Sunday 31 January 2016

હું ભાડુઆત શી રીતે બન્યો?

હું ભાડુઆત શી રીતે બન્યો?   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ભાડુઆત માંથી મકાન માલિક બનો,  આવો આજે જ અમારા ગ્રાહક બનો.

ઉપર પ્રમાણેનુ બૉર્ડ વાંચી , હું એ નાનકડી ઓફિસમાં દાખલ થયો. ત્યાંના કર્મચારીએ મને ઉમળકાથી આવકાર્યો.
-આવો, આવો, બેસો, બોલો સાહેબ, શું મુશ્કેલી છે તમને? શું સેવા કરું?
-તમે બહાર જે બૉર્ડ લગાવ્યું છે, ભાડુઆતમાંથી મકાન માલિક બનો...
-તમે મકાન માલિક છો કે ભાડુઆત?
-વર્ષો પહેલાં હું મકાન માલિક હતો, આજે હવે હું માત્ર ભાડુઆત છું.
-ઘણું સરસ, આવતી કાલે તમે ફરીથી મકાન માલિક બનશો.
-તમે જ્યોતિષ વિધા જાણો છો?
-હા. થોડા સમય પહેલાં ક્યાંક તમારું પોતાનું ઘર હતું, હતું ને?
-હા, પણ તમે એ શી રીતે જાણ્યું?
-તમે એ ઘર લાંબા સમય માટે એક જ વ્યક્તિને ભાડે આપવાની ભુલ કરી, કરી ને?
-હા, એ વાત તો સાચી, પણ...
-પછી ભાડુઆતે એ ઘર ખાલી જ ન કર્યું, ન કર્યું ને?  
-ઓહ! તમે તો જ્યોતિષ વિધાના પ્રખર પંડિત લાગો છો.
-ના, અમે તો માત્ર સલાહકાર છીએ. તમે કયા એરિયામાં રહો છો?
-સેટેલાઈટ એરિયામાં. નીચે મકાન માલિક અને ઉપરના માળે અમે રહીએ છીએ.
-અચ્છા! મકાન માલિક બનવા માટે સેટેલાઈટ એરિયા અમદાવાદમાં ઉત્તમ એરિયા ગણાય.
-પણ મારી પાસે હાલ મકાન ખરીદવા જેટલા પૈસા નથી.
-એક હજાર રૂપિયા તો છે ને? લાવો.
-એક હજાર રૂપિયામાં મકાન માલિક થવાય? તો તો ઘણું જ સરસ.
-આ તો અમારી ફી ના એડવાન્સ રુપિયા થયા.
-તમારી કુલ ફી કેટલી થશે?
-પાંચ હજાર રૂપિયા.
-વાહ! સેટેલાઈટ એરિયામાં મકાન માલિક બનવાના પાંચ હજાર રૂપિયા વધારે ન કહેવાય.
-હવેથી તમે અમારા ક્લાયન્ટ છો. અમે કહીએ  એ મુજબ તમારે કરવાનું.
-તેમ કરું તો હું મકાન માલિક બની જઈશ?
-ચોક્કસ. તમે  જે મકાનમાં રહો છો એનું ભાડું આપો છો?
-એકદમ નિયમિત. દરેક મહિનાની પહેલી કે બીજી તારીખે જ.
-હવેથી તમારે ભાડું નહીં આપવાનું.
-અરે એમ તે હોય? ભાડું આપ્યા વિના તો પોલીસ ફુટપાથ પર પણ ન રહેવા દે.
-હવે તમે અમારા ક્લાયન્ટ છો, અમે કહીએ એમ જ તમારે કરવાનું. ભાડું નહિં આપવાનું એટલે નહીં જ આપવાનું.
-અરે, પણ મકાન માલિક મારા મિત્રના સગા છે, મારા મિત્રની ઓળખાણથી જ તો એ ઘર ભાડે રહેવા મળ્યું હતું.
-ઘણું સરસ. તમારા એ મિત્રને ફરિયાદ કરો કે તમારા મકાન માલિક તમને ખુબ જ હેરાન કરે છે.
-હેં ! ઉલટા ચોર કોટવાલ કો ડાંટે?
-હા, તમારા ઘરે કચરાપેટી છે?
-એ તો દરેકના ઘરે હોય જ ને?
-હવેથી એ નહીં રાખવાની. ઘરે જઈને કચરાપેટી બહાર ફેંકી દેજો.
-તો પછી અમારે કચરો ક્યાં ફેંકવાનો?
-કેમ, મકાન માલિકનો ઓટલો, કમ્પાઉન્ડ નથી?
-ઓહ માય ગોડ!
-ભગવાનને પછી યાદ કરજો, પહેલાં અમારી સૂચનાઓ યાદ કરી લો. તમારે છોકરાંઓ છે?
-કેમ.. કેમ? છોકરાંઓ પણ નહીં રાખવાના? કમ્પાઉન્ડમાં ફેંકી દેવાના?
-મૂર્ખ ન બનો,  છોકરાંઓને સવાર સાંજ અને રજાના દિવસે આખો દિવસ મકાન માલિકના ઘરે રમવા મોકલો.
-પણ મારા છોકરાંઓ શરમાળ છે. કોઈને ત્યાં રમવા જાય એવાં નથી.
-તો છોકરાંઓને સ્માર્ટ બનાવો. મકાન માલિકના ઘરે જઈને ટી. વી. ચાલુ કરવાનું, સોફા પર કૂદવાનું, બૉલ ઉછાળીને કાચ તોડવાનું, નાસ્તો માંગવાનું વગેરે વગેરે શીખવાડો.
-બાપ રે!
-હા, અને એમના બાપને એટલે કે તમને – તમારી જાતને પણ ટ્રેઈન કરો. રોજ છાપું વાંચવા ત્યાં જ જાવ, ચા માંગો.
-મને આવું બધું કરવાનું ન ફાવે.
-જુઓ, મકાન માલિક કંઈ એમ ને એમ ન થવાય. તમારી પત્નીને મકાન માલિકણ પાસે ચા, ગોળ, ખાંડ, દૂધ, ઘી, મિક્સર, ઈસ્ત્રી વગેરે વગેરે કંઈ કંઈ માંગવા વારંવાર મોકલો.
-પણ અમારે ઘરે આ બધું જ છે.
-હશે, હું ક્યાં ના પાડું છું? પણ બીજું આવશે તો કંઈ બગડી જવાનું નથી.
-અમારા પડોશી આવું જ બધું કરે છે, એમને તમે જ શીખવેલું?
-અમે કોઈને મફતમાં કશી સલાહ આપતાં નથી.
-તમારી સલાહ માનું તો હું મકાન માલિક થઈશ ખરો?
-હન્ડ્રેડ પરસેન્ટ. તમને વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ લીસ્ટ. આ બધા જ મહાનુભાવો અમારી સલાહથી જ  ભાડુઆત માંથી મકાન માલિક બન્યા છે. કેટલાકના તો ફોટા અને મકાનના ફોટાઓ પણ આમાં છે. અમે તમારો અને તમારા મકાનનો ફોટો પણ છાપીશું.
હું ભાડુઆતમાંથી મકાન માલિક બનેલાં મહારથીઓની યાદી પર નજર ફેરવતો હતો, ત્યાં જ એક પરિચિત નામ મારી નજરે પડ્યું: અમૃતલાલ ગોકળદાસ પટેલ. અરે! આ તો અમારા જ ભાડુઆત હતા. આંબાવાડીનું ટેનામેન્ટ એમણે જ ભાડે રાખેલું. અને પછી તેઓ પરાણે એ મકાનના માલિક બની બેઠા. ઉપર મુજબની ટ્રીક્સ વાપરીને. હવે મને સમજાયું –
હું ભાડુઆત શી રીતે બન્યો.’







Sunday 24 January 2016

દિવાસ્વપ્ન.

દિવાસ્વપ્ન.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

આજે તો છાપું વાંચવા પણ નહોતી રોકાઈ,  છતાં ઓફિસે જવા નીકળવાનું મોડું થઈ જ ગયું. સોસાયટીના નાકા પર જ આશાબહેન મળ્યાં, એમણે મારી સામે એક મીઠું, મધુરું અને હૂંફાળું સ્મિત ફેંક્યું. મને આશ્ચર્યનો આંચકો લાગ્યો. આ આશાબહેન જ્યારે પણ મને સામા મળે ત્યારે સ્મિત આપવાની વાત તો બાજુ પર રહી, એ મારા તરફ થી મોં બીજી તરફ ફેરવી લેતાં. ભૂલેચૂકે અમારી નજરો મળી જાય તો એ મોઢું મચકોડતા. મને વહેમ પડ્યો હતો કે -  હું લેખો લખું છું એ વાતની જાણ એમને ક્યાંકથી થઈ ગઈ હશે.

આજે મેં એમનું મલકાતું મોં જોયું ત્યારે મને લાગ્યું કે કદાચ મોડું થઈ ગયું છે, એટલે રઘવાટમાં મને એવો ભ્રમ થયો હશે. મેં ખાતરી કરવા  પાછા વળીને એકવાર ફરી એમની સામે જોયું. એમણે ફરીથી મારી સામે એક મોટું કોલગેટ સ્ટાઈલનું  સ્મિત આપ્યું અને પ્રેમપૂર્વક હાથ હલાવ્યો. એમનું સ્મિત ઓલવાઈ જાય તે પહેલાં મેં મારા રસ્તે બસસ્ટેન્ડ તરફ પ્રયાણ કર્યું.

બસસ્ટેન્ડ પર પહોંચી ત્યારે મારી રોજની નિયત કરેલી બસ જઈ ચૂકી હતી. બીજું કોઈ નહીં અને ભારતદેશના બસ- ડ્રાઈવરો જ આટલા સમયના ચુસ્ત પાલન કર્તા કેમ હશે?’  એવો પ્રશ્ન મારા મનમાં જાગ્યો અને પછી સૂઈ ગયો. બીજી બસ માટે પંદર મિનિટની પ્રતિક્ષા કરવી પડી. આજે પણ આપણું સ્વાગત બૉસના સ્વસ્તિ વચનોથી થવાનું છે  એવા વિચાર કરતી હું બસમાં ચઢી. મુસાફરોથી ભરચક બસમાં બેસવાની જગ્યાનો તો વિચાર જ ન કરાય, પણ ઊભા રહેવાની જગ્યા પણ  માંડ માંડ મળી.

બસમાં, ટ્રેનમાં, બજારમાં, બધી જગ્યાએ લોકોની ભીડ  જોઈને મને મારા દેશના વસ્તી વધારા વિશે ચિંતા થઈ. સરકારે કુટુમ્બ નિયોજન  અર્થે,  અમે બે – અમારા બે નું સૂત્ર આપ્યું. ભણેલા ગણેલા કપલ, અમે બે – અમારું એક નું સૂત્ર અપનાવી રહ્યા છે. એનાથી પણ વધારે  આધુનિક  વિચારો ધરાવતા કપલ તો ‘DINK ( Double Income – No Kid)’  ની વિચારસરણી ધરાવતા થઈ ગયા છે. અને છતાં આટલો વસ્તી વિસ્ફોટ? શું થશે ભારત દેશનું?

હું આવા વિચારોમાં ન જાણે ક્યાં સુધી અટવાયા કરત, પણ મને બસમાં અમારી જ સોસાયટીના સેક્રેટરી અમિતભાઈનાં પત્ની રમાબહેને બૂમ પાડીને આગળ બોલાવી. હું  એમની પાસે પહોંચી એટલે  એમણે પોતાની સીટ પરથી ઊભા થઈને મને બેસવાની  જગ્યા કરી આપી.આજના દિવસે  મારા માટે આ આશ્ચર્યનો બીજો આંચકો હતો. કારણ કે હજી બે દિવસ પહેલાં જ આ જ રમાબહેને આ જ બસમાં  મારી સાથે ઝઘડીને મારી સીટ ( જે એમની હતી એવું એ માનતા હતા તે) પડાવી લીધી હતી.
કોઈ પાસે આપણે આપણા સ્વના બાહુબળે બળ જબરીથી કોઈ વસ્તુ પડાવી લઈએ તો વાંધો નહીં, પરંતુ કોઈ મારા માટે સ્વેચ્છાએ સીટ નો ત્યાગ કરે એ મને રૂચ્યું નહીં. તેથી મેં નમ્રતા પૂર્વક એમની જગ્યા માટેની ઓફરનો અસ્વીકાર કર્યો. તો રમાબહેને મને આગ્રહ કરતાં કહ્યુ, તમારાથી મને ના કહેવાય જ નહીં. તમારા જેવા પ્રતિષ્ઠિત લેખિકા ઊભાં રહે અને અમે લોકો બેસી રહીએ તો ભારતની અસ્મિતા ઝંખવાય.'   પ્રથમ તો આ સાંભળીને મને લાગ્યું  કે તેઓ મારી મશ્કરી કરી રહ્યા છે, પણ પછી એમની ગંભીર મુખમુદ્રા જોઈને લાગ્યું કે ના તેઓ મશ્કરી નથી કરી રહ્યા.

કંડક્ટર આવતાં મેં દસ રૂપિયાનો સિક્કો આપી મારી ટીકિટ માંગી. કંડક્ટરે મેં એને આપેલો સિક્કો પાછો આપતાં કહ્યું, ના જી. મારાથી એ કેમ લેવાય?’ મેં ધ્યાનથી એ સિક્કો તપાસીને કહ્યું, અરે, નથી તો આ સિક્કો ખોટો કે નથી તો એ ઘસાયેલો, પછી સ્વીકારવાની ના શા માટે પાડો છો?’ તો કંડક્ટરે હસીને કહ્યું, આપ તો સમાજના ગૌરવસમ નારીરત્ન છો, આપે અમારી બસમાં મુસાફરી કરી અમારું ગૌરવ વધાર્યું છે. ગવર્મેન્ટનો ઑર્ડર છે, કે આવા ગૌરવવંતા રત્નો –લેખકો – લેખિકાઓ પાસે ટિકીટના પૈસા લેવા નહીં. મને કંઈ ન સમજાતાં માથું ખંજવાળ્યું,  આજનો દિવસ કેવો ઊગ્યો છે?’

ઓફિસમાં દાખલ થઈ ત્યારે મનમાં ફફડાટ હતો કે મને પોંખવા માટે હમણાં બૉસનું તેડું આવશે. અને પછી એમની કેબિનમાં જઈશ એટલે ફાયરિંગ થશે, કાંડે ઘડિયાળ પહેરી છે તો એમાં જોવાનું પણ જરા શીખો. લટકા મટકા જરા ઓછા કરો અને કોઈ ના વાંચે એવા નકામા લેખો લખવામાં ટાઈમ ન બગાડતાં હો તો ટાઈમ સર ઓફિસ આવી શકો ને?’  પણ રિસેસ પડી ત્યાં સુધી બૉસનું તેડું ન આવતાં મને રાહત થઈ.

રિસેસ પડતાં જ મારા સહ કર્મચારીઓ મારા ટેબલ ફરતે ગોઠવાઈ ગયાં, મને અભિનંદન આપવા લાગ્યાં, પોત પોતાના લંચ બોક્સમાંથી મને અવનવી વાનગીઓ ચાખવા પ્રેમ પૂર્વક વિનંતિ કરવા લાગ્યા.મેં મૂંઝવણથી મારી ફ્રેન્ડ મીના તરફ જોયું, તો એણે હસીને રહસ્યસ્ફૉટ કરતાં કહ્યું, તું લેખિકા છે, અને સરકારે જાહેર કર્યું છે કે- મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી કચેરીઓ, હોસ્પિટલ, સ્કુલ, કોલેજ, કોર્ટ, ટ્રેન, બસ, પ્લેન વગેરે જગ્યાઓએ તમનેપ્રથમ અને મફત સુવિધાઓ આપવી. તમારી ચિઠ્ઠી લાવનારને પણ તાત્કાલિક કામ કરી આપવું. ત્યારે મને  બધાનો મારા તરફનો સદભાવ સમજાયો.

રિસેસ પતી ત્યાં મારા પતિદેવનો ફોન આવ્યો, આજે ઘરે જલદી આવજે, તને એક સરપ્રાઈઝ આપવાની છે. અને હા, મેં તારા લેખોની આખી ફાઈલ વાંચી છે, યુ આર સુપર્બ! આ સાંભળીને મને આશ્ચર્યનો ત્રીજો એટેક આવ્યો. હું એમને સરપ્રાઈઝ વિશે વધુ કંઈ પૂછું તે પહેલાં એમણે ફોન મૂકી દીધો. સામાન્ય સંજોગોમાં - બૉસ પાસે જલદી ઘરે જવા માટેની રજા માંગવી એટલે સૂતેલા સિંહને છંછેડવા  જેવું કામ હતું. કેમ કે અઠવાડિયામાં લગભગ ત્રણ દિવસ તો હું ઓફિસ મોડી પહોંચું છું, એને લીધે મારા બૉસ સતત મારા પર ચિઢાયેલા જ રહે છે. છતાં હિંમત ભેગી કરીને હું એમની પરમિશન લેવા એમની કેબિનમાં ગઈ.

-મે આઈ કમીન સર?
-મિસિસ મિસ્ત્રી, વેલકમ વેલકમ.
ઘણી વાર બૉસ મારી સાથે કટાક્ષ પૂર્વક વાત કરતા હોય છે. (મેં એમને એ રીતે મારા પરનું એમનું ફ્રસ્ટ્રેશન કાઢવાની મૂક પરમિશન આપી છે)  એટલે મેં એમના આવા હૂંફાળા આવકારને કટાક્ષનો જ એક પ્રકાર ગણી લીધો અને એમની સામેની ખુરશી પાસે જઈને ઊભી રહી.
-અરે! ઊભા કેમ છો? બેસો, બેસો.
એમણે કહ્યું. હું ખુરશી પર બેસવા જઈશ અને તેઓ ખુરશી ખેંચી લેશે તો? કંઈક એવા વિચારો કરતાં ડરતાં ડરતાં હું ખુરશી પર ઊચક જીવે બેઠી.
-શું લખો છો, આજકાલ? બૉસે સસ્મિત પૂછ્યું.
-જ...જ...જી. ખાસ કંઈ નહીં.
-અરે! એવું તે કેમ ચાલે?
-સર, આજકાલ ઓફિસમાં કામ ઘણું રહે છે ને,
-ઓફિસના કામને મારો ગોળી.આ બીજા ગધેડાઓ રાખ્યા છે તે શું કામના? એમને કંઈ મફતનો પગાર આપું છું કે? તમારે એમને વધારાનું કામ સોંપી દેવું, તમારે લખવાનો મૂડ આવે ત્યારે લખવું અને બાકીના સમયે ઓફિસનું કામ કરવું. તમે લેખકો તો ભારતના સપૂતો છો, તમે તો અમારી ઓફિસનું ગૌરવ છો....
-સર, મારે... મેં એમને આગળ બોલતા રોકવા પ્રયત્ન કર્યો.
-હા, હા. બોલો ને. તમારે શું? પૈસા જોઈએ છે? કેટલા જોઈએ છે? બોલોને,  હમણા ચેક લખી આપું.
-ના, સર. મારે પૈસા નથી જોઈતા. મારે તો આજે થોડા વહેલાં ઘરે જવું છે.
-બસ? તો એમાં આટલા ખંચકાઓ છો શું કામ. યૂ મે ગો એની ટાઈમ. તમારે પરમિશન લેવાની હોય જ નહીં. મન થાય ત્યારે ઓફિસ આવવું અને મન થાય ત્યારે જતા રહેવું, સમજ્યાં?
-જી, થેંક્યુ સર. થેંક્યુ વેરી મચ.
-યુ આર ઓલ્વેઝ વેલકમ.
હું ઘરે જવા નીકળતી જ હતી ત્યાં હું જે છાપામાં કોલમ લખું છું એમના તંત્રીનો ફોન આવ્યો,
-મિસિસ મિસ્ત્રી, આ વખતે તમારો લેખ હજી નથી મળ્યો.
-જી રેડી જ છે, હું કાલે આપી જઈશ.
-અરે હોય! આપને તસ્દી ન અપાય, મારો પ્યુન તમારા માટે ચેક લઈને આવશે અને લેખ લઈ જશે.
હું ઘરે પહોંચી તો સોસાયટીના કોમન પ્લોટમાં સરસ ડેકોરેટીવ મંડપ બંધાયેલો હતો અને શરણાઈના મધુર સ્વર રેલાઈ રહ્યા હતાં.
-આજે વળી કોના લગ્ન છે? ઘરમાં જઈને મેં પતિદેવને પૂછ્યું.
-લગ્ન નથી, એ તો પ્રતિષ્ઠિત નાગરિકોનો સન્માન સમારંભ રાખ્યો છે.
-અચ્છા? નેતાઓ આવવાના છે કે અભિનેતાઓ?
-એ બે થી પણ વિશેષ સન્માનનીય વ્યક્તિઓ, એટલે કે લેખકો અને લેખિકાઓ આવશે. એમાં તારું પણ નામ છે.
-મજાક ન કરો.
-મજાક નથી કરતો, સાચું કહું છું. ગવર્મેંન્ટના લિસ્ટમાં તમે લોકો (લેખકો – લેખિકાઓ) વી. આઈ. પી. નાગરિકો તરીકે સ્થાન પામ્યા છો. તમને રહેવા સરસ મજાના ઘર, ટેલિફોન, ગાડી, સર્વિસ(નોકરી), બસ – ટ્રેન – પ્લેનમાં પ્રથમ કક્ષાની મફત મુસાફરી  અને  અન્ય ઘણી સવલતો સરકારે જાહેર કરી છે.
-ચાલો, છેવટે તો અમારી કોઈએ કદર કરી ખરી.

(અને ત્યાં જ મારી ફ્રેન્ડ મીનાએ મને ઢંઢોળી, અલી એઈ, આમ ડોળા ફાડીને શું જોયાકરે છે? ઘરે આવવું છે કે પછી આજે ઓફિસમાં જ બેસી રહેવું છે?)

Sunday 17 January 2016

શ્રીમતિજી સર્વિસે લાગ્યાં.

શ્રીમતિજી સર્વિસે લાગ્યાં.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-કહુ છું, સાંભળો છો?
-આટલાં વર્ષોથી એ જ તો કરતો આવ્યો છું. 
-સારું, પણ એમાં કહી બતાવવાની કંઈ જરૂર છે?
-ના. પણ આ તો શું કે તેં પૂછ્યું એટલે મેં કહ્યું.
-બહુ સારુ. જાણે  બધું મને પૂછી પૂછીને જ કરતાં હશો, ખરું ને?
-તારે મારી સાથે ઝઘડો જ કરવો છે, કે પછી ખરેખર કંઈ કહેવાનું પણ છે?
-જોયું? તમે વાતમાં ને વાતમાં મારે શું કહેવાનું છે એ ય ભુલાવી દીધું. તમે તો ભાઈ સા, ખરાં છો.
-કંઈ વાંધો નહીં. મને વાત સાંભળવાની કોઈ ઉતાવળ નથી. તું તારે શાંતિથી, જ્યારે યાદ આવે ત્યારે વાત કરજે.
-હં.. શું કહેતી હતી હું? .....અરે હા,  યાદ આવી ગયું, સાંભળો.
-ફરમાવો.
-વાત જાણે એવી છે, કે - હું કાલથી સર્વિસે જવાની છું.
-શું? શું કહ્યું તેં? તું સર્વિસે જવાની? અને તે પણ કાલથી જ? તને વળી કોણે સર્વિસે રાખી?
- આમ તો પહેલી તારીખથી જ જાત, પણ એ દુકાનની સેલ્સગર્લ મેરેજ કરીને રજા પર ઉતરી ગઈ છે. એટલે એ ભાઈ કોઈ બીજાને રાખી લે તે પહેલા મને થયું કે એ  જોબ માટે  હું જ ટ્રાય કરું.
-હા, પણ તને ખબર કઈ રીતે પડી કે ત્યાં જગ્યા ખાલી છે? તેં જોબ માટેની જાહેર ખબર વાંચી કે એ માટે તેં એપ્લીકેશન આપી હતી?
-ના રે ના. નથી તો મેં જાહેર ખબર વાંચી કે નથી તો મેં એપ્લીકેશન આપી. એ તો મોટાભાઈને ઓળખે છે એટલે મને આ જોબ મળી.
-અચ્છા, પણ એ તને નહીં ઓળખતા હોય. વાંધો નહીં, થોડા સમયમાં જ ઓળખી જશે.
-આડું આડું બોલ્યા વગર કહો ને, કે હું સર્વિસે જાઉં કે નહીં?
-હું તને ના  કહું તો તું નહીં જાય?
-પણ તમે ના  કહો જ શું કામ? તમને ઢસરડા કરતાં જોઈને  મને વિચાર આવ્યો કે તમારી સાથે સાથે હું પણ કમાઉં તો તમને આર્થિક ટેકો થશે.
-મને એવા ટેકાની જરૂર છે, એવું તને કોણે કહ્યું?
-કહેવાનું વળી કોણ હતું?  એ તો સમજવાની વાત છે.રોજ આ કાગળીયાં ચીતર ચીતર કરો છો, ચોવીસ કલાક લખ લખ કરો છો, ત્યારે મળી મળીને તમને શું મળે છે? તો મને વળી દયા આવી કે લાવ તમને કમાવામાં જરા મદદ કરું.
-તારી એ ભલી લાગણી બદલ હું તારો અંત:કરણ પૂર્વકનો આભારી છું.
-આવું તે  શું બોલતા હશો તમે? ફોરીનમાં તો બધાં....
-પ્લીઝ પ્લીઝ, તારી એ ફોરીનની વાતો પછી કોઈ વાર કરજે. હમણાં તો મારે આ બે અધૂરા લેખો પૂરા કરવાના છે.
-લેખો લખવાના એમાંવળી શું ધાડ મારવાની છે?
-એમ, તો પછી એકાદો લખી તો જો.
અરે! હમણાં લખી નાખું. પણ કોઈના પેટ પર પાટું મારવું ઠીક નહીં. મારા લેખો વાંચવા માટે થઈને લોકો તમારા લેખો વાંચવાના મૂકી દે તે મારાથી જોયું જાય નહીં, તેથી નથી લખતી, સમજ્યા?
-સમજી ગયો, દયાની દેવી – ફ્લોરેન્સ નાઈટીંગેલ, હું બધું જ  સમજી ગયો.
-ગુડ બોય. તો હું કાલથી સર્વિસે જાઉં ને?
-તારી સર્વિસ નો સમય શું હશે?
-આમ તો દસ થી સાતનો સમય છે, પણ એ તો બીજા બધા માટે. હું તો બાર થી ચાર જાઉં તો પણ ચાલે. ઓળખાણનો એટલો લાભ તો લેવો જ જોઈએ ને?
-હું નથી માનતો એવું. ઠીક છે.જોબ માટે તારે જવાનું ક્યાં છે?
-સરદાર પટેલ સ્ટેડિયમ પાસે.
-ઓહ! એટલું બધું દૂર છે? તારાથી જવાશે કે?
-માણસ ધારે તો લંકા પણ જઈ શકે, તો સ્ટેડિયમની તો શી વાત છે.
-ભલે, પણ હાલ તો તું સ્ટેડિયમ જવાનું જ ધારજે. લંકાનું તો નોકરી પાકી થાય પછી વિચારજે. બાય ધ વે, તું સર્વિસ કરવાની છે, એ ફર્મનું શું નામ છે? એ લોકોની પ્રોડક્ટ શું છે? 
-પાંચાલી”  સાડીની દુકાન છે.
-પાંચાલી?’ સાડીની દુકાન? અરે, પાંચાલીને તો ખુદ પોતાને સાડી પહેરાવવા માટે શ્રી કૃષ્ણને આજીજી કરવી પડેલી. અને તું પાંચાલીમાં લોકોને સાડીઓ પહેરાવશે?
-નેપોલિયન લખી ગયો છે ને કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ?’ મતલબ કે નામમાં શું દાટ્યું છે?’
-એ વાત નેપોલિયન નહીં, શેક્સપિયર કહી ગયેલો.
-જ્યારે નામનું જ મહત્વ નથી ત્યારે એ વાત કહેનારનું નામ નેપોલિયન હોય, શેક્સપિયર હોય કે કોઈ આલિયો – મવાલિયો હોય, શું ફરક પડે છે?
-હા મારી મા, કંઈ ફરક નથી પડતો, પણ એ તો કહે તું પાંચાલી સુધી જઈશ કઈ રીતે?
-બસમાં જઈશ. મોડું થઈ જશે એ દિવસે રીક્ષામાં જઈશ.
-તો તો તારે રોજ રીક્ષા જ કરવી પડશે.
-તો કરીશ. એટલો પગાર ઓછો આવ્યો છે, એમ માનજો.
-એની વે પગાર કેટલો આપવાના છે?
-પહેલી તારીખે ગણી લેજો ને જનાબ,
અને આમ અમારાં શ્રીમતિજી સર્વિસે લાગ્યાં. સાંજે હું ઘરે આવ્યો ત્યારે...
-અરે! તું ઘરે આવી ગઈ છે? મને તો એમ કે તું પાંચાલીમાં બેઠી બેઠી એટલે કે ઊભી ઊભી સ્ત્રી ગ્રાહકોને સાડીઓ પહેરાવતી હોઈશ.
-એ તો હું પહેરાવી આવી.
-અરે વાહ! આજે કેટલી સાડીઓ વેચી મેડમ?
-દસ.
-બસ?
-પહેલા દિવસે તે વળી કેટલી હોય? પછી જોજો ને મારો ઝપાટો.
-ભલે ચાલ, જમવાનું પીરસ.
-આજે તો હું થાકી ગઈ છું એટલે જમવાનું બનાવ્યું નથી, બહાર જમી આવીશું.
-હે ભગવાન, પહેલા દિવસથી જ ઉપાધિ શરુ? ઠીક છે, હું જરા ફ્રેશ થઈને આવું.
-મને તમે જરા ૨૩૨૭૬ રૂપિયા આપજો ને પ્લીઝ.
-શાને માટે?
-સો રૂપિયા રીક્ષાના અને બાકીના મેં સાત સાડીઓ ખરીદી એના.
-તેં પાંચાલીમાંથી સાત સાડી ખરીદી? હમણાં તો આપણા ફેમિલીમાં કે ફ્રેંડ સર્કલમાં કોઈને ત્યાં કંઈ પ્રસંગ પણ નથી આવતો ને તેં સાડીઓ ખરીદી. બાય ધ વે, મને જરા એ તો કહે,  તું ત્યાં સાડીઓ વેચવા ગઈ હતી કે ખરીદવા?
-તમે સમજતા કેમ નથી? હમણા ભલે કોઈને ત્યાં કોઈ પ્રસંગ નથી, પણ ક્યારે ને ક્યારે તો પ્રસંગ આવશે કે નહીં? અને સારા પ્રસંગે પોતાને પહેરવા તેમ જ સગાઓમાં વહેંચવા સાડીઓ જોઈશે તો ખરી જ ને? એટલે મેં અગમચેતી વાપરીને આજે જ લઈ રાખી.
-હે ભગવાન! મારી સાથે આ કયા જનમની તારી દુશ્મની? તેં તો મને વગર અસ્ત્રાએ મૂડી નાંખ્યો.
-એમાં ભગવાનનો શું વાંક?
-મારી માવડી, હુ તને કહું છું. કરી નાંખ્યો ને તેં મને આર્થિક ટેકો?’
-મને ખબર હતી જ કે તમે મારી સાથે કચકચ કરવાના જ છો. પણ તમે જ વિચારો, પહેલા જ દિવસે ફક્ત ત્રણ સાડીઓ જ વેચાઈ એવું  દુકાનદારને કહું તો કેવુ લાગે? એટલે મેં પોતે સાત સાડીઓ ખરીદી લીધી. અત્યારે તમે મને પૈસા આપો અને મહિનાના અંતે મારા પગારમાંથી વાળી લેજો. તમારે તો ખુશ થવું જોઈએ કે ચાલો છેવટે આ કંઈ કામ કરતી થઈ પણ તમારા સ્વભાવમાંજ એ નથી ને. તમને જો નહીં જ ગમતું હોય તો હું કાલથી જ નોકરીએ નહીં જાઉં, સમજ્યા?
-બરાબર સમજી ગયો. મારી ભુલ જ હતી કે મેં  તને સર્વિસે જવા દીધી અને તે પણ સાડીની દુકાનમાં. તને સર્વિસે રાખનારો તને મારા કરતાં વધારે ઓળખતો હતો એમ મને તો લાગે છે. હું જ બેવકૂફ છું કે તને આટલા વર્ષોમાં ન ઓળખી શક્યો.

-તો એમાં વાંક કોનો?