Wednesday 26 July 2017

યથા રાજા તથા પ્રજા.

યથા રાજા તથા પ્રજા.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

થોડા સમય પહેલાં જ ભારત સરકાર ‘નોટબંધી’ નો કાયદો લાવી હતી. એ કેટલો સફળ રહ્યો તે તો સરકાર માઈબાપ જ કહી શકે. પણ સરકારને થોડા થોડા સમયે, કોઈ ને કોઈ બહાને,  પ્રજા પર કોઈને કોઈ ‘પ્રતિબંધ’ મુકવાની ચળ ઉપડ્યા કરે છે ખરી. આજની આ વાત નથી, વર્ષોથી આવું ચાલ્યું આવે છે.
૧૯૯૭ માં મલેશિયાની ઇસ્લામિક સરકારે, સિનેમાઘરો એટલે કે થીયેટરોમાં ફિલ્મ ચાલુ હોય તે દરમ્યાન, અંધારું રાખવા પર પ્રતિબંધ મૂક્યો  હતો. આવો કાયદો કરવાનું કારણ આપતાં સરકાર કહે છે, ફિલ્મો જોતી વખતે પ્રેક્ષકો અંધારામાં ચુંબન, આલિંગન અને બીજી ગંદી હરકતો કરે છે.’  
‘ગંદી’ એ શબ્દ સાપેક્ષ છે, કેવી હરકતોને ગંદી ગણવી, એ વિવાદનો વિષય છે, એટલે એનો નિર્ણય આપણે વિદ્વાનો પર છોડી દઈએ, તો પણ સરકારમાં બેઠેલા પ્રધાનોની હરકતોને કેવી ગણવી એ પ્રશ્નનો ઉત્તર આપણને મળતો નથી. 
માની લો કે આવા ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા.’ પંક્તિને અનુરૂપ કાયદો – ‘ચાલુ ફિલ્મમાં થીયેટરમાં અંધારું ન રાખવું’ - ભારતમાં આવે તો ઘણી મુશ્કેલી ઉભી થાય એમ છે. ઘણા વિધાર્થીઓ સ્કુલ કે કોલેજમાંથી બંક મારીને ફિલ્મ જોવા જાય છે, ઘણા માણસો નજીકના સગા-વહાલા ગુજરી ગયા હોવાનું બહાનું કાઢીને, ઓફિસમાંથી રજા લઈને ફિલ્મ જોવા જાય છે.
કેટલાક સ્માર્ટ ઓફિસર બોસની પત્ની સાથે, કે કેટલાક ચતુર બોસ રૂપકડી સેક્રેટરી સાથે ફિલ્મ જોવા જાય છે. જો થીયેટરોમાં ચાલુ ફિલ્મે અંધારાના બદલે અજવાળું રાખવામાં આવે તો આ બધાનું શું થાય ? આવાતેવા કે કોઈપણ લફરા વગરના, સીધા સાદા એવા, આપણે ફિલ્મ જોવા જઈએ, તો પણ આપણને અજવાળામાં  શીંગ, વેફર, પોપકોર્ન વગેરે ખાતા ખાતા  ફિલ્મ જોવાની મજા આવે નહીં, કેમ કે એમાં પરદા પરની ફિલ્મ કરતા આજુબાજુમાં ભજવાતા સીન પ્રત્યે આપણું ધ્યાન વધુ દોરાય.
કેટલાય અગત્યના કામો (ફેસબુક, વોટ્સ એપ) છોડીને, પંડનું પેટ્રોલ બાળીને, ‘વ્હાઈટ’ મા ન મળે તો ‘બ્લેક’ મા પણ ટીકીટો ખરીદીને, (‘બુક માય શો’ ની વધારાની ફી ચૂકવીને),  લોકો ફિલ્મ જોવા જાય છે, શાના કારણે ? ફિલ્મમાંથી મનોરંજન મળે એ માટે ? ના, ના. જરાપણ નહીં. લોકોને ખબર છે કે મોટેભાગેની ફિલ્મોમાંથી મનોરંજન નથી મળતું , પણ મનને ‘રંજ’ (દુઃખ) મળે છે. 
લોકોમાં એટલી સમજ તો બચી છે કે એને ખબર છે કે મનોરંજન શેમાંથી મળે, અને શી રીતે મળે. એ રીતે મળતું મનોરંજન પણ સરકાર અંધારાને અજવાળામાં પલટી નાખીને ખૂંચવી લેવા માંગે તો પ્રજા એટલે કે પ્રેક્ષક કંઈ મુર્ખ છે કે થીયેટરમાં અદબ પલાંઠી વાળીને ડાહ્યોડમરો થઈને ફિલ્મ જોવા આવે ?
ઘણા થીયેટરોમાં લખ્યું હોય છે – AC થીયેટર. જેમાં AC ની વાત તો છોડો પંખા પણ ધીમી ગતિએ (અને જોરદાર અવાજ થી) ચાલતા હોય છે. પક્ષપાતી રાજકારણીઓ જેમ પોતાના સગાઓને ખાતા ફાળવે, તેમ આવા પંખા પણ પોતાના એરીયામાં આવતા લોકોને હવા આપતા હોય છે. ‘સાઉન્ડ સીસ્ટમ’   (ડોલ્બી, અલ્ટ્રાસોનિક, સ્ટીરીયોફોનીક)   એવી હોય છે કે ડાયલોગ ક્લીયર ન સંભાળાય અને ગીતો કાન ફાડી નાખે એવા સંભળાય.
થીયેટરોના વેઈટીંગ રૂમ એવા હોય જ્યાં વેઇટ કરતા લોકોમાં ફાઈટ થઇ જાય, ‘નો સ્મોકિંગ’ ના બોર્ડની નીચે જ સિગરેટવાળાનું કાઉન્ટર હોય. પોપકોર્ન, સેન્ડવીચ અને કોલ્ડડ્રીંક ના ભાવ ડબલ હોય, ટોઇલેટ-બાથરૂમ મ્યુનીસીપલ કોર્પોરેશનની માલિકીના હોય એવી અસહ્ય દુર્ગંધ આવતી હોય, નાકની હડતાળ પાડીને એનો ઉપયોગ તમે કરી શકો.
આવા થીયેટરમાં પ્રેક્ષક મોંઘા ભાવની ટીકીટ લઈને શા માટે જાય, મુવી જોવા ? એક તરફ પરદા પર ફિલ્મ ચાલતી હોય, અને બીજી તરફ પ્રેક્ષકોમાં. આવી ‘ઇનસ્ટન્ટ પ્રેકટીકલ ટ્રેનીંગ’ અન્ય સ્થળે ભાગ્યે જ જોવા મળે. ફિલ્મનો હીરો હાથમાં સ્ટેનગન કે મશીનગન લઈને ધાણીચણા ફોડતો હોય એમ ગોળી છોડીને દુશ્મનને ભોંય ભેગા કરી દે છે.     
પ્રજા લાંચિયા અને ભ્રષ્ટ  અધિકારીઓને ચુપચાપ સહન કરે છે, એટલે અહી હીરોને આમ બદલો લેતો જોઇને એના પાત્રમાં પોતાને કલ્પીને આનંદમાં આવી જાય છે. ફિલમનું બીજું પાસું છે સેક્સ. માણસ જેવું દંભી પ્રાણી બીજું એકેય નથી. ખાનગીમાં  ભરપૂર સેક્સ માણતો માણસ જાહેરમાં એના પ્રત્યે સૂગ દર્શાવે છે. સ્વ. રાજકપૂરની ફિલ્મોમાં સેક્સ કલાત્મક રીતે દર્શાવતી જોઈ શકાય છે.
હમણા થોડી ફિલ્મો ‘વુમન એમ્પાવરમેન્ટ’ વાળી આવી છે, તે સિવાય મોટેભાગેની  ફિલ્મોમાં હિરોઈન      શોપીસ  જેવી  દર્શાવવામાં આવે છે. સાવ ગરીબ હોય એમ, એની પાસે પહેરવા પુરતા કપડા ન હોવાથી એ અર્ધનગ્ન ઘૂમે છે. (પહેલાની હિન્દી ફિલ્મોની કેબ્રે ડાન્સર, આજની હિરોઈન કરતા વધારે કપડા પહેરતી)
હીરો પણ ‘તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત’ ગાતો, આવી હિરોઈનની પાછળ લટુડા પટુડા કરે છે. એને ‘બાપાના પૈસે લહેર કરો અને બાપાની સામે બગાવત કરો’ એટલું બરાબર આવડે છે. ૮૦% ફિલ્મોમાંથી કોઈ ધ્યેય કે પ્રેરણા મળતા નથી. બાકી તો આજે પણ કેટલાક પ્રેક્ષકો, આનંદ, બાવર્ચી, હમ આપકે હૈ કૌન...જેવી સ્વચ્છ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. હા, ‘બાહુબલી’ અને ‘દંગલ’ જેવી ફિલ્મો પ્રેક્ષકોનું ખરેખર મનોરંજન કરે છે, અને નિર્માતાઓનું ખિસ્સું છલકાવે છે ખરી. પણ એવી ફિલ્મો આવે છે જ કેટલી ઓછી. 
હાલ તો આખો ફિલ્મ ઉદ્યોગ વિવાદોના વમળમાં અટવાયો છે. ઢંગધડા વગરની વાર્તા, નબળી માવજત, ઉઠાવેલું સંગીત, હીરો હિરોઈનના નખરા, વિલંબ અને અંધારી આલમનો દબદબો,આ બધાને લીધે  ફિલ્મ ઉધોગ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. 
ઉપરથી ‘ખાતર પર દીવેલ’, જેવો આ કાયદો – ‘થીયેટરમાં ચાલુ ફિલ્મે અંધારા પર પ્રતિબંધ’ જો લાગુ પડે તો ?  માનવસહજ સ્વભાવ એવો છે કે જેના પર પ્રતિબંધ હોય એ ચીજ કરવાની બહુ ગમે. ચુંબન, આલિંગન કે કહેવાતી ગંદી હરકતો જો રીલ લાઈફ (ફિલ્મમાં) પ્રતિબંધિત ન હોય તો રિયલ લાઈફમાં શા માટે ?

ફિલ્મોની વાત તો છોડો, જો સરકાર ઈચ્છતી હોય કે આજની પ્રજા (પ્રેક્ષક) ડાહી, સમજુ, પ્રામાણિક બને તો એની શરૂઆત નેતાઓથી કરવાની જરૂર છે. કેમ કે એક કહેવત છે –‘યથા રજા તથા પ્રજા.’ 

Wednesday 19 July 2017

ચૂકશો તો પસ્તાશો.

ચૂકશો તો પસ્તાશો.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-રોનકભાઈ, તમારે ત્યાંથી લાવેલી કુર્તી તો પહેલીવાર પહેરતામાં જ ફાટીને લીરા લીરા થઇ ગઈ.
મેં જ્યાંથી કુર્તી લીધી હતી એ ‘રીવાજ’ સ્ટોર ના માલિક રોનકભાઈને ફરિયાદ કરતા કહ્યું.
રોનકભાઈ: હા, તો ? તમે કુર્તી જોઇ તપાસીને જ લીધી હતી ને ? એમણે ઠંડા અવાજે કહ્યું.
-જોઇને તો લીધી હતી, પણ મને શું ખબર કે એનું કપડું કોહવાયેલું છે, અને એ પહેલીવારમાં જ ફાટી જશે, એટલીસ્ટ ચાર પાંચ વાર પહેરાય અને પછી કંઈ થાય તો ય સમજ્યા, પણ આ તો પહેલી જ વારમાં કપડું ફાટી જાય, એ તે કેવી વાત કહેવાય ? તમારે ત્યાંથી લીધેલા માલની કંઇક તો ગેરન્ટી હોવી જોઈએ ને ?
 -તમે અમારું બિલ જુવો, એના પર ચોખ્ખું લખ્યું છે કે –‘વેચેલા માલની કોઈ ગેરન્ટી નથી’
રોનકભાઈએ પોતાના હાથ અધ્ધર કરી દેતા કહ્યું. મેં બે ચાર ઉગ્ર દલીલો કરી જોઈ, પણ ‘પથ્થર પર પાણી’ ની જેમ એમને કોઈ  અસર ન થઇ, એથી મેં બે ચાર મનોમન (??) ચોપડાવીને મન વાળ્યું.
આમાં વાંક કોનો ? આમાં વાંક હોય તો આપણા માનવ સહજ સ્વભાવનો છે. અહીં મને એક પંક્તિ યાદ આવે છે:
‘ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો એ સિતારા નહોતા ઉગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.’
એનો અર્થ એ કે, એક તો જાહેરાત પણ ઓછી આકર્ષક નહોતી, અને અમે પણ અમારી વિવેકબુદ્ધિ ગુમાવી દીધી હતી, જાહેરાત જોઇને લેવા દોડી ગયા અને પરિણામે છેતરાયા, પસ્તાયા.
જાહેરાતો વાંચીને – સાંભળીને આપણે ખરીદી કરવા દોડીએ છીએ, અને ઘણીવાર પસ્તાઈએ છીએ. જાહેરાત કરનાર વ્યક્તિએ તો એની પ્રોડકટનું માર્કેટિંગ કરવું જ પડે, નહીતર એનો માલ ખરીદે કોણ ? આજકાલ જમાનો પણ માર્કેટિંગનો જ છે, ‘બોલે એના બોર વેચાય’ જેવું.
એવું કહેવાય છે કે - ‘જો તમે નહીં જોઈતી વસ્તુઓને ઘરમાં આવતી રોકશો નહિ, તો તમારે જોઈતી વસ્તુઓ ઘરમાંથી કાઢવી પડશે.’  પણ હાય રે આપણો સ્વભાવ ! ‘રોકા કઈ બાર મૈને દિલ કી ઉમંગકો, ક્યા કરું મૈ અપની નીગાહોકી પસંદ કો..’
કોઈ યુવાન અને સુંદર સ્ત્રી, બની ઠનીને રસ્તે જતી હોય અને યુવાનો એના પર નજર સુધ્ધાં ન માંડે, કે કોક રસિક યુવાન સીટી પણ ન મારે, તો એ યુવતીને પોતાના રૂપનું, પોતાની યુવાનીનું અપમાન થયેલું લાગે છે. જો કે યુવાનો એવું કરે જ નહીં (આ બાબતે ૬૦ – ૭૦ વર્ષ સુધીના પુરુષો પણ યુવાન જ ગણાય)
એ જ રીતે કોઈ પણ વસ્તુની જાહેરાત સાથે ‘મફત’ કે ‘તદ્દન ફ્રી’ એવું લખ્યું હોય અને આપણી (ખાસ કરીને સ્ત્રીઓની) નજર એના પર ન પડે એવું તો બને જ નહીં. આ ‘મફત’ શબ્દ લોભામણી લલના જેવો આકર્ષક અને ચિત્તચોર છે. કેટલીક વાર  ખરીદવા માટેની ઓરીજીનલ વસ્તુ કરતા આપણને એની સાથે મળતી ‘તદ્દન ફ્રી’ વસ્તુમાં વધારે રસ પડી જાય છે, ‘મૂડી કરતા વ્યાજ વહાલું લાગે’ એમ જ.    
 ‘બજારમાં  કેટલીય નવી વસ્તુઓ  દરરોજ ઠલવાય છે, જેમની હોય એમણે તો વેચવાની હોય એટલે જાહેરાત કરવી પડે, પણ આપણે કેટલી વસ્તુઓ ખરીદતા રહીશું ?’ -  એવું ઘરે સ્વામીનાથ સાથે બેસીને નક્કી કર્યું હોય, પણ બજારમાં મુકેલી આકર્ષક અને અવનવી ચીજો, આ અબળા નારી પર આક્રમણ કરીને એને લેવા મજબુર કરી દે છે.
જેમને પાન, બીડી, તમાકુ કે દારૂનું વ્યસન હોય તે કહેશે, ‘કોણ કહે છે કે વ્યસન છૂટતું નથી, મેં જ કેટલીય વાર છોડ્યું છે.’ તેમ કોણ કહે છે કે અમે  આવી જાહેરાતથી આકર્ષાઈને વસ્તુઓ ખરીદીએ છીએ ? અમે તો કેટલીય વાર જાહેરાતથી આકર્ષાઈને વસ્તુઓ ન ખરીદવાના સોગંદ લીધા છે, (અને તોડ્યા છે.)
કેટલીક આકર્ષક જાહેરાતના નમૂના અહીં પેશ કરું છું :
*એક રેસ્ટોરાં ની જાહેરાત : એક પંજાબી થાળી સાથે એક પંજાબી થાળી ફ્રી.
(જાણે પત્ની સાથે સાળી ફ્રી)
*Pay 50% Avail 100% -  મતલબ કે - અડધા પૈસા ચૂકવીને પૂરો ફાયદો મેળવો.
[સરકારી કર્મચારી જેવું, ચૂકવે ૫૦% (અડધું કામ કરીને) મેળવે ૧૦૦% પૂરા (પગારના)]
*ફક્ત એક હજાર રૂપિયામાં ફ્રીજ ઘરે લઇ જાવ, સાથે આકર્ષક ભેટ મફત.
(પછી એમાં મૂકવાના શાકભાજી, ફળ, દૂધ, દહીં, ઘી, માખણ  લેવાના પૈસામાંથી એના હપ્તા ચૂકવાઈ  જાય એટલો સમય ફ્રીજ ભલેને ખાલી રહે.)
*૫૦%  સુધીનું ક્લીયરન્સ સેલ:
(૫૦% સુધીનું ક્લીઅરન્સ ખરું પણ એ તમારા પગારની આવકનું.)
*માત્ર ૩૬ કલાક બાકી, ૩૬ ઈંચનું કલર ટીવી મફત મેળવવાની છેલ્લી તક,ચૂકશો તો પસ્તાશો.
(ખરેખર તો તમે તક ચૂકો તો અમારે પસ્તાવું પડે એમ છે, તમને લપટાવવાનો આ લાસ્ટ ચાન્સ છે અમારી પાસે.)
*આજે જ ખરીદો ફ્લેટ અકલ્પ્ય ભાવે.
(અકલ્પ્ય ઓછા કે અકલ્પ્ય વધારે ?)
*ચિનગારી કોઈ ભડકે...પ્રસ્તુત કરે છે, કૂકર સાથે લાઈટર ફ્રી.
(પત્ની કૂકર લેવા જીદ કરે, પતિ ના પાડે, અને ચિનગારી કોઈ ભડકે..)
*જીતો – ૨૪ કેરેટનું ૩.૫ કિલો સોનું અને ૧૦ કિલો ચાંદી – અમારે ત્યાંથી રોકડેથી કે લોનથી સ્કૂટર ખરીદો, જૂનાની સામે નવું ખરીદો, ડબલ ફાયદો, પ્રત્યેક દસમાંથી બે ગ્રાહકને ઇનામ પાકું.
(વેચનાર દાનવીર કર્ણનો અવતાર છે, કે દેવાળું ફૂંકવા નીકળ્યો છે ?)
*જુના ટીવી, વોશિંગ મશીન, કોમ્પ્યુટર ની સામે નવા મેળવો, નજીવા ભાવે.
(જૂના પતિની સામે નવો કે જૂની પત્નીની સામે નવી મળે, એવી જાહેરાત ક્યારે આવશે?)
*સર્ટિફાઈડ ગ્રહોના રત્નો ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ...
(સર્ટિફાઈડ ગ્રહો કે સર્ટિફાઈડ રત્નો ? ભાઈ,  ગ્રહોને કોણે સર્ટિફાઈડ કર્યા ?)
*હવે સમય છે ઘર સજાવવાનો.. રૂપિયા ૧૫૦૦ ની ખરીદી પર મેળવો રૂપિયા ૬૦૦ કેશ બેક.
(તો વસ્તુના સીધે સીધા ૯૦૦ રૂપિયા  જ લેતા શું ચૂંક આવે છે ?)
*શું ઈંગ્લીશભાષા તમારી કમજોરી છે ? હવે ફિકર નોટ, ઈંગ્લીશ સ્પીકિંગ ૧૦૦% ખાતરી -૧૦૦% રીઝલ્ટ.
(‘ફિકર નોટ..’ એટલે કે – ‘બોથ ઓફ યુ થ્રી, ગેટ આઉટ’,  કે - ‘ઓપન ધ ડોર ઓફ ધ વિન્ડો’  ....જેવું ઈંગ્લીશ શીખવશો કે ?)  
આ ઉપરાંત....
એક સાડીની સાથે બે સાડી ફ્રી, ત્રણ શર્ટ પર એક શર્ટ ફ્રી, જુના પેન્ટ શર્ટ ની સામે નવા પીસ મેળવો, સ્કૂટરની સર્વિસ કરાવો અને ઓઇલના ત્રણ પાઉચ ફ્રી મેળવો, મોટરસાઈકલ સાથે ગોગલ્સ ફ્રી, હેરઓઈલ સાથે દાંતિયો ફ્રી, કેચપ સાથે ટીબેગ્સ ફ્રી, સાબુ સાથે શેમ્પુ પાઉચ ફ્રી, ઘડિયાળ સાથે બેલ્ટ ફ્રી, ટોય કાર સાથે બેટરી ફ્રી, કાર સાથે પાંચ લીટર પેટ્રોલ ફ્રી, ફ્લેટ સાથે ફર્નીચર ફ્રી – ફ્રી – ફ્રી – ફ્રી....
હવે ખુરસી(પ્રધાનપદ) સાથે કૌભાંડ ફ્રી, દહેજ સાથે કન્યા ફ્રી, ડોનેશન સાથે સ્ટુડન્ટ ફ્રી, લાંચના રૂપિયા સાથે રબર બેન્ડ ફ્રી, પત્ની સાથે સાસુ ફ્રી, પતિ સાથે દાદાગીરી ફ્રી, બાળકો સાથે તોફાનો ફ્રી, હાસ્યલેખ સાથે કંટાળો ફ્રી અને છેલ્લે...
આજે જ લઇ જાવ, ‘ગૂર્જર ગ્રંથાલય’ – ગાંધી રોડ, માંથી અમારું ઇનામ વિજેતા પુસ્તક ‘હાસ્યપલ્લવ’ – જેમાં કોરા પેપર સાથે પ્રિન્ટીંગ ફ્રી, - પેપર્સ સાથે આગળ અને પાછળના પૂંઠા ફ્રી, - પુસ્તક સાથે એક પ્લાસ્ટીકની કેરી બેગ ફ્રી, એક સાથે ત્રણ ત્રણ લાભ -  જલ્દી કરો - વહેલો તે પહેલો - વિચારવા રહેશો તો રહી જશો -  ચૂકશો તો પસ્તાશો. 


Wednesday 12 July 2017

સરકાર ને સલાહ.

સરકાર ને સલાહ.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

દારૂબંધી વાળા કાર્યકર : એક ડોલમાં પાણી રાખ્યું છે અને બીજી ડોલમાં દારૂ, એક ગધેડો જેવો ગધેડો પણ દારૂના બદલે પાણી પીએ છે, એનો મતલબ સમજો છો ?
ગામડિયા પ્રેક્ષકો: હા, દારૂ મળતો હોય છતાં પાણી પીએ તે ગધેડો છે.
બે ત્રણ દિવસ પહેલાં આ જોક રેડિયો પર સાંભળીને મને, ૧-૪-૧૯૯૮ ના રોજ ‘ગુજરાત સમાચાર’ માં છપાયેલા સમાચાર - ‘ગાંધીજી ના ગુજરાત માં આજથી ઉઠાવી લેવામાં આવતી દારૂબંધી’ ની યાદ આવી ગઈ. આ સમાચાર વાંચીને કેટલાક ‘ગાંધીવાદી’  લોકો ગેલમાં આવી ગયા હતા, જ્યારે પોલીસ તંત્ર ચોંકી ઊઠ્યું હતું, ‘સરકારને તો દારુમાથી તગડી આવક થશે, પણ હવે દારૂબંધીના કારણે મળતી પોતાની બે નંબરની આવકનું શું થશે?’ એ વિચારે કાયમ બીજા લોકોને ટેન્સ કરતા પોલીસો પોતે ટેન્શનમા આવી ગયા હતા. 
બીજે દિવસે જ્યારે છાપાવાળા એ એકરાર કર્યો કે ‘દારૂબંધી ઉઠાવી લેવાના સમાચાર અપ્રિલ ફૂલ સમાચાર હતા’ ત્યારે એ લોકોનો જીવ હેઠો બેઠો. અને પછી એ લોકોએ દારૂના પીઠામાં જઈને દારુ પીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
તા. ૪ થી માર્ચ, ૧૯૮૩ ના રોજ દિલ્હીમાં રાજીવભૈયાએ (સ્વર્ગસ્થ રાજીવ ગાંધી) પોતાના નાનાજી નહેરુજી ના માનમાં, દેશની એકતા કાજે લાખો લોકોને સવારે દોડાવ્યા. ઘણીવાર મને એ વાત નથી સમજાતી કે આમ લોકોના દોડવાથી એકતા કેવી રીતે આવે? માની લઈએ કે બધા સાથે દોડે એટલે એ દિવસ પુરતી એકતા એ લોકોમાં આવે, પણ એ દિવસ સિવાય બીજા દિવસોનું શું ?  અને એ દોડમાં ભાગ ન લીધો હોય એવા બીજા લોકોનું શું ?
ખેર ! એ જ દિવસે – રાત્રે ગુજરાત રાજ્યના વડોદરા શહેરના સેંકડો માણસોએ ‘લઠ્ઠાપાન’ કરીને - શહીદી વહોરીને  - એ વખતના મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરીને, તેઓ માણી રહેલા સંગીતના કાર્યક્રમને  અધુરો મુકીને,  મોતનું તાંડવનૃત્ય જોવા માટે  દોડાવ્યા.
શિક્ષક: જુવો, આ કીડાઓને પાણીમાં નાખીએ તો જીવતા રહે છે, અને દારૂમાં નાખીએ તો મરી જાય છે, જાણો છો, આનાથી આપણને શું બોધપાઠ મળે છે ?
વિધાર્થીઓ: હા, દારુ પીવાથી પેટમાના કીડાઓ મરી જાય છે.   
જોક અપાર્ટ,  તા. ૮ અને ૯ નવેમ્બર (દિવાળી અને નૂતન વર્ષ) ૧૯૯૧, દિલ્હીના ‘જહાંગીરપુરી’ વિસ્તારના ઝૂંપડપટ્ટીના કામદારોએ તહેવારના દિવસો લઠ્ઠો પીને ઉજવ્યા, અને લગભગ ૨૦૦ જણને નવો અવતાર કે મોક્ષ મળ્યો. આમ તો કહેવાય છે કે – ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને’  આ ‘સુરા’ (દારુ)  એ દેવોનું પીણું છે, જે પીને ઘણા શૂરા (શૂરવીર) લોકો  હરિના ધામે પહોંચી જાય છે, એ વાત આવા લઠ્ઠાકાંડ થી પૂરવાર થાય છે.  
આના એક મહિના પછી, એટલે કે પહેલી ડીસેમ્બર ૧૯૯૧ ના રોજ, રાજકોટના પોરાળાગામમાં ઝૂંપડીઓમાં રહેતા લોકોએ લઠ્ઠાની મજા માણી ત્યારે પણ લગભગ ૩૦ લોકો સ્વર્ગે સિધાવી ગયા હતા. આમ લઠ્ઠો પીવાથી સ્વર્ગ મળે તો એ સોદો ખોટનો કહેવાય ? તમે જ કહો.
કેટલાક કહેવાતા ડાહ્યા લોકો કહે છે, કે આટઆટલા લઠ્ઠાકાંડના ગંભીર બનાવો  બની ગયા હોવા છતાં, લોકો દારૂ પીને બેફામ વાહનો ચલાવીને એક્સીડન્ટ કરીને જીવ ગુમાવતા, અને લોકોનો જીવ લેતા હોવા છતાં, સરકારે આજ સુધી, (આ તમે વાંચી રહ્યા છો એ દિવસ સુધી)  એને નિવારવા કોઈ પગલા ભર્યા નથી. સાંભળ્યું છે કે જે રાજ્યોમાં (ગુજરાત, બિહાર, મણીપુર, નાગાલેન્ડ) સરકારે ‘દારૂબંધી’ દાખલ કરી છે, પણ ત્યાં પણ ઓર્ડર કરવાથી (અને ઓફકોર્સ પેમેન્ટ કરવાથી) દારુ ઘેર બેઠા મળી જાય છે. પહેલા ગાંધીજીના ગુજરાતમા ઘી-દૂધ ની નદી વહેતી, હવે દારૂનો દરિયો વહે છે.
કદાચ સરકાર પાસે  આવા લઠ્ઠાકાંડ રોકવાના કોઈ ઉપાય જ નથી, અને છે તો એ અજમાવતી નથી, અને અજમાવે છે તો એમાં કારગત થતી નથી. આથી મારા જેવા કેટલાક પીઢ માણસોએ ‘સરકારની સેવામાં’ અંતર્ગત લઠ્ઠાકાંડ રોકવાના સરળ અને સચોટ ઉપાયો રજૂ કર્યા છે, અને ઉમેર્યું છે કે – આ ઉપાયો અજમાવવાથી સરકારને અને લોકોને ફાયદો થશે. આ દોઢડાહ્યા લોકો જાણતા નથી કે ‘સરકારને સલાહ’ આપવી એ ‘સૂરજને દીવો’  બતાવવા જેવું કામ છે, પણ ટેક્સ ભર્યા પછી હવે સરકારને આપી શકાય એવી ચીજમાં સલાહ જ બચી છે.
સલાહ-૧ : જે રીતે ગરીબ વિધાર્થીને શિક્ષણ આપવા સરકારે ‘મ્યુનિસિપલ શાળા’ ઓ ખોલી છે, એ જ પ્રમાણે ગરીબ કામદારોને સાંત્વન – રાહત –સહારો – જોમ મળી રહે, તે માટે  ‘મ્યુનિસિપલ બાર’ ખોલવા જોઈએ. જ્યાં રાહત દરે લઠ્ઠો મળી શકે એવી ગોઠવણ કરાવી જોઈએ.
સલાહ-૨: સરકારી લઠ્ઠો લોકો સુધી પહોંચે, એ પહેલાં ‘ક્વોલિટી કંટ્રોલ’ વિભાગના ઓફિસરોએ એ લઠ્ઠો પીવાલાયક એટલે કે ‘બિનઝેરી’ (આઇ એસ આઈ માર્ક) છે કે નહીં એ ચેક કરવું જોઈએ.
સલાહ-૩: ‘મ્યુનિસિપલ બાર’ ઉપરાંત રેશનીંગ ની દુકાનેથી કેરોસીન ની જેમ, લઠ્ઠાનું પણ પ્રમાણિત કરેલી માત્રામાં અને નક્કી કરેલા દરે વિતરણ કરવું જોઈએ, જેથી કોઈપણ શ્રમજીવી લઠ્ઠાથી વંચિત ન રહે, તહેવારોમાં આ માત્રા વધારી શકાય.
સલાહ-૪:સરકારે કર્મચારીઓને ‘મોંઘવારી-ભથ્થા’ ની જેમ જ ‘લઠ્ઠા-ભથ્થું’  પણ આપવું જોઈએ.
સલાહ-૫: ઘણા પરોપકારી લોકો અને સરકાર ખુદ પણ ઠેર ઠેર ‘ચોખ્ખા અને ઠંડા પાણીની પરબ’ ખોલે છે, એમ ‘બિનઝેરી લઠ્ઠા’ ની પરબો પણ ખોલવી જોઈએ, જેથી લોકોને વિનામૂલ્યે એ ચીજ મળી રહે.

ઉપરની પાંચ મૂલ્યવાન સલાહ અમલમાં મૂક્યા બાદ પણ ખતરનાક ‘લઠ્ઠાકાંડ’ બનતા રહે, તો સરકારે મુંઝાવાની જરૂર નથી. સરકાર દરેક ‘કાંડ’ વખતે જે રીતે હમેશા કરતી આવી છે, એ પ્રમાણે ‘લઠ્ઠા કાંડ’ વખતે પણ તપાસ સમિતિ રચવી, લઠ્ઠાની દુકાનો ટેમ્પરરી સીલ કરવી, બે ચાર અધિકારીઓની ઇધર ઉધર બદલીનું નાટક કરવું. એનાથી લોકોને થોડી ધરપત મળશે અને સરકારને ‘કંઇક’ કર્યાનો સંતોષ મળશે.       

Wednesday 5 July 2017

માનો તો આજે આટલી બસ છે.

માનો તો આજે આટલી બસ છે.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-ભાભી, તમારે એક ફ્લેટની ઇન્ટીરીયર ડીઝાઈન કરી આપવાની છે.
એક દિવસ મારા પતિદેવના ખાસ મિત્ર પનુભાઈએ અમારા ઘરે આવી હક્કપૂર્વક મને કહ્યું.
હક્કપૂર્વક કંઈ કહી શકાય એવા સંબંધો હવે ઓછા થતા જાય છે. છોકરાઓ નાના હોય ત્યારે તેઓ  મા-બાપ પાસે  હક્કપૂર્વક  ચીજો માંગતા હોય છે, અને મા-બાપ પણ છોકરાઓને  અધિકાર પૂર્વક સૂચનાઓ આપતા હોય છે, એટલે એ સંબંધ આત્મીય  હોય છે. એવો જ બીજો મીઠો હક્કપૂર્વક નો સંબંધ મિત્રતાનો હોય છે. 
-પનુભાઈ, જો હું ભુલતી ન હોઉં તો તમારા ફ્લેટના ફર્નીચરની ડીઝાઇન તો મેં ગયા વર્ષે જ બનાવી આપી હતી, ખરું ને ?
-એકદમ ખરું. અને તમે બનાવી આપેલી ડીઝાઈન મને અને પન્ના (એમના પત્ની) ને – બેઉને ગમી હતી. અમે એ મુજબ જ ફર્નીચર પણ કરાવ્યું હતું.
-તો હવે તમારે એ બદલાવીને નવું ફર્નીચર કરાવવું છે, માત્ર એક વર્ષમાં ? મેં નવાઈથી પૂછ્યું.
-અરે ના ભાભી. તમે બનાવી આપેલી ડીઝાઈન મારા સાળા એટલે કે પન્નાના મોટાભાઈને બહુ ગમી છે, એટલે પન્નાએ કહ્યું કે મોટાભાઈની ડીઝાઈન પણ તમારી પાસે જ તૈયાર કરાવીએ.   
-મોટાભાઈની ડીઝાઈન ?
-એટલે કે મારા મોટા સાળાના ફ્લેટના ફર્નિચરની ડીઝાઈન, ભાભી.
-એમ કહોને ત્યારે. પણ તમારા સાળા તો અહીં અમદાવાદમાં નથી રહેતા, મુંબઈ રહે છે ને ?
-હા, પણ હવે તેઓ અહીં સેટ થવા માંગે છે.
-કેમ, એ ત્યાં અપસેટ છે ?
-અરે હોય ! એ તો ત્યાં ‘વેલ સેટ’ છે, બહુ મોટી પાર્ટી ગણાય છે. ઘર, ઓફીસ, ગાડી, પ્રતિષ્ઠા...બહુ મોટા માણસ છે એ.
-તો પછી એ બધું છોડીને અહીં અમદાવાદમાં કેમ આવે છે ?
-મેં કહ્યું એટલે.
-તમે કહ્યું એટલે ? એવું તમે શું કહ્યું એમને ?
-મેં કહ્યું, ‘જતીનભાઈ, મુંબઈમાં બધાને બહુ લાભ આપ્યો, હવે  અહીં અમદાવાદ આવો તો પાર્ટનરશીપમાં ધધો જમાવીએ, થોડો ઘણો લાભ અમને પણ આપો.’
-અચ્છા, અને એ માની ગયા ?
-હા, બહુ વિનંતીઓ કરી ત્યારે સદનસીબે તેઓ માની ગયા.
-કોના સદનસીબે ?
-મારા જ સ્તો વળી.
-હં... ઓકે, એમણે અહીં ફ્લેટ લઇ લીધો ?
-હા, પહેલાં તો એ બંગલો જ  લેવાનું કહેતા હતા.
-અચ્છા, તો પછી ફ્લેટ કેમ લીધો ?
-એ એમની ‘દૂરંદેશી’ ગણો ને. હમણા ટેમ્પરરી ફ્લેટ લઇ લીધો, પછી અહીં ફાવી જાય તો બંગલો લેશે.
-ફ્લેટ કયા એરીયામાં લીધો ?
-આપણા જ એરિયામાં – એટલે કે સેટેલાઈટ એરીયામાં જ છે. મારા ઘરથી તો એટલો નજીક છે કે .. આમ હાથ લાંબો કરીએ તો અડી જાય. (એમણે હાથ લાંબો કરીને કહ્યું.)
-પનુભાઈ, તમારો હાથ લાંબો કરતા પહેલાં સંભાળજો, બને તો હાથ લાંબો કરતા જ નહીં.
-હેં.. હેં.. હેં.. ભાભી, તમે પણ ઠીક મશ્કરી કરો છો મારી.
-હું મશ્કરી કરતી જ નથી, પનુભાઈ. તમને સાવધાન કરી રહી છું.
-ભલે તો તમે ફ્લેટની ડીઝાઈન કરી આપશો ને ?
-મને ફ્લેટની ડીઝાઈન કરી આપવાનો કશો વાંધો નથી, પણ તમે માનતા હો તો મારી તમને એક સલાહ છે.
-અરે ! એક શું એકવીસ કહો ને.
-ના, એકવીસ નહીં, એક જ સલાહ છે. તમે  કોઈ પણ જગ્યાએ તમારા પૈસા ઇન્વેસ્ટ કરો તો બહુ સમજી વિચારીને કરજો. અને બને તો તમારા સાળાનું ઘર તમારા ઘરથી દૂર જ રાખજો. એક વાત યાદ રાખજો -‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’
-આ તે કેવી વાત ભાભી ? મારા સાળા બહુ કાબેલ માણસ છે. મોટા મોટા માથાઓ સાથે એમની ઉઠબેસ છે, અને મહારથીઓ સાથે ઓળખાણ છે. મારી સાથે પાર્ટનરશીપ માં ધંધો કરવામાં એમને શું સ્વાર્થ ? ઉલટાનો મારો જ ફાયદો છે.
-પણ  પન્નાબેન તો એવું નથી માનતા. એ તો તમારા આ સાહસની વિરુદ્ધમાં છે.
-બૈરાઓને ધંધાની વાતમાં શું સમજ પડે? તમે ફ્લેટની ડીઝાઈન કરી આપશો કે નહીં ?
-તમે તો અમારા ‘એ’ ના ખાસ મિત્ર, તમને થોડી જ ના પડાય ? જો કે તમારા સાળા ઊચી પાર્ટી હોય તો એમણે ફ્લેટનું ઇન્ટીરીયર કોઈ સારા પ્રોફેશનલ ડીઝાઈનર પાસે કરાવવું જોઈએ એમ મને લાગે છે.
-મેં પન્નાને એ જ કહ્યું, તો એ કહે, ‘ખોટા ખર્ચા શું કામ કરવા જોઈએ ?’ કોઈએ સાચું જ કહ્યું છે કે - ‘બૈરાની બુદ્ધિ પગની પાનીએ’  એને  શું ખબર પડે કે કેટલાક ખર્ચા ‘ડબલ ફાયદો’ બનીને પાછા આવે. પણ હવે હું એનું કહ્યું કરવાનો નથી, હું કંઈ ‘હેનપેક્ડ હસબંડ’ (જોરૂકા ગુલામ પતિ)  નથી. તમે જોજો, ભાભી.  હું કોઈ સારા પ્રોફેશનલ પાસે જ ઇન્ટીરીયર કરાવીશ. અને પનુભાઈ પગ પછાડતા ચાલી  ગયા.
થોડા સમય બાદ મારા પતિદેવે મને સમાચાર આપ્યા કે પનુભાઈએ એમના સાળાનો ફ્લેટ લેવા મોટી લોન લીધી હતી, પ્રખ્યાત ઇન્ટીરીયર ડીઝાઈનર પાસે ફર્નીચર કરાવ્યું હતું, અને ધામધૂમથી વાસ્તુપૂજા કરાવી હતી, એમાં મોટા મોટા માણસોને બોલાવ્યા હતા.એક તો  અમે મોટા માણસ ન હોવાથી, અને બીજું ફ્લેટના ઇન્ટીરીયરની ડીઝાઈન પણ મેં નહોતી બનાવી તેથી, કે પછી ત્રીજું જે કોઈ કારણ હોય તે, પણ  અમને વાસ્તામાં નહોતા બોલાવ્યા. આને ‘વ્યવહારુ માણસ’ કહેવાતું હશે ?  થોડા સમય પછી એવા પણ ખબર મળ્યા કે પનુભાઈએ એમના સાળાને એક કાર અપાવી છે.
ત્યાર પછી ઘણા સમય સુધી અમને પનુભાઈના  કંઈ સમાચાર ન મળ્યા. અમને થયું, પનુભાઈ સાળાના સત્સંગથી ‘લાખોપતિ’  કે ‘કરોડપતિ’ થઇ ગયા હશે. એમને બિઝનેસમાંથી અમારી સાથે વાત કરવાની કે અમને મળવાની ફુરસદ નહીં મળતી હશે. એવામાં એક દિવસ અચાનક પનુભાઈ અમારા ઘરે આવી પહોંચ્યા. એમની ચાલ વરસાદની મોસમના હવાયેલા પાપડ જેવી  ઢીલી હતી, એમનું મોં વર્લ્ડકપમાં  હારેલી ભારતીય ટીમ જેવું ઉદાસ હતું, રીઝલ્ટના  દિવસે વિધાર્થીની હોય એવી એમની આંખો ચિંતાતુર હતી.
-શું થયું યાર, તારો ચહેરો કેમ આમ છાપામાં છપાયેલા ‘ખોવાયેલ છે’ જેવો થઇ ગયો છે ? પતિદેવે પૂછ્યું.
-યાર, બહુ મુશ્કેલીમાં છું. થોડા પૈસા જોઈએ છે. એમણે ખંચકાતા કહ્યું.
-તને પૈસા જોઈએ છે ? મશ્કરી ન કર. કહે, સાળાની સાથે મળીને કેટલી પેટી (રૂપિયા) બનાવી ?
-કેટલી પેટી ગુમાવી એમ પૂછ, મારો સાળો મને મૂરખ બનાવી ગયો. તને કહેતાંય શરમ આવે છે.
-તો શરમાઈને કહે. બોલ, કેટલા રૂપિયા જોઈએ છે, બસો, પાંચસો, હજાર, બારસો, પંદરસો...આ પહેલાં પણ તને ક્યારેય ના પાડી છે ? દોસ્તીમાં એવું તો ચાલ્યા કરે.
-પહેલાની વાત જુદી હતી અને અત્યારની વાત જુદી છે.
-એટલે ?
-એટલે એમ કે મારે દસ લાખ રૂપિયા ભેગા કરવાના છે. સાળાના ફ્લેટ લોન લઈને લીધો છે, એ સિવાય ફર્નીચર  અને  કાર – બધું થઈને મેં લગભગ દસેક લાખ રૂપિયા રોક્યા છે. હવે સાળો ફરી જાય છે. મુંબઈમાં બધાને નવડાવીને આવ્યો છે, અને અહીં મને નવડાવવા બેઠો છે. કહે છે, ‘વ્યાજ તો શું પણ મુદ્દલ પણ નહીં મળે, જા તારાથી થાય તે કરી લે.’
-ભારે થઇ  આ તો, પછી તેં શું કર્યું ?
-ગુસ્સો તો એવો આવ્યો કે ગુંડાઓ રોકીને સાલાને ટીપી નાખું. પણ પન્નાડી રડવા લાગી, કહે –‘મારા ભાઈને તમે ઓળખાતા નથી, એની પાસે તમારા કરતા સવાયા ગુંડાઓ હશે, તમને કંઈ થઇ ગયું તો પછી મારું કોણ ?’
-પન્નાબેનની વાત સોળ આના સાચી છે, પનુભાઈ. તમારે બળથી નહીં કળથી કામ લેવાની જરૂર છે. મેં કહ્યું.
-મારા માથે દેવાનો ડુંગર ખડકાયો છે, ભાભી. તમે જ કોઈ રસ્તો સુઝાડો પ્લીઝ.
-‘બૈરાની બુદ્ધિ તો પગની પાનીએ’ એમને વળી ધંધામાં શું સમઝ પડે ? એમને રસ્તો પુછાય ?
-ટોન્ટ ન મારો ભાભી, કોઈ ઉપાય બતાવો, પ્લીઝ.
-લોન લઈને ફ્લેટ  લીધો છે, એટલે ફ્લેટ તો તમારા નામે જ હશે, તમે  કોઈ સારા વકીલ દ્વારા તમારા સાળાને ફ્લેટ ખાલી કરવાની નોટીસ મોકલો.  મને સુઝ્યું એવું મેં એમને કહ્યું.
-અને એ ખાલી ન કરે તો ?
-તો કોઈ માથાભારે માણસને એ ફ્લેટ ‘ભાડૂત સહિત’ એટલે કે તારા સાળા સહિત વેચી નાખ. માર્કેટ કરતા ઓછો ભાવ મળશે, પણ પૈસા આવશે તો ખરા. એમાંથી તું બાકીનું દેવું ચૂકતે કર. જો કે મુશ્કેલી એ છે કે લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી તારાથી ફ્લેટ વેચી પણ નહીં શકાય. પતિદેવે વાતની પૂર્તિ કરી.
-બહુ બૂરી રીતે ફસાયો છું, યાર.  ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.’ -  ભાભી તમારી આ વાત સો ટકા સાચી પડી. હવે તો તમારી એક નહીં એકવીસ સલાહ માનીશ, ભાભી. જુઓ મેં મારા કાન પકડ્યા. હવે આમાંથી નીકળવાનો ઉપાય હોય તો બતાવો.
-અમારા ઓળખીતા એક વકીલ છે, એમને મળીને સલાહ લઈએ, ત્યાં સુધી ધીરજ રાખો, એકવીસ તો નહીં પણ ... માનો તો આજે આટલી બસ છે, મેં કહ્યું.