Tuesday 3 January 2017

એક ને એક બે.

એક ને એક બે.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જમવાની થાળીમાં પાણીપૂરી જેવડી બે નાની પૂરી મુકાયેલી જોઇને મૂંઝાયેલા કાઠીયાવાડી મહેમાને સુરતી ગૃહિણીને ચતુરાઈ પૂર્વક કહ્યું,
-બહેન, આમાથી એક પૂરી કાઢી લ્યો.
-ભાઈ, ‘એક’ મા શું ખાશો? ગૃહિણીએ સમભાવ પૂર્વક કહ્યું.
-ત્યારે ‘બે’ મા ય શું ખાઈશ? છેવટે મહેમાને મનની વાત કહી જ દીધી.
આ ‘બે’ ગણિતની એક સંખ્યા છે, એક અને એક બરાબર બે થાય છે. પણ આ ‘બે’ અક્ષર બીજા અક્ષરો સાથે જોડાય ત્યારે એના વિવિધ અર્થ થાય છે. કવિઓ અને શાયરો આવા ‘બે’ થી જોડાયેલા અક્ષરોના સમૂહ એટલે કે શબ્દોનો પ્રયોગ એમની કવિતાઓ અને શાયરીઓમાં વિવિધ રીતે કરે છે. દાખલા તરીકે-
*-‘બેદર્દી’ બાલમા તુજકો મેરા મન યાદ કરતા હૈ.
*-એ પ્યારમે ‘બદનામ’  દૂર દૂર હો ગયે, તેરે સાથ હમ ભી સનમ મશહુર હો ગયે. 
‘બેરોજગાર’ એટલે કે રોજગાર (નોકરી) વગરનો. પરંતુ ‘બેકાર’ એટલે કાર વગરનો નહિ, પણ કામકાજ વગરનો અથવા ખરાબ એવો થાય છે. આવા બેકાર માણસની પાસે એના બાપ દાદાની બે સરસ મજાની કાર હોઈ શકે છે.
‘શરમ’ કોઈ વાર ગુણવાચક (નવી દુલ્હન બહુ શરમાળ છે.) તો ક્યારેક અવગુણવાચક (આવું ખરાબ કામ કરતા તને શરમ ન આવી?)  હોઈ શકે છે. શરમને કેવા સંજોગોમાં, કેટલી માત્રામાં, અને કયા સ્વરૂપે વાપરવી એ ન આવડતું હોય તેને ‘બેશરમ’ નો બટ્ટો લાગી જાય છે. ‘બેતમા’ નો અર્થ તમા એટલે કે કાળજી વગરનો એવો થાય અને ‘બેપરવા’ નો અર્થ પણ પરવાહ વગરનો એટલે કે બિન્દાસ એવો થાય છે.
પરતું જેને ત્યાં દર્દીઓ આવતા નથી એવા ડોક્ટરને ‘બેદર્દી’ ન કહી શકાય. સાચો શબ્દ ‘બેદર્દ’ છે, જે કોઈ દર્દ વગરના એટલે કે તંદુરસ્ત માણસ માટે ન વપરાતા નિષ્ઠુર એટલે કે દયા વગરના વ્યક્તિ માટે વપરાય છે. ‘બેતાબ’ નો અર્થ તાબ એટલે કે ધીરજ વગરનો, અધીરીઓ એવો થાય છે.
પ્રેમી: પ્રિયે હું તને ‘બેહદ’ ચાહું છું. તારા માટે તો હું આકાશની ઊંચાઈએથી કૂદુ, અગાધ સાગરમાં ડૂબકી લગાઉ, ભડભડતી આગમાં ઝંપલાઉ.
પ્રેમિકા: પણ તું કાલે મને મળવા કેમ નહીં આવ્યો?
પ્રેમી: કેટલો ભયંકર અને ‘બેસુમાર’ વરસાદ હતો, એટલે ન આવી શક્યો.
ઉપરના જોકમાં વપરાયેલો શબ્દ ‘બેહદ’ નો અર્થ  હદ વગરનો, પુષ્કળ એવો થાય છે, અને પ્રેમીનો બેહદ  પ્રેમ પ્રતીત પણ થાય છે ને? કેટલાક ઇન્સાન સંપત્તિ કે સત્તાના મદમાં ‘બેકાબુ’ બની જાય છે, તો કેટલાક પુરુષો સુરાના મદમાં ‘બેકાબુ’ બનીને સ્ટીયરીંગ વ્હીલ પરનો પોતાનો કાબુ ગુમાવી બેસે છે, અને એક્સીડન્ટ કરી બેસે છે. લયલાના પ્રેમમાં બેહદ બેકાબુ  બનેલા મજનુઓને  જેલમાં અથવા પાગલખાનામાં પ્રમોટ કરવા પડે છે.
‘બેકરાર કરકે હમે યું ન જઈએ, આપકો હમારી કસમ લૌટ આઈએ.’ જો કોઈ મજબુર પતિ, સાડીઓના સેલમાં જતી પોતાની પત્નીને ઉદ્દેશીને આ ગીત ગાતો હોય તો અહીં ‘બેકરાર’ નો અર્થ કરાર કે ચૈન વગરનો એવો કરવો. ‘બેતાજ બાદશાહ’ નો અર્થ ‘તાજ વગરનો’ એવો ન કરવો. (બાદશાહ તો તાજ એટલે કે મુગટ વાળો જ સારો લાગે.)
‘લતા જબાન કો લગામ દો’ એવો ફિલ્મી ડાયલોગ તમે સાંભળ્યો હશે. જનરલી ઘોડાને લગામ લગાવવામાં આવે છે, પણ કોઈની જીભ પોતાનું અસલ કામ, બોલવાનુ છોડીને કાતર જેવું કાપવાનું કામ કરે તો એને ઉપર મુજબનો ડાયલોગ સંભળાવવામાં આવે છે.
ભગવાને અન્યાય કર્યા વિના દરેક મનુષ્યને એક મહત્વનું અંગ દિલ આપ્યું છે. પણ દાનવીર કર્ણ બનવાની તમન્ના લઈને જન્મેલા કેટલાક મનુષ્યો દાનમાં દિલ આપી દઈને ‘બેદિલ’ બનીને રડે છે, કરુણ કવિતાઓ અને શાયરીઓ રચીને બીજાને પણ રડાવે છે.
દેનેકે કો આયે થે સનમ દિલ અપના મગર,
બડે ‘બેઆબરૂ’ હોકર તેરે કૂચેસે હમ નીકલે.
અહીં ઊલટી ગંગા છે, લેનારને બદલે દેનાર ‘બદનામ’ થાય છે.
અને છેલ્લે :
પ્રશ્ન: ‘બેદાગ’ દામન હૈ ફિર કયું ‘બેનૂર’ ચહેરા હૈ?
જવાબ: ‘બેચેન’ હૈ ઈશ્ક, ‘બેદર્દ’ જમાનેકા પહેરા હૈ.


  

No comments:

Post a Comment