Sunday 24 April 2016

વિજ્ઞાનની પ્રગતિ, વૃક્ષોની વાચા.

વિજ્ઞાનની પ્રગતિ, વૃક્ષોની વાચા.  પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.


“એ ઈ... શીશ – શીશ... એ ઈ..”
બપોરના સમયે ઘરના કામકાજથી પરવારીને, આરામ કરવાના આશયથી હું સોફામાં બેસી, ટિપોય પર પગ લંબાવી, એક પગ પર બીજો પગ ચઢાવીને, મોંમા વરિયાળી મમળાવતી, આરામથી આજનું છાપું લઈ, એમાં વાસી  સમાચાર ( સમાચારો માટેના ફાસ્ટ માધ્યમ – મોબાઈલ, રેડિયો, ટીવી. ઈન્ટરનેટ વગેરે આવી ગયા પછી છાપાના સમાચારો વાસી લાગે છે,  પૂર્તિઓ અને જાહેરખબરોના લીધે છાપાઓનું અસ્તિત્વ ટકી રહ્યું છે.) શું છે તે જાણવા બેઠી કમ સૂતી હતી, ત્યાં જ મારા કાને ઉપર મુજબનો અવાજ સંભળાયો.

અવાજ સાંભળીને મેં આમતેમ જોયું તો મારા ઘરની બારીની જાળી પર એક કાગડો બેઠો હતો. મને નવાઈ લાગી, કાગડાઓ ક્યારથી મણસના જેવી (તોછડી) ભાષા બોલતા થઈ ગયા?’ મેં ધ્યાનથી જોયું તો એ શાંત બેઠો હતો, મતલબ કે કશું બોલતો નહોતો. શું એ પણ માણસની જેમ અવળચંડાઈ કરી,  “એ ઈ... શીશ – શીશ... એ ઈ..” બોલીને, પોતે તો જાણે કશું બોલ્યો જ નથી કે કશું જાણતો જ નથી, એવો ડોળ કરી, પોતાનું મોં (ચાંચ) બંધ કરી ડાહ્યો ડમરો થઈને બેસી ગયો હશે?
કહેવાય છે કે શ્રાધ્ધના દિવસે આપણા પૂર્વજો કાગડાના રૂપમાં ભોજન ખાવા આવે છે.  તેઓ કાગડાના રૂપમાં જ શા માટે આવે છે તે મને ખબર નથી, કદાચ આપણે ભલમાનસાઈથી ખાવાનુ ન આપીએ તો આંચકીને લઈ જઈ શકે એ માટે? રામ જાણે. હું વિચારતી હતી કે, શું મારી બારીએ આવેલો આ કાગડો અમારા કોઈ પૂર્વજ હશે? પણ અમારા કોઈ પૂર્વજે મને કોઈ દિવસ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, આવી તોછડાઈથી બોલાવી નહોતી.

તેથી આ મારા પૂર્વજ તો નથી જ એમ નક્કી કરીને,  અરે,તારી ભલી થાય, ચલ ભાગ અહીંથી કહીને મેં બેઠા બેઠા એને ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પણ ક્લાસમાં કોઈ તોફાની બારકસ વિધાર્થીએ ટીચરને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એમ એ કાગડો બેઠો હતો ત્યાંથી જરા પણ  હઠ્યો નહીં. પરિણામે એને ભગાડવા મારે જ પરાણે ઊભા થવું પડ્યું. મેં એની નજીક જઈને છાપાથી એને મારવાની એક્ટિંગ કરી, ત્યારે એ જાણે લુચ્ચું સ્માઈલ કરતો હોય એમ કૂદકા મારી મારીને દૂર જતાં જતાં છેલ્લે ઊડી ગયો.
કવિઓ, શાયરો અને સંવેદનશીલ  લેખકોએ પોતાના સર્જનમાં સવારના શાંત અને રળિયામણા પહોરમાં, પંખીઓના મધુર કલરવ સાંભળવાની વાતો કરી છે. પણ અહીં અમદાવાદમાં તો કાગડાઓના કર્કશ ધ્વનિ કા..કા..કા.. અને કબૂતરોનું અવિરત કંટાળાજનક ઘૂ... ઘૂ...ઘૂ... સાંભળવા મળે છે. નાજુક અને નમણી ચકલીઓ તો જાણે અદ્રશ્ય જ થઈ ગઈ છે.  હા, વાંદરાઓ અવાર નવાર સોસાયટીમાં આવીને ઉત્પાત મચાવે છે.  અધૂરામાં પૂરું માથા ઉપરથી આવન જાવન કરતાં વિમાનો અને હેલિકોપ્ટરોના  કાન ફાડી નાંખે એવા અવાજો.
જો કે મને લુચ્ચા કાગડાઓ કરતાં પણ ઘૂસણખોર કબૂતરો જરાય ગમતાં નથી. જરાક ચાન્સ મળ્યો નથી કે બારી વાટે ઘરમાં ઘૂસ્યા નથી, જાણે આપણા બાપ દાદા આ ઘર એમના નામે ન કરી ગયા હોય. ખાય એનું જ ખોદે એ કહેવતની જેમ  કબૂતરો બેસે ત્યાં જ ગંદુ કરે.  આખો દિવસ મહેનત કરી કરીને  સાફ રાખેલું આપણું ઘર એ જાણે એમનું સુલભ સૌચાલય. હોય એવો એનો ઉપયોગ કરે. ગુસ્સો તો એવો આવે કે – થાય કે -  એમને પકડી પકડીને એક્કે એકને ડાયપર પહેરાવવા જોઈએ. માણસને, જ્યાં સૌચ ત્યાં સૌચાલય એમ સમજાવતા વિધા બાલન કબૂતરોને આ વાત સમજાવી શકે ખરાં? રામ જાણે.
અહીં તો સવારના વહેલા ઊઠી, ઝટ્પટ તૈયાર થઇ નોકરીએ જતાં સ્ત્રી પુરુષોને ઓફિસ પહોંચવાની ઉતાવળ હોય, ત્યાં પંખીઓનો કલરવ શું સાંભળે? વળી ગૃહિણીઓએ નોકરી પર જતાં સદસ્યો માટે ચા – પાણી – ટિફિન  તૈયાર કરવાનું હોય એટલે એમની પાસે પણ સવાર સવારમાં તો નિરાંતે શ્વાસ ખાવાનો ટાઈમ પણ નહીં હોય, ત્યાંપંખીઓનો કલરવશું સાંભળે?  જો કે હવે તો બધા લોકો આ પરિસ્થિતિથી ટેવાઈ ગયા હોય.

.બાવા બન્યા હૈ તો હિંદી બોલના પડતા હૈ. ની જેમ નોકરિયાત વર્ગોએ તો આ ઉતાવળ, ભીડભાડ અને દોડાદોડીથી ટેવાઈ જવું પડે. અને વાંદરા - કાગડાં – કબૂતરાંની  તકલીફ પણ વેઠવી પડે. પણ આ લોકો પણ જો હવે મનુષ્યની જેમ આપણને , “એ ઈ... શીશ – શીશ... એ ઈ..” કહીને બોલાવતાં થઈ જાય તો પછી તો આપણી શાંતિમાં કે એકાંતમાં પંચર જ પડી જાય ને?
કાગડાને ઉડાડીને હું પાછી મારા સોફાના સિંહાસનમાં આરૂઢ થઈને છાપું વાંચવા માંડી. હજી  થોડીવાર માંડ થઈ હશે અને મારી આંખ ઘેરાવા માંડી. ત્યાં તો ફરીથી, “એ ઈ... શીશ – શીશ... એ ઈ..” નો એ અજાણ્યો અવાજ  સંભળાયો. અને હું ચમકી. ઘરમાં તો હું એકલી જ છું પછી આ અવાજ કોનો? વાયડો ખોરાક લેવાથી મને ચિત્તભ્રમ જેવું તો નથી થઈ ગયું ને? એમ વિચારતી હતી ત્યાં જ એ જ અવાજ ફરી સંભળાયો. હું ધ્યાનથી આમતેમ જોવા લાગી અને અવાજની દિશામાં ધ્યાન કેંદ્રિત કર્યું.
આમ તેમ શું જુએ છે, મૂરખ મારી સામું જો  ખૂણામાં કૂંડામાં ઉગાડેલા મનીપ્લાન્ટમાંથી અવાજ આવ્યો. પહેલાં તો હું ઘભરાઈ ગઈ ને પછી આશ્ચર્યમાં પડી ગઈ. અરે, મનીપ્લાન્ટને વાચા ફૂટી? મનીપ્લાંટ માણસની જેમ બોલ્યું?’  આમ બાઘાની જેમ મારી સામે શું જોયા કરે છે, બેવકૂફ? ચાલ, ઊઠ, ઊભી થા. ક્યારની જોરદાર તરસ લાગી છે, પાણી તો પા. કેટલા દિવસથી મને પાણી નથી પાયું? પોતે તો દિવસમાં દસ વખત પાણી પીએ છે. ચા – કોફી –શરત – જ્યૂસ – ન જાણે કેટકેટલું પીએ છે. મને જ પાણી પાવાનું તમને લોકોને નથી સૂઝતું? કેટલા આળસુ અને સ્વાર્થી લોકો છો તમે?’ ચાલ હવે તો ઊઠ, પાણી પા મને. એ તુચ્છકારથી બોલ્યું.

અને હજી તો હું કંઈ સમજું, વિચારું કે ઊઠું તે પહેલાં તો મનીપ્લાન્ટ કૂંડા સહિત ઉછળ્યું, અને આવીને મારા કપાળે અથડાવા લાગ્યું. ઓ મા રે, મરી ગઈ હું જોરથી ચીસ પાડી ઉઠી. કપાળ આડો હાથ દીધો,  અને ત્યાં મારી આંખ ઉઘડી ગઈ. મેં જોયું તો હું છાપું વાંચતાં વાંચતાં સોફામાં જ ઊંઘી ગઈ હતી. જેમાં સમાચાર હતાં –

અમેરિકામાં વિજ્ઞાનના વિધાર્થીઓએ એવું ભાષાયંત્ર વિકસાવ્યું છે કે જેનાથી ફૂલ –છોડ પણ બોલશે અને તમને સૂચનાઓ આપશે.

હે રામ! તો પછી તો આ જોક સાચો પડશે ને?

કવિ: (બગીચામાં ટહેલતાં) હે મનોહર, ઘટાદાર, સુંદર મજાના આંબાના વૃક્ષ ! તને વાચા હોત તો તું મારી સાથે કેવો વાર્તાલાપ કરત?
વૃક્ષ: હે કવિ મહાશય! મને વાચા હોત તો હું તમને કહેત કે – હું આંબાનું નહીં, આસોપાલવનું વૃક્ષ છું. 





Sunday 17 April 2016

કેટલીક રમૂજી જાહેરખબરો(હાસ્યલેખ)

કેટલીક રમૂજી જાહેરખબરો(હાસ્યલેખ)  પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

મહેશ: અલ્યા રમેશ, તેં ચોકીદાર જોઈએ છે તેની જાહેર ખબર છાપામાં આપેલી, તેનો કંઈ રિસ્પોન્સ મળ્યો કે નહીં?
રમેશ: મળ્યો ને, જે દિવસે છાપામાં જાહેરાત છપાઈ એ જ રાત્રે મારી દુકાન લૂંટાઈ ગઈ.

ખેર, આ તો એક રમૂજ થઈ. પરંતુ જમાનો જાહેરાતનો આવ્યો છે. જાહેરાતથી નબળી પ્રોડ્ક્ટસ પણ વેચાઈ જાય છે, અને જાહેરાત વિના સારી પ્રોડ્ક્ટસ પણ વેચાયા વિના પડી રહે છે. આજકાલ ન્યૂઝ્પેપર્સ – મેગેઝીન્સ જાહેરાત પર જ નભે છે. જો કે ઘણીવાર પૂરતી જાહેરાત ન મળે તો એ લોકો લેખો પણ છાપતા હોય છે.

 લલચામણી જાહેરખબરો આપવામાં ટી.વી. સૌથી મોખરે છે. એક અઠવાડિયામાં ચામડીનો રંગ કાળો હોય એમાંથી ગોરો કરી આપવામાં આવશે.  (ભેંસને ગાય બનાવી આપવામાં આવશે?) એ જાહેરાત કંઈ ઓછી રમૂજી છે? અને એમાં પગની પાનીએ બુધ્ધિ વાળી સ્ત્રીઓ જ નહીં, બુધ્ધિમાન ગણાતાં પુરુષો પણ ફસાય છે.

આજે તો હું તમને તમારું મૂજીપણું દૂર થાય એવી કેટલીક રમૂજી જાહેરખબરો વિશે જણાવવા માંગું છું.

  • એક પાટીયા પર બ્યુટીપાર્લરની બુધ્ધિગમ્ય જાહેરાત છાપી છે:
“અહીંથી બહાર નીકળતી સુંદર સ્ત્રીને જોઈને સીટી મારશો નહીં, એ કદાચ તમારી દાદીમા પણ હોઈ શકે છે.”
  • એક રેસ્ટોરન્ટની બહાર ચબરાકીભરી જાહેરાતવાળું પાટીયું:
“આપ સીધા અંદર ચાલ્યા આવો, કેમ કે તમે તેમ ન કરશો તો તમારે અને અમારે બન્નેએ ભૂખ્યા રહેવું પડશે.”
  • એક ન્યૂઝપેપર માં છપાયું છે:
 ફૂલ ગઈ ને ફોરમ રહી ગઈ   કે -   (ઝાડ પડ્યું ને જગ્યા થઈ ગઈ?)
 – સખેદ જણાવવાનું કે અમારા ૯૬ વર્ષના પિતાજીનું  દુખદ, અકાળ અવસાન થયું છે. (છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પક્ષાઘાતથી પીડાતા હતા, બે વર્ષથી એમનું ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું અને એક વર્ષથી તો તેઓ પથારીવશ જ હતાં – આને દુખદ અને અકાળ અવસાન કહેવાય?)

- તેઓ એમની પાછળ બે પુત્રો, બે પુત્રીઓ અને ત્રણ પ્રપૌત્રોને વિલાપ કરતા મૂકી ગયા છે. (બધા છૂટ્યા ની લાગણી અનુભવે છે.)
-પ્રભુને જે ગમ્યું તે ખરું, પ્રભુ એમના આત્માને શાંતિ આપે. (તમારા આત્માને શાંતિ મળીને? બસ ત્યારે.)

  •  કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા છે...
ઉપરના ફોટાવાળા બહેન ( ફોટામાં એ ભાઈ જેવા દેખાય છે, અને સ્વભાવ પણ ભાઈના જેવો જ છે.) કોઈને કહ્યા વિના ચાલ્યાં ગયાં છે. દર વખતે તો તેઓ બે ચાર કલાક કે પછી બે ચાર દિવસે ઘરે પાછા આવી જતાં હતાં.  પણ આ વખતે બે ચાર અઠવાડિયા થઈ ગયા છતાં પાછાં આવ્યાં નથી તેથી આ જાહેરાતનો ખર્ચ કરવો પડ્યો છે. એમનો પત્તો આપનારને કે  જાણ કરનારને ઈનામ આપવામાં આવશે. 

હે ભાગ્યવાન! તું જ્યાં હોય ત્યાંથી સત્વરે ઘરે ચાલી આવ. કામવાળી બાઈ પણ જતી રહી છે, તેથી કામકાજની બહુ જ અગવડ પડે છે. ટિફિન મંગાવીને ખાતાં હવે સમજ પડે છે કે તારી રસોઈ આ કરતાં તો સારી જ હતી.
તા.ક: ઉપરના ફોટાવાળા બહેન મારા ધર્મપત્ની છે, એમની સાથે કોઈએ પૈસાની લેવડ દેવડ કરવી નહીં. કરશે તો જવાબદારી મારી નથી.
  • -ચાલ્યાં ગયાં છે:
ઉપરના ફોટાવાળા ભાઈ ( જે હવે ટાઈ પહેરતા નથી અને એમના માથે વાળ રહ્યા નથી –ટાલ પડી ગઈ છે.) જેઓ  સંપૂર્ણ સ્થિર મગજના છે, પરંતુ ઘરનાનું પૂરું કરવાની ત્રેવડ ન હોવાથી બૈરીથી, બૉસથી અને મોંઘવારીથી ત્રાસી જઈને, ઘરે કોઈને કહ્યા વિના જતા રહ્યા છે,  પત્તો આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે.

“મુન્નાના પપ્પા, તમે જ્યાં હો ત્યાંથી તાત્કાલિક ઘરે આવી જાવ. રોજ તમારા બૉસનો ફોન આવે છે, લેણદારો રોજ ઘરે આંટા ફેરા મારે છે, છોકરાંઓ રોકકળ કરે છે, પડોશીઓ પૂછી પૂછીને માથું ખાઈ ગયાં છે, સગાંઓ શંકા કરે છે. બધાની બોલતી બંધ કરવા એકવાર ઘરે આવી જાવ, દેવું ચૂકતે કરી જાવ અને અમારા ભરણ પોષણની વ્યવસ્થા કરીને તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, તમને કોઈ રોકશે નહીં એની ખાતરી આપું છું.”

  • સુધારો નં ૧:
ગઈકાલના ન્યૂઝપેપરમાં ભૂલથી છપાયેલા બનાવટી કંપની ના બદલે બનાવતી કંપની વાંચવું.  કોને બનાવતી કંપની એ જાણવું હોય તો નીચેના સરનામે સંપર્ક કરવો.
  • સુધારો નં ૨:
ગઈકાલે છપાયેલો સુધારો નં ૧ માં કોને બનાવતી કંપની ના બદલે શું બનાવતી કંપની એમ વાંચવું.
  • નવી, મજબૂત, સ્વાદિષ્ટ હર્બલ ટી –
તમારી ક્ષુધાને કાબૂમાં રાખીને, ચરબીને વધતી અટકાવે અને દિનભર સ્ફૂર્તિ જાળવે એવી અદભૂત ચા.
અમારી પત્ની સુધાની તીખી જીભને કાબૂમાં રાખીને, એને ઝઘડતી અટકાવે અને દિનભર શાંતિ જાળવે એવી કોઈ ચીજ હોય તો કહો, અમને રસ છે.

  • મૌન અનેક અર્થ ધરાવે છે, ભાવનાઓ તો કલ્પનાથી પણ પર હોય છે 
          સુંદર  બનવા અચૂક  વાપરો અમારું મોની સુંદર બ્યુટી લોશન 
           (ઉપરની  જાહેરાત માં શું કહેવા માંગે છે તે મારી, તમારી, આપણા સૌની બુધ્ધિથી પર છે.)

  • દેશ અને પરિવારની સંપૂર્ણ સુરક્ષા હવે તમારા હાથમાં, લગાવો અમારું બોવલ વોટર પ્યોરીફાયર.
( દેશના નેતાઓને વોટર પ્યોરીફાયર પકડાઓ અને બ્લેક કમાન્ડો હટાવી લો ત્યારે બીજુ શું? )
  • જોઈએ છે: સર્વગુણ સંપન્ન કન્યા માટે વેલ એજ્યુકેટેડ, હેન્ડ્સમ, વેલસેટલ્ડ, સમજદાર મૂરતીયો.”
(બીજું બધુ તો ઠીક પણ  સમજદાર માણસ પરણે ખરો?  હે  હે  હે  હે )  






Sunday 10 April 2016

ઉપવાસ.

ઉપવાસ.        પલ્લવી  જિતેંદ્ર મિસ્ત્રી. 

ઉપવાસ કરવાની બાબતમાં સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણા ડગલાં આગળ હોય છે. એ દિવસમાં દસ વખત તિથિતોરણ કે કાલનિર્ણય નામનું કેલેંડર જોતી હોવાથી, આજે તો બેસતો મહિનો છે , આજે તો કેવડા ત્રીજ છે , આજે તો નાગ પાંચમ છે’,  ક્યાં તો આજે તો શીતળા સાતમ છે’.  એવું શોધી નાંખીને ઉપવાસ ખેંચી કાઢે છે. આ ઉપરાંત ગોકુળ આઠમ, નોળી નેમ, પ્રદોષ, પૂનમ, દેવસૂતી કે દેવઊઠી અગિયારસ વગેરે અનેક બહાનાં સ્ત્રીઓને એકટાણું કરવા માટે જડી આવે છે.
કશું ન હોય ત્યારે પણ એ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર કે શનિવારનો ઉપવાસ કરે છે. કદાચ રવિવારને ખોટું પણ લાગતું હશે કે – આ બધામાં મને તો કોઈ ગણતું જ નથી.  સ્ત્રીઓને તો અલૂણા કે જયા પાર્વતી ના વ્રત કે નોરતા ના લાંબા ઉપવાસ કરવાનું પણ બહુ ગમે છે.

આ બધા ઉપવાસ કરવા પાછળનો હેતુ શો?,’  એવું જો  સ્ત્રીઓને પૂછવામાં આવે તો તો તેઓ સામાન્ય પણે કહેશે, પુણ્ય કમાવા માટે. પુરુષો પૈસા કમાય તો સ્ત્રીઓ પુણ્ય કમાય. કેટલીક ભરાવદાર શરીરવાળી સ્ત્રીઓ સ્લીમ થવા ઉપવાસ કરે, તો કેટલીક પાતળી સ્ત્રો જાડી ન થઈ જાય તે માટે ઉપવાસ કરે. કેટલીક સ્ત્રીઓ માત્ર રૂઢિ પાળવા ઉપવાસ કરે તો કુમારિકાઓ સારો વર મળે  એ માટે સોળ સોમવાર  ના વ્રત કરે.

આમાં બહેનોનો ઉદ્દેશ ભલે નિર્દોષ કે વેરભાવના વગરનો હોય, પણ કુંવારો પુરુષ તો બિચારો વગર વાંકે ઝડપાઈ (દંડાઈ) જાય ને? કારણ કે નથી તો એ સારી પત્ની મળે એ માટે વ્રત કરતો કે નથી તો એ ખરાબ પત્ની લમણે લખાઈ ન જાય એ માટે ઉપવાસ કરતો. એને તો પછી પડ્યું પાનું નિભાવવું જ રહ્યું ને?

ઉપવાસ કરવાની પણ પાછી અનેક રીત છે. કેટલાક ઉપવાસ નકોરડા (એક પણ વાર જમવાનું નહીં) કરવાના, તો કેટલાક એકટાણા (એક વાર જમીને) કરવાના. કોઈ ઉપવાસમાં વ્રતની વાર્તા કહીને (સાંભળનારનો શો વાક?) પછી જ જમવાનું , કેટલાક ઉપવાસમાં ફૂલ સૂંઘ્યા પછી જમવાનું તો કેટલાક ઉપવાસમાં ચાંદના દર્શન કરીને દૂધપૌઆ ખાવાના.
ઉપવાસીઓને પૂછવા માટેના અનેક પ્રશ્નો મારા મનમાં જાગે છે. જો ઉપવાસ કરવાથી જ પુણ્ય મળતું હોય (કે ન કરવાથી પાપ મળતું હોય) તો ભગવાને આટલા વિવિધ ફળ – ફળાદિ – અનાજ – કઠોળ શા માટે બનાવ્યાં?  માણસે આટઆટલી અવનવી વાનગીઓની શોધ શા માટે કરી? પંડિતોએ આહાર – વિહારના બધા નિયમો શા માટે ઘડ્યા? ખાવા માટે આટલું બધું આ પૃથ્વી પર ઉપલબ્ધ હોય તો આપણે શા માટે ભૂખ્યા મરવું જોઈએ?

મને લાગે છે કે – મનુષ્યનું પેટ ખાલી હોય છે, ત્યારે એનું મગજ અનેક વિચારોથી ભરાઈ જાય છે, જેમાં નેવું ટકા વિચારો ખાવા વિશેના હોય છે. આજે તો મારો ઉપવાસ છે, કશું ખાવાનું નથી’,  એ વિચાર માત્રથી આપણી ભૂખ વધુ પ્રદિપ્ત થાય છે અને જઠારાગ્નિ વધુ તેજ થાય છે.

ઉપવાસના દિવસે ફરસાણની દુકાનેથી પસાર થતી વખતે સ્કૂટરને આપોઆપ બ્રેક લાગી જાય છે અને પાછળના સ્કૂટરવાળો  આપણા સકૂટર સાથે અથડાઈ પડે છે. ફરસાણ તો ખાવા મળતું નથી ને પેલાની ગાળ ખાવા મળે છે. પડોશમાં રંધાતા (કે ન રંધાતા) ભાતભાતના પકવાનોની ભ્રામક સુગંધ આવ્યા કરે છે.

આપણી પાસે અક્ષયપાત્ર છે અને એમાંથી આપણને ભાવતી અવનવી વાનગીઓ બહાર આવી રહી છે. આપણે હાથ લંબાવીએ છીએ એમ અક્ષયપાત્ર દૂર ને દૂર ખસતું જાય છે. છેવટે તરાપ મારવાથી વાનગીઓની એક ડીશ આપણા હાથમાં આવે છે, એમાંથી એક પકવાન લઈને આપણે મોંમા મૂકવા જઈએ છીએ, ત્યાંજ કોક વચ્ચે આવી જઈને હાથમાંથી કોળિયો અને ડીશ બન્ને ઝૂંટવી લે છે અને આપણે મોઢું વકાસીને જોઈ રહીએ છીએ.  

આવા ભયાનક સ્વપ્નો ઉપવાસી મનુષ્યોને આવે છે. તેથી હું દઢપણે માનું છું કે – ઉપવાસ મનુષ્યને શારીરિક અને માનસિક – બન્ને રીતે નુકસાનકારક અને બાધક છે, ઉપવાસ તંદુરસ્ત થવા માટે બિલકુલ ઉપયોગી નથી. બ્રાહ્મણો કહે છે કે – શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો તો સ્વર્ગમાં જવા મળે છે. જો બધા જ પૃથ્વી વાસીઓ આવું કરે તો સ્વર્ગમાં કેટલી બધી ભીડ થઈ જાય? પછી તો ત્યાંપણ ખાવાનું ખૂટી પડે અને ઉપવાસ કરવાનો વારો આવે. એના કરતાં અહીં રહીને જ જે મન થાય એ ખાવું શું ખોટું?  વાચકમિત્રો, તમે શું કહો છો?

એક દિવસ સવાર સવારમાં મારી એક ખાસ ફ્રેન્ડનો ફોન આવે છે –
-એય શું કરે છે?
-રોજ સવારે જે કરું તે જ, રસોઈ કરું છું.
-આજે વળી કેવી રસોઇ?
-કેમ, એમાં વળી આટલી નવાઈ શાની? તું જાણે તો છે કે રોજ સવારે આ સમયે હું રસોઈ જ બનાવતી હોઉં છું.
-હા આ આ આ... પણ આજે તો સોમવાર છે અને તે પણ શ્રાવણ મહિનાનો.
-તો?
-તો  શું, આજે રાંધવામાંથી છુટ્ટી,  નવરાશનો  ટાઈમ જ ટાઈમ છે.
-એ તને હશે, મને નહીં. મને તો રોજ સવારે સાડા દસ કે અગિયાર વાગ્યે જમવાનું જોઈએ.
-સાવ નાસ્તિક છે તું તો.
-વખાણ બદલ આભાર, ફોન મૂકું?
-અરે ના ના, સાંભળ, તારી રસોઈને મૂક ઉંચી, ચલ આજે સાડીના સેલમાં જઈએ.
-ખાધા વિના મારી બેટરીના સેલ ડાઊન થઈ જાય છે.
-સાવ ભૂખાળવી છે તું તો – છપ્પનિયાના દુકાળમાંથી આવેલી.
-જે છું તે છું, કામ બોલ.
-ચાલને સેલમાં જઈએ, ત્યાં જ કશું ખાઈ લેજે ને.
-એક તો એ કે મને બહારનું જલદી પચતું નથી, બીજું મારા શ્રીમાન પણ જમવાના છે અને ત્રીજું – મારી અડધી રસોઈ થઈ ગઈ છે.
-ઠીક છે, મહામાયાદેવી, તમે રાંધીને , જમીને, જમાડીને આવો, ઠીક છે?

અમે બન્ને બપોરના સમયે સાડીના સેલમાં ગયા. સાડીઓ ઉપરાંત બાજુની દુકાનમાંથી ડ્રેસ મટિરીયલ્સ, અને સામેની દુકાનેથી મેચિંગ ચપ્પલ – પર્સ- રૂમાલ- બંગડીઓ- ચાંદલા- લિપસ્ટિક- નેલપોલિશ વગેરે ખરીદ્યાં. વળતી વખતે મેં એને કહ્યું, અલી, ઉપવાસના લીધે તારા ફાજલ પડેલા સમયમાં આપણે કેટલા બધા રૂપિયા ખર્ચી નાંખ્યા. મને લાગે છે કે આવા બીજા બે –પાંચ ઉપવાસમાં આવું કરીએ તો આપણે મહિનાના બાકીના દિવસે એકટાણાં કરવાના આવે, ખરું ને?’ ( આ વખતે એ કશું બોલી નહીં માત્ર સ્માઈલ આપ્યું. ) 




Sunday 3 April 2016

સત્ય હંમેશા કડવું હોય છે.

સત્ય હંમેશા કડવું હોય છે.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

શિક્ષક: માણસની પ્રગતિ કે અધોગતિનો આધાર શેના ઉપર રહેલો હોય છે?
વિધાર્થી: એના સ્વભાવ અને  પરિસ્થિતિ ઉપર.

જો કે કેટલાક લોકોનું માનવું છે કે માણસની પ્રગતિ કે અધોગતિનો આધાર એના નસીબ પર પણ રહેલો છે, નસીબ ગાંડુ તો ક્યા કરેગા પાંડુ?
પણ મારું માનવું એવું છે કે માણસની પ્રગતિ કે અધોગતિનો આધાર એની જીભ ઉપર રહેલો છે. પડે ચઢે જીભ વડે જ માનવી.  જીભ વડે  ભોજન સ્વાદિષ્ટ લાગે ત્યારે વધુ પડતુ ખવાઈ જવાના લીધે માણસ પડે (માંદો)  છે. અને એને ચઢે (આફરો)  છે.

આ જીભનો બીજો ઉપયોગ બોલવા માટે થાય છે. પોતાને કોઈ નુકસાન થતું ન હોય તો માણસને સાચું બોલવામા ખાસ વાંધો આવતો નથી. શાસ્ત્રોમાં પણ સાચું જ બોલવું જોઈએ એવો આગ્રહ રખાયો છે. લોકોને ડરાવવા જુઠ બોલે કૌઆ કાટે  એવો ડર પણ બતાવવામાં આવ્યો છે. પણ કોઇ કાગડો કોઈ માણસને જુઠું બોલવાને કારણે કરડ્યો હોય એવું હજી સુધી જાણવામાં આવ્યું નથી.

સંસ્કૃતમાં તો કહેવાયું છે કે –  સત્યં વદ પ્રિયં વદ  અર્થાત  સાચું બોલ  અને મીઠું બોલ પણ મને આ વાત વિરોધાભાસી વિધાન જેવી લાગે છે. જેમ હસવું અને લોટ ફાકવો એ બે ક્રિયાઓ એક સાથે શક્ય નથી એમ જ – સાચું બોલવું અને મધુરું બોલવું એ બે વસ્તુ એક સાથે શક્ય નથી. 

હા – અસત્યં વદ પ્રિયં વદ (અસત્ય બોલ – પ્રિય બોલ) કે પછી – સત્યં  વદ અપ્રિયં વદ (સત્યબોલ – અપ્રિય બોલ)  શક્ય છે. જો કે સંસ્કૃત દેવોની ભાષા છે, અને દેવો આ અશક્ય લાગતી વાત –સત્યં વદ પ્રિયં વદ (સાચું બોલ –પ્રિય બોલ)  શક્ય કરી શકતા હોય તો મને ખબર નથી. બાકી કોમન મેન  એટલે કે આપણા જેવા સામાન્ય માણસો માટે તો એ શક્ય નથી, નથી અને નથી જ.

પરંતુ ધારો કે આપણી સરકારને એક તુક્કો સૂઝે – વારંવાર ઘણાય તુક્કા સૂઝતા હોય છે, દાખલા તરીકે – દિલ્હીમાં “એકી”  અને બેકી  નંબરની કાર અને વન દિવસોએ વારાફરતી ચલાવવાની.  એમ માણસોએ હવે પછીથી સાચું જ બોલવું, જુઠું બોલનારને ફાંસીની સજા થશે (આપણા કાયદાઓ હમેશા કોમન મેન માટે જ હોય છે, નેતાઓ અને પૈસાદારોને એમાંથી બાકાત ગણવા).

માની લો કે આવો કડક કાયદો અમલમાં આવે, તો જુદા જુદા વ્યવસાયમાં રહેલી વ્યક્તિઓ સાચું જ બોલે, કઈ રીતે તે અહી  ઉદાહરણ આપીને તમને સમજાવું છું.  અને એનું પરિણામ શું આવે  એ વાચકોની કલ્પના શક્તિ ઉપર છોડું છું.

ઉદાહરણ – ૧ :

દર્દી: ડૉકટર સાહેબ, સાત દિવસથી શરદી થઈ છે, પણ મટવાનું નામ જ લેતી નથી. કોઈ સારી દવા આપોને.
ડોક્ટર: ભલા માણસ, તમે થોડા થોડા સમયે શરદીનું બહાનું કરીને દવા લેવા દોડી આવો છે, અને દવા લીધા બાદ પણ કલાકો સુધી મારા એરકન્ડિશન્ડ દવાખાનામાં બેસી રહો છો. ઉપરથી વાહિયાત સવાલો પૂછી પૂછીને મારું માથું ખાધા કરો છો તે મને જરાપણ પસંદ નથી. તમે પેલી કહેવત નથી સાંભળી કે –દવા લેવાથી શરદી સાત દિવસે મટે અને દવા વગર એ અઠવાડિયે મટે?’

મને ખબર છે કે મારી ના છતાં તમે ફ્રીઝનું ઠંડુ પાણી પીઓ છે અને બહારના વાસી-તળેલા-મસાલેદાર પદાર્થ ખાઓ છો. વહેલી સવારે જંગે બહાદુર બનીને સ્વેટર –મફલર  વગર ચાલવા નીકળી પડો છો. અને આ શું? આ પાતળા  શર્ટની નીચે ગંજી કેમ નથી પહેર્યું? પોતાને પહેલવાનસમજો છો કે? મારી દવા પણ તમે રેગ્યુલર લેતાં નથી. ત્રણ દિવસની દવા સાત દિવસ ચલાવો છો.

આ રીતે જ કરવાના હોય તો તમને સ્ટેમ્પ પેપર પર લખી આપું કે તમાર શરદી કદી પણ મટવાની નથી. તમે મટશો પણ શરદી નહીં. આમ બાઘાની જેમ મારી સામું ડોળા ફાડી ફાડીને શું જોયા કરો છો?  લાવો મારી ફી અને દવાના રૂપિયા ૪૨૦ અને હવે અહીંથી ફૂટો.. મતલબ સિધાવો તમારા ઘરે.

ઉદાહરણ -  ૨:

અસીલ: વકીલ સાહેબ, તમે મને નિર્દોષ છોડાવી તો લેશો ને?
વકીલ: ભલા માણસ, તમે ખૂન કર્યું  છે અને ખૂનની સજા ફાંસી હોય છે તે જાણો છો ને? તમે ખૂન કરીને ત્યાં પુરાવા શું લેવા છોડી આવ્યાં? તમારી પોતાની અક્કલ ન ચાલતી હોય તો અમારી સલાહ લો ને, અમે કંઈ મરી ગયાં છીએ? હવે પૂછો છો, બચવાના ચાન્સ કેટલા? સાચુ કહું તો તમારા કેસમાં બચવાના ચાન્સ વીસ ટકા અને ફાંસીના ચાન્સ એંસી ટકા છે .
અસીલ: કંઈ પણ કરો વકીલ સાહેબ, પણ મને બચાવી લો.
વકીલ: હું કંઈ ભગવાન થોડો જ છું કે તમને બચાવી લઉં? હવે તો ભગવાન જ તમને બચાવી શકે.
અસીલ: તમે કહો એટલા રૂપિયા આપવા તૈયાર છું સાહેબ.
વકીલ: અચ્છા? આ વાત પહેલા કેમ ન બોલ્યા? હું છું પછી તમારે કોઈ વાતની શી ચિંતા? સો એ સો ટકા બચી જ જશો તમે. કાલે રુપિયા લઈ આવો પછી આગળ શું કરવું તે વિચારીએ. અને હાં, રોકડા લાવજો, આમાં ચેક બેક ન ચાલે, સમજ્યાં?

ઉદાહરણ -૩:

નેતા: (પ્રજાને ચૂંટણી પહેલાં) - : તમે મને ચૂંટણીમાં ચૂંટી કાઢશો તો મારું તમને વચન છે કે ગામમાં નળ નંખાવી દઈશ અને વીજળીના થાંભલા પણ ખોડાવી દઈશ.
શ્રોતા: સાયેબ, અમને લાઈટ ને પાણી ક્યારે મલશે?
નેતા: એ કંઈ કહેવાય નહીં.
શ્રોતા: તંયે અમે તમને હું કામ મત આલીએ? જે અમને લાઈટ અને પૉણીઆલે ઈને જ મત નો આલીએ?
નેતા: તમે જો ધારતા હશો કે મને નહીં અને બીજા કોઈને મત આપવાથી કે ચૂંટી કાઢવાથી રાવણરાજ  જશે ને રામરાજ આવશે તો એ તમારી મોટી ભૂલ હશે. દરેક રામ નેતાની ખુરશીમાં બેઠા પછી ઑટોમેટીકલી  રાવણ જ બની જતો હોય છે. એટલે તમે મને ચૂંટશો કે કોઈ ભગલાભાઈને’, તમારે માટે તો બધું સરખું જ રહેવાનું. દુનિયા તો જૈસી થી વૈસી કી વૈસી હી રહેગી. હું કમ સે કમ નળ અને થાંભલા તો નંખાવી આપીશ. એ હશે તો ભવિષ્યમાં પાણી અને વીજળી પણ આવશે.

ઉદાહરણ- ૪ :

ગ્રાહક: સાહેબ, મકાન મજબૂત તો હશે ને?
બિલ્ડિંગ કોંટ્રાક્ટર: અમારે તો શું કે ટેન્ડર સાવ નીચાભાવે ભરવું પડે, તો જ એ પાસ થાય. પણ  પછી અમારે અમારા રોટલા કાઢવા સિમેન્ટની જગ્યાએ રેતી વાપરવી પડે. પરિણામે મકાનની મજબૂતી વિશે અમે કોઈ ખાતરી નથી આપતા. તેમ છતાં હું તો વળી સારો છું કે મકાનની એક વર્ષની ગેરેન્ટી આપું છું, બીજા તો છ મહિનાની પણ નથી આપતાં.

ઉદાહરણ – ૫:   

ગ્રાહક: આ વોટર જગ સાથે જે બે ગ્લાસ ફ્રી આપો છો તે ખરેખર તમારા કહેવા પ્રમાણે અન બ્રેકેબલ છે?
સેલ્સમેન: ના, એની કોઈ ગેરેન્ટી નથી. ઈવન જગની કોઈ ગેરેન્ટી નથી. પડી જાય તો કદાચ તૂટી પણ જાય.
ગ્રાહક: તો પછી શું જોઈને તમે એ વેચવા આવ્યા? જગના કલર્સ પણ એટ્રેક્ટીવ નથી.
સેલ્સમેન: તમારી વાત સાવ સાચી છે. જગના કલર્સ એટ્રેક્ટીવ નથી, ગ્લાસ પણ અનબ્રેકેબલ નથી. બન્ને પ્રોડક્ટ ક્વૉલિટીના નામે મીંડું છે. પણ અમારે તો પાપી પેટકા સવાલ હૈ એટલા માટે અમારે વેચવું પડે છે.


તો વાચકો, આપણે વાત કરતાં હતાં, સત્યં વદ પ્રિયં વદ ની. ઉપરના સત્યના પ્રયોગો માંથી તમને કેટલા કિસા પ્રિયં લાગ્યા? એક પણ નહીંને?  અરે, આ તો ઠીક છે, પણ એકાદવાર તમારા બૉસ વિશેનો સાચો મત એમની આગળ બોલજો, તમને ખાતરી થઈ જશે કે , સત્ય કેવું અને કેટલું કડવું હોય છે.  એકાદવાર કોઈક માથા ભારે તત્વને મોઢા પર એના વિશેનો તમારો સત્યમત પ્રગટ કરી જોજો – સત્ય તમને માત્ર કડવું જ નહીં, પરંતુ તીખું  અને તમતમતું – આંખમાં પાણી લાવી દે  તેવું જોરદાર લાગશે.