Thursday 30 April 2020

પૂરી એક અંધેરી ને ગંડુરાજા.


 પૂરી એક અંધેરી ને ગંડુરાજા.

રશિયામાં સામ્યવાદીઓ રાજ કરતા હતા ત્યારે એમનું એક પ્રતિનિધિમંડળ ભારતના પ્રવાસે આવ્યું. સામ્યવાદીઓ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. પરંતુ આ પ્રતિનિધિમંડળના કટ્ટર નાસ્તિક સભ્યો રશિયા પાછા ફર્યા ત્યારે ચુસ્ત આસ્તિકો થઈ ગયા હતા. ભગવાન પર પૂરો ભરોસો  રાખતા થઈ ગયા હતા. આ જોઈને રશિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. લોકો આ પ્રતિનિધિમંડળના સભ્યોને પૂછવા લાગ્યા, “ આટલા દિવસોમાં  ભારતમાં તમે એવા કયા ચમત્કારો જોયા કે કટ્ટર નાસ્તિકમાંથી પૂરેપૂરા આસ્તિક બની ગયા ? પ્રતિનિધિમંડળે જવાબ આપ્યો, “ભારતનું રાજ્યતંત્ર કે અર્થતંત્ર જે રીતે ચાલી રહ્યું છે તે જોતાં અમને ખાતરી થઈ ગઈ છે કે ચોક્કસ ઈશ્વર નામના તત્વનું અસ્તિત્વ છે, છે અને છે જ, એ વગર આટલો મોટો દેશ ભારત ટકી કઈ રીતે શકે ? 
     
આ લખનારને પણ ભારતદેશ, દેશના નેતાઓ અને એની રાજનીતિ વિશે ભારોભાર આશ્ચર્ય છે. એક તરફ ‘ઝેડ’ કક્ષાની સુરક્ષા મેળવતા નેતાઓ અને એક તરફ આતંકવાદી હુમલાઓમાં કીડી-મકોડાની જેમ મરતાં માણસો. આતકવાદી કસાબને સાચવવા કરોડો રૂપિયાનું આંધણ અને ગરીબી રેખાની નીચે જીવતા આજની મંદીમાં ટપોટપ આપઘાત કરતા માણસો. ભારત સરકાર વિશે વિચારું છું ત્યારે મને આ વાત યાદ આવે છે.

રશિયાના પ્રમુખ જ્યારે ગોર્બોચોવ હતા ત્યારે એક જગ્યાએ એમનું જોરદાર ભાષણ ચાલી રહ્યું હતું. પ્રમુખે ત્યાં હાજર રહેલ જંગી જનમેદનીને સંબોધીને બુલંદ અવાજે કહ્યું, “આવતા વર્ષના અંત સુધીમાં પ્રત્યેક સોવિયેત નાગરિક પાસે પોતાની માલિકીની કાર હશે.” શ્રોતાઓએ એમના આ વિધાનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. પ્રમુખશ્રીએ આગળ બોલતાં કહ્યું, “આવતાં બે વર્ષમાં પ્રત્યેક રશિયન નાગરિક પાસે પોતાની માલિકીનો ફ્લેટ હશે.” ફરીવાર આખો હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઊઠ્યો. પ્રમુખે પોરસાઈને આગળ બોલતાં કહ્યું, “આવતા પાંચ વર્ષમાં દરેક નાગરિક પાસે પોતાની માલિકીનું હેલીકોપ્ટર હશે.” આ સાંભળતા જ સભામાં સન્નાટો છવાઈ ગયો. એક પણ તાળી ન પડી. પ્રમુખસાહેબે આશ્ચર્યથી પૂછ્યું, “કેમ તમને તમારું પોતાનું  હેલીકોપ્ટર હોય તે ન ગમે ?” એક શ્રોતાએ હિંમત ભેગી કરીને ઊભા થઈને પૂછ્યું, “પ્રમુખહેબ, અમે એ હેલીકોપ્ટરનું કરીશું શું ?” એટલે પ્રમુખસાહેબે જવાબ વાળતાં કહ્યું, “કેમ, તમે તમારું હેલીકોપ્ટર લઈને આજુબાજુના દેશોમાં જઈને ત્યાં લાઇનમાં ઊભા રહીને તમારા માટે બ્રેડ ખરીદીને લાવી શકશો.”

ભારત પણ આ બાબતે હવે રશિયાની બરોબરી કરવાના પંથે જઈ રહ્યું છે. મોંઘવારી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. મુંબઈ તો સૌથી મોંઘુ શહેર સાબિત થયું છે. જીવનજરૂરિયાતની અને રોજબરોજની વપરાશની ચીજોના ભાવ આસમાને પહોચ્યા છે. પરંતુ અવનવી કારોના ભાવ ઘટ્યા છે. ભારત સરકાર પણ પોતાની પ્રજાને ગર્વથી કહી શકાશે, “તમારી પોતાની કાર લઈને આજુબાજુની કન્ટ્રીમાં જાવ ને લોટ ને શાકભાજી લઈ આવો.” પોતાની ગાડી લઈને ભીખ માગવા જવાના કિસ્સા તો હજી જોયા નથી પણ  -
ભિખારી : શેઠાણીબા, સાંજનું વાળુ (ખાવાનું) વધ્યું હોય તો આપો.
શેઠાણી : ભઈલા, હજી શેઠ ઘરે આવ્યા નથી તેથી અમે જમ્યાં નથી.
ભિખારી : ઠીક છે, જમી લ્યો પછી ખાવાનું વધ્યું હોય તો મને મોબાઈલ પર ફોન કરજો. આવીને લઈ જઈશ.

ભારત સરકારે માત્ર પેકિંગમાં વેચતા રિફાઇન્ડ તેલો ઉપર જ એક્સાઈઝવેરો લગાવ્યો છે. એટલે હાથલારી ખેંચતા, પાન-બીડી વેચતા, સરકારી કાર્યાલયોમાં કામ કરતા મજુરો કે મિડલક્લાસ લોકોએ હવે મિલમાલિકો કે ધનપતિઓના વાદ કર્યા વિના હવેથી રીફાઇન્ડ તેલ ખાવાનો મોહ છોડી દેવો જોઈએ. “ગુજરાત સરકારના કાયદાને લીધે રાજ્યમાં લુઝ તેલ ન મળે તો પ્રજાએ તેલ ખાવાનો આગ્રહ જ છોડી દેવો જોઈએ. રાજાને ખાતર પ્રજા આટલું ન કરી શકે ?

હજી થોડા વર્ષ પહેલાં પામોલીન તેલ ગરીબોને પોસાય તેવું હતું. પરંતુ આ કારણે પ્રજા વધુ પડતું તેલ ખાઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડે નહિ, એટલા ખાતર ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પામોલીન સહિત તમામ આયાતી ખાદ્યતેલો પર સોમાંથી આઠ બાદ કરતાં જે રહે તે એટલે કે ૯૨% આયાત જકાત લગાવી દીધી.

અમે નાના હતા ત્યારે એક મજાની વાર્તા વાંચેલી. “પુરી એક અંધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.” અંધેરી નગરીના ગંડુરાજાના રાજ્યમાં જે ભાવે ભાજી મળે એ જ ભાવે ખાજાં પણ મળે. એક ગુરુ-શિષ્ય આ નગરીમાં જઈ ચઢ્યા. શિષ્યે જાણ્યું કે લોટના ભાવે જ સુખડી મળે છે, એટલે Exchange offer સ્વીકારીને સુખડી લઈ ખુશખુશાલ ગુરુ પાસે આવ્યો. આજના મોડર્ન યુગમાં પણ કેટલાક ‘મોલ’વાળા ૨૫ રૂપિયે કિલો પસ્તી અને ૫૦ રૂપિયે કિલો જૂનાં કપડાં લઈ લે છે. ને ઘરાકને કૂપન આપે છે. જેનાથી ચારઘણું એણે ખરીદવું પડે છે અને તે પણ મોલવાળાએ નક્કી કરેલી , Selected items જ.  હા, તો  શિષ્ય લોટના બદલામાં સુખડી લઈ આવ્યો પણ ગુરુજી સમજદાર હતા. દૂરનું જોઈ-વિચારી શકતા હતા. એમણે તરત જ શિષ્યને કહ્યું, “આપણે અબઘડી આ નગરી છોડી ચાલ્યા જવું જોઈએ.” ઘણા સમજદાર લોકો ભારતનગરી છોડીને ચાલ્યા પણ ગયા છે. પણ “આટા” ના બદલામાં સુખડીના મોહમાં ફસાયેલા શિષ્યે નગરી છોડવાની નામરજી બતાવી એટલે ગુરુજી એકલા જ નગરી છોડી અન્યત્ર ચાલી ગયા.

થોડા સમય બાદ અંધેરી નગરીમાં એક ડોશીમાને ઘરે એક ચોર ચોરી કરવાના ઈરાદે ભીંતમાં બાકોરું પાડવા ગયો. પણ ભીંત તૂટી પડતાં ચોર દબાઈને મરી ગયો. ચોરની માએ રાજાને ફરિયાદ કરી એટલે ગંડુરાજાએ ડોશીના દીકરાને નબળી ભીંત ચણાવવા બદલ શૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો. ડોશીના દીકરાએ ભીંત ચણનાર મજૂરનો વાંક કાઢ્યો એટલે રાજાએ મજૂરને મૃત્યુદંડ કર્યો. પણ મજૂર પાતળો હતો અને શૂળીને લાયક નહોતો તેથી રાજાએ કોઈ તગડા માણસને શોધી લાવીને શૂળીએ ચઢાવવા હુકમ કર્યો. સુખડી ખાઈ ખાઈને તગડા બનેલા શિષ્યને રાજાના માણસો શૂળીએ ચઢાવવા પકડી લાવ્યા.
શિષ્યને  ‘સંકટ સમયની સાંકળ’ એવા ગુરુજી યાદ આવ્યા, એણે રાજાને પોતાની અંતિમ ઈચ્છા જણાવી એટલે  રાજાએ ગુરુજીને બોલાવી મંગાવ્યા. ગુરુજીએ પરિસ્થિતિ પામી જઈને રાજાને કહ્યું, “આ સમયે જે વ્યક્તિ શૂળીએ ચઢશે એને લેવા સ્વર્ગમાંથી વિમાન આવશે.” અને ગંડુરાજા પોતે શૂળીએ ચઢી ગયો. ભારતના કેટલાય નેતાઓ એવા છે જેમને  શૂળીએ ચઢાવવા પ્રજા તત્પર છે. પરંતુ તેઓ તો સદેહે જ વિમાનમાં વિહરે છે અને ધરતી પર જ સ્વર્ગની તમામ મજાઓ માણે છે. નેતાઓને ક્યારેય મોંઘવારી નડતી નથી. સરકારે કાર, સી.ડી.,એસી, મોબાઈલ સસ્તા કર્યા છે. અને રાંધણગેસ અને કેરોસીનના ભાવોમાં જે રીતે ઉત્તરોઉત્તર વધારો કર્યો છે તે  જોતા લાગે છે કે ભવિષ્યમાં ભારતની પ્રજાને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

પ્રેમિકા : પ્રિયે, મારે એક વાતની સ્પષ્ટતા કરવાની છે કે મને ખાસ રાંધતા આવડતું નથી.
પ્રેમી : વહાલી, તુંય મારી એક સ્પસ્ટતા સાંભળી લ્યે. હું પોતે કવિ છું. એટલે તારે ભાગે ઝાઝું રાંધવાનું આવશે પણ નહિ.                                          

Wednesday 29 April 2020

તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.


તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.


ઘણી વાર એવું બનતું હોય છે, કે પત્નીના મૃત્યુ પછી, એના પ્રત્યેના અગાઢ પ્રેમના કારણે ઘણા યુવાન પતિઓ ફરીવાર લગ્ન નથી કરતાં. કોઈવાર પુત્ર કે પુત્રી પ્રત્યેના અપાર પ્રેમને કારણે  ઘણા વિધુર  પિતાઓ ફરી લગ્ન નથી કરતાં. કુંદનલાલ પણ આવા જ પિતાઓમાંના એક હતાં. પત્નીના મૃત્યુ બાદ એકના એક પુત્ર અનિલને એ સાવકી માના હાથમાં ઉછેરવા નહોતા માગતાં. એટલે યુવાન વયે વિધુર થયા હોવા છતાં, અને વિધુર થયા બાદ પણ ત્રણેક ઘરેથી માંગા આવવા છતાં, એમણે ફરી વાર પરણવાનો ઈન્કાર કર્યો.

એમણે પોતાની તમામ લાગણીઓ અને શક્તિ મા- વિહોણા બાળક અનિલને મોટો કરવામાં લગાડી દીધી. જીવન ધીરે ધીરે રાબેતા મુજબ થાળે પડતું ગયું. પિતા – પુત્રની એક મજાની દુનિયા વસી રહી. અનિલ મોટો થયો, યુવાન થયો, એનું પોતાનું એક લાગણી જગત રચાયું. એમાં એક દિવસ દીપા નામની યુવતિએ પ્રવેશ કર્યો. પિતાને પોતાના મનની તમામ વાતો જણાવતા અનિલે આ વાત પણ એમને  જણાવી. આધુનિક વિચાર ધરાવતા કુંદનલાલે અનિલની પસંદગી સહર્ષ મંજુર રાખી, અને દીપા પુત્રવધૂ બનીને એમના ઘરમાં આવી.
વર્ષોથી સ્ત્રી વિહોણા ઘરમાં એક સ્ત્રીના પ્રવેશથી ઘણું બધું બદલાયું. કુંદનલાલ આ બદલાવ માટે બધી રીતે તૈયાર જ હતાં. આમ પણ અનિલની ખુશીથી વધારે મોટી ખુશી એમને મન બીજી કોઈ નહોતી. એટલે એમણે બધું સાહજિકતાથી સ્વીકાર્યું. અનિલની જોબમાં પ્રમોશન થયું, અનિલે સરસ મજાની કાર લીધી, અનીલે સુખ સગવડના બધા લેટેસ્ટ સાધનો ઘરમાં વસાવ્યા. આવા નાના નાના ખુશીના સમાચારો મળતા રહ્યા અને સમય સારી રીતે પસાર થતો રહ્યો. કુંદનલાલે પણ પુત્ર – પુત્રવધૂને સ્વતંત્રપણે સમય માણવા મળી રહે એ રીતે પોતાનું એક અલિપ્ત જીવન ગોઠવી લીધું.

સવારે ઊઠીને પોતાની ચા જાતે બનાવી લેવી, પોતાની રૂમમાં શાંતિપૂર્વક ધ્યાન કરવું. નાહીને મંદિર સુધી આંટો મારી આવવો, વળતાં ઘરે આવતાં દીપાને પૂછીને જોઈતાં શાક ભાજી અને  ફળો લેતા આવવું. આવીને દીપા જમવા બોલાવે ત્યાં સુધી સદવાચન કરવું. જમીને થોડીવાર રૂમમાં ટહેલવું. સાંજે બગીચામાં આંટો મારવો અને પોતાની ઉમરના દોસ્તો સાથે ગપસપ કરવી. આવીને અનિલ સાથે  થોડી ઘણી વાતોની આપ લે કરવી,  સાંજનું હળવું ભોજન લેવું. રૂમમાં આવીને માળા કરવી અને વહેલા સૂઈ જવું. લગભગ આ જ એમનો હંમેશનો જીવન ક્રમ.

વિધુર થયા બાદ આટલા વર્ષોમાં કુંદનલાલને ખુશીના સમાચાર તો ઘણા મળ્યા, પરંતુ અંતરમાં સાચો ઊમળકો જગાવે એવા સમાચાર  તો આજે જ મળ્યા, અને તે  પૌત્ર જન્મની વધાઈના સમાચાર. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે  એ વાત આજ સુધી એમણે માત્ર સાંભળી જ હતી. પણ એ વાત એમણે ત્યારે અનુભવી, જ્યારે પુત્રવધૂ દીપા નાનકડા નિહાલને લઈને હૉસ્પિટલમાંથી ઘરે આવી.
નાનકડા બાળકને રમાડવા આવનાર સૌનો એક સવાલ તો લગભગ કોમન જ હોય છે, બાબો કોના જેવો દેખાય છે?’ ખરી વાત તો એ છે કે તાજું જન્મેલું બાળક ઘણી વાર દર્શનપ્રિય નથી હોતું. પણ વાંદરા જેવો દેખાય છે એમ તો કહેવાય નહીં, એટલે મમ્મીના તરફના સગા મમ્મી જેવો’,  અને પપ્પાના સગા પપ્પા જેવો એવું ગપ્પું મારી મૂકે. અહીં મને એક જોક યાદ આવે છે:

રમેશ: તને જોઈને કોઈ પણ કહી શકે કે આપણા પૂર્વજો વાંદરા હતા.
મહેશ: અને તને જોઈને કોઈ પણ કહી શકે કે માણસ આજે પણ વાંદરો જ છે.

જે હોય તે પણ હવે દાદા બનેલા કુંદનલાલના જીવનક્રમમાં ફેરફાર થયો હતો. રગશિયા ગાડાની જેમ ચાલતા જીવનમાં હવે નિહાલ રૂપી આનંદનો ઉમેરો થયો હતો. નિહાલને નિહાળવામાં એમનો દિવસ ક્યાં પસાર થઈ જતો તે ખબર  પણ પડતી નહીં. પણ કહેવત છે ને કે દિવસ પછી રાત આવે છે અને  સુખ પછી દુ:ખ આવે છે   કુંદનલાલના જીવનમાં પણ કંઈ આવું જ બનવા માંડ્યું. એમનો આ આનંદ ઝાઝો ટક્યો નહીં. એમાં વિષાદનો ઉમેરો થયો અને વિષાદનું કારણ હતું દીપાઅને અનિલનું વર્તન, કુંદનલાલ સાથેનું નહીં પણ નાનકડા નિહાલ સાથેનું વર્તન.  

દીપા અને અનિલનુ નિહાલ સાથેનું એમેચ્યોર વર્તન જોતાં કુંદનલાલને મનોમન થતું, મા-બાપ બનવાના પણ ક્લાસીસ હોવા જોઈએ અને એક્ઝામ પણ હોવી જોઈએ.જે પતિ–પત્ની આ પેરેન્ટ્સહૂડ્ની પરીક્ષામાં પાસ થાય એમને જ મા-બાપ બનવાની પરમિશન આપવી જોઈએ. અને જે લોકો પરમિશન વગર પેરેન્ટ્સ બને એમને ભારે માં ભારે સજાની જોગવાઈ હોવી જોઈએ. પણ આ તો થયાં કુંદનલાલનાં વિચારો. દીપા – અનિલને જ્યારે જ્યારે એમણે આ સમજાવવાની કોશિશ કરી ત્યારે ત્યારે અનિલે  સંભળાવ્યું, પપ્પા, તમે મને ઉછેર્યો એ વાત બરાબર. પણ ત્યારે જમાનો જુદો હતો અને હવે જમાનો જુદો છે. તમને આજના જમાનાની શું ખબર?’ કુંદનલાલ કંઈ વધુ કહેવા ગયા તો અનિલે કહી દીધું, પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં અને કુંદનલાલ ચુપ થઈ ગયાં.

નિહાલની પ્રથમ વર્ષગાંઠ ખુબ ધામધુમથી ઊજવી. મોંઘામાંનો બેંક્વેટ હોલ ભાડે રાખ્યો. મોડર્ન ટાઈપનું ડેકોરેશન,  જાતજાતની વાનગીઓ વાળી મોંઘી ડીશનું આયોજન,  ડી. જે. નું લાઉડ સંગીત.  બધાં આમંત્રિત મહેમાનોએ દીપા અનિલની વાહ વાહ બોલાવી.  અને જેનું ફંક્શન હતું એ નિહાલ? આ ભીડ અને ઘોંઘાટ્થી ડરીને, ગભરાઈને ખુબ રડ્યો. કુંદનલાલની કેટલી કાકલૂદી પછી દીપા અનિલે નિહાલને ઘરે લઈ જવાની રજા આપી.  કુંદનલાલ એને ઘરે લઈ આવ્યા. મહેમાનોને વળાવીને દીપા અનિલ મોડેથી ઘરે આવ્યા ત્યારે નિહાલ દાદાની નિશ્રામાં શાંતિથી સૂઈ ગયો હતો.

બીજા દિવસે અનિલને જુદી જુદી સ્કુલોના ફોર્મ ભરતો જોઈને કુંદનલાલે એને પૂછ્યું, શેના ફોર્મ્સ ભરી રહ્યો છે, બેટા?’ ત્યારે અનિલે એમને કહ્યું, નિહાલને માટે સ્કુલ એડમિશનના ફોર્સ ભરી રહ્યો છું, પપ્પા 
અત્યારથી?’  કુંદનલાલે આશ્ચર્યથી પૂછ્યું.
પપ્પા, આપણે તો ઘણા મોડાં છીએ. મારા ફ્રેન્ડ દીપેને તો જે દિવસે એને ત્યાં બેબી આવી એ જ દિવસે જુદી જુદી ચાર સ્કુલોમાં ફોર્મ્સ ભરી દીધા હતાં
ઓહ!  મને લાગે છે કે એક જમાનો એવો પણ આવશે જ્યારે બાળકનો જન્મ થવાનો હશે એ પહેલાં જ સ્કુલોમાં ફોર્મ્સ ભરવાં પડશે. કુંદનલાલે નિસાસો નાખતાં કહ્યું અને પછી ઉમેર્યું, અમારા જમાનામાં તો ૬ થી ૭ વર્ષે બાળકને સ્કુલમાં દાખલ કરતાં
એ જમાનો ગયો, પપ્પા. હવે જો એવું કરવા જઈએ તો આપણું બાળક પછાત જ રહી જાય. અનિલ બોલ્યો.
દીપા અને અનિલે ફોન પર વાતો કરી કરી ને અને જાતે પણ દોડાદોડી કરીને, ભારે ડોનેશન આપીને,  નિહાલને ઘરથી આઠ કીલોમીટર દૂર  આવેલા કોઈ પ્લે ગૃપમાં દાખલ કર્યો. કુંદનલાલે દીપા અનિલને ઘણું વાર્યા, આટલા નાના બાળકને બોલવા ચાલવા અને કુદરતી હાજતનું ભાન ન હોય એને શા માટે સ્કુલમાં દાખલ કરો છો? એને બેઝિક જ્ઞાન આપણે જાતે જ ઘરે ન આપી શકીએ? પણ નિહાલને શહેરની નંબર વન ફેમસ સ્કુલમાં એડમિશન મળવાથી હરખ પદૂડાં થયેલાં દીપા અનિલ બોલ્યા, તમને આમાં કંઈ ખબર ન પડે, તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા. અને કુંદનલાલ ચુપચાપ જુની આંખે નવો તમાશો જોઈ રહ્યા. સવાર સવારમાં અર્ધી ઊંઘેથી ઊઠીને આંખો ચોળતો કે ક્યારેક રડતો રડતો નિહાલ સ્કુલમાં જતો અને કુંદનલાલ આંખો બંધ કરી નિસાસો નાંખતા, તો દીપા બોલતી, હાશ ! હવે બે કલાક હું છુટ્ટી ! 

પછી તો નિહાલ નર્સરીમાં આવ્યો, જુનિયર કે.જી. અને પછી સિનિયર કે.જી. દીપા અને અનિલ તો એમની આ નિહાલ નામની પ્રોપર્ટીના સમગ્ર વ્યક્તિ વિકાસના પ્રોજેક્ટમાં આદુ ખાઈને, ના ના આદુ નહીં – પીઝા ખાઈને મંડી પડ્યા હતાં. કોઈ પણ મહેમાન ઘરમાં આવે એટલે, નિહાલ બેટા, અંકલને બા બા બ્લેકશીપ સંભળાવો,   A B C D , 1 2 3 4 , બોલી બતાવો, ડાન્સ કરી બતાવો, આંટીને તારા ડ્રોઈંગ્સ દેખાડો. શરૂઆતમાં તો નિહાલ આનાકાની પણ કરતો. પણ પછી મમ્મીની ધાક ધમકીથી ચાવી દીધેલાં રમકડાંની જેમ શરૂ થઈ જતો. કુંદનલાલ વ્યથિત હૃદયે આ તમાશો જોતાં અને ન સહેવાય ત્યારે રૂમમાં જઈ પોતાની જાતને બંધ કરી લેતાં.

નિહાલ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ દીપા અનિલની  એની પાસેથી ભણતરમાં   Grade ની અપેક્ષા વધતી જ ગઈ. નિહાલ પણ એમને ખુશ રાખવા પોતાની મરજી વિરુધ્ધ જઈને પણ ખુબ મહેનત કરતો. દીપા અનિલ કહેતાં, અમારો નિહાલ બહુ જ બ્રિલિયન્ટ અને ઈંટેલીજન્ટ છે. અમારે એને ડૉક્ટર જ બનાવવો છે. કુંદનલાલ આ સાંભળતાં ત્યારે મનોમન કહેતાં, હા, તમારે મન તો નિહાલ તમારી માલિકીની એક ચીજ જ છે ને. જેમ બીજા  લોકો નક્કી કરે કે અમારે ફર્નિચર તો સાગના લાકડાનું જ બનાવવું છે, એમ તમે લોકે નક્કી કર્યું કે અમારે નિહાલને તો ડૉક્ટર જ બનાવવો છે, કદી એની મરજી પૂછી છે?’ પણ તેઓ ચુપ જ રહેતાં, કારણકે એમને ખબર હતી કે પોતે કશું પણ કહેવા જશે તો દીપા અનિલ એમને આ જ કહેવાના, પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં

નિહાલનું બાળપણ ભણતરના બોજ સાથે પત્યું. એની ઉંમરના અન્ય બાળકો રમતાં હોય, ફરતાં હોય, મોજ મસ્તી કરતાં હોય, ત્યારે આપણો ભાવિ ડૉક્ટર નિહાલ સાયન્સ અને મેથ્સ ના સર સાથે માથાં ખપાવતો હોય. અનિલને એના બીઝનેસ અને દીપાને એની ક્લબ – કીટી પાર્ટીઓ, સોશીયલ એક્ટીવીટીમાંથી નિહાલ માટે સમય ન બચતો. પણ નિહાલ માટે એમણે જડબે સલાક ટ્યુશનો ગોઠવી દીધા હતાં.કુંદનલાલે એક બે વાર બન્નેને કહ્યું પણ ખરું, ભગવાને આવો સારો દીકરો આપ્યો છે, તો થોડો સમય એની સાથે પણ વીતાવો  પણ દીપા અનિલનું તો એક જ બ્રહ્મવાક્ય, તમે તો કશું બોલશો જ નહી,  પપ્પા. 
કુંદનલાલને એક વ્યાખ્યાનમાં સાંભળેલી વાત યાદ આવતી, :
અત્યંત ધનવાન રોશનશેઠ માંદા પડ્યા,  અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. સરસ મજાની ફાઈવસ્ટર હોસ્પિટલ હતી. નીટ એન્ડ ક્લીન રુમ,  અને ફ્લાવર વોઝમાં સજાવેલાં ફુલોથી  સુગંધીદાર રૂમ. એકદમ ડીસન્ટ ડૉક્ટર્સ અને સુંદર યુવાન નર્સો. જે કોઈ ખબર કાઢવા આવતું તે આ બધું જોઈને દંગ રહી જતું. ત્યાં એક દિવસ રોશનશેઠના બાળપણના દોસ્ત રસિકભાઈ મળવા આવ્યા, બોલ્યા, વાહ રે ભેરુ, શું ઠાઠ છે તારો?   કહેવું પડે ભાઈ.  અને આંખમાં પાણી સાથે રોશનશેઠે રસિકભાઈ ને મનની વાત કહી જ દીધી, રસિક, આ હોસ્પિટલ સરસ છે, સ્ટાફ પણ ખુબ વિવેકી છે, બધું જ સરસ છે, પણ મને અહીં એકલતા લાગે છે.  તું મારા પુત્ર સાહિલને કહે ને કે એ દર રોજ થોડો સમય કાઢીને મારી પાસે અર્ધો કલાક બેસે.
જરૂર કહીશ,’ રસિકભાઈએ પોતાના દોસ્ત રોશનશેઠને સાંત્વન આપ્યું. જ્યારે રસિકભાઈએ સાહિલને આ વાત કહી ત્યારે સાહિલે માત્ર એમને આટલું જ કહ્યું, રસિક અંકલ, હું જ્યારે નાનો હતો, ત્યારે મને પપ્પાના સાથની ખુબ જરૂરત હતી. ત્યારે પપ્પાને મારા માટે સમય નહોતો, હવે મારી પાસે પપ્પા માટે સમય નથી, . હિસાબ એકદમ ચોખ્ખો છે.  એમણે નાનપણમાં મને આયા વડે ઊછેર્યો, હવે હું એમને ઘડપણમાં નર્સ વડે સાચવું. માટે તમે પાસે બેસવાની વાત ન કરશો, એ સિવાય કહો તે કરવા તૈયાર છું
નિહાલને લઈને કુંદનલાલના મગજમાં સેંકડો વિચારો આવતાં અને શમી જતાં હતાં. કેમ કે એમને ઘરમાં બોલવાની સ્વતંત્રતા નહોતી. નિહાલ બારમામાં આવ્યો અને ઘરમાં જાણે બોર્ડની એક્ઝામ નામનું સુનામી વાવાઝોડું આવ્યું. સુનામી તો થોડા સમયમાં શમી ગયું હતું, પણ આ વાવાઝોડું તો આખું વર્ષ ચાલ્યું. દીપા અનિલ તરફથી ઘરમાં ટી.વી., રેડિયો,વીડીયો અરે મોટેથી બોલવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી.  નિહાલને વાંચવામાં ડીસ્ટર્બ ન થવું જોઈએ. નિહાલને ખાવામાં પણ રીસ્ટ્રીક્શન લાદવામાં આવ્યું. બહારનું નહીં ખાવાનું – તબિયત બગડે, ભાત નહીં ખાવાના – ઊંઘ આવે, કોઈના ઘરે કે પાર્ટીમાં નહીં જવાનું – ટાઈમ બગડે. બસ – વાંચો વાંચો અને વાંચો જ. આ બધી પાબંદીઓથી નિહાલ અંદરથી સખત રીતે ત્રાસી ગયો હતો, પણ મમ્મી – પપ્પા આગળ.. No Arguments. કુંદનલાલ તો બિચારા બને ત્યાં સુધી પોતાની રૂમમાં જ પૂરાઈ રહેતાં. સાંજે ગાર્ડનમાં જતાં તે રાત્રે જ ઘરે આવતાં.
એમ ને એમ  પરીક્ષાઓ આવી અને પતી પણ ગઈ. નિહાલની સાથે સાથે કુંદનલલને પણ હાશ થઈ. પણ દીપા અનિલ?  જોઈએ રીઝલ્ટ કેવું આવે છે  કહીને નિરાંતની અને આનંદની પળોને પણ ચૂંથી કાઢતાં. એક દિવસ આવ્યો જ્યારે રીઝલ્ટ હતું. દીપા અનિલ ખુબ જ ટેંશનમાં હતાં. બન્નેના હાર્ટબીટ્સ માપો તો એબનોર્મલ આવે અને બ્લડપ્રેશર માપો તો હાઈ આવે. સમય થયો એટલે નિહાલ સ્કુલમાં રીઝલ્ટ લેવા ગયો. કુંદનલાલ નિહાલને ગીફ્ટ આપવા એનો ફેવરીટ પિયાનો લેવા ગયાં. આવીને એમને પિયાનો પલંગ નીચે છુપાવી દીધો કે જેથી નિહાલને સરપ્રાઈઝ આપી શકે. પિયાનો જોઈને નિહાલ કેવો ખુશ થશે એ વિચારે કુંદનલાલના હોઠ પર સ્મિત આવી ગયું.

નિહાલ રીઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો સાવ ઊતરી ગયો હતો.ધાર્યા હતા ૯૦% અને આવ્યા ૬૫%. દીપા અનિલના તો જાણે બારે વહાણ ડૂબી ગયાં.ઘરમાં કોઈ સ્વજનનાં મૃત્યુ જેવું વાતાવરણ છવાઈ ગયું. નિહાલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કુંદનલાલે એને બાથમાં લઈને સાંત્વન આપ્યું. નિહાલ બોલ્યો, દાદાજી, હવે મને મેડિકલમાં એડમિશન નહીં મળે. કુંદનલાલે એના માથે હાથ ફેરવતાંકહ્યું, કંઈ નહીં બેટા, એ સિવાય પણ કેરિયર બનાવવા માટે ઘણી લાઈનો છે.
આ સાંભળીને દીપા અનિલ બન્ને ઊકળી ઊઠ્યા, તમારા લાડ પ્યારે જ એને બગાડ્યો છે. પપ્પા, આટલા ટકાએ તો એને આર્ટ્સમાંય એડમિશન નહીં મળે. પણ અત્યારે તમે લોકો... કુંદનલાલ દીપા અનિલને  કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ બન્ને બોલી ઊઠ્યા, તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા. આ સાંભળીને નિહાલ આંસુ લૂછતો પોતાની રૂમમાં જતો રહ્યો અને કુંદનલાલ ભગ્ન હ્રદયે પોતાની રૂમમાં જતાં રહ્યાં. અનિલ ઓફિસ ચાલ્યો ગયો અને  ખાવાનું પણ રઝળી પડ્યું.

સાંજે દીપાએ કુંદનલાલને સાદ પાડીને બોલાવ્યા ત્યારે જ એ રૂમની બહાર આવ્યા. દીપાએ કહ્યું, જુઓને પપ્પા, ક્યારની બોલાવું છું પણ નિહાલ જવાબ જ નથી આપતો. કેટલા બારણા ખખડાવ્યાં પણ દરવાજો જ નથી ખોલતો. આ સાંભળતાં જ કુંદનલાલને ધ્રાસ્કો પડ્યો. એમણે પણ નિહાલને જોર જોરથી બૂમો પાડી,  બારણાં ખખડાવ્યાં પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. છેવટે અનિલને ઓફિસેથી બોલાવ્યો. એણે બારણાને ખુબ જોરથી ધક્કો માર્યો, આગળો તૂટી ગયો અને બારણા ખુલી ગયાં.
નિહાલની લાશ રૂમના પંખા પર લટકતી હતી. નિહાલને ભલે મેડિકલમાં એડમિશન ન મળ્યું પણ એણે તો સ્વર્ગની લાઈન પકડી લીધી હતી, હવે એના મમ્મી પપ્પાને એના એડમીશનનું કોઈ ટેન્શન નહોતું. દીપા અનિલ તો  નિહાલની લાશ જોઈ ફસડાઈ પડ્યા અને આક્રંદ કરવા લાગ્યા.કુંદનલાલ એમની રૂમમાં જઈને પિયાનો લઈ આવ્યા, એમની આંખોમાંથી ટપકેલાં આંસુથી ગીફ્ટ પેપરનો લાલ રંગ રેલાઈ રહ્યો જે એમની આંખોમાં ફેલાઈ રહ્યો. એ ચિત્તભ્રમની દશામાં બબડ્યાં,’ જુઓ દીપા – અનિલ, તમારો ભાવિ ડૉક્ટર દીકરો કેવો શાંતિથી સૂતો છે. હવે તમને એનું કોઈ ટેંશન નથી. આ વખતે બે માંથી કોઈ બોલ્યું નહીં, પપ્પા,તમે તો કશું બોલશો જ નહીં.

(સંતાનોની કેરિયર માટે એમની પાછળ આદુ ખાઈને મચી પડતાં મા–બાપો ને આ લેખ એક ખાસ ભેટરૂપે)


રાજીવરત્ન શ્રી રાહુલગાંધીને પત્ર


રાજીવરત્ન શ્રી રાહુલગાંધીને પત્ર   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

આદરણીય શ્રી રાહુલભાઈ,

ઘણા વખતથી તમને પત્ર દ્વારા ચુંટણીની જીતના અભિનંદન પાઠવવા વિચારતી હતી તે છેક આજે ટાઈમ મળ્યો. સૌ પ્રથમ તો ભારતની પ્રજા તરફથી તમને હાર્દિક અભિનંદન ! મને તમારી સકારાત્મક ચૂંટણી પ્રચારની રીત ખૂબ જ ગમી. જોકે તમે પ્રચાર દરમિયાન કોઈ જોરદાર કે અસરકારક સૂત્ર અમને આપ્યું નહિ. તમારા પપ્પાને હિંદી બરાબર નહોતું આવડતું એટલે એમણે (રાજીવજીએ)  “હમેં દેખના હૈ... હમ દેખેંગે” જેવું નબળું સૂત્ર આપ્યું હતું. પરંતુ તમારાં નાનીમા ઈન્દિરાજીએ તો “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” અને “ગરીબી હઠાવો” જેવાં બે જોરદાર સૂત્રો આપેલાં. ખેર ! તમે જ્યારે વડાપ્રધાન બનો ત્યારે અમને કોઈ જોરદાર સૂત્ર જરૂર આપજો. તમારું તો હિંદી સારું છે એટલે અમને તમારી પાસે ઘણી આશા છે.
બીજી એક વાત તમને ખાસ કહેવાની છે, રાહુલભાઈ તે એ કે તમારા ફાધર રાજીવજીએ સુરક્ષાકવચ તોડ્યું અને પોતાની જાત ખોઈ. તમારાં નાનીમા ઇન્દિરાગાંધીને એમના જ સુરક્ષાદળના એક જવાને ગોળી મારી અને કમોતે માર્યા – એટલે પ્લીઝ, તમે તમારી સુરક્ષાનો પૂરેપૂરો ખ્યાલ રાખજો, જેથી અમારે ફરીથી એક હોંશિલા, તરવરિયા અને યુવાન આશાસ્પદ નેતાને ખોવાનો વારો ન આવે.

રમેશ : (ચૂંટણીના ઉમેદવાર છગનને) આપ ચૂંટણી જીતશો તો શું કરશો ?
ઉમેદવાર છગન : એના કરતાં મને વધારે ફિકર હું ચૂંટણી હારીશ તો શું કરીશ એની છે.

ચૂંટણી લડતા દરેક ઉમેદવારને હોય છે એવી ફિકર તમને પણ થઈ જ હશે, ખરુંને રાહુલભાઈ ! Defeat is not when you fall down,  defeat is when you refuse to get up. હાર પડી જવામાં નથી પણ પડીને પાછા ઊઠવાનો ઇન્કાર કરવામાં છે. તમે ગયા વખતે ચૂંટણી હારેલા પણ પછી જોરદાર તૈયારી કરીને પૂરેપૂરી માનસિકતાથી ઝુકાવ્યું  અને આ વખતે ઝળહળતી ફતેહ મેળવી. બ્રેવો ! અભિનંદન !

પ્રસૂતિ અને ચૂંટણી ! રિઝલ્ટ આવ્યા પછી જ કંઈ નક્કર કહી શકાય. આ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને કોંગ્રેસ જીતી એટલે એનું એનાલિસીસ ચાલુ થઇ ગયું. અહીં એની વાત જણાવું છું. અમારા જગદીશકાકાએ કહ્યું, “ જે નેતા ઝૂંપડપટ્ટીમાં જાતે જઈને ગરીબોના ખબર-અંતર પૂછે, એમની સાથે ઊઠે-બેસે-ખાય-પીએ તે નેતા અચૂક ચૂંટણીમાં જીતે.” અમે પૂછ્યું, “એનું શું કારણ, જગદીશકાકા ?”  તો એમણે કહ્યું, “અભણ લોકોની જાગૃતિ અને ધીરજ અને ભણેલાઓનું અજ્ઞાન અને આળસ.” વળી એમણે ઉમેર્યું, “અમારા બિલ્ડિંગમાં ૪૨ જણમાંથી ૨ જણ વોટ આપવા ગયા અને મારી કામવાળી, રસોઇવાળી અને ડ્રાઇવર સવારમાં વહેલા જઈને વોટ આપી આવ્યાં અને ડયુટી પર હાજર થઈ ગયાં.” એમણે તમારી ઝૂંપડપટ્ટીની મુલાકાતને તમારી સફળતાનું કારણ આપ્યું.

તો મુંબઈના જાણીતા ન્યૂમરોલોજિસ્ટ (અંકશાસ્ત્રી) સંજય બી.જુમાનીએ તમારા જ્વલંત વિજયનું રસમય તારણ કાઢ્યું. એમના કહેવા પ્રમાણે ૯મી ડિસેમ્બરે જન્મેલા તમારા મમ્મી સોનીયાજીનો જન્માંક ૯ છે. એમને અત્યારે ૬૩મું  વર્ષ ચાલી રહ્યું છે. (સ્ત્રીની ઉંમર કહેવાય કે પુછાય નહીં, પણ અહીં એનો ઉલ્લેખ જરૂરી છે) તો ૬ + ૩ = ૯ ! સોનિયાજીના સ્પેલિંગને આંકમાં ફેરવો તો થાય છે ૩૬. ફરીથી ૩ + ૬ = ૯ !  ટૂંકમા ત્રણે ત્રણ  રીતે અંકશાસ્ત્ર સોનિયાજીની તરફેણમાં છે, એટલે ચૂંટણીમાં તેમનો – તમારો વિજય થયો. “ખુદા દેતા  હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ” મતદારોએ મત આપ્યા તો મન મૂકીને આપ્યા છે. હવે આપવાનો વારો તમારો છે, તમે અમને ભૂલશો નહિ. “રાજકારણી એટલે ભ્રષ્ટાચારી” એ પરંપરા હવે તમારે જ બદલવાની છે.

એરોપ્લેનમાં છગનની બાજુમાં બેઠેલા અમેરિકન જ્હોને બડાશ મારતાં કહ્યું, “અમારે ત્યાં એક મજૂર દર મહિને ઓછામાં ઓછા ૫ હજાર ડૉલર કમાઈ લે. એમાંથી ૪ હજાર ડૉલર ખર્ચ કરે અને એક હજાર ડૉલર બચાવે.” છગને ઇંતેજારીથી પૂછ્યું, “અચ્છા ? તો એ બચાવેલા એક હજાર ડૉલરનું શું કરે ?” જ્હોને કહ્યું, “અમારે ત્યાં લોકોની પ્રાઇવેટ મેટરમાં કોઈ માથું ન મારે.” છગને કહ્યું, “અમારે ત્યાં મજૂર કે કારકૂન ખાસ નથી કમાતા પણ અમારા નેતા સંસદસભ્ય કે ધારાસભ્ય થાય એ દર મહિને એક લાખ રૂપિયા કમાય અને એક કરોડ રૂપિયા ખર્ચે છે.” “એક લાખની કમાણી અને એક કરોડનો ખર્ચ ? તો બાકીના રૂપિયા એ લોકો લાવે ક્યાંથી ?” જ્હોને આશ્ચર્યથી પૂછ્યું. છગને કહ્યું, “અમારે ત્યાં સરકાર કોઈ પણ નેતાની પ્રાઇવેટ બાબતમાં દખલગીરી કરતી નથી.”

આ તો એક હળવી રમૂજ છે. પણ તમે એને હળવાશથી લેશો નહિ. કેમ કે ચૂંટણી જીતવા કરતાં પણ રાજ ચલાવવું અઘરું કામ છે. ઘણા લોકોને અહીં ઝાઝી ગતાગમ નથી. એમને મન તો બે જ પક્ષો છે. કોંગ્રેસ અને ભાજપ. જે એકબીજાના કટ્ટર વિરોધી છે. પણ તમે તો જાણતા જ હશો કે સત્તાપક્ષના સેંકડો વિરોધીઓ ફૂટી નીકળે છે. તમારે તો લોકોના દિલ અને સહાનુભૂતિ જીતવાનાં છે. “દર્દીની નાડ પારખે તે સાચો વૈદ અને પ્રજાની મનોદશા પારખે તે સાચો નેતા.”

તમારામાં અમને એક સાચા નેતાનાં દર્શન થયાં છે. ૧૯૮૪ના શીખોની કત્લેઆમના સાઝીદાર ગણાતા જગદીશ ટાઇટલર અને સજ્જનકુમારને નિર્દોષ જાહેર કરીને કોંગ્રેસી ઉમેદવાર તરીકે તમે પસંદ કર્યા. પણ ગૃહપ્રધાન ચિદમ્બરમ પર જોડો ફેંકીને શીખોએ વિરોધ પ્રદર્શિત કર્યો. તમે સમયસર ચેતી જઈને એ બંનેની ઉમેદવારી રદ કરી તે ડહાપણનું કામ કર્યું  ને દિલ્હીની તમામ બેઠકો જીત્યા. મને તમારી એટલે કે મનમોહનસિંહની મુત્સદ્દીગીરી માટે માન થયું -  શ્રીલંકાના બનાવથી.  
શ્રીલંકામાં તામિળવ્યાઘોના ચુંગાલમાં નિર્દોષ તામિલો ફસાઈ ગયા ત્યારે એમની સલામતી માટે તમિલનાડુમાં જબરો ઉહાપોહ થયો હતો. પી.એમ.કે, એમ.ડી.એમ.કે. જેવા કટ્ટરપંથી પક્ષે કોંગ્રેસનો છેડો ફાડી નાખ્યો ને જયલલિતાએ શ્રીલંકાના વિભાજનની માંગણી કરી, પણ મુત્સદ્દી મનમોહનસિંહે કહી દીધું કે “પારકા પ્રદેશમાં લશ્કરી ચંચુપાત કરવાનું યોગ્ય નથી.” આપણા વિદેશમંત્રી પ્રણવ મુખરજીએ પણ સમતુલા જાળવી એમને ટેકો આપ્યો. આ બનાવથી પ્રભાવિત ભારતની જનતાએ નીરક્ષીર વિવેક દાખવી તમને મબલક મતો આપ્યા.

રાહુલભાઈ,ડાબેરી પક્ષોએ મનમોહનસિંહને આર્થિક વિકાસના પાયારૂપ અમેરિકાના અણુકરાર વખતે જે બ્લેકમેઈલ કરીને પરેશાન કરી મૂક્યા તે મને જરાય નહોતું ગમ્યું. પણ શું થાય “ગામ હોય ત્યાં ઉકરડો તો રહેવાનો જ” હશે ! “ભેંસના શીંગડા, ભેંસને ભારી” એ બધા હવે પેટ ભરીને પસ્તાતા હશે. બાકી ગુજરાતમાં નરેન્દ્ર મોદી, બિહારમાં નીતિશકુમાર અને દિલ્હીમાં મનમોહનસિંહ સિવાય કોઈ નેતાને દેશની આર્થિક સધ્ધરતામાં રસ હોય એવું લાગતું નથી. બધાને પોતપોતાની ખીચડી પકાવવામાં રસ છે અને મલાઈદાર ખાતા પડાવી લેવાની પડાપડી છે.

“Never think before you speak”  મતલબ કે “સમજ્યા વિચાર્યા વગર ભસી મરો” વાળા બિહારના લાલુજી ચૂંટણીમાં ઊંધા માથે પછડાયા છે. રામવિલાસ પાસવાન ફક્ત વાણીવિલાસના પાસવાન પુરવાર થયા છે. કાશ ! બિહારની બેઠકો ભાજપના બદલે તમને મળી હોત. ખેર ! “Better luck next time”  “બે ની લડાઈમાં ત્રીજો ફાવે” એ મુજબ યુ.પી.માં આઝમખાન અને અમરસિંહની લડાઈનો લાભ તમને મળ્યો એ સારી વાત છે. મહારાષ્ટ્રની વિચારશીલ પ્રજાએ પણ “મરાઠી માણસ” ના કન્સેપ્ટને ફગાવી દઈ કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે. ચારેકોર તમારો જયજયકાર છે રાહુલભાઈ.

“ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે” એ વાત છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાદેશિક પક્ષોનો સહકાર લેવામાં તમને બરાબર યાદ રહી ગઈ હશે. હવે તમારી જીત બાદ એ બધાં મિયાંની મીંદડી બનીને તમને સહકાર આપવા પડાપડી કરી રહ્યા છે, એ જોઇને યાદ આવે છે કે ‘સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન.”  નરેન્દ્ર મોદીની જ વાત લઇ લ્યો ને. ૨૦૦૭માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, ડાબેરીઓ, લાલુઓ, પાસવાનો બધા જ આદુ ખાઈને નરેન્દ્ર મોદીની પાછળ લાગી ગયેલા. મીડિયામાં એમને બદનામ કરવાની એકે તક નહોતી છોડી. પરિણામે લોકોની સહાનુભૂતિ એમના તરફ વળી અને એમને અઢળક મત મળ્યા.

બરાબર એવું જ આ ૨૦૦૯ ની લોકસભાની ચૂંટણીમાં તમારી સાથે થયું ને તમે જીતી ગયા. તમે ચૂંટણી ભલે જીત્યા રાહુલભાઈ, પણ મને તમારી કોંગ્રેસમાં તમારા જેવા જુસ્સાવાળા બીજા કોઈ ખાસ નેતા દેખાતા નથી. એટલે હવે જ તમારું કામ કપરું થવાનું છે. તમારી નાનીમાનું સૂત્ર, “કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ ખાસ યાદ રાખીને હવે ભારતની આર્થિક સમસ્યાને સુલઝાવી એને આર્થિક મહાસત્તા બનાવવાના ભગીરથ કાર્યમાં જરૂર લાગી પડજો.

લોકો તમને “મમ્મા’ઝ બોય” તરીકે ઓળખે છે તો તમે મમ્મીનું ઠરેલપણું, સૂઝબૂઝ, અનુભવમાંથી ઘણુંબધું અપનાવજો. અમને તો તમારામાં વડાપ્રધાનના તમામ ગુણો જોવા મળ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ તમે વડાપ્રધાનપદનો ઇન્કાર ન કરશો. અમને તો તમારા જેવા બાહોશ – તરવરિયા – યુવાન વડાપ્રધાન જોઈએ છે. ચાલો ત્યારે, ઘરનાં ઘણાં કામો અધૂરાં પડ્યાં છે (તમારે ઘણાં કામો કરવાનાં બાકી હશે) એટલે પત્ર અહીં જ પૂરો કરું છું.

એજ લિ. આપની હિતેચ્છુ,
ભારતીય પ્રજાજનોમાંની એક, પલ્લવી.

એક પ્રધાને પ્રવાસ દરમ્યાન એક ખેતરમાં ભૂખમરાથી મરતા એક કુટુંબને ઘાસ ખાતું જોયું. એમને બંગલે લઈ લેવા આદેશ આપ્યો. કુટુંબના મોવડીએ હાથ જોડીને ગદગદ થઈને પ્રધાનને કહ્યું, ‘આપ કેટલા દયાળુ છો, અમને ભૂખે મારતા જોઇને તમારા બંગલે ખાવાનું આપવા લઈ જાવ છો.” પ્રધાને કહ્યું, “એવી ગેરસમજ ન કરો ભાઈ, હું તો મારા બંગલાના કમ્પાઉન્ડમાં ઊંચુ ઘાસ ઊગી નીકળ્યું છે, એટલે તમને લઈ જાઉં છું.”                                                                        
 

ભારતનું ભવિષ્યકથન


ભારતનું ભવિષ્યકથન    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

ગયા વર્ષ દરમિયાન જે અણધાર્યા, કાતિલ, સાહસપૂર્ણ, જીવ સટોસટના કે તદ્દન બુદ્ધિહીનતાભર્યા – નકામા બનાવો બની ગયા છે, એનો લાં...બો પડછાયો ચાલુ વર્ષના આગળના થોડા સમયગાળા પર પડશે અને પછી એ પડછાયો ધીમે ધીમે દૂર થતાં નવાં નવાં કૌભાંડો કરવાની સુવર્ણતક ભારતવાસીઓને પ્રાપ્ત થશે એવી આગાહી પ્રખર જ્યોતિષાચાર્યા, પ્રખ્યાત ભવિષ્ય-વેત્તા અને પ્રકાંડ લેખિકા એવાં શ્રીમતી પી.જે. મીસ્ત્રાસ્વામીએ કરી છે. એમના કથન મુજબ અલગ અલગ કૉમના લડવૈયાઓ કે જેઓ હાલ ધર્મના રક્ષણ અર્થે આપસમાં લડી રહ્યા છે તેઓ થોડો સમય લડત બંધ કરીને : ‘આપણે શાના માટે એકબીજા સાથે લડી રહ્યા છીએ ?’ પ્રશ્નનો સાચો જવાબ શોધી કાઢશે ત્યારે ફરીથી નવેસરથી ઝુંબેશ ચાલુ કરશે.

‘શનિ-મંગળના પારસ્પરિક શુભાશુભ મિલનથી ભોપાલકાંડ, હર્ષદકાંડ, બોફોર્સકાંડ, અયોધ્યાકાંડ કે એના જેવા જ બીજા-ત્રીજા કોઈ પણ કાંડ (કર્મકાંડ સિવાય) ભારતદેશમાં જ બની ગયા હતા એ વાત ચાલુ વર્ષની શરૂઆતમાં  લોકો ભૂલી જશે. એમને ઝઘડા કરવા માટેનાં કારણો સરકાર માઈ-બાપ પૂરાં પાડશે. જો સરકાર તેમ કરવામાં નિષ્ફળ ગઈ તો લોકો પોતાનો મારગ ખુદ શોધી લેશે. આગામી વર્ષમાં સમગ્ર ભારતની સમગ્ર પ્રજાને બેકવર્ડ ક્લાસમાં આવરી લેતાં ૧૦૦% અનામત પદ્ધતિ દાખલ કરાશે અને આમ અનામત પ્રશ્ને ચાલતા વર્ષો જૂના વિવાદનો અણધાર્યો અંત આવતાં વિધાર્થીઓની લડત માટે કોઈ નવો મુદ્દો શોધવા જવું પડશે.

શનિ વક્રી થશે તો ભારતના ભાગલા થશે. કેટલા ભાગલા થશે એ માટે કોઈ સારા અંક-જ્યોતિષની સલાહ લેવામાં આવશે. કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવાથી, ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ કહેવત સાચી પડશે. ખેડૂતો ખેતરમાં રાઈફલ માટેની કારતૂસો પકવશે, જે માટેનાં બીજ પરદેશથી આયાત કરવામાં આવશે. ખેતરોમાં પાણીની અછત થશે તો માનવરક્ત વહાવવામાં આવશે પણ ખેતી તો થશે, થશે અને થશે જ.
એઇડ્સ, કેન્સર કે પ્લેગ કરતાં પણ કેતુ, શનિ અને રાહુનો પ્રભાવ લોકોમાં વધુ પ્રમાણમાં દેખાશે. પરંતુ તેનાથી ડૉકટરની આવકમાં જરા પણ ઘટાડો થશે નહીં. પરંતુ ઉત્તરોત્તર એમની આવકમાં વધારો જ જોવા મળશે. બિઝનેસમેન તરીકે ડૉકટરને સમાજમાં વધુ માન-આદરથી જોવામાં આવશે. આગામી વર્ષ દરમિયાન દેશમાં જે કાંઈ હિંસાત્મક બનાવો બનશે એ સર્વ હિંદી ફિલ્મોમાં રૂપેરી પરદે લોકોને જોવા મળશે. જે મૂળ બનાવો કરતાં પણ સચોટ રીતે આલેખાયેલા હશે. ઘણા ન બનેલા બનાવો વિશે પણ ફિલ્મો દ્વારા લોકો જાણકારી મેળવી શકશે. છાપાંઓ પણ આવા અજ્ઞાની લોકોનાં અજ્ઞાન દૂર કરી જ્ઞાનરૂપી અમૃતકટોરો (!!!) લોકોને પાવામાં સફળ થશે. ‘હિન્દુ એ કોઈ કૉમ નહીં પણ ધર્મ છે અને અયોધ્યામાં જે ઇમારત તોડી પડાઈ એ મંદિર નહીં પણ મસ્જિદ હતી.’ એ વાતની જાણ છાપાંવાળાઓએ જ તો લોકોને કરી હતી ને ?
એક આગાહી મુજબ રાહુ-કેતુના ઘર્ષણને લીધે આરબદેશ આપણને પેટ્રોલ-ઓઈલ આપવાની ના પાડશે. પછી આપણે સામે આપણા છોકરાં-છોકરીઓ વેચવાની ના પાડીશું ત્યારે સીધા થઈને આપણા પગે પડતા આવશે. ગ્રહોની રાજકીય સ્થિતિ બતાવે છેકે આપણે રશિયાથી વૈજ્ઞાનિકો, અમેરિકાથી ઘઉં, ઇંગ્લેન્ડથી શસ્ત્રો, અરબસ્તાનથી ખજૂર અને પાકિસ્તાનથી આતંકવાદીઓની આયાત કરીશું. બદલામાં આ રાષ્ટ્રોને આપણે કિડની, આંખ, હાથ, પગ, નાક, કાન, હાડકાં, બ્લડ અને મળી આવે તો (બચ્યાં હશે તો) હાર્ટ જેવાં સ્પેરપાર્ટ્સ પૂરા પાડીશું. ઘણા રાષ્ટ્રોની માંગ ‘બુદ્ધિ’ માટે હશે, પણ એ તો આપણે ક્યારની વેચી ચૂક્યા છીએ એટલે આપણે એ પૂરી પાડવામાં  અસમર્થ રહીશું.
દેશની આર્થિક, રાજકીય, ધાર્મિક, અને સામાજિક પરિસ્થિતિના સઘન અભ્યાસથી માલૂમ પડ્યું છે કે તમામેતમામ ચિંતાઓ, ટેન્શન, અરાજકતા અને અંધાધૂંધીમાંથી દેશને ફક્ત એક જ ગ્રહ કે ગુરુ બચાવી શકે છે, તારી શકે છે અને તે ગ્રહ છે ‘હાસ્યલેખક.’ આગામી વર્ષમાં હાસ્યલેખકોની માંગ વધી જશે.                                                     

સત્યકામ


સત્યકામ        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પુણ્યસલિલા સાબરમતી નદીના કિનારે મહર્ષિ ગૌતમ (પ્રિન્સિપાલ જી.કે.) નો આશ્રમ આવેલો હતો. એ આશ્રમના નિર્માણનું કાર્ય ખુદ આચાર્ય જી.કે. ના ભાઈ ડી.કે. કે જેઓ એક નામીચા  બિલ્ડિંગ-કોન્ટ્રાકટર  હતા,  તેમણે જનતાના પૈસે કર્યું હતું. ( આ જનતા એટલે આશ્રમમાં ભણવા આવનાર વિદ્યાર્થીઓના વાલીઓ) ભારે ડોનેશન આપનાર જનતાના સંતાનોને અહીં વગર માર્કશીટ જોયે એડમિશન મળી શકતું. એટલું જ નહીં, આર્થિક સધ્ધરતાના ધોરણે એવા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પણ પરીક્ષા લીધા વિના અપાતી હતી.

વહેલી પરોઢથી એટલે કે સવારે ૧૧ વાગ્યાથી આ આશ્રમ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના કલરવથી ગુંજી ઊઠતો. અને ૧૨ વાગ્યે તો વિદ્યાભ્યાસનું કાર્ય આરંભાઈ જતું. આસપાસનાં ઘણાં ગામોમાંથી કહેવાતા વિધાર્થીઓ સાઇકલ, સ્કૂટર, કાયનેટીક, બાઈક, કાર વગેરે સાધનો લઈ વિદ્યા ગ્રહણ કરવાના અને પોતાનું જ્ઞાન સમૃદ્ધ કરવાના હેતુસર આ આશ્રમ પર ઊતરી આવતાં.
સહાધ્યાયીઓ એકબીજા સાથે દેશની, દેશના આર્થતંત્રની, સ્કૂલની, સ્કૂલના ટીચરોની સ્ટાઈલની, હીરો-હિરોઈનોના નખરાંની –ઈશ્કબાજીની, સહાધ્યાયિનીઓના રૂપ, રંગ, કપડાંની તેમ જ તેણીઓના લખપતિ, કરોડપતિ બાપાઓની એવી ઘણી ગંભીર ચર્ચાઓ તદ્દન હળવા મૂડથી કરતાં.

 ઘણી વાર ડૂબવા આવેલી ફિલ્મસૃષ્ટિને તારવા કે ટેકો દેવાના આશયથી તેઓ મેટીની-શોમાં પુખ્તવયનાઓ માટેની ફિલ્મ જોવા ઊપડી જતાં.ચાની લારીએ ઊભા રહી ચાની ચૂસકીઓ લેતાં લેતાં અને પાન, મસાલા, તમાકુ ખાતાં ખાતાં ભારતના ભવ્ય ભૂતકાળની ( કે જ્યારે ઘી, દૂધની નદીઓ વહેતી ) અને દેશના યૌવનધન અને તેના સ્વાસ્થ્યની ચર્ચાઓ કરતાં. ફાઈવસ્ટાર હોટલમાં નાસ્તો કરતાં કરતાં તેઓ ભારતની ગરીબીરેખા નીચે જીવતા શ્રમજીવી વર્ગના ઉદ્ધારની વાતો કરતાં. આ સર્વ કાર્યોથી પરવારી તેઓ મૂડ હોય તો વર્ગમાં જતાં  અને આ રીતે તેઓ પોતાના અત્યંત મૂલ્યવાન એવા વિદ્યાર્થી-અવસ્થાના કાળનું નિર્ગમન કરી રહ્યાં હતાં.

આવી જ એક સલૂણી સવારની વેળા હતી.ટાવરના ઘડિયાળે હમણાં જ ૧૨ વાગ્યાના ઘંટ વગાડ્યા હતાં. પોપ મ્યુઝિક સાંભળીને, ચા-નાસ્તો પતાવીને વિદ્યાર્થીઓ હમણાં જ કેન્ટીનમાંથી આવીને ક્લાસમાં ગોઠવાયાં હતાં. ઘંટારવ થતાં જ આચાર્ય જી.કે. વિદ્યાદાન અર્થે ક્લાસમાં પધાર્યા. પોતાનું વક્તવ્ય શરુ કરતાં પહેલાં, હંમેશ મુજબ એમણે પોતાની સર્વગ્રાહી નજર ક્લાસના વિદ્યાર્થી (ખાસ કરીને વિદ્યાર્થીની)ઓ પર ફેંકી. એમની નજર છેલ્લી બેંચ પર બેઠેલા અપરિચિત પરંતુ અત્યંત તેજસ્વી જણાતા યુવાન પર અટકી. તેઓ એ યુવાનને તાકી રહ્યા, પણ યાદશક્તિએ સાથ ન આપ્યો. (કે એની પાસેથી ડૉનેશન મળ્યું હતું કે નહીં ?)

‘એ યૂ, સ્ટેન્ડ અપ એન્ડ કમ હીયર’ જી.કે. એ યુવાનને કહ્યું.
‘ગુડમોર્નિંગ સર’ યુવાને ઊભા થઈને જવાબ આપ્યો.
‘ઈટ’સ ઓલરાઈટ. (ચિરંજીવ ભવ) હું આર યુ ?’
‘આઈ એમ સત્યકામ, સર, યોર સ્ટુડન્ટ સર.’
‘વોટ્સ યોર ફાધર’સ નેમ ?’
‘આઈ ડોન્ટ નો સર.’
‘વોટ ? વોટ ઈઝ યોર સરનેમ ?’
‘ધેટ ઓલ્સો આઈ ડોન્ટ નો સર.’
‘તેં કોલેજમાં એડમિશન લીધું છે ?’ (ડૉનેશન આપ્યું છે ?)
‘નો સર.’
‘સ્ટુપિડ ! વગર એડમિશને તારે ડિગ્રી જોઈએ છે ? ગેટ આઉટ.’
‘યસ, સર.’
નિરાશ થયેલ, અપમાનિત થયેલ સત્યકામ ક્લાસની બહાર નીકળી, ભારે હૈયે ટેક્સી કરીને ઘરે આવે છે.
‘કેમ બેટા, આટલો જલદી ઘરે આવી ગયો ?’ માતા પૂછે છે.
‘મોમ, (મા), હું કાલથી કૉલેજ નહીં જાઉં.’
‘પણ કંઈ કારણ ?’
‘પ્રિન્સિપાલ જી.કે. મને પિતાનું નામ અને અટક પૂછે છે.’
‘એમાં શું બેટા, કાલે એમને જઈને કહેજે કે -  સાબરમતીના કિનારે જે હોટલ શીશમહલ છે એની માલિક મારી માતા છે. મારી માતાનું નામ અરુંધતિ (જે આજથી ૧૮ વર્ષ પહેલાં તમારી વિદ્યાર્થીની હતી) છે. મારા નાનાજી રાજ્યના એક મોટા પ્રધાન છે.’
‘શું આટલું કહેતાં તેઓ મને ક્લાસમાં બેસવા દેશે ?’
‘હું તને એક કવર આપું છું એ તેમને આપી દેજે.’

બીજે દિવસે સત્યકામ ફરીથી આશ્રમના એ વર્ગમાં આવે છે અને માતાએ કહેલી વાત મહર્ષિ ગૌતમને કહે છે. અને પેલું ભારે લાગતું કવર એમને આપે છે. મહર્ષિ એ કવર ખોલીને જુએ છે અને પછી કોટના ખિસામાં સરકાવી દે છે. સત્યકામની આંખોમાંથી ટપકતી નિર્દોષતા જોઇને મહર્ષિ ગૌતમનું પિતૃવાત્સલ્ય ઊછળી આવે છે. તેઓ સત્યકામને વહાલથી આલિંગન આપે છે અને પ્રથમ બેંચ પર બેસાડે છે. હવે સત્યકામને કોઈ અસુખ નથી. ફક્ત એના ભોળા મનમાં માતા અને આચાર્ય વિશે કેટલાક પ્રશ્નો ઊઠ્યા કરે છે. પણ કેટલાક પ્રશ્નોનાં કોઈ સમાધાન નથી હોતાં એ સત્યકામ સારી રીતે જાણે છે.