ થાય છે કે.... શું લ્યુના ને પોતું મારવાથી એ પલ્સર થઇ જતું હશે ?’
વિજયભાઈને ખબર નહિ હોય કે બ્યુટી પાર્લર વાળા એવા અદભુત જાદુગર હોય છે કે, લ્યુના તો શું, એ લોકો જો બાઈસીકલ ને પોતું મારે તો એની સિકલ પણ ફરી જાય ને પછી તો એ ય પલ્સર થઇ જાય, હા, કાળક્રમે પોલીશ ઉતરે ત્યારે પલ્સર પાછી બાઈસીકલ થઇ જાય એ વાત જુદી છે.
ફેસબુક પર જ એક ભાઈ અતુલભાઈ મહેતાએ શેર કરેલી એક મજાની પંક્તિ વાંચી:
‘પ્રસંગે પ્રસંગે મહોરાં ચઢે છે, અસલ માણસ જાત હવે ક્યા જડે છે?’
પણ મારે તો તમને એ પૂછવું છે કે, ‘અસલ માણસ જાત મળી પણ જાય, તો એ હવે કોઈને ક્યાં ખપે છે ?’




Wednesday 22 August 2018

કમ્પલેન.


કમ્પલેન.     પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

- મીનૂ , યાદ છે આજે તારે કોને કોને  ફોન કરવાના છે  ?
- હા હા, બરાબર યાદ છે.
- બોલ જોઉં, કોને  કરવાના છે અને શા માટે ?
- મારી બેનને ફોન કરીને તમારા અપચા માટેની વૈદની દવા લાવી રાખવાનું કહેવાનું  છે. ઘણા વખતથી માંદા રહે છે, એ સુરતમાં રહેતા તમારા એક ના એક વડીલ કાકાની નાદુરસ્ત તબિયતના ખબર પૂછવાના છે. અને હાઉસ ફૂલ થઇ જાય તે પહેલા, વહેલામાં વહેલી તકે એચ. આર. સરને ફોન કરીને આપણા બિટ્ટૂના ટ્યુશન ક્લાસ માટેનું બુકિંગ કરાવવાનું છે, બરાબર ?
- ઊંહ મીનૂ, તું પણ ખરી છે, નો ડાઉટ, આ બધા જ કામ અગત્યના છે, પણ તારી વાત પરથી મને લાગે છે કે તને કામની પ્રાયોરીટીનો કંઈ ખ્યાલ જ નથી.
- કેમ ? છેલ્લા પાંચ દિવસથી તમે અપચાથી પીડાઓ છો, રોજ રાત્રે  પેટ પકડીને તમે અમળાઓ છો, પાંવભાજી, રગડા પેટીસ, છોલે ભટુરે ની તો વાત જ છોડો, મગ, દૂધી કે ખીચડી જેવો સાદો ખોરાક પણ તમને પચતો નથી ને દુખી થયા કરો છો, એ વાત સાચી છે કે નહીં ?’
- હા, સાચી જ છે, પણ...
- બીજું તમારા કાકાને ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે એકવાર આપણે મળી આવ્યા, તે પછી કામના ભાર ને લીધે આપણે મળી જ નથી શક્યા એનો તમે ચાર વાર અફસોસ વ્યક્ત કરી ચૂક્યા છો, એ વાત સાચી છે કે નહીં ?
- હા, એ વાત પણ સાચી છે, પણ..
- અને એચ. આર. સરને ત્યાં રીઝલ્ટ આવ્યા પછી બે જ દિવસમાં વહેલો તે પહેલો ના ધોરણે બુકિંગ થઈ જાય છે, એ વાત બે દિવસમાં પાંચ વખત તમે મને સંભળાવી ચુક્યા છો. તેથી મને લાગ્યું કે બિટ્ટૂના ટ્યુશન ક્લાસ માટે આજે જ બુકિંગ કરાવવું જોઈએ.
- યુ આર રાઈટ મીનૂ, પણ..
-પણ અને બણ, તમે મને કહો તો ખરા, આ બધી પ્રાયોરીટી નથી તો બીજુ શું છે ?
-મીનૂ, તારી વાત સો ટકા સાચી છે, આ બધી પ્રાયોરીટી જ છે, પણ એની સાથે સાથે બીજી અગત્યની વાત તું ભૂલી રહી છે એનું શું ?
- અચ્છા ? એવી વળી કઈ અગત્યની વાત હું ભૂલી રહી છું, જરા મને કહેશો તમે ?
- કેમ, આપણા કોમ્પ્યૂટરમાં વાયરસ આવી ગયો છે, તે કઢાવીને એન્ટી વાયરસ સોફ્ટવેર સીસ્ટમ લગાવડાવવાની છે. ફ્રીઝમાં ચાર દિવસથી જોઈએ એવુ કૂલીંગ નથી થતું એ માટે ડીલરને ફોન કરવાનો છે. અને તેં અને બિટ્ટૂએ જીદ કરીને જે સ્માર્ટ જીમ લીધું છે, એમાં કૂવામાંથી ગરગડીથી પાણી ભરેલી ડોલ ખેંચતા હોય એવો કર્કશ અવાજ આવે છે, ફોન કરીને તેની કમ્પ્લેન કરવાની છે. અને હા, આ તારા નવાં નકોર એક્ટીવામાં સ્ટાર્ટીંગ ટ્રબલ છે, એની ફરિયાદ પણ લખાવવાની છે. આ બધી અગત્યની વાતો તું કેમ ભૂલી જાય છે ?
- એ બધી જ વાત મને યાદ છે, જનાબ. એટલું જ નહીં એ માટે હું લાગતા વળગતાને કેટલીય વાર ફોન કોલ્સ કરી ચૂકી છું. પણ એમાંનો એક પણ પ્રોબ્લેમ હજી સુધી સોલ્વ નથી થયો. ખરેખર તો હવે હું કમ્પ્લેન કરી કરીને થાકી ગઈ છું. અને આ બધાની લાહ્ય માં ને લાહ્યમાં હું મારી બેન કે મમ્મી સાથે શાંતિથી ફોન પર વાત પણ નથી કરી શકી.
- તું એક કામ કર, આ બધાં કામો માટે એક આસિસ્ટન્ટ અથવા એક ટેલિફોન ઓપરેટર રાખી લે.
- તમારું સૂચન તો સારું છે. ખરેખર એવું કામ કરી આપનારું  કોઈ મળે ખરું ?
- તપાસ કરી જોઈએ. તું એક કામ કરને. એક કમ્પ્લેન ફાઈલ બનાવ. એમાં કોને કોને અને ક્યારે ક્યારે કમ્પ્લેન કરી તે લખ. એ કમ્પ્લેનનો શું જવાબ આવ્યો, કંપનીઓએ કે પાર્ટીએ એ બાબતે શું એક્શન લીધી તે પણ લખ. કંપનીઓ સામે એક્શન લેવા કોઈવાર કામ લાગશે.
- તે મેં એવી ફાઈલ નથી બનાવી એમ તમે શા ઉપરથી કહો છો ? આ જુઓ  ‘A’ ફાઈલ. એમાં એક્ટિવા ક્યારે લીધું, કેટલામાં લીધું, કોના નામે લીધું, કોની પાસેથી લીધું થી માંડીને એ ક્યારે ક્યારે બગડ્યું, કયા દિવસે કેટલી કીક માર્યા પછી સ્ટાર્ટ થયું (કે નહીં થયું), કેટલી વાર રીપેરમાં આપ્યું, એના માટે ક્યારે ક્યારે કોને કોને કમ્પ્લેન કરી, કોણે, ક્યારે, કઈ કમ્પ્લેન નો શું જવાબ આપ્યો, તેનો વિગતવાર ચાર્ટ બનાવ્યો છે.
- અરે વાહ ! તું તો ખુબ હોંશિયાર નીકળી.
- પણ તમને એની કદર જ ક્યાં છે ? તમે તો કાયમ આ કર્યું ?, કે પછી આ કેમ ન કર્યું ?’  ની પૂછપરછ માંથી પરવારતા જ નથી. અને મેં જે જે કર્યું છે એ જોવાની તમને ફૂરસદ જ ક્યાં છે ? તમને એવું ક્યારેય થયું છે કે આ એકલી બિચારી ક્યાં  ક્યાં પહોંચી વળશે ? લાવ એને રજાને દહાડે થોડી મદદ કરાવું ? તમારે તો બસ, તમે ભલા ને તમારી ઓફિસ ભલી.
- અરે હા, તેં ઠીક યાદ દેવડાવ્યું, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. રજાને દહાડે હું તને જરૂર મદદ કરાવીશ. પણ અત્યારે તો જરૂરી લાગે ત્યાં બધે તું ફોન કરીને કમ્પ્લેન નોંધાવી દેજે. અને જે લોકો કમ્પ્લેન પર ધ્યાન નથી આપતાં એવી જગ્યાએ હાયર ઓથોરીટી ને ઇમેલ કરી દેજે, ઓકે ?
- જો હુકુમ મેરે આકા !         

Wednesday 15 August 2018

એક પંથ દો કાજ.


એક પંથ દો કાજ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક સ્ત્રી અર્ધો ડઝન એટલે કે છ બાળકોને લઈને એક બસમાં જેમ તેમ કરતાં ચઢી. ઘણી મુશ્કેલી થી બાળકોને સંભાળતાં એણે બધાંની ટીકીટ કઢાવી. એ જોઈ કન્ડકટરે કહ્યું, ‘બહેન, આટલાં બાળકો સાથે બહાર જવામાં તમને કેટલી તકલીફ પડી રહી છે, અર્ધાં બાળકોને ઘરે મૂકીને આવતાં હોવ તો ?’ એ બહેને હસીને કંડકટરને જવાબ આપ્યો, ‘ભાઈ, મેં એમ જ કર્યું છે.’
આ તો એક જોક છે, પણ કોઈવાર આવા જોક હકીકતનું રૂપ પણ લેતાં હોય છે.  થોડા  સમય પહેલાં એક ન્યૂઝપેપરમાં એક રસમય સમાચાર વાંચ્યા, ‘દાહોદ જીલ્લાના, ગરબાડા તાલુકાના, ઝરી ખરેળી ગામના, ૩૭ વર્ષના પતિ રામચંદ સંગાડે અને એમની પત્ની કનુબેનને ૧૮ વર્ષના લગ્ન જીવનમાં ૧૭ બાળકો થયા છે. આમ તો આપણે ગાંધારીના સો બાળકોનો રેકોર્ડ સાંભળ્યો છે, પણ સાંભળેલામાં અને જોયેલામાં ઝાઝું અંતર હોય છે. ૧૮ વર્ષના લગ્ન જીવનમાં આ ૧૭ બાળકોના જન્મના સમાચાર જાણીને આપણને આશ્ચર્ય તો થાય જ ને ?
આ સમાચાર જાણીને એક ગામડાની એક સાસુમાએ ઉત્સાહમાં આવીને એની પુત્રવધુને કહ્યું,
વઉબેટા, આ તારી પોરી  સુરતી ચાર વરહની થેઈ ગેઇ , અવે એક પોઈરો થેઈ જાય તો ગંગા નાયા.  અમે છે તાં હુધીમાં તારા પોઈરાં મોટા થેઈ જાય તો અમને નિરાંત.
મા, આ એકલી શ્રુતિ જ અગિયાર બરોબરની છે. એને સંભાળતાં જ અમને નાકે દમ આવી જાય છે, એટલે બીજાનો તો સપનામાં ય વિચાર ન કરાય.  ભણેલી વહુએ કહ્યું.
અરે ! અમે ચાર પોઈરાં મોટા કઈરાં કે ની?
એ બદલ તમને ખરેખર ધન્યવાદ આપવા પડે, મા. પણ અમે તો આ એક પછી જ પૂર્ણ વિરામ મૂકી દીધું છે, એટલે તમે પણ હવે એ બાબતમાં કોઈ આશા રાખશો નહીં.  
સરકારને આ બાબતે (કુટુંબ નિયોજન ની બાબતે) જનતા પાસેથી ઘણી આશાઓ છે, એટલે એણે અમુક સૂત્રો પ્રજાને આપ્યા છે, ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, ‘બે બાળકો બસ’, ‘અમે બે અમારા બે’,  વગેરે .. વગેરે..  ડાહી ડમરી જનતા આ સૂત્રો પાળે છે પણ ખરી. આજના અતિશય મોંઘવારીના જમાનામાં જીવન જરૂરિયાતની ચીજોની સાથે સાથે બાળકોનું શિક્ષણ પણ ખુબ જ મોંઘુ થઇ ગયું હોવાથી માબાપ ને હવે બે કરતાં વધારે બાળકો પોસાતા પણ નથી. હવે તો પતિ પત્નીએ ‘અમે બે અમારું એક’ એવું નવું સૂત્ર શોધી  કાઢીને એને અપનાવ્યું છે. એથી પણ આગળ વધીને સારી પોસ્ટ પર જોબ કરતાં પતિ પત્ની તો DINK  (Double Income  No Kid) વાળી ફોર્મ્યુલા શોધી લાવ્યા છે. બંને કમાઓ, હરો-ફરો-મઝા કરો અને બાળકની ઝંઝટ ન રાખો. (હવેના બાળકો પણ મોટા થઈને મા બાપની ઝંઝટ રાખતા નથી.)
પાછા મૂળ વાત પર આવીએ, ૧૮ વર્ષના લગ્ન જીવનમાં ૧૭ બાળકો હોવા એ જરા નવી નવાઈનો કિસ્સો ગણાય. પેપરવાળાએ એની નોંધ લેવી જ પડે. ‘આવું શી રીતે થયું ?’ અથવા તો ‘આવું શું કામ થયું ?’ એ જાણવાની તમને, મને અને સૌને ઉત્સુકતા હોવાની જ. તો વાત જાણે એમ બની કે – રામચંદ અને કનુબેન ને દીકરાની આશામાં એક પછી એક ૧૪ દીકરીઓ જન્મી અને ૧૫ મા સંતાન તરીકે પુત્રરત્ન ની પ્રાપ્તિ થઇ.
લોજીકલી તો પુત્ર મળી ગયો એટલે આ દંપત્તિએ વસ્તીવાધારામાં ખમ્મા કરી દેવી જોઈતી હતી. છતાં એ પછી પણ એમને  ત્યાં ૧૬ અને ૧૭ મા સંતાન તરીકે પુત્રી જન્મી, એનું કારણ એ છે કે એમની, પુત્ર પહેલા જન્મેલી  ૧૪ છોકરીમાંથી બે છોકરી બાળપણમાં જ મૃત્યુ પામી હતી. હવે ‘ન કરે નારાયણ’  ને એકના એક પુત્રને કંઈ થઇ જાય તો ? બસ, આ જ ડરના લીધે  એમને ત્યાં બીજા પુત્રની આશામાં ૧૬ અને ૧૭ નંબરની પુત્રીઓ જન્મી.
આમ તો આ દંપત્તિ હજી યુવાન છે, બીજા પુત્રની આશામાં ધારે તો એમની  આ સંતાન પ્રાપ્તિની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે, અને પ્રભુની કૃપા થાય તો ગાંધારીનો રેકોર્ડ તોડ્યા વિના બીજો પુત્ર મળી પણ જાય. પણ હવે આ દંપત્તિ આર્થિક રીતે થાક્યા  હતા. એટલે ૧૭મી પુત્રીના જન્મ બાદ દસ જ દિવસમાં એ તાજી જન્મેલી બાળકીને ઘરે મૂકીને કનુબેન ખેતરમાં કામે જવા માંડ્યા. ગામની બાલવાડીની બહેનોએ કનુબેનને  સમજાવીને ‘નસબંધી’ નું ઓપરેશન કરાવવા મનાવી લીધા.
ખેર ! ‘દેર આયે દુરસ્ત આયે.’ અને ‘જાગ્યા ત્યારથી સવાર.’  હવે આ દંપત્તિ ઈચ્છે છે કે કોઈ સેવાભાવી સંસ્થા એમના બહોળા કુટુંબ માટે આગળ આવે અને આર્થિક સહાય કરે, જેથી એમના બાળકોનું બાળપણ ચૂંથાઈ ન જાય. એમને આવી કોઈ સંસ્થા મળી જાય એ માટે પ્રભુને પ્રાર્થના.(ભારતની જનતાને લૂટીને બહારગામ ચાલ્યા ગયેલા વિજય માલ્યા જેવાની જપ્ત થયેલી સંપત્તિમાંથી આમને કઈ મળી શકે કે નહીં ?)
જ્યારે એ જ દિવસના બીજા એક ન્યૂઝપેપરમા એક જાણવા જેવા સમાચાર હતા, ‘ઉત્તર પ્રદેશના અલીગઢના નહારૌબા ગામના કડીયાકામના એક કારીગર પૂરન  શર્માએ રૂપિયા ૨૦૦૦ મેળવવા નસબંધી નું ઓપરેશન કરાવી લીધું છે.’ તે વખતમાં સરકારે અમલમાં મૂકેલી ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ‘નોટબંધી’ ને કારણે  પૂરનને રોજગાર મળતો બંધ થયો હતો, એથી પત્ની અને ત્રણ સંતાનોનું ભરણ પોષણ કરવાનું  મુશ્કેલ થયું હતું.એવામાં પૂરનની જાણમાં એ વાત આવી કે ‘નસબંધી’ નું ઓપરેશન કરાવનારને સરકાર ૨૦૦૦ રૂપિયા આપે છે. એટલે ‘ટીપીકલ’ પતિ હોવાને લીધે પત્નીનું નસબંધીનું ઓપરેશન કરાવવા એ એને સરકારી દવાખાને લઈ ગયો. એની પત્ની ‘મુકબધીર’ હોવાથી ડોકટરો એ એનું ઓપરેશન કરવાની ના પાડી, છેવટે ૨૦૦૦ રૂપિયા માટે એણે પોતે ઓપરેશન કરાવી લીધું. આમ ‘નોટબંધી’  એ ‘નસબંધી’ નું કારણ બની હતી.
‘સરકારે જ્યારથી સોશિયલ મીડિયા પર જોરશોરથી ‘ઘરમાં જ શૌચાલય’ નો પ્રચાર કરવા માંડ્યો છે, ત્યારથી એ બાબતે લોકોમાં ઘણી જાગૃતી આવી છે અને ઘરે ઘરે શૌચાલય બનવા માંડ્યા છે. એ જ રીતે સરકારે આ વિષય -  ‘નસબંધી’  પર પણ સોશિયલ મીડિયા પર એનો જોરદાર પ્રચાર કરવો જોઈએ. તો શું કે- લોકોની ‘ગરીબી’ પણ દૂર થાય અને ‘વસ્તી વધારો’ પણ અટકે. આ તો ‘એક પંથ દો કાજ’ જેવું કામ છે.

Wednesday 8 August 2018

અખીયોં કે ઝરોખોં સે.


અખીયોં કે ઝરોખોં સે.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

- જિતુ, જુઓને આ અન્નુકપૂરનો ફેસ આવો કેમ થઇ ગયો?
- કેવો થઇ ગયો છે?
- સાવ ઝાંખો ઝાંખો અને કરચલી વાળો.
- બરાબર તો છે.
- તમે જરા તમારા મોબાઈલ અને કોમ્પ્યુટરમાથી માથું કાઢીને ધ્યાનથી ટી. વી. મા જુવો, અને પછી બોલો.
- હું તો ધ્યાનથી જ જોઈ રહ્યો  છું, તું જ જરા ચેક કર કે તેં ચશ્માં તો પહેર્યા છે ને?
- અરે ! જુઓને મેં ચશ્માં તો પહેર્યા જ છે.
- તો ખોટા ચશ્માં પહેર્યા હશે, ભૂલથી દૂરના (ટી. વી. જોવાના) ચશ્માં ને બદલે નજીકના (વાંચવાના) ચશ્માં પહેરી લીધા હશે, એટલે તને ઝાંખું દેખાતું હશે.
- તમે પણ શું ? મેં દૂરના એટલે કે ટી. વી. જોવાના ચશ્માં જ પહેર્યા છે.
- તો પછી તારી આંખ ચેક કરાવવી પડશે.
બન્યું એવું કે એક દિવસ ટી. વી. ની  ‘મસ્તી’ ચેનલ  પર  ‘ગોલ્ડન એરા વિથ અન્નુ કપૂર’  એ જુના ગીતોનો  વિડીયો  પ્રોગ્રામ જોતા જોતા મને અન્નુ કપૂરનો ફેસ ઝાંખો ઝાંખો દેખાવા માંડ્યો, એકાએક એમના મોં પર કરચલીઓ વધી ગઈ. આમ કેમ થયું હશે ? મેં ખાતરી કરી, ચશ્માં તો પહેરેલા હતા, આંખો ચોળી છતાં ય દ્રશ્ય સાફ ન દેખાયું. મને થયું નક્કી ટી.વી. ની ‘ક્લેરિટી’ ગઈ, એમાં જ કંઈ  ટેકનીકલ ક્ષતિ થઇ હોવી જોઈએ. કે પછી ‘ટાટા સ્કાય’ ના સીગ્નલમાં કંઈ  ગરબડ ? પછી મારા પતિદેવ જીતુને પૂછ્યું તો એમણે ટી. વી. અને ચેનલ ની બરાબરીની ખાતરી આપીને મને મારી આંખ ડોક્ટર પાસે જઈને ચેક કરાવી લેવાની સલાહ આપી.
ડોક્ટર પાસે જતા પહેલા મેં મારી જાતે મારી આંખ ચેક કરવાનું નક્કી કર્યું. એ મુજબ મેં દૂરના ચશ્માં પહેરી રાખીને મારા જમણા હાથ વડે જમણી  આંખ બંધ કરી અને માત્ર ડાબી આંખે જોયું તો અન્નુકપૂરનો ચહેરો બરાબર ચોખ્ખો એકયુરેટ દેખાયો. પછી મેં ડાબા હાથ વડે ડાબી આંખ બંધ કરી જમણી આંખે જોયું તો આ શું? ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’ જેવી મારી દશા હતી. જમણી આંખેથી અન્નુકપૂરનો ચહેરો સાવ ધૂંધળો દેખાતો હતો. પછી મેં વાંચવાના ચશ્માં પહેરીને ન્યુઝ પેપર લઈને એ જ પ્રમાણેનો પ્રયોગ વાંચવા માટે કર્યો, તો એમાં પણ મારી જમણી આંખે હડતાળ પાડેલી છે, એ વાતની ખબર પડી. મેં ગભરાઈને જીતુને કહ્યું:
- મને દૂરનું જોવામાં અને નજીકનું વાંચવામાં જમણી આંખે થોડી તકલીફ પડે  છે.
- મોતિયો આવ્યો હશે. એમણે અનુમાન લગાવ્યું.
- અત્યારથી મોતિયો ? (મને મારી ઉંમર મોતિયા માટે નાની લાગી)
- અત્યારથી એટલે ? બે વર્ષમાં તો તું ‘સીનીયર સીટીઝન’ થશે.
- ‘સીનીયર સીટીઝન’ થવાથી આવી બધી મુશ્કેલી આવવાની હોય તો મારે નથી થવું સીનીયર સીટીઝન.
- ‘સીનીયર સીટીઝન’ થવું કે ન થવું એ તારા હાથમાં નથી. અને તને ખબર છે, મને તો કેટલી નાની વયમાં (સીનીયર સીટીઝન થવાના વર્ષો પહેલા) બંને આંખમાં મોતિયો આવેલો.
- હા, ખબર છે. પણ મને તો મોતિયો ઉતરાવવાનો બહુ ડર લાગે છે.
- લે, એ તો હવે સાવ ‘માયનોર ઓપરેશન’ છે, એમાં શાનો ડર?
- મારી આંખને કઈ થઇ ગયું તો ? પછી મારા વાંચવા લખવાના શોખનું શું?
- તું નહિ લખે તો કોઈ વાચકને, અને નહિ વાંચે તો કોઈ લેખકને ખાસ નુકસાન જવાનું નથી.
- પણ મને નુકસાન જાય એનું શું?
- બી પોઝીટીવ, તારી આંખને કઈ નહિ થાય.
- તમે ખાતરી આપો છો?
- આંખના ડોક્ટર ખાતરી આપશે. પણ એ માટે તારે આંખ બતાવવા જવું પડશે.
નોર્મલી તો માથું દુખતું હોય તો ‘સેરીડોન’, ખાંસી હોય તો ‘મધમાં સિતોપલાદી ચૂર્ણ’, પેટમાં દુખતું હોય તો ‘અજમો-મીઠું’ , તાવ આવતો હોય તો ‘ક્રોસીન’, ગળામાં દુખતું હોય તો ‘એલ્થ્રોસીન’ કે  મીઠાના ગરમ પાણીના કોગળા’,  જેવા ઘરગથ્થુ ઉપચાર કરીને હું (કદાચ તમે પણ)  અને મારા જેવા ઘણા ચલાવી લે છે. પછી એનાથી ન સારું થાય તો જ આપણે ડોક્ટરને ‘ઓબ્લાઇજ’ કરવા જતા હોઈએ છીએ.
મોટા ભાગેના (અપવાદ બાદ કરતા) ડોકટરો પણ આ વાત જાણતા જ હશે, એટલે ‘હં..અબ આયા ઉંટ પહાડ કે નીચે’ એમ મનમાં બોલીને આપણને પૈસાથી ખંખેરાય એટલા ખંખેરી લે છે. (ફલાણી ટેસ્ટ કરાવવી પડશે અને ઢીકણી ટેસ્ટ કરાવવી પડશે – એમાં પાછું એમનું કમીશન હોય.) સેમ્પલમાં મફતમાં આવેલી દવાના લેવાય એટલા પૈસા લઈને, ‘શું થયું છે’ તે ફોડ પાડ્યા વગર ‘કાલે પાછા બતાવી જજો’, એવું કહી આપણને બોલાવ્યે રાખે, એમાં આપણી કેટલીય કાલ કુરબાન થઇ જાય, અને સાથે પૈસા પણ. છતાં ડોક્ટર અને દર્દીનો સંબંધ ‘ઉનાળાના પંખા’ જેવો હોય છે, ’ચાલુ હોય’ એનાથી  ય તકલીફ અને ‘ચાલુ ન હોય’ એનાથી પણ તકલીફ. જો કે ક્યારેક ડોક્ટર – દર્દીના ‘ઉનાળાના એ. સી.’ જેવા સરસ હુંફાળા સંબંધ પણ હોય છે.
પણ આંખે ઝાંખું દેખાય એ માટે તો આંખના ડોક્ટર પાસે જવા વગર કોઈ ઉપાય જ નહોતો. અમે પણ આંખના ડોક્ટર પાસે ગયા. રીસેપ્શન પર એક મજાની યુવતિએ નામ, ઉમર, રહેઠાણનું સરનામું, ફોન નબર વગેરે વિગતો કોમ્પ્યુટર માં ભરી, એક પ્રિન્ટ આઉટ કાઢી અને કાગળ અંદર ડોક્ટરની કેબીનમાં મોકલ્યો અને અમને બહાર વેઈટીગ રૂમમાં બેસવા કહ્યું. મારા જેવા ઘણા ભાઈ બહેનો, કેટલાક ખુલ્લી આંખે અને કેટલાક આંખમાં દવા મુકેલી હોય ડોક્ટરની સૂચના મુજબ  બંધ આંખે બેઠા હતા.
મારો વારો આવ્યો એટલે મને કેબીનમાં બોલાવી, એક મશીનની બે પટ્ટી વચ્ચે મારી હડપચી અને કપાળ  ટેકવવાનું કહ્યું. પછી  એમણે  નાની છતાં પાવરફુલ ટોર્ચ ની લાઈટ વારાફરતી મારી ડાબી અને જમણી આંખમાં નાખીને જોયું, વારા ફરતી આંખ બંધ કરાવીને બીજી આંખથી  દૂર મુકેલા પાટીયા પરના નાના મોટા અક્ષરો વંચાવ્યા. કાગળમાં કંઈ ‘નોટ ડાઉન’ કર્યું. પછી કહ્યું, ‘તમને જમણી આંખમાં મોતિયાની શરૂઆત છે, ચાર મહિના પછી પાછા બતાવી જજો’  એમની આ વાત સાંભળતા મારા તો મોતિયા જ મરી ગયા. ઘરે આવીને  મેં જીતુને કહ્યું:
- મારી તો બધી જ મહેનત નકામી ગઈ ને?
- શાની મહેનત? 
- કેટલા વર્ષોથી  રોજ ગાયનું ઘી પગના તળિયામાં કાંસાના વાડકાથી ઘસું છું, એ શું કામ લાગ્યું?
- અરે! એના લીધે જ તો તને આટલો મોડો મોતિયો આવ્યો એમ માન.
- પણ મેં તો ધારેલું કે ‘ઘી – પ્રયોગ’ને લીધે મને તો મોતિયો આવશે જ નહિ.
- એમ બધું કઈ આપણું ધારેલું થોડું જ થાય છે? (હસબંડ પાસે ધારેલું કરાવી શકાય આંખ પાસે થોડું કરાવી શકાય?)
 ‘શું હોવું જોઈએ અને શું નહિ’ ની પળોજણ તત્પુરતી પડતી મુકીને હું મારા કામે વળગી. મોતિયો ઉતરાવતા પહેલા મારે કેટકેટલું વાંચવાનું છે અને કેટકેટલું લખવાનું છે, એ વિચારતાં હું ચિંતાથી ઘેરાઈ ગઈ. મારા ન વાંચવાથી કેટલા લેખકો નિરાશ (?) થશે, અને મારા ન લખવાથી કેટલા વાચકો હતાશ (?) થશે, એ વિચારે હું ગંભીર થઇ ગઈ. ‘રાત થોડી ને વેશ ઝાઝા’  એ મારા જેવા જ કોઈ મોતિયાના દર્દીએ આ અવસ્થામાં એટલે કે મોતિયો ઉતરાવવાનો હોય એના થોડા દિવસ પહેલા અનુભવ્યું હશે, એમ વિચારતા મને લાગ્યું.

Wednesday 1 August 2018

આઈ નીડ ચેઇન્જ.


આઈ નીડ ચેઇન્જ.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

દ્રશ્ય-૧:

રીતેષ, આમ સાવ એકલો એકલો અને ઉદાસ કેમ બેઠો છે, બેટા?’
મોમ, આઈ એમ ફીલીંગ વેરી લોન્લી.
ફીલીંગ લોન્લી ? વાય ? હું ધારું છું ત્યાં સુધી તો વોટ્સ એપ તારા ઘણા દોસ્ત છે, ને ? આઈ થીન્ક સો એક જેટલા, કે કદાચ એથી પણ વધારે, એમ આઈ રાઈટ માય સન ?’
યેસ મોમ, મોર ધેન હંડ્રેડ. વોટ્સ એપ પર મારા હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ફ્રેંડ્સ છે.
તો એમાનો કે એમાની એક પણ ફ્રેંડ ઓનલાઈન નથી જેની સાથે ચેટ કરી શકાય ?’
મોમ, ટુ અવર્સથી હું એ લોકોની સાથે ચેટીંગ જ કરતો હતો, બટ નાવ આઈ એમ ફેડઅપ વીથ ધેમ, વાત કરવાનો કંટાળો આવે છે હવે.
અચ્છા ! તો ફેસબુક કેમ ઓપન નથી કરતો ? ત્યાં તો તારા ઈંડીયન અને નોન ઈંડીયન ઘણા ફ્રેંડ્સ છે ને ? એમની સાથે વાત કર, એમણે શેર કરેલી  પોસ્ટ જો, એનાથી તને ચેઇન્જ મળશે.
મમ્મી, વોટ્સ એપ ની સાથે સાથે ફેસબુક પણ ચાલુ જ હતું. ત્યાં પણ ઓલમોસ્ટ બધી જ પોસ્ટ જોઈ લીધી, બધા સાથે  વાતો કરી લીધી. પણ એક ના એક ફોર્વર્ડ્સ અને એક ની એક પોસ્ટ,  હવે બધું બોરિંગ લાગે છે.
તો V See,  Viber,  Hang outs …વગેરે પર જા, કોઈ તો દોસ્ત મળી જ જશે.  
રોજ રોજ ત્યાં પણ કોણ નવરું હોય વાત કરવા ? ને બધે જ બધા એના એ જ ફ્રેંડ્સ અને એની એ જ વાતો તો હોય છે.
તો યાહુ મેસેન્જરમા જા.’
મોમ,  મેં તો.. ઈવન યાહુ મેસેન્જર પર પણ વાત કરી લીધી, નથીંગ ન્યુ ધેર.’
અચ્છા ! તો હવે તને કશુ નવું જોઈએ  છે ?’
હા મમ્મી,  પણ મને સમજ નથી પડતી કે મારે શું કરવું ? આટલા બધા ફ્રેન્ડસ છે તો પણ - આઈ એમ ફીલીંગ લોન્લી, મોમ.
એમાં સમજવા જેવું કંઈ નથી. મોબાઈલ અને કોમ્પ્યુટર ને  બાજુ પર રાખીને તારે સોસાયટીમાં ભેગા થયેલા તારા દોસ્તોને રૂબરૂ મળવાની જરૂર છે. જઈને એમને મળ, સ્માઈલ આપ, શેકહેંડ્સ કર, તાળી આપીને વાત કર, હગ કર, સાથે ચા કોફી પીઓ, નાસ્તો કરો, ગપ સપ કરો, આઉટ ડોર ગેમ્સ રમો, પછી જો તારી આ આઈ એમ ફીલીંગ વેરી લોન્લી  અદ્રશ્ય થઈ જાય છે કે નહીં.’
‘ઇઝ ઇટ સો, મોમ ? ચાલ હું ટ્રાય કરું. જોઊં તો ખરો કે અત્યારે મને મળવા માટે મશીનની  બહાર એટલે કે સોસાયટીમાં કોઈ નવરું એટલે કે ફ્રી છે કે કેમ.’

દ્રશ્ય-૨:

મોના (પત્ની) : તું આમ તૈયાર થઈને ક્યાં જાય છે, મનિષ ?
મનિષ (પતિ) : લાઈટ બીલ ભરવા.
‘કેમ, લેપટોપ નથી ચાલતું ?  ઇન્ટરનેટ કનેક્શન નથી લાગતું ?
‘બધું ચાલે છે, બધું ઓકે છે.’
‘તો પણ તારે લાઈટબીલ ભરવા બહાર જવું છે ? આવા ભર તડકામાં, ખાડા ખોદી નાંખેલા રસ્તા પર, ચાલતા કે સ્કુટર લઈને જતાં તને કંટાળો નહીં આવશે ? ત્યાં લાઈનમાં ઊભા રહેલા લોકોના પરસેવાની ગંધ પ્રત્યે તને અણગમો નહીં આવે ? તારો ટાઈમ વેસ્ટ નહીં થાય ? કાયમ તો તારી જ આવી બધી ફરિયાદોને કારણે તું લાઈટ્બીલ, ટેલિફોન બીલ, પ્રોપર્ટી ટેક્ષ, મેન્ટેનન્સ બીલ વગેરે બધું ઓનલાઈન ભરતો હોય છે, અને આજે હવે કેમ આમ બીલ ભરવા બહાર જવું છે ? સાચું કહે, તું કોઈને મળવા તો નથી જતો ને ?
‘સાચુ કહું તો હું કોઈને મળવા જ જાઉં છું.  બહાર જઈશ તો બે ચાર નવા ચહેરા જોવા મળશે. કોઈ સાથે રૂબરુ બે ચાર વાતો થશે, તો જરા સારું લાગશે. આ ઘરમાં ને ઘરમાં રહીને મોબાઈલ, ટી.વી., વી સી આર, રેડિયો, લેપટોપ વગેરે મશીનોની સાથે કામ કરી કરીને બોર થઈ ગયો છું. સાચું કહું તો - આઈ નીડ ચેન્જ.’
‘એટલે જ અમે લેડિઝ લોકો કીટી પાર્ટી રાખીએ, ઘરની બહાર ઓટલા પરિષદ ભરીએ, એક બીજા સાથે વાટકી વહેવાર કરીએ, લારી પર શાક લેવાને બહાને મળીએ, અને ઘણીવાર મોલમાં કે નાની દુકાનોમાં શોપીંગ કરવા જઇએ. દુકાનદાર સાથે વાતચીત થાય, ભાવતાલ કરીએ તો જરા સારું લાગે, કુછ સમજે જનાબ ?
‘જી બિલકુલ, સમજે ઔર બહુત કુછ સમજે. તમારે એ રીતે ‘એક પંથ દો કાજ’ થાય, કામ નું કામ થાય અને સાથે સાથે મળવાનું પણ થાય, ખરું ને ?’
‘હા,  એટલે જ તો અમારે લોકોને તમારી જેમ કહેવું નથી પડતું કે – આઈ નીડ ચેન્જ.’
‘અચ્છા ? ઠીક છે, તો પછી કેરાલાની ટુર કેન્સલ કરૂ ને ?’
‘અરે ના, ના. આઈ નીડ ચેન્જ, આઈ ઓલ્સો નીડ ચેન્જ.’