Sunday 27 December 2015

તથાસ્તુ.

તથાસ્તુ.                                      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-ચાલ, મારી સાથે આવવા તૈયાર થઈ જા.
-હેં ? કોણ છો ? કોણ છો તમે ?
-મને ના ઓળખ્યો ? હું દેવદૂત.
-દેવદૂત ? વાહ ! તમારી ફોઈએ તમારું નામ તો સરસ મજાનું પાડ્યું છે,  દેવદૂત. પણ આપણે પહેલાં ક્યારેય મળ્યાં હોઈએ એવું મને યાદ નથી.
-યાદ ક્યાંથી હોય ? આપણે પહેલાં ક્યાંય મળ્યાં જ નથી.
-તો પછી આમ સાવ અચાનક, પરમિશન લીધા વગર, કોક અજાણ્યો માણસ મારા ઘરમાં ઘૂસી આવે તે મને પસંદ નથી.
-મારે કોઈ પણ જગ્યાએ જવા માટે પ્રભુ સિવાય કોઈની પણ પરમિશન લેવાની હોતી નથી.
-અચ્છા! પ્રભુ કોણ છે, તમારા બૉસ ?
-હા, પ્રભુ સૌ કોઈના બૉસ છે, એ સર્વશક્તિમાન છે, એ વિશ્વવિજેતા છે.
-તમને વિશેષણો સારા આવડે છે. ગુજરાતીમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા હશે. પણ તમે નાટક મંડળીમાં શા માટે જોડાયા?
-હું કોઈ નાટક મંડળીમાં જોડાયો નથી.
તો ? કોઈ  ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે?
-ના, ના, ના.
-તો પછી આવો વિચિત્ર અને હાસ્યાસ્પદ ડ્રેસ કેમ પહેર્યો છે ?
-આ અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે.
-ઓહ! ઠીક છે. તમારુ અહીં આવવાનું પ્રયોજન શું છે?
-હું તારો જીવ લેવા આવ્યો છું.
-શું ??  પણ આ વિશ્વમાં લાખો અને કરોડો લોકો છે. એમાં મારો જ જીવ લેવા આવવાનું કંઈ સ્પેશિયલ કારણ ?
-તેં મને બોલાવ્યો એટલે હું આવ્યો.
- અમારે ત્યાં અતિથિ દેવો ભવ! એવું કહેવાય છે, એટલે તમે આવ્યા તો ભલે આવ્યા ભાઈ. બેસો, બી કમ્ફર્ટેબલ. ચા- કોફી પીઓ. પણ  મેં તમને બોલાવ્યા એવું જુઠું બોલી માન ન માન, મૈં તેરા મહેમાન જેવું કરવાની કંઈ જરૂર છે?
-હું કદી જુઠું બોલતો નથી. તેં પ્રાર્થના કરી હતી, મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો.  તે ભગવાને તારા માટે સ્વર્ગનાં મંગળ મંદિર ખોલ્યા છે.
-અરે! પણ એવી પ્રાર્થના તો હું ઘણા દિવસોથી, ના, ના, ઘણા મહિનાઓથી, સાચું કહું તો ઘણા વર્ષોથી કરતી આવી છું.
-તો માની લે કે તારી વર્ષોની તપશ્ચર્યા ફળી.
-તમે કહો એટલે મારે માની લેવાનું ? મારી પ્રાર્થનામાં તો મેં મંગળ મંદિર ખોલવા ઉપરાંત મારા પતિનું નોકરીમાં પ્રમોશન અને એક આલિશાન બંગલો,  મારાં બાળકોનું સારી કોલેજમાં એડમિશન, મારા ભાઈ માટે ઈમ્પોર્ટેડ કાર, મારા માટે લતા મંગેશકર જેવો મધ મીઠો અવાજ  અને ડી-બિયર્સ નો (સાચા હીરાનો) હાર અને એવું એવું બીજું ઘણું બધું માંગેલું. ત્યારે નહીં ને આજે જ મારી પ્રાર્થના સ્વીકારવાનું કંઈ કારણ ?
-કારણ બારણ તો પ્રભુ જાણે, હું તો ચિઠ્ઠીનો ચાકર. પ્રભુએ તો ક્યારનું કહ્યું હતું પણ હું ઘણા દિવસથી બહુ કામમાં હતો,  હવે જરા નવરો પડ્યો એટલે...
-પણ તમે નવરા પડ્યા જ શા માટે? પેલી કહેવત તમે નથી સાંભળી, નવરો બેઠો નખ્ખોદ વાળે?’
-એટલે શું?
-એટલે કે તમે પાછા જાવ અને કોઈ સારા કામમાં લાગી જાવ.
-એ ન બને. મારાથી કોઈ જીવને લીધા વિના એમ ખાલી હાથે પાછા ન જવાય, પ્રભુ મને વઢે.
-એમ વાત છે? તો પછી એક કામ કરો, પારકા (પ્રજાના એટલે કે અમારા) પૈસે લહેર કરતા કોઈ રાજકારણી નો જીવ લેતા જાવ.
-ના, બાબા ના. એકવાર મેં એવું કરેલું. તો પ્રભુએ કહ્યું, આ ભ્રષ્ટાચારી ને ક્યાંથી ઉપાડી લાવ્યો? તારી તે કંઈ ચોઈસ છે ? વેરી પુઅર. એટલે આ વખતે કોક સારા જીવને જ ઉપાડી જવાનું મેં નક્કી કર્યું છે.
-મને સારો જીવ  ગણવા બદલ થેંક્યુ દેવદૂતજી. પણ મારાં છોકરાંઓને હજી મા ની એટલે કે મારી જરૂરત છે.
-એવું તું માને છે. છતાંય...સંતોષ ખાતર તું એમને પૂછી શકે છે.
-જીગર- સાકેત, હું દેવદૂત સાથે જાઉં?
-મમ્મી, તારી કાર તો રિપેરમાં આપી છે, ને? મારું કાયનેટીક જોઈએ તો લઈ જા.
-બેટા, હું જ્યાં જઈ રહી છું ત્યાં કાર કે સ્કુટર એલાઉડ નથી.
-તો? વોકી – ટોકી જઈશ? તું થાકી જશે.
-તારી વાત તો સાચી છે બેટા. પણ આ તો જવું પડે એમ જ છે, એટલે...
-જેમ નવા વર્ષના દિવસે અમારે તારી સાથે આપણા સગાં –વહાલાંઓના ઘરે આવવું પડે છે, એમ?  
-એમ માની લો.
-ઓકે. તો જા, બીજુ શું?
-તમને બન્નેને મારા વગર ગમશે?
-ગમશે તો નહીં, પણ ચલાવી લઈશું. ટેક કેર ઓફ યોરસેલ્ફ મોમ.
                   *   *   *   *   *  
દેવદૂત: બસ, સાંભળી લીધું? ચાલ હવે તૈયાર થઈ જા.
હું: પણ મારા પતિને એક પત્નીની (મારી) જરૂર છે.
દેવદૂત: ઓહ! આ કાળા માથાનો માનવી! જીવતે જીવ ભ્રમણામાંથી ક્યારેય બહાર નહીં આવે. ઠીક જા, તારા પતિને પૂછી લે.
હું: આભાર દેવદૂતજી.
-કહું છું, સાંભળો છો?
-ના, અત્યારે હું અગત્યના ન્યૂઝ વાંચી રહ્યો છું, જે કંઈ કહેવું હોય તે રાત્રે કહેજે.
-પણ રાત્રે હું નહીં હોઉં. અને મારે જે વાત કહેવી છે તે અરજન્ટ અને ઈમ્પોરટન્ટ છે.
-તારે પિયર જવા પરમિશન જોઈએ છે? જા, આપી. બાળકોની ચિંતા ન કરતી.
-હું પિયર નથી જતી, ઉપર..ભગવાનના ઘરે જાઉં છું.
-ઉપર તો જમુકાકા રહે છે, ભગવાન તો ત્રીજે ઘરે રહે છે.
-મજાક ના કરો, હું સ્વર્ગમાં જાઉં છું.
-તું અને સ્વર્ગમાં ? મજાક તો તું કરી રહી છે.
-સાચુ કહું છું, મને લેવા દેવદૂત આવ્યા છે.
-અરે વાહ! તું રોજ ગાતી હતી ને..મંગળ મંદિર ખોલો, દયામય...’, ભગવાને તો ખરેખર તારી પ્રાર્થના સાંભળી લીધી.
-એટલે? હું મરી જાઉં તો તમને બહુ ગમે, ખરું ને?
-એવું તો મારાથી કેમ કહેવાય? પણ તને સ્વર્ગ મળતું હોય તો એમાં રુકાવટ ઊભી કરું એવો સ્વાર્થી તો હું નથી જ.
-જોઈ લીધો તમારો પ્રેમ! અમસ્તા જ કહેતા હતા, હું તારા વગર જીવી જ ના શકું.
-અરે હોય કંઈ? તારા વગર મને ટુથપેસ્ટ, કાંસકો, ટુવાલ, દાઢીનો સામાન, કપડાં, બૂટ, હાથરૂમાલ, ઘડિયાળ કોણ શોધી આપે?
-અચ્છા? જો એવું જ હોય તો તમે આ દેવદૂતને સમજાવીને પાછો વાળો તો ખરા.
--હું તે કંઈ સત્યવાનછું કે સાવિત્રી ને લેવા આવેલા યમદૂતને પાછો વાળું? કોઈના કામમાં દખલગીરી કરવી સારી નહીં. એમાં ય ભગવાનના કામમં તો દખલગીરી કરાય જ નહીં, પાપ લાગે.
-સારું, ન કરતાં દખલગીરી. મને મરવા દો.
-અરે, અરે! હું તો મજાક કરતો હતો. મારી હિંમત છે કે તું કંઈ કહે અને હું ના પાડું?
-તો પછી ના પાડો આને.
-ભલે, જેવી તારી મરજી. ભાઈ દેવદૂત, આને લઈ જવી રહેવાદે.
-શા માટે?
-તું પરણેલો છે?
-ના.
-બસ, તો પછી. તને ખબર નહીં હોય સ્ત્રીને સાથે લઈ જવી કેટલું ડેંજરસ કામ છે.  મુજ અનુભવીની સલાહ માન અને આને અહીં જ છોડીને જા.
તથાસ્તુ!!!







Sunday 20 December 2015

વહાલું કોણ ?

વહાલું કોણ ?           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મુન્નુ બેટા, તને કોણ ગમે, મમ્મી કે પપ્પા?
-મને તો માલી પુછી કેત ગમે. (મને તો મારી પુશી કેટ ગમે)
બહુ જ નાના બાળકો ( જેમના મા હજી પોલિટિક્સ નથી જાગ્યુ ) ને તમે ઉપર મુજબનો સવાલ પૂછો તો તમને આવો જવાબ મળે. પછી તો જેમ જેમ બાળક મોટું થતું જાય અને દુનિયાના વ્યવહારો ( કાવાદાવા ) શીખતું જાય એમ એમ એના જવાબો બદલાતા જાય.
મમ્મી પાસે કંઈ કામ કઢાવવાનું હોય, ત્યારે એનો જવાબ મમ્મી ગમે એવો આવે અને પપ્પા પાસે પોકેટ મની લેવાના હોય ત્યારે પપ્પા ગમે એવો આવે. બાળક કિશોર બને ત્યારે એ જ સવાલનો જવાબ એ આયના માં જોઈને આપે, મને તો હું જ બહુ ગમું  અને એ જ કિશોર, યુવાન થાય ત્યારે એ સવાલનો જવાબ શેફાલી યા મોના યા સોનાલી કે કંગના ગમે એવો આપે.
જો કોઈ વ્યક્તિ તમને અચાનક સવાલ પૂછે કે – તમારા શરીર નું સૌથી વહાલું અંગ કયું?’ તો તમે પણ બે ઘડી તો વિચારમાં પડી જાઓ કે નહીં?બે ઘડી લંબાઈને પછી બે મિનિટ, બે કલાક, બે અઠવાડિયા કે પછી બે મહિના પણ થઈ શકે.
તમારા અણુએ અણુમાં વહાલું કોણ?’  નો પ્રશ્ન ગુંજી ઊઠે અને તમે એનો ઉત્તર શોધવા માટે  દિવસ રાતની પરવા કર્યા વિના મંડી પડો. જવાબ શોધવા માટે તમે ખાવા પીવાની  ય પરવા ન કરો, કામ કાજની પણ પરવા ન કરો.તમારા મિત્ર મંડળ, સગા વહાલાઓ ને  પણ નેવે મૂકીને તમે બસ આ જ કામમાં લાગી પડો. આ પ્રશ્ન તમારા માટે પ્રાણ પ્રશ્ન બની જાય.
પરંતુ આ સવાલ (વહાલું કોણ?) એ કંઈ આટલો બધો સમય (વિચારવા માટેનો) લે એવો મને લાગતો નથી. શું કહ્યું તમે? આમે ય વિચારવાનું કામ સ્ત્રીઓની પ્રકૃતિ સાથે સુસંગત નથી?’  ના ના, તમે આમ સાવ ઉતાવળે સ્ત્રીઓ માટે કોઈ પણ નિર્ણય બાંધવાને બદલે આગળ વાંચો.
મને જો કોઈ પૂછે કે – તમારા શરીરનું સૌથી વહાલું અંગ કયું?‘ તો હું ફટ દઈને જવાબ આપું, હાથ હા મારા શરીરનું સૌથી વહાલું અંગ હાથ છે. હવે તમને સવાલ થશે કે – હાથ તે વળી શરીરનું સૌથી વહાલું અંગ શી રીતે હોઈ શકે?’ અરે ! શી રીતે હોઈ શકે શું, છે જ. અને એ સૌથી વહાલું અંગ છે, તેના ઠોસ કારણો પણ મારી પાસે છે, એ કારણો તમને કહું પછી તો તમે મારી વાત માનશો ને?
જુઓ, પ્રથમ કારણ તો એ છે કે જો મારા આ બે હાથ ન હોત તો હું તમને એટલે કે વાચકોને લખીને જણાવત શી રીતે કે મારા શરીરનું સૌથી વહાલું અંગ કયું છે?  બીજું મહત્વનું કારણ તો એ કે મારા આ હાથોએ જ મને દરેક કામો (કરવા જેવા કે ન કરવા જેવા) માં હંમેશાં સાથ આપ્યો છે. અરે! એમણે તો અનેક વાર કાળા કામો  (જેવા કે  વાળને હેર ડાઈ કરવી) વગેરે પણ મારા આ બે હાથોએ જ તો વગર આનાકાનીએ કુરુપતાની પણ પરવા કર્યા વિના કર્યા છે.
મારા આ હાથ મને સૌથી વહાલા તો ત્યારે લાગ્યા છે કે- જ્યારે કોઈએ મને મારવાનો પ્રયત્ન કર્યો હોય, ત્યારે એમણે મને સ્વજોખમે (ફ્રેક્ચર થવાની પણ પરવા કર્યા વિના) બચાવી છે, અને જરૂર પડી ત્યાં વળતો હુમલો પણ કર્યો છે. અરે! કોઈવાર તો મને સકારણ કે અકારણ મારવાનું મન થયું હોય,          (છોકરાંઓને અને તે ય ખાસ કરીને મારાં) ત્યારે મારા આ હાથોએ જ મને સારા – નરસાનો ભેદભાવ રાખ્યા વિના સાથ આપ્યો છે. એટલે શરીરના સૌથી વહાલા અંગ તરીકે મારા આ બે હાથ જ સ્થાન પામી શકે એ હકીકત તો જાણે નિર્વિવાદ છે.
આ આટલું લખાણ મેં લખ્યું ત્યાં તો મારી બૉલપેનની રિફીલ ખલાસ થઈ ગઈ. બીજી ત્રણ – ચાર બૉલપેનો જે ઘરના ખૂણે ખાંચરે પડી હતી તે મેં ટ્રાય કરી જોઈ, પણ એ બધી જ અસહકારના આંદોલન પર ઊતરી હોય એમ લાગ્યું, એટલે નાછૂટકે બૉલપેનની રિફીલ લેવા ચાર રસ્તે જવાનું નક્કી કર્યું. હું જવા માટે ઊભી થઈ ત્યારે મારી નજર મારા પગ પર પડી.
નજર પગ પર પડતાં જ મને વિચાર આવ્યો કે, પગ વગર તો ક્યાંય જવું શક્ય નથી. સ્કુટરને કીક મારવામાં પણ મારા પગે જ મને મદદ કરી. પેટ્રોલ ન હોવાથી સ્કુટરે ચાલુ થવામાં લાચારી દર્શાવી. ત્યારે મેં કાર કાઢી. અને મારા બે પગોએ જે રીતે સિફતથી  ક્લચ, બ્રેક અને એક્સિલેટરનું સંચાલન કરી બતાવ્યું તે જોઈને મને લાગ્યું કે – શરીરના સૌથી વહાલા અંગ તરીકે હું મારા પગને ગણાવું તો પણ કંઈ ખોટું તો નથી જ.
ફટી એડીયાં વિનાના મારા સુંદર સુંદર પગ! પૂર્વજોએ અકારણ જ પોતાના પગ ઉપર ઊભા રહેવા ની વાતો તો નહીં જ કરી હોય ને? પેલાં રૂપાળા શીંગડાં ની વાર્તા માં સાબરને એના પગ જ તો શિકારીથી બચાવે છે ને? પગની મદદથી જ તો આપણે કેટલીય લડાઈઓ (લાતમલાતી કરી) જીતી શક્યા છીએ. એટલે પગ એ મારા શરીરનું સૌથી વહાલું અંગ છે એ વાત તો પથ્થર પર ખીંચી લકીર જેવી મજબૂત છે.
થોભો, મહેરબાન તમે જરા થોભો! મારા શરીરનું સૌથી વહાલું અંગ કયું, હાથ કે પગ? એ નક્કી કોણ્ર કર્યું? મારી આ સુંદર, નિર્દોષ અને નિર્મળ આંખોએ જ ને? આ આંખો છે તો મારી દુનિયા ઊજાસમય અને રંગબેરંગી છે, અને આંખો વિના? કાળું કાળું અંધારું ઘોર!  યે આંખે મેરે દિલકી જુબાંન હૈં.’,  મેરી આંખોકે સિવા દુનિયામેં રખ્ખા ક્યા હૈ?’ તો પછી? શરીરના વહાલા અંગ તરીકે આ આંખો ફાઈનલ? લોક કર દિયા જાય? હાં, હાં, લોક કર દિયા જાય.
એટલામાં જ ડોરબેલ વાગી, કુરિયર વળો આવ્યો, કોઈકનો લેટર લાવ્યો. વાંચવાનો પ્રયત્ન કરું છું પણ ઝીણા અક્ષરોને લીધે સ્પષ્ટ વંચાતું નથી. અક્ષરો છે કે રેતીના કણ કે પછી કીડીનું ધણ? ચશ્મા ક્યાં? એના વિના લેટર વાંચવો અસંભવ! અરે! મારા મનમાં આ વિચારનો ચમકાર કેવો? હેં? હેં નહીં હા. જો મારા આ બે કાન ન હોત તો હું ચશ્માની દાંડીઓ ક્યાં ટેકવત?’ ચશ્મા વગર વાંચન નહીં અને વાંચન વગર નો મારો દિવસ? અક્લ્પ્ય! રસહીન!  કાન છે તો હું વાંચી શકું છું, સાંભળી શકું છું, એટલું જ નહીં પરંતુ સાચા હીરાના બુટિયા પહેરીને વધુ સુંદર દેખાઈ શકુ છું, ને વટ મારી શકું છું. તો પછી? શરીરના સૌથી વહાલા અંગ તરીકે આ બે કાન નું નામ પાકું ને?
આ વટ બટ મારવાની વાત બધી ખોટી છે, સાચી સુંદરતા બાહરી દેખાવમાં નહીં પણ ભીતરી મુલાયમતા માં એટલે કે દિલમાં છુપાયેલી છે.  અરે! આ કોણ બોલી રહ્યું છે? મારું  દિલ? અરે એય દિલ, ચુપ, યુ શટ અપ! તારી સુંદરતા જોવા કોણ નવરું છે? આજના કઠોર યુગમાં તું તારી નાજુકાઈના લીધે ટકી શકે એમ નથી. તું તો વાત વાતમાં તૂટે છે. સોરી! તું લાખ સુંદર ભલે રહ્યું પણ મારા શરીરના  સૌથી વહાલા (સુંદર) અંગ તરીકે તને હું ધારું તો પણ ગણાવી શકું એમ નથી. સોરી.તો પછી ફાઈનલી શરીરનું સોથી વહાલું અંગ કયું?
અહીં દલપતરામ કવિની પક્તિ જોઈએ તો-
ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની તો ડોક વાંકી, પોપટની છે ચાંચ વાંકી, ભેંસના છે શીગ વાંકા, કૂતરાની છે પૂંછડી વાંકી, વાઘના છે નખ વાંકા.... સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે. 
હું પણ એ જ કહું છું, અન્યને ભલે એમનાં શરીરના એક એક અંગ વહાલા હોય, મને તો મારા શરીરના એકેએક (બધાં જ) અંગો વહાલાં છે. 



Sunday 13 December 2015

મુમ્બઈગરી મિતાલીની ડાયરી.

મુમ્બઈગરી મિતાલીની ડાયરી.              પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

સેક્રેટરી: બૉસ, બેંકના ક્રેડિટ કાર્ડના એજન્ટને મળવાનો સમય જોઈએ છે.
બૉસ: આવતી કાલે બપોરે ૪.૧૩ થી ૪.૨૪ નો સમય આપી દો.
મિત્રો, તમને થશે કે આટલો બધો એક્યૂરેટ ટાઈમ આપનાર માણસ સમય પાલનનો ચુસ્ત આગ્રહી હશે. અને એ મોટો અને સફળ બીઝનેસમેન હશે, જેની પાસે મિનિટે મિનિટના સમયનો હિસાબ રહેતો હશે, અને એ માણસ પોતાના સમયની  મિનિટે મિનિટનો સદઉપયોગ કરતો હશે. અથવા એ કોઈ મોટો નેતા, અભિનેતા કે ખુબ જ ઊંચી પોસ્ટ પર બિરાજમાન કોઈ વ્યક્તિ હશે. પણ તમે જરા થોભો, એ માણસ મુંબઈગરો માણસ પણ હોય શકે છે.
ભારતીય વ્યક્તિઓ સમય પાલનના આવા ચુસ્ત આગ્રહી નથી હોતા, અને એટલે જ કોઈ ભારતીય વ્યક્તિ કોઈને મળવાનો વાયદો કરતી વખતે સમય આપે છે, ત્યારે એમાં વ્યક્તિ અનુસાર થોડી કે ઘણી છુટ છાટ મૂકવામાં આવે છે. આ રીતે પાળવામાં આવતા સમયને ઈંડિયન ટાઈમ કહેવામાં આવે છે.
પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી અશોક દવે પણ સમય પાલનના આવા ચુસ્ત આગ્રહી છે. એમની સંગીત ક્લબ ફરમાઈશ ના કાર્યક્રમ શરુ થવાનો સમય તેઓ ૮.૩૩ નો આપે છે, અને સમય આપ્યા મુજબ તેઓ પ્રોગ્રામ સમયસર શરૂ કરે છે પણ ખરા. હું પોતે પણ સમય પાલનમાં માનું છું, અને મારી જેમ તમારા માંથી ઘણા મિત્રો પણ આપેલા વાયદા પ્રમાણે સમયનું પાલન કરતાં જ હશો. પણ સમય પાલનની બાબતે આખા ભારતમાં મુંબઈગરાઓ ને કોઈ ન પહોંચી શકે.
કુદરતે દિવસની રચના કામ કરવા માટે કરી છે, અને રાતની રચના આરામ કરવા માટે કરી  છે.  આ વાત સામાન્ય દ્રષ્ટિએ વિચારતા મનુષ્યો સહિત તમામ પ્રાણીઓ માટે સાચી લાગે છે.  પણ મુંબઈગરા મનુષ્યોને જ્યારે હું દિવસ રાત  કામ કરતાં  જોઉં છું ત્યારે મને લાગે છે કે, કુદરતે દિવસ ની નહીં,  પણ માણસ ની રચના કામ કરવા માટે કરી છે. મુંબઈ માત્ર રાત્રે ૨ થી ૪  જ વિરામ લેતું હશે, બાકીના સમયે તો હમેશા ધમધમતું જ હોય છે.
તમે એક આ પંક્તિ તો સાંભળી જ હશે, રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે લઈશું હરિનું નામ?’  ઇલેક્ટ્રીસિટી નહોતી શોધાઈ ત્યારે આ વાત (રાત્રે નિદ્રા – દિવસે કામ)  કદાચ શક્ય બની હશે. પણ હવે તો  દિવસે કામ પોસીબલ છે, પણ રાત્રે નિદ્રા કાયમ શક્ય  નથી લાગતી. ઈંટરનેટ ના આવિષ્કાર અને વોટ્સેપ અને ફેસબુક ના આ જમાનામાં આબાલ- વૃધ્ધ સૌની નિદ્રા ડુલ કે ગુલ  થઈ ગઈ છે.
અને રહી વાત હરિનું નામ લેવાની, તો મુંબઈવાસીઓ ક્યારેક week ends માં કે છુટ્ટીઓમાં મુંબઈની આજુબાજુના મંદિરો ગણેશપુરી, વજેશ્વરી, ટીટવાડા, નાસિક કે ત્ર્યંબકેશ્વર જઈને હરિનું નામ લઈ આવે છે ખરાં. મુંબઈવાસીઓ નો ખરો ચિતાર તમને મુંબઈગરી મિતાલીની ડાયરી વાંચશો એટલે આવશે.
“રોજ ની જેમ આજે પણ મારે ૭.૩૨ ની ટ્રેન પકડવાની હતી, એટલે ૫.૪૦ નું એર્લામ મૂક્યું હતું. એર્લામ તો એના ટાઈમે જ વાગ્યું હતું, પણ રાત્રે ફ્રેંડ્સ જોડે વોટ્સ એપ પર ના ચેટિંગના કારણે હું મોડી સૂતી હતી. એટલે મારા કાનોએ એર્લામનો અવાજ સાંભળવાનો અને મારી આંખોએ ખૂલીને એર્લામ ની સામે જોવાનો ધરાર ઈન્કાર કર્યો.
આ બન્નેને સપોર્ટ કરવા અને કાનમાં આવતા એર્લામાનાઅવાજ ને રોકવા માટે,  મારા બન્ને હાથોએ માથા નીચેથી તકિયો લઈ મારા કાને ધર્યો. થોડીવાર તમાશો જોયા પછી મારી આ હરકતથી ટેવાયેલી મારી રૂમ મેટ ગીતાએ મને લેટ થઈ જવાની ચેતવણી આપી મને ઊઠવા આગ્રહ કર્યો. (હું સમયસર પરવારું તો મારા પછી એ પણ સમયસર પરવારી શકે- અમારો બાથરૂમ કોમન હતો) ન છૂટકે,  આલસ્ય તજ કર આત્મ ઉન્નતિ કે લિયે આગે બઢો, હૈ જ્ઞાન શક્તિ કા ભરા ભંડાર તુમ ગીતા પઢો.  એ વાત યાદ કરતા કરતા હું ગીતાની વાત સાંભળીને ઊઠી અને યંત્રવત રૂટિન વર્ક પતાવી, ૭.૩૨ ની ટ્રેન પકડવા ના  અભિયાન પર નીકળી પડી.
અંધેરી રેલ્વે સ્ટેશન પર મારા રોજના સાથીદારો ઉષા, હિના, રીમા, શેફાલી, અમર, હિતેન અને સાહિલ ઊભા હતા. મીરાં ન દેખાઈ એટલે મેં પ્રશ્નાર્થ દ્રષ્ટિ હિના પર માંડી. મારી આંખોમાં  રહેલો પ્રશ્ન વાંચી લઈને એ બોલી, મીરાંનો કઝીન – એની ફોઈનો છોકરો ગઈ કાલે રેલ્વે લાઈન ક્રોસ કરવા જતાં ટ્રેન સાથે અથડાઈને એક્સપાયર્ડ થઈ ગયો, એટલે મીરાં ત્યાં ગઈ છે.
ઓહ, ગોડ! વેરી સેડ!  મારા મોંમાથી ઉદ્દગાર સરી પડ્યા. અને તરત જ મેં શેફાલી ની સામે જોઈને કહ્યું, લુક શેફાલી, કંઈ સાંભળ્યું તેં? તું પણ ઘણીવાર વોકમેન સાંભળતાં સાંભળતાં પાટા ક્રોસ કરતી હોય છે. હિતેન બોલ્યો, અરે, ગયા વીકમાં સોમવારે જ મેડમ એ રીતે લાઈન ક્રોસ કરવા જતી હતી અને ટ્રેન એકદમ નજીક આવી ગઈ હતી. એ તો સારું થયું કે સમય સર મારું ધ્યાન એની તરફ ગયું અને મેં એને સમયસર ખેંચી લીધી. નહીંતર એના બધા જ વર્ષો ત્યાં જ પૂરા થઈ ગયાં હોત! 
શેફાલી જરા ખચકાઈ અને પછી ખીજાઈને બોલી, હા, હા. ખબર છે હવે. પણ યાર, ત્યારથી મેં પાટા ક્રોસ કરતી વખતે વોકમેન સાંભળવાનું બંધ કર્યું છે ને. ઉષા બોલી, તું નસીબદાર છે, એટલે બચી ગઈ. બાકી મુંબઈમાં તો આ રોજનું થયું. રોજ કેટલાય લોકો પાટા ક્રોસ કરવા જતા કે ચાલુ ટ્રેનમાં ચઢવા  કે  ઉતરવા જતાં પડે છે, અને કપાઈ મરે છે, અથવા અપંગ થાય છે. અહીં જાન કરતાં પણ નોકરીની અને એનો સમય સાચવવાની કિંમત વધી ગઈ છે.  
રીમા બોલી, સાંભળો બધા, અમે શનિવારે દહીસર રહેવા જવાના છીએ. બે રૂમ કીચનનો ફ્લેટ પરચેઝ કર્યો છે. અહીં અંધેરીનું ઘર બહુ નાનું પડતું હતું. ગેલેરી બંધ કરીને બેડરૂમ બનાવ્યો હતો, પણ પીંજરે પુરાયા હોઈએ એવું લાગતું હતું. બધા એક સાથે બોલી પડ્યા, સાચી વાત છે, યાર.મુંબઈમાં ખાવા માટે રોટલો મળી રહે પણ રહેવા માટે ઓટલો મળવો મુશ્કેલ છે. તને નવા ઘર બદલ કોંગેચ્યુલેશન્સ
૭.૩૨ ની ટ્રેન અંધેરી સ્ટેશને પ્લેટફોર્મ પર આવી એટલે એમાં ચઢવા બારણે ટોળું લાગી ગયું. ટ્રેનમાં ચઢનારા, હેઈ,  હેઈ, લવકર કરા, લવકર કરા (જલ્દી કરો – જલ્દી કરો) અને ટ્રેનમાંથી ઉતરનારા ઘાઈ કરુ  નકો બાઈ    ( ઉતાવાળ ન કરો બાઈ) ના અવાજો સાથે ઉતરનારા ઉતર્યા અને અમે ચઢનારા ચઢ્યા.
મુંબઈની એક ખાસિયત છે, પીક અવર્સમાં તમારે લોકલ ટ્રેનમાં જાતે ચઢવું કે ઊતરવું નથી પડતું, પાછળથી આવતા લોકોના ધક્કાથી વિના પ્રયાસે જ આ કામ થઈ જાય છે. અને આ અનાયાસ પ્રવૃત્તિ થી મુંબઈગરા સહજ પણે ટેવાઈ ગયા છે.  મુંબઈગરાઓ ની બીજી ખાસિયત લોકલ ટ્રેન માટે નિયત કરેલી ટ્રેન, નિયત કરેલો ડબ્બો અને નિયત કરેલી સીટ. એ સીટ મળી એટલે દિવસ સફળ.
અમારા મળતિયાઓ એટલે કે અમારા દોસ્તોએ અમારી જગ્યા રાખી હતી એટલે, જેમ ડબ્બામાં અનાજ ભરો પછી જરા ઠમઠોરો એટલે વધારાનું અનાજ વ્યવસ્થિત ગોઠવાઈ જાય, એમ અમે પણ કાચી સેકંડમાં અમારી જગ્યા પર ગોઠવાઈ ગયા. ડબ્બામાં આઠ દસ જણ મોબાઈલ પર બીઝી હતા. મેં પુસ્તક કાઢી જ્યાંથી અધૂરું હતું ત્યાંથી વાંચવા માંડ્યું. ઉષાએ એનું સ્વેટર ગૂંથન શરું કર્યું,  શેફાલી એણે લીધેલી એજન્સીની બ્યૂટી પ્રોડક્ટ લોકોને બતાવી એના ફાયદા વિશે સમજાવવા લાગી.
 હિતેન, અમર, સાહિલ અને રીમા પત્તા રમવા માંડ્યા. ચાંદલા – બુટ્ટી – પર્સ - બેલ્ટ અને બુક્સ વેચતા ફેરિયાઓ વારા ફરતી આંટા મારી ગયા. મેલાઘેલા કપડામાં ટ્રેનની રોક સ્ટાર એવી એક છોકરી માટીના બે ઠીકરા (ટુકડા) અથડાવીને કોઈ લેટેસ્ટ ફિલ્મનું લેટેસ્ટ ગીત ગાઈને લોકો પાસે પૈસા માંગવા લાગી. બુટ પોલિશ કરનારો છોકરો બુટધારી લોકોને પોલિશ કરાવવાની વિનંતિ કરતો એક આંટો મારી ગયો.
અમારું સ્ટેશન આવતાં અમે ડબ્બામાંથી કોઈ સામાનની જેમ બહાર ઠલવાઈ પડ્યા ને પછી કાચી સેકંડમાં સૌએ પાછળ જંગલી કૂતરો પડ્યો હોય એ રીતે ઝડપથી પોતપોતાને પંથે પ્રયાણ કર્યું. હું પણ ઓફિસમાં પહોંચી ને મારી ડેસ્ક પર બુક્સ અને લંચબોક્સ મૂકીને પર્સ લઈને, મોબાઈલને સાયલન્ટ મોડ પર મૂકીને, મોર્નિંગ મિટિંગ માટે કોન્ફરન્સ હોલમાં પહોંચી. મિટિંગ પતાવીને મારી સીટ પર આવીને જોયું તો મોબાઈલમાં ૩ થી ૪ મીસકોલ હતા. એમાં એક ફોન મારી અમદાવાદની ફ્રેન્ડ પૌલોમીનો હતો. મેં એને ફોન જોડ્યો.
-હલ્લો પૌલોમી !
-હાય મિતાલી, ક્યાં છે યાર?
-સ્વિત્ઝરલેંડમાં.
-હેં? શું વાત કરે છે? ત્યાં ક્યારે પહોંચી ગઈ તું? જતાં પહેલાં  મને જણાવ્યું પણ નહીં? તું તે કેવી દોસ્ત છે?
-શાંત થઈ જા અને સાંભળ. હું તો મજાક કરું છું. અહીં મરવાનો ય ટાઈમ નથી ત્યાં સ્વિત્ઝરલેન્ડ જવાનો તો ટાઈમ જ ક્યાંથી હોય? અને આ ટાઈમે તો ઓફિસ સિવાય બીજે ક્યાં હોવાની હું?
-તો ફોન કેમ નહોતી ઉપાડતી? કેટલી ટ્રાય કરી.
-હું મોર્નિંગ મિટિંગમાં હતી, એટલે ફોન સાયલન્ટ મોડ પર રાખ્યો હતો. બોલ હવે, તું ક્યાંથી બોલે છે? અમદાવાદથી કે મુંબઈથી?
-મુંબઈથી. કઝીનના મેરેજમાં આવી છું. અને પાંચ દિવસ રોકાવાની છું, બોલ ક્યાં અને ક્યારે મળવું છે? તું ફ્રી હોય તો આજે મળી શકાય.
-આજે તો મળવાનું પોસીબલ નથી, યાર. લગભગ ૯ વાગ્યે મારી રુમ પર  પહોંચીશ, પછી એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો છે. એટલે ૧૧, ૧૨ તો વાગી જ જશે. 
-કાલે તો છુટ્ટી જ હશે ને? આંબેડકર જયંતિની?
-અરે! છુટ્ટી કેવી ને વાત કેવી. કાલે તો એક ક્લાયન્ટ સાથે મિટિંગ છે. ને શુક્રવારે દિલ્હી જવાનું છે તેની તૈયારી કરવાની છે. બોસની સ્ટ્રોંગ ઇંસ્ટ્રક્શન છે, એમને રિપોર્ટ આપવાનો છે.
-અરે યાર! આ તો તારી નોકરી છે કે ગુલામી?
-નોકરી, ગુલામી કે ગધ્ધા મજુરી, જે ગણવું હોય તે ગણ. પણ જે છે તે આ છે. અને જેમની પાસે નથી તે લોકો આ મેળવવા તડપી રહ્યા છે. ખરુ કહું તો ટાંપીને જ બેઠા છે. દિવસ રાતની ખબર નથી પડતી એટલું બધું કામ રહે છે.
-હં ! મિતુ,  કોઈવાર કોલેજમાં સબમિશન વખતે રાત્રે લેટ થઈ જતું ત્યારે તું મને જે પંક્તિ સંભળવતી તે તને યાદ છે કે?
-બરાબર યાદ છે, પૌલુ!  રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠે વીર, બળ બુધ્ધિ ને ધન વધે સુખ માં રહે શરીર!  એ જ ને?
-વાહ વાહ! તારી યાદશક્તિ તો સારી છે, પણ હવે એ પંક્તિનું શું થયું?
-યાર, આ મંદી, મોંઘવારી અને કોમ્પિટિશનના જમાનામાં, બૉસ નામની વ્યક્તિ કે જે અમારાં કરતાં બળ, બુધ્ધિ અને ધનમાં વધારે છે (એવું તે માને છે) એને સુખમાં (ખુશ) રાખવા અમારે સવારે વહેલા ઊઠીને અને રાત્રે મોડે સુધી જાગીને કામ કરવું પડે છે . હાલમાં તો અમારો બૉસ જ રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠી શકે એવો એક માત્ર વીર દેખાય રહ્યો છે.
-પણ બૉસની આવી દાદાગીરી તમે લોકો શા માટે સહન કરો છો?
-છૂટકો જ નથી, યાર. તેં એક વાત તો સાંભળી જ હશે, લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. આખા ઈંડિયામાં બોમ્બે મોંઘામાં મોંઘું શહેર છે. મારે ભાડાની રૂમમાંથી પોતાના ઘરમાં જવું છે. ઘર નોંધાવ્યું છે અને એ માટે મેં પોતે હોમલોન લીધી છે, જે ચૂકવવા મારે પૈસાની જરૂર છે, પૈસા માટે પગાર અને પગાર માટે નોકરીની જરૂર છે. પગાર સારો મળે છે, અને બીજી સારી નોકરી મળી જાય એની કોઈ ગેરન્ટી નથી. એટલે બૉસ જેમ કહે એમ અને જેટલું કહે એટલું કામ કરવું પડે છે.    
-ઓકે ઓકે, સમજી ગઈ. બસ, એટલું કહે કે તારી નોકરીને ઊની આંચ પણ ન આવે એ રીતે તું મને ક્યાં અને ક્યારે મળે છે?
-હું તને કાલે ફોન કરીને જણાવું છું, બાય બાય.
-ઓકે, પણ બહુ ઉજાગરા કરતી નહીં, તારી તબિયત સાચવજે, બાય.
અમદાવાદા થી મુંબઈ આવેલી મારી સહેલી પૌલોમીને મારું ડેઈલી રૂટિન જાણ્યા પછી  મારી હેલ્થની ફિકર થઈ. પુરાણકાળ ની કહેવત, પહેલું સુખ તે જાતે નર્યા.  મુંબઈગરાઓ ને લાગુ પડતી નથી. વ્યક્તિનું આરોગ્ય સારું છે, કે ખરાબ તે એને પહેલી નજરે જોતાં માલૂમ પડતું નથી. એટલે મુંબઈગરા યુવકો, બોલિવુડના એક્ટરોને રોલ મોડેલ બનાવી,  ‘GYM’ માં જઈને  ‘Six Pack’ બનાવવામાં પડ્યાં છે. અને યુવતિઓ એક્ટ્રેસ ખાસ કરીને કરીના કપૂર ને જોઈને ઝીરો ફિગર બનાવવામાં વ્યસ્ત છે. 
પુરાણ કાળની પાતળી પરમાર ઘરનાં તમામ કામકાજ (ઝાડુ, પોતું, કપડા, વાસણ, કૂવેથી પાણી લાવવું ) કરવા સક્ષમ હતી. અને આજની સાગના સોટા જેવી ઝીરો ફિગર માનુનીઓ સેટ પર કામ કરતા કરતા બેભાન થઈ જાય છે.
મુંબઈ શહેરને સપનાઓ નું શહેર કહેવાય છે. પણ અહીંના લોકોને સપના જોવા માટે ઊંઘવાનો પૂરતો સમય નથી હોતો. તેથી તેઓ દિવસે સપના જૂએ છે, અને એને સાકાર કરવા દિવસ રાત મહેનત કરે છે. જો કે મુંબઈગરાઓ માત્ર કામ કરવા જ રાત્રે ઉજાગરા નથી કરતા પણ મનોરંજન (નાટક, મૂવી, ડાન્સ બાર, પબ)  માટે પણ  ઉજાગરા કરે છે.
મારા જ મિત્રો સાહિલ અને અમરને રાત્રે બાર વાગ્યે શોધવા હોય તો તેઓ બાંદ્રા બેન્ડસ્ટેંડ પર મળે, અને ૧ થી ૨ તેઓ ટી.વી. ની સામે ચોંટ્યા હોય. અને છતાં સવારે ૭.૩૨ ની ટ્રેન તેઓ અચૂક પકડે જ. શનિ રવિ કે રજાઓમાં તેઓ મુંબઈની બહાર અલીબાગ, માથેરાન, મહાબળેશ્વર કે મઢ આઈલેન્ડ જેવી જગ્યાએ મળે.
મુંબઈના વિધાર્થીઓ રાત્રે જાગીને Exam ની તૈયારી કરે. અને સવારે ૬.૩૦ ટ્યુશન પર જાય. ઘણા ઘરોમાં રાત્રે ૧૨ વાગ્યે કે સવારે ૪ વાગ્યે નળમાં પાણી આવે. એટલે મુંબઈની ગૃહિણીઓ નળરાજાના વ્રતના જાગરણ કરે.
ઉજાગરા અને અતિ વ્યસ્તતાને લીધે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, હાઈપર ટેંશન અને ડિપ્રેશન જેવી બિમારી લાગુ પડે છે, પાચનશક્તિ ઘટે છે, આયુષ્ય ઘટે છે, લગ્નજીવન અને સામાજિક જીવન ખોરવાય છે. આ બધી જ વાત મુંબઈગરા માણસને ખબર છે. એટલે એને એ બધું યાદ કરાવીને કે એના વિશે ફિકર કરીને બીજાઓને પોતાનું બ્લડ્પ્રેશર વધારવાની જરૂર નથી.
રાત્રિના સાડાબાર થયા છે. પૌલોમીને ક્યારે મળાશે એ વિચારવું પડશે, એ પાછી અમદાવાદ જતી રહે એ પહેલા મળવું પડશે.  હજી ફેસબુક પર ની પોસ્ટ અને વોટ્સએપની ૧૦ વાગ્યા પછીની પોસ્ટ જોવાની બાકી જ છે. પણ કાલે સવારે પાછુ વહેલુ ઉઠવાનું છે, ૭.૩૨ ની ટ્રેન પકડવાની છે, સવારનું ૫.૪૦ વાગ્યાનું એર્લામ મૂકીને સૂવાનું છે. એટલે હાલ પૂરતી તો આ વાંચવા લખવાની મારી દુકાન આજ પૂરતી બંધ કરું છું. સૌને મારા એટલે કે મિતાલીના ગુડનાઈટ, સ્વીટ ડ્રીમ.


Sunday 6 December 2015

પત્નીને પ્રિય સખી બનાવો.

પત્નીને પ્રિય સખી બનાવો.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પત્ની: કહુ છું, સાંભળો છો? આ બાજુવાળા મનીષભાઈ એમની પત્ની મોનાબહેનને કેટલો બધો પ્રેમ કરે છે. દર શુક્રવારે એમને નાટક કે ફિલ્મ જોવા લઈ જાય છે, હોટલમાં જમવા લઈ જાય છે, શનિવારે ગાર્ડનમાં ફરવા લઈ જાય છે, રજાઓમાં બહારગામ ટુર પર લઈ જાય છે, શોપિંગ કરાવે છે, દરરોજ ઓફિસેથી આવીને મોનાબહેનના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય છે. અને તમે? તમે તો આમાનું કશું જ કરતાં નથી.
પતિ: હું પણ આ બધું જ કરવા તૈયાર છું, જો મોનાબહેનને વાંધો ન હોય તો. 
ખેર ! આ તો એક જોક થઈ, પણ પુરુષો મૂળભુત રૂપે સ્વભાવથી આવા ઉદાર તો ખરા જ. સ્વભાવથી આવા ઉદાર, સરળ, નિર્દોષ અને નિખાલસ પુરુષોની સભામાં મારે એક વાર વક્તવ્ય આપવાનું હતું.સ્ટેજ પરથી મંત્રી જેવા જણાતાં એક ભાઈએ મારો પરિચય આપતાં કહ્યું, સુજ્ઞ શ્રોતાજનો,  હવે તમે સાંભળશો એક વિદ્વાન અને પ્રખ્યાત હાસ્યલેખિકા બહેન..  એમને મારું નામ ખબર નહોતું એટલે મંચ પર બિરાજમાન બીજા એક કાર્યકર ભાઈએ એક કાગળમાં જોઈને મારું નામ કહ્યું. એટલે એમણે કહ્યું,’ પલ્લવીબહેન મિસ્ત્રીને.
હું બોલવા ઊભી થઈ અને પ્રથમ મેં મારા વક્તવ્યના વિષયનો પરિચય આપ્યો,’પત્નીને પ્રિય સખી બનાવો.  અબઘડી બનાવીએ,  બોલો, કોની પત્નીને પ્રિય સખી બનાવીએ?’ ત્યાં હાજર રહેલા તમામ પુરુષો એકી અવાજે ઉત્સાહ પૂર્વક  બોલી ઊઠ્યા. કંઈક આવા જ પ્રતિભાવની આશા હોવાથી મેં તેમને કહ્યું, તમારી પોતાની પત્નીને પ્રિય સખી બનાવો. ઓહ હ હ હ, એમાં શું મજા આવે?  કાશ્મીરથી કન્યાકુમારી જેટલા અંતરનો લાંબો નિસાસો એ તમામ પુરુષોએ નાંખ્યો.
મારા સૂચનથી એ તમામ મહાનુભાવોને નિરાશ થયેલા જોઈને, તેઓ પ્રસન્ન થાય એ હેતુથી મેં સભાના  આયોજકોને પૂછ્યું, શું વિષયમાં નજીવો ફેરફાર શક્ય છે? પત્નીને પ્રિય સખી બનાવો ને બદલે કોની પત્નીને પ્રિય સખી બનાવો  એ વિષય પર બોલી શકાય?’ હું તો એ વિષય પર વક્તવ્ય આપવા પણ તૈયાર હતી, પણ સભાના આયોજકો પુરુષો હોવા છતાં, એમણે મને અગાઉથી આપેલા વિષયને વળગી રહીને વક્તવ્ય આપવા આગ્રહભર્યું સૂચન કર્યું.
મને મારા ઘરથી  સભાખંડ સુધી લાવવા લઈ જવાની, મારા ભોજનની અને મારા વક્તવ્ય બદલ પુરસ્કારની વ્યવસ્થા આયોજકોએ કરેલી હોય, મેં એમના સૂચનને અનુસરીને મૂળ વિષય પત્નીને પ્રિય સખી બનાવો ને વફાદાર રહેવાનું મુનાસિબ માનીને મારુ વક્તવ્ય શરું કર્યું.   
મારા વહાલા ઉદાર, સરળ અને નિર્દોષ ભાઈઓ ! આજે પત્નીને.. આઈ મીન તમારી પોતાની પત્નીને પ્રિય સખી ‌ ‌કેવી રીતે બનાવી શકાય, એ અંગે હું તમને થોડી ટીપ્સ આપવા માંગુ છું, જે તમે ધ્યાનથી સાભળજો અને એને અનુસરજો.
સૌ પ્રથમ તો તમારા ઘરમાં લેવાતા અગત્યના નિર્ણયો અંગે હું સ્પષ્ટતા કરી લઉં. એ બધાં નિર્ણયો ભલે તમે પોતે જ લ્યો,પરંતુ તમારી પત્નીને એ વાતનો અણસાર સુધ્ધાં ન આવે એવી નિપુણતા કેળવી લ્યો. તમારી પત્નીને તો હમેશાં એમ જ લાગવું જોઈએ કે ઘરમાં તો એનું જ ચલણ છે, એની ઈચ્છા વિરુધ્ધ ઘરમાં એક પત્તું પણ હલતું નથી. હું તો ત્યાંસુધી કહું છું કે, હેનપેક્ડ હસબંડ એટલે કે જોરુ કા ગુલામ ક્લબમાં જોડાવ તો પણ યુક્તિપૂર્વક પત્નીની સંમત્તિ લઈને જ જોડાવ.   
હે પતિદેવો ! તમે એક વાત સારી રીતે સમજી લ્યો. સ્ત્રી પાસે ગમે તેટલાં કપડાં કે ઘરેણાં હોય, એને હમેશાં અપૂરતાં જ લાગે છે. એની પાસે રીના જેવી બનારસી સાડી કે શીલા જેવો ડાયમંડ નેકલેસ નથી, એનો એને હમેશાં વસવસો હોય છે. એટલે જ્યારે તમારો પત્નીની સાથે બહાર જવાનો પ્રોગ્રામ હોય, અને એ તમને પ્રેમથી પૂછે, કહોને, હું શું પહેરું?’  ત્યારે તમે, પહેરને હવે તારે જે પહેરવું હોય તે. કબાટમાં ઢગલાબંધ કપડા તો પડ્યાં છે. એમ કહીને એના નાજુક દિલને ઠેસ પહોંચાડવાને બદલે, આજે તો તું પેલા પર્પલ કલરનો ડ્રેસ પહેર, એમાં તું બહુ સરસ લાગે છે. એવું કહેશો તો એટલીસ્ટ પત્ની તો પ્રસન્ન થશે. પછી ભલેને તમને, પીંક અને રેડ’, યલો અને ઓરેંજ કે પર્પલ અને બ્લ્યૂ કલર વચ્ચેનો તફાવત ખબર ન પડતી હોય.
પત્ની: કેમ,આજે ચુપચાપ ખાઈ રહ્યા છો? મારા બનાવેલા પુલાવના વખાણ પણ નથી કરતાં?
પતિ: એક શરતે વખાણ કરું.
પત્ની: હા, હા. બોલોને.
પતિ: જો બીજીવાર તું આવો પુલાવ નહી બનાવવાનું વચન આપે તો.
હે પતિદેવો ! તમારી પત્નીએ બનાવેલા ભોજનની બાબતે મારી સમ્પૂર્ણ સહાનુભૂતિ તમારી સાથે હોવા છતાં, મારી તમને નમ્ર અપીલ છે, કે આ બાબતે તમારે સહનશીલતા કેળવ્યા વિના છૂટકો નથી. જ્યારે તમારી પત્ની હોંશપૂર્વક કોઈ નવી વાનગી બનાવીને તમને ખવડાવે ત્યારે એનાં ખોટાં તો ખોટાં, પણ વખાણ કરવાનું ચૂકશો નહીં. કેમ કે તમને એ વાનગી ખાતાં જેટલી મહેનત પડી છે, એનાથી થોડીક જ ઓછી મહેનત એને એ વાનગી બનાવતાં પડી છે.
પત્ની: (ગુસ્સાથી) હવેથી આપણી ગલીના પેલા કાળિયા ભિખારીને હું કશું જ ખાવાનું આપવાની નથી.
પતિ: કેમ ડાર્લિંગ, આટલા ગુસ્સામાં છે? એણે શું કર્યું?
પત્ની: કાલે મેં એને ખાવાનું આપ્યું હતું, અને આજે એ મને આ પાકશાસ્ત્ર ની બુક આપી ગયો.
હે પતિદેવો! કદાચ કોઈવાર તમારી પત્નીથી જો  દાળમાં મીઠું વધારે પડી જાય તો પણ તમારે જરાય ખારા થયા વિના સહેજ મલકીને માત્ર આટલું જ કહેવું, પ્રિયે! આજે મીઠાના પ્રમાણમાં દાળ જરા ઓછી છે. જ્યારે એ તમારી ચા માં ખાંડ નાખવાનું ભૂલી જાય ત્યારે તમારે હસીને માત્ર આટલું જ કહેવું, સ્વીટહાર્ટ! આ ચા માં જરા તારી નાજુક આંગળીઓ બોળતી જા, કે જેથી એના સ્પર્શથી મારી ચા મીઠી થાય.
સોમવારે જો તમે તમારી પત્નીના હાથે બનેલું  કારેલાનું શાક અને રોટલી વખાણીને ખાધાં હોય, મંગળવારે પણ તમે કારેલાં અને ભાખરી મલકીને ખાઈ લીધાં હોય, બુધવારે તમે મૂડ બગાડ્યા વિના કારેલાં ને રોટલો ખાધા હોય, ગુરુવારે ગુપચુપ તમે એ જ વાનગી આરોગી લીધી હોય અને પછી શુક્રવારે જો તમે સમસમીને પત્નીને કહો કે તમને કારેલાં ભાવતાં નથી. તો આમાં પત્નીએ શું સમજવું? માટે હે પતિદેવો! ખાવાની બાબતે તમે થોડા પ્રેડીક્ટેબલ ( અનુમાન કરી શકાય એવાં) બનો એવી મારી તમને નમ્ર સલાહ છે.
તમારી પત્ની જ્યારે તમને મીઠી ફરિયાદ કરતાં એમ કહે કે, તમને રોજ કહું છું કે આપણા ઘરનીબારીએ પરદા  કરાવી લ્યો. સામેના ઘરમાંથી રોજ એક પુરુષ મને તાકી તાકીને જુએ છે. ત્યારે તમે કઠોરતા પૂર્વક,   એક વાર એને બરાબર જોઈ લેવા દે, પછી એ પોતે જ પોતાના ઘરના પરદા કરાવી લેશે. એવું કહેવાને બદલે, ડાર્લિંગ, એમાં એનો શું વાંક? તું દેખાય છે જ એવી ને કે કોઈ પણ તને .. આમ કહીને વાત વાળી લેજો. એથી તમને બે ફાયદા થશે. તમારા ઘરની બારીઓને પરદા કરાવવાનો ખર્ચ બચી જશે અને સાંજે તમને ટેસ્ટફુલ જમવાનું મળશે.
પરણ્યા પહેલાં પરી જેવી લાગતી પત્ની, પરણ્યા પછી ઉપરી જેવી લાગે તે સ્વાભાવિક છે. પણ મને કે કમને જેમ તમે તમારા ઉપરી એટલે કે બોસને સાચવો છો, તેમ તમારી પત્નીને પણ સાચવી લ્યો, કેમ કે સુખી થવાની એ જ એક માત્ર ચાવી છે. તમારી નિષ્ફળતા માટે પત્નીને દોષ દેતા પહેલાં એટલું યાદ રાખજો, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, અને દરેક નિષ્ફળ પુરુષ પાછળ બે સ્ત્રીનો તમારી પત્નીની ટીકા કરતાં પહેલાં એટલું યાદ રાખજો કે, એની આવી નાની નાની ખામીઓને લીધે જ એને સારો પતિ મળી શક્યો નથી.  
તમારી પત્ની જ્યારે ક્યારેક રિસાઈને કહે કે, હું જાણું છું કે હવે તમે મને પહેલાના જેવો પ્રેમ કરતાં નથી. મારા કરતાં તમને તમારી બા વધારે વહાલી છે. અને એટલે જ તે દિવસે જ્યારે આપણે બોટિંગ કરતાં હતાં, ત્યારે હોડી ઊંધી વળી જતાં  તમે મને બચાવવાને બદલે તમારી બાને બચાવવા દોડી ગયા હતાં. તે વખતે સત્ય હકીકત ભલે એ જ હોય, તમારે પ્રેમ પૂર્વક એનો હાથ પકડીને કહેવું, એવું નથી પ્રિયે! તું એટલી બ્યુટિફુલ અને યંગ લાગે છે, કે મને ખબર જ હતી કે તને બચાવવા તો અનેક જુવાનિયાઓ કૂદી પડશે, પણ મારી બાને તો મારા સિવાય કોણ બચાવશે?’
હે પતિદેવો! પત્ની આગળ શક્ય હોય ત્યાં સુધી કવિતાની ભાષામાં વાત ન કરવી. તમે જો લાગણીવશ થઈને એને કહેશો, પ્રિયતમે! તું જ મારી કવિતા છે, કલ્પના છે, લાગણી છે, ભાવના છે તો તમને જવાબ આ રીતે પણ મળવાની શક્યતા છે, હે મારા દેવ! તમે જ મારા દિનેશ છો, રમેશ છો, મહેશ છો, પરેશ છો.
પત્નીને કોઈ પણ સવાલ પૂછતાં પહેલાં એના જવાબ વિશે પાંચવાર વિચારજો. કેમ કે જો તમે એને એમ પૂછશો કે, વહાલી! મારી આટલી ઓછી પૂંજીમાં આપણે સુખેથી રહી શકીશું?’ તો એ કદાચ જવાબ આ રીતે વાળે, હા, કમ સે કમ એ પૂંજી ટકે ત્યાં સુધી તો ખરાં જ. જો તમે વગર વિચાર્યે પત્નીને એમ પૂછશો કે, તું પૈસાની ભૂખી છે કે પ્રેમની?’ તો એ કદાચ આવો જવાબ પણ આપી શકે, પૈસાદારના પ્રેમની.
હે પતિદેવો! તમે તમારી પત્ની ઉપર વિશ્વાસ રાખતાં શીખો, કેમ કે છૂટાછેડા લીધા વગર એ એના ગરીબ પતિ ને છોડીને કોઈ શ્રીમંત નબીરાને પરણી જવાની નથી. હે પતિદેવો! જાગો. બીજી કોઈ પત્નીના પતિદેવ તમારી પત્નીને પ્રિય સખી બનાવે તે પહેલાં તમે જ તમારી પત્નીને પ્રિય સખી બનાવો.
રમેશ: હું પરણ્યો નહોતો ત્યાં સુધી સાચું સુખ કોને કહેવાય તે મને ખબર નહોતી.
મહેશ: અચ્છા? અને હવે પરણ્યા પછી?

રમેશ: પછી તો ઘણું મોડું થઈ ગયું યાર.