Sunday 25 October 2015

વેચવાની છે.

વેચવાની છે.        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-પાંચસો એક, પાંચસો બે, પાંચસો ત્રણ, પાંચસો...
-પલ્લવી...
-પાંચસો ચાર, પાંચસો પાંચ, પાંચસો..
-પલ્લવી ઈ ઈ ઈ..
-ઓહ! કેમ આમ બૂમો પાડો છો? શું થયું?
-હું ક્યારનો તને બોલાવું છું, તારું ધ્યાન ક્યાં છે?
-હું અક્ષરો ગણતી હતી, તમે બૂમ પાડીને ભુલાવી દીધું.
-શેના અક્ષરો ગણે છે તું?
-ન્યૂઝ પેપરની ટચુકડી જાહેર ખબરોના. એક પાના પર  કેટલા અક્ષરો છપાયા છે, તે મારે જાણવું છે.
-પાગલ થઈ ગઈ છે?
-કેમ, પાગલો એવી ગણતરી કરતા હોય છે?
-એ તો ખબર નથી, પણ તું જો આટલા ઝીણા અક્ષરો છાપેલા આ બે ફૂલસ્કેપના અક્ષરો ગણશે, તો પૂરું કરશે (પૂરું કરી શકશે તો )  ત્યાં સુધીમાં તું પાગલ થઈ જશે.
-તો પછી ગણતરી કર્યા વગર મારે એ સંખ્યા જાણવી શી રીતે?
-આજ સુધી માણસોની વસ્તી ગણતરી કરતાં કેટલાંક માણસોને મેં જોયા છે. પણ આ રીતે અક્ષર ગણતરી કરનારી તું કદાચ એકલી જ હશે. એની વે, તારે એ ગણતરી કરવાની જરૂર કેમ પડી?
-જુઓ, આ પાના પર એક અક્ષર છાપવાના દસ રૂપિયા (૧૯૯૪ મા) છાપાંવાળા લે છે. એ હિસાબે આખા પાના પર જેટલા અક્ષરો છે, તેને દસે ગુણો તો કેટલી રકમ થાય?
-આ પ્રશ્ન કોઈ ઈનામી ક્વીઝમાં પૂછાયો છે?
-ના રે ના, આ તો મારે પોતાને જાણવું છે.
-તને વળી અંકગણિત માં ક્યારથી રસ પડવા માંડ્યો?
-જ્યારથી મેં જાણ્યું કે આ છાપાંવાળાઓ એક એક અક્ષર છાપવાના દસ રૂપિયા લે છે ત્યારથી. જુઓ, ભાઈ કે બહેન લગાડ્યા વિનાનું મારું આખું નામ, પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી  છાપવાના સો રૂપિયા થાય. અને તમારૂં નામ...
-એ ગણતરી તું રહેવા જ દે, આજકાલ આપણા નામની કોઈ કિંમત રહી નથી.
-કોણ કહે છે કે નામની કિંમત રહી નથી? જ્યારે કોરા ચેક પર તમે તમારું નામ (એટલે કે સહી ) લખો છો, અને હું એમા એક મનગમતી રકમ લખું છું, ત્યારે બેંકવાળા મને આખા મહિનાનો ઘરખર્ચ નીકળી જાય એટલી રકમ આપે છે.
-હા હોં, તારી એ વાત તો સાચી છે.
-પણ ગણતરીમાં હું ક્યાં સુધી આવેલી?
-ચાલ, મજાક છોડ. અને કહે વાત શી છે?
-જુઓ, આ ટચુકડી. આપણી ફિઆટ- પ્રીમીયર-પદ્મીની, કાર ની વેચવાની છે એવી જાહેરાત છપાઈ છે.
-અરે વાહ! આ એક કામ તેં સારું કર્યું.
ટ્રીન..ટ્રીન..  ત્યાં જ ટેલિફોનની ઘંટડી વાગે છે. અને હું ફોન ઉપાડું છું.
-હલ્લો, તમારે ફિઆટ વેચવાની છે?
-હા, વેચવાની છે ને.
-એની વિગતો આપો.
-ભલે, લઈ લો વિગતો. કોસ્મિક-ગ્રે કલર છે, નેવું નુ મોડેલ છે,  બેટરી નવી નંખાવી છે,  કુલન્ટ સિસ્ટમ અને ઓલ્ટિનેટર નવું નખાવ્યું છે.
-આ કુલન્ટ સિસ્ટમ શું છે?
-ફિઆટના મગજને આઈ મીન એના રેડિયેટરને ઠંડુ રાખવા ગ્રીન કલરનું એક પ્રવાહી આવે છે, જેને કુલન્ટ કહેવાય છે. જેમ પેશન્ટને શક્તિ આપવા માટે ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવે છે, તેમ ગાડીને ઠંડક આપવા (ગરમ થતી અટકાવવા ) કુલન્ટનો બાટલો એક બાજુ લટકાવી એમાંથી એક નળી રેડિયેટરમાં રહે એમ રાખવામાં આવે છે. જેથી રેડિયેટરમાં પ્રવાહી કાયમ રહે અને રોજ રોજ પાણી નાંખવાની ઝંઝટ ન રહે અને ગાડી ઠંડી રહે.
-અરે વાહ ! આ તો સરસ સિસ્ટમ છે. અને ઓલ્ટિનેટર શું છે?
-કેટલાક સજાગ માણસો એક બૂમથી ઉંઘમાંથી જાગી જાય છે, પણ કેટલાક અડિયલ માણસોને હડદોલા મારીને ઉઠાડવા પડે છે. એમ કેટલીક ગાડીઓને સવાર સવારમાં ચલાવવા માટે ધક્કા મારવા પડે છે. ગાડીના આવા અડિયલવેડા દૂર કરવા એમાં ડાયનેમો ની જગ્યાએ ઓલ્ટિનેટર બેસાડવામાં આવે છે, જેથી ગાડી સહેલાઈથી સ્ટાર્ટ થઈ જાય.
-ઘણું સરસ. બીજું શું શું છે ગાડીમાં?
-ટેપ રેકોર્ડર છે.
-વાગે છે ખરું?
-કેસેટ નાંખીને ચાલુ કરવું પડે, તો વાગે.
-ગાડી કેટલા કિલોમીટર ચાલેલી છે? ચાલુ કંડીશનમાં તો છે ને?
-ત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે. બિલકુલ ચાલુ કંડીશનમાં છે.
-એમ? તો પછી શા માટે કાઢી નાંખવા માંગો છો?
-તમે ગાડી શા માટે લેવા માંગો છો?
-મને એની જરૂર છે માટે.
-તો મને  એની જરૂર નથી એટલે કાઢી નાંખવી છે.
-ઠીક છે, સાંજે ૪ વાગ્યે ગાડી જોવા આવીશ.
એ ભાઈ સાંજે ગાડી જોવા આવ્યા. ગાડીની પરિક્રમા કરીને ચારે બાજુથી એને ધ્યાનથી જોઈ. એમાં બેસીને ટેસ્ટ ડ્રાઈવ પણ લીધી,  પછી ઘરે આવીને બોલ્યા.
-તમારી ગાડીનું એંજિન બેસી ગયેલું છે.
-એ ના બેસી ગયું હોત તો જ મને નવાઈ લાગત.
-કેમ તમે એવું કહો છો?
-તમે આ પહેલાં કોઈ વાર ગાડી ચલાવી છે, ખરી?
-તમે ગાડી ચલાવવાની વાત કરો છો? હું તો એના લે-વેચનો ધંધો કરું છું.
-હું તમારા ધંધા વિશે નહીં, તમારા રફ ડ્રાઈવિંગ વિશે વાત કરું છું.
-એમ કહીને તમે મારું ઈન્સલ્ટ કરી રહ્યા છો.
-માફ કરજો, તમારું ઈન્સલ્ટ કરવાનો મને કોઈ શોખ નથી, કે મારો કોઈ એવો ઈરદો પણ નથી. પણ મારી વાત સાંભળો. એકવાર હું બપોરે એક કરિયાણા વાળાની દુકાને ગઈ હતી. માણસો બધા ભોજન કરી રહ્યા હતા એટલે  દુકાનના ગલ્લે માલિક શેઠ બેઠા હતા.  મેં એમની પાસે સાકર અને જીરુ માંગ્યા તો શેઠે મને ફટકડી અને અજમો આપ્યા.  એટલે મારી તમને સલાહ છે કે તમે એકવાર થોડા સમય માટે,  પધ્ધતિસર નું ડ્રાઈવિંગ શીખી લો તો સારું.
-હું તમારી  સલાહ નહીં, ગાડી લેવા (ખરીદવા) આવ્યો છું.
-ગાડીની સાથે સલાહ તો ફ્રી માં આપું છું.
-મને તે જોઈતી નથી. મને ગાડી ચલાવતાં આવડે છે.
-એવું તમે માનો છો. સૌથી પહેલી વાત તો એ છે કે તમને ડોરલોક ની ચાવી કઈ અને સ્ટિયરીંગની ચાવી કઈ તેની ખબર નથી.તમે વારાફરતી બન્ને  ચાવી ત્રણ વાર ડોરલોકમાં લગાવી છતાં લોક ન ખૂલ્યું.
-એ તો કોઈ કોઈ વાર ઉતાવળમાં એવું થઈ જાય.
-તમે સ્ટિયરીંગ લોક પણ માંડ માંડ ખોલી શક્યા.
-તમારુ સ્ટિયરીંગ લોક કંઈ અલગ પ્રકારનું છે.
-આ ગાડી સાથે એ જન્મજાત આવ્યું છે, અમે કોઈ સ્પેશિયલી નથી નંખાવ્યું.
-હશે, મને એની સાથે શી નિસબત?
-પણ કાર સ્ટાર્ટ કરીએ પછી એને ચલાવવા ગીયરમાં નાંખતી વખતે ક્લચ દબાવવી પડે એ તો તમને ખબર જ હશે ને?
-મેં ક્લચ દબાવેલી, પણ...
-એ ક્લચ નહીં, બ્રેક હતી. બ્રેક અને ક્લચ માં ફેર હોય એ તો તમને જાણ હશે જ.
-તમે નાહક ચોળીને ચીકણું કરી રહ્યા છો.
-હજી તો મારે તમને ઘણું કહેવાનું છે. સાંભળો, તમે ગાડી ફર્સ્ટ ના બદલે થર્ડ ગીયરમાં ઉપાડી, પછી ગાડી ડચકા ખાય કે નહીં? જ્યારે તમને સેકન્ડ માં લેવાનું કહ્યું  ત્યારે તમે ન્યૂટ્રલમાં નાંખી, પછી ગાડી આગળ વધે શી રીતે? થર્ડમાં લેવાનું કહ્યું ત્યારે તમે રિવર્સમાં  લીધી તો ગાડી આગળના બદલે પાછળ જ જાય ને? ગાડીને પોતાના નિયમો હોય અને આપણે તે પાળવા પડે. આ તો સારું થયું કે સોસાયટીમાં છોકરાંઓ બહાર નહોતાં રમતાં, નહીંતર તમે તો બે-ચારને પાડી દીધા હોત.
-હવે તમે વધુ પડતું બોલી રહ્યા છો.
-ગાડી અબોલ છે, તેથી તેના પર થયેલા અત્યાચાર વિશે હરફ પણ ઉચ્ચારી શકે એમ નથી. તેથી મારે બોલવું પડે એમ છે. તમે એમ કહ્યું કે, ગાડીનું એંજિન બેસી ગયેલું છે, જ્યારે ત્રણ મિકેનિકે કહ્યું કે ગાડીની બોડી જુની થઈ ગઈ છે પણ ગાડીનું એંજિન ખુબ જ સરસ છે. થોડો ખર્ચ કરો તો ગાડી અપ ટુ ડેટ થઈ જાય એમ છે.
-હું પણ એમ જ કહેતો હતો, તમે બરાબર સાંભળ્યું નહીં.
-મેં ભલે બરાબર ન સાંભળ્યું, પણ તમે મારી વાત બરાબર સાંભળો. ગાડી હોયકે સ્ત્રી- બન્નેને ડેલિકેટલી હેંડલ કરવી પડે, તો જ એ બરાબર ચાલે. ધડાધડ- રફલી હેન્ડલ કરો તો બન્ને રિસાઈ જાય, સમજ્યા?
-સમજી ગયો. ચાલો હું જાઉં છું.
-પણ તમારે આ ગાડી લેવી છે કે નહીં તે તો કહ્યું જ નહીં.
-પછી ફોન કરીને જણાવીશ.
એ ભાઈ ગયા, પછી ન એ આવ્યા ન એમનો ફોન આવ્યો. હું સમજી ગઈ કે આ ગાડી લેવામાં એમને ઈન્ટરેસ્ટ નથી.
જો કે અમારી ગાડી તો પછી અમારી સોસાયટીના જ એક છોકરાએ પોતાના હાથ સાફ કરવા (ડ્રાઈવિંગ શીખવા) ખરીદી લીધી. એના પછી એના નાના ભાઈએ અને બહેને પણ એના પર જ હાથ સાફ કર્યા. એના મમ્મી અને કાકી તથા કાકાના છોકરાઓ પણ હાથ સાફ કરવા વાળાની લાઈનમાં ઉભા હતાં. મને લાગે છે કે, બધા આ ગાડી પર હાથ સાફ કરી લેશે પછી એની હાલત કોઈ મ્યુઝિયમમાં મૂકવાના એન્ટિક પીસ જેવી થઈ જશે. પછી તો કદાચ કોઈ ભંગારવાળો  એને ભંગારના ભાવે ખરીદી લેશે. પછી એને વેચવા માટે કોઈ ન્યૂઝપેપરમાં વેચવાની છે. એવી જાહેરાત નહીં આપવી પડે.



Sunday 18 October 2015

એક લૂંટારાનો ઇન્ટરવ્યુ.

એક લૂંટારાનો ઇન્ટરવ્યુ.     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-હેન્ડ્સ અપ, જરા ભી ગરબડ કી તો યે બંદૂક સે ભૂન કર રખ દૂંગા.
-હે...ઈ. તમે લૂંટારા છો?
-નહીં તો ક્યા તુમ્હે હમ પુલીસ વાલે દીખતે હૈં?
-અરે ના, ના. લૂંટારા ભાઈ. એ તો કહો, આ બંદૂક અસલી છે?
-જ્યાસ્તી બકબક નહીં કરનેકા, બંદૂક ચલાકર દીખાઉં ક્યા?
-નહીં, નહીં. પણ તમે બારણા પાસે શા માટે ઊભા છો? આવોને અંદર, ઘરમાં આવો ભાઈ.
-એ ઈ, જ્યાદા ચાલાકી નહીં કરને કી, હમ લૂંટારે હૈ, કોઈ એરા ગૈરા નહીં, સમજી?
-હા રે હા. તમે લૂંટારા છો એટલે જ તો તમને અંદર બોલાવું છું. આવોને ઘરમાં, બેસો. હું તમારી જ રાહ જોઈ રહી હતી.
-ક્યા?  અપુના કી રાહ? કિસીને તુમકો બતાયા કી અપુન આનેવાલા હૈ?
-કોઈએ મને તમારા આગમનની જાણ કરી નથી, લૂંટારા ભાઈ. આ તો શું કે મેં ભલભલા લોકો, જેવા કે પત્રકાર,  નેતા, અભિનેતા, પ્રોફેસર વગેરેના ઈંટરવ્યૂ લીધા છે. પણ હજી સુધી એક પણ વાર કોઈ લૂંટારાનો ઇન્ટરવ્યૂ લેવાનો ચાન્સ નથી મળ્યો. મારી ઘણા સમયથી ઈચ્છા હતી કે એક લૂંટારાનો ઇન્ટરવ્યૂ લઉં. તમે ઘરમાં આવો, ઘભરાઓ નહીં. અહીં કોઈ પોલીસવાળો નથી.
-પુલીસવાલે સે હમ ડરતે હૈં  ક્યા?  ઉસકી તો ઐસી કી તૈસી.
-વેરી ગુડ. મારે આવા જ કોઈ બહાદુર લૂંટારાનો ઈન્ટરવ્યૂ લેવાની ઈચ્છા હતી.
-યે ઇન્ટરવલ ક્યા હૈ,  રઘલા?  ઇસે સમજા કી હમ યહાં કુછ દેનેકે વાસ્તે નહીં, લેનેકે વાસ્તે આયેલે હૈં. 
-રઘલા?  ઓહો, સાથે તમારો આસીસ્ટ્ન્ટ પણ છે ને કંઈ?
-હમારા કોઈ આસીસટન્ટ નહીં હૈ, યે રઘલા તો હમારા બનેવી હૈ.
-અચ્છા. તમારો કોઈ બીઝનેસ પાર્ટનર છે ખરો કે?
-લે દે કર બોલો તો બસ યે એક રઘલા હી હમારે સાથ હૈ, ઔર કોઈ નહીં.
-એની સાથે પાર્ટનર શીપ ડીડ કરી છે?
-વો ક્યા હોતા હૈ?
-બે પાર્ટનર વચ્ચેનું કરારનામું. ઝઘડો થાય ત્યારે કરારનામું કર્યું હોય તો એની સામે કોર્ટમાં કેસ કરી શકાય.
-હમ કોરટ-બોરટ નહીં જાતે.
-તો પછી ઝઘડો થાય ત્યારે શું કરો?
-યે બંદૂક દેખી હૈ? હમ ઝઘડા ઇસ સે નીપટાતે હૈ. અબ બાતચીત બહુત હો ચૂકી, અબ કામ કી બાત કરેં. તુમ્હારે પાસ રૂપિયા, પૈસા, ગહના.. જો કુછ ભી હૈ, હમે દે દો વરના....
-દેખો લૂંટારાભાઈ, અમે  રૂપિયા-પૈસા  અને  જ્વેલરી તો  ખાસ ઘરમાં રાખતા નથી. . હમારે પાસ તો ક્રેડિટ કાર્ડ હોતા હૈ. જ્યારે જરૂર પડે ત્યારે બેંકમાંથી પૈસા કાઢી લઈએ. આમ તો થોડા ઘણા નાના ઘરેણા પડ્યા હશે ઘરમાં,  પણ અચ્છે ગહને તો હમ  કોઇ પ્રસંગ આયા તો  હી લોકર સે  લેકર આતે હૈં.
-યેહ ક્યા ઝંઝટ હૈ રઘલા?
-ઝંઝટ કુછ ભી નહીં હૈ, લુંટારુભાઇ. તમે ગુસ્સે ન થાવ અને આરામથી અહીં આ સોફામાં બેસો.
- હમ ઈધર બૈઠનેકે વાસ્તે નહીં આયેલા હૈ.
-તો ફિર ખડા રહો. પણ તમારે આ ઘરમાં લૂંટ કરવી હશે તો પહેલા ઈન્ટરવ્યૂ તો તમારે આપવો જ પડશે સમજ્યા? મેં કેટલા બધાનાં ઈન્ટરવ્યૂ લીધા છે, પણ લૂંટારાનો ઈન્ટરવ્યૂ લેવાનો તો આ પ્રથમ જ અનુભવ છે. હાઉ થ્રીલીંગ ! મારા બાબાને બોલાવું? એને પણ આ ઈન્ટરવ્યૂ જોવાની મઝા પડશે.
-રઘલા, તે ઔરત ક્યા બોલતી હૈ મેરી સમજમેં તો કુછ નહીં આતા.
-બોસ, યેહ જો બોલતી  હૈ વો કરો, તભી અપુનકા કામ હોએગા.
-થેન્ક્યુ રઘલાભાઈ.
-ઠીક હૈ, એ ઈ, તુમ્હારા ઈન્ટરવલ જલદી લે લો. હમે દેર હો રહી હૈ. ઔર દો જગે લૂંટ કરનેકો જાના હૈ.
લો, યે હુઈ ના બાત. લૂંટારુભાઈ, તમે તમારા બીઝનેસ માટે ટ્રેનિંગ ક્યાં એટલે કે કઈ સ્કુલમાંથી લીધી હતી?
-મેં કોઈ સ્કુલ બુલ નહીં ગયા થા. મેં તો બચપનમેં મેરે બાપ કે સાથ ચોરી કરને કે લીયે જાયા કરતા થા. જબ બાપ મર ગયા તો યે રઘલા મેરે સાથ હો લીયા.
-આ બિઝનેસમાં તમારી મંથલી ઈન્કમ કેટલી? નેટ પ્રોફિટ?
-તુમારા મતલબ માલ કિતના મિલતા હૈ વો હી  ના? પર ઉસકા કોઈ ઠીકાના નહીં હૈ. કોઈ તગડા બકરા મીલ ગયા તો મહિને ભરકા આરામ. વરના યહી ભાગ દૌડ.
-તમારો સ્ટાફ કેટલો? પટાવાળો, સેક્રેટરી, ક્લાર્ક, ખજાનચી વગેરે?
-કોઈ નહીં. અપુન ઔર અપુનકા યે રઘલા.
-તમારી કોઈ ઓફિસ બોફિસ?
-નહીં. અપુન તો અપુનકે એરિયાકા દાદા. જ્યાદા ઇસ્ટાફ નહીં રખનેકા. પુલીસવાલે કો ઉસકા ચારા ડાલ દિયા કી બાત ખતમ.
-અચ્છા, તમારા જીવનનો કોઈ યાદગાર પ્રસંગ?
-એક બાર હમ એક બંગલેમેં લૂંટ કરનેકો ગયે થે, વોચમેન બહાદુર નીકલા. ઉસ ને મેરી હી બંદૂક છીન લી ઔર મુજ પે  ગોલી ચલાઈ.
-અરરર પછી શું થયું?  ફિર ક્યા હુવા?
-ફિર યે રઘલા મુજે ઊઠા કર ઘર તો લે આયા, પર બહુત ખુન બહ ગયા થા. ગલીકે ડૉક્ટરને ગોલી તો નીકાલ દી પર ખુન દેનેકી જરૂરત હુઈ.તબ યે રઘલા કોઈ કોલ્ડ ઈસ્ટોરેજ સે ખુન કી બોટલ ભી લેકર આયા. ઔર હમારી જાન બચાઈ.
-ઓહ બહુ કરુણ સ્ટોરી છે. લો આ નેપકિન. તમારા આંસુ લુછી નાંખો, ભાઈ. મારાથી કોઈના આંસુ જોવાતા નથી. તમારા લગ્ન થઈ ગયા છે? તમારા બાલ બચ્ચા?
-શાદી તો મેરી બચપનમેં હી હો ગઈ થી. તીન  બેટીયાં ઔર દો જવાન બેટે ભી હૈ. બડા બેટા દારુ કા અડ્ડા ઔર છોટા બેટા જુગારકા અડ્ડા ભી ચલાતે હૈં. મુજે અબ વો લોગ આરામ કરને કો કહતે હૈં. પર જબ તક મેં અપની બેટીયોં કે હાથ પીલે નહીં કર દૂં, ઉન કી શાદી નહી નીપટા લૂં, તબ તક મૈં ચૈનસે બૈઠુંગા નહીં.
-તમારી પત્ની શું કરે છે? તમારું લગ્ન જીવનકેવું છે?
-વો ઔર ક્યા કરેગી? મેરે લીયે ઔર બચ્ચોંકે લીયે ખાના પકાતી હૈ. પોતે પોતીયોં કો  ખીલાતી હૈ. પર મૈં એક બાત જરૂર બોલુંગા, આદમીકો શાદી હી નહીં કરની ચાહીયે.
-કેમ કેમ? વો ક્યું?
-વો ઇસલીયે કી મૈં ચાહે કિતને ભી ગહને લૂંટકર ઉસ કે પલ્લુ મેં ડાલું, ફિર ભી વો કહેગી, મુઝે યે નહીં, કલ્લુ કી બીવી કે પાસ હૈ ઐસા હી હાર લાકર દો. અબ તુમ હી કહો,  મૈં ધંધા કરું કિ ઉસ કે લીયે હાર બનવાને જાઉં?
-તમારી વાત તો સાચી છે, હોં લૂંટારું ભાઈ. બહુ મજા આવી તમારો ઇન્ટરવ્યૂ લેવામાં. લો, આમારા કબાટની ચાવી. તમતમારે નિરાંતે લૂંટ કરજો. પણ કબાટ સાચવીને ખોલજો, હોં ભાઈ. બાબાએ લોક બગાડી નાંખ્યું હતું તે સુથારને ભાઈ બાપા કરીને બોલાવ્યો, ત્યારે માંડમાંડ આવીને રીપેર કર્યું છે.
-હમે ચાબી નહીં ચાહીયે. હમ યહાં લૂંટ નહીં કરેંગે.
-કેમ કેમ? વિચાર કેમ ફેરવ્યો? મારી કંઈ ભુલ થઈ ગઈ ભાઈ?
-તુમ ને મુજે ભાઈ બોલા, બોલા કી નહીં? તો ફિર તુમ હમારી બહન હુઈ. હમ બહન કે ઘર ચોરી-લૂંટ નહીં કરતે. રઘલા, એક કામ કર. અપુન જો અગલે ઘર સે લાયે હૈં વો સોનેકા હાર બહન કો પસલી મેં દે દે.
-નહી ભાઈ, માફ કરજો. હું એ હાર નહીં લઈ શકું. કેમ કે પોલીસ એ હારની તપાસમાં અમારે ઘરે આવે તો?
- અરે પુલીસ કી તો મૈં... ઠીક હૈ બહન, હાર મત લે, તુ મેરા આશીર્વાદ હી લે લે. સદા સુખી રહના
-થેંક્યુ. પણ ભાઈ આવ્યા છો તો જરા ચા-પાણી કરતાં જાઓ. ગાજરનો હલવો ખાતા જાઓ.
-નહીં. હમ બહન કે ઘરકા પાની ભી નહીં  પીતે.

-ઠીક છે, ત્યારે. લૂંટારાભાઈ, ઈંટરવ્યૂ બદલ તમારો ખુબ ખુબ આભાર. આવજો. 

Wednesday 14 October 2015

આમને તો હવે શું કહેવું?

આમને તો હવે શું કહેવું?       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-એ ય ઊઠો હવે, આઠ વાગી ગયા.
-રોજ આઠ વાગે છે, અને તે પણ દિવસમાં બે વખત,  પણ તેનું શું છે?
-તેનું એ છે કે તમે ઊઠો હવે, ભાઈ સાબ.
-હું તારો ભાઇ પણ નથી અને અત્યારે ઘરમાં છું એટલે કોઈનો સાહેબ પણ નથી, માટે તું જા, તારું કામ કર અને મને મારું કામ કરવા દે.
-તમે વળી શું કામ કરી રહ્યા છો? ખાસા ઊંઘી તો રહ્યા છો. હવે ઉઠોને.
-શું કામ ઊઠું?
-એટલા માટે કે હવે ઊઠવાનો સમય થઈ ગયો છે.
-કોણે કહ્યું?
-મેં કહ્યું.
-તું કોણ?
-હું તમારી પત્ની. હવે મહેરબાની કરીને હવે એવું ન પૂછશો કે – કોણે કહ્યું કે  તું મારી પત્ની?
-ભલે, એવું નહીં પૂછું, બસ? પણ એ તો કહે તું મારી પત્ની કેમ?
-કેમ તે એમ કે તમે મને પરણ્યા.
-ભારે ભૂલ કરી બેઠો હું.
-ભૂલ કરી તો હવે ભોગવો. ચાલો ઊઠો તો.
-પણ નાની અમથી ભૂલની આવી ભારે સજા હોય?
- હમણાં જ તો તમે કહ્યું, કે – ભારે ભૂલ કરી બેઠો હું. તો ભારે ભૂલની સજા પણ તો ભારે જ હોય ને?
-આ નાચીઝ પર કંઈ દયા કરોને, જજસાહેબા.
-અરે, તમારે તો કંઈ જવાબદારી નથી, લહેર છે. આરામથી આઠ વાગ્યા સુધી ઘોરી શકો છો. બાજુવાળા બકુભાઈએ તો રોજ સવારના છ વાગ્યામાં ઊઠીને દૂધ લેવા  જવું પડે છે.
-એમના કર્યા એ ભોગવે, પણ મને તું હવે શાંતિથી સૂવા દે.
-હજી ક્યાં સુધી સૂવું છે? આ સૂરજ ક્યારનોય ઊગી ગયો છે.
-સૂરજને ઊગવા સિવાય બીજું કામ પણ શું છે?
-કેમ વળી, સૂરજનું કામ છે, દુનિયાના લોકોને પ્રકાશ આપવાનું. એના પ્રકાશમાં જ  તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ લઈને આપણને ઓક્સિજન આપે છે. સૂરજ છે તો આ દુનિયા છે, અને આ દુનિયા છે તો આપણે છીએ.
-આપણે છીએ તો ઊંઘવાનું છે, અને ઊંઘવાનું છે તો આ દુનિયામાં સુખ જ સુખ છે.
-સાંભળો, આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે, કે –
રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠે વીર,
બળ, બુધ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
-એમ કરવાથી શરીર કદાચ સુખમાં રહેતું હશે, એ પણ તું કહે છે એટલે હું માની લઉં છું, પણ મન દુખી થાય છે એનું શું? જો કે તું ખુશ થતી હોય તો હું એ પણ ચલાવી લઉં. પણ તને સાચી વાત કહું તો હું તારા આ ઋષિ મુનિઓ ના કારણે જ તો મોડો ઊઠું છું.
-કંઈ પણ? એ કઈ રીતે મને સમજાવો તો જરા.
-જો. ઋષિ મુનિઓ કહી ગયા છે, એટલે કે લખી ગયા છે, તે વાતો – ગ્રંથો  વાંચતા મને રાત્રે સૂવાનું મોડું થાય છે, અને એટલે જ સવારે ઊઠવાનું મોડું થાય છે.
-એ લોકો કહી ગયા તે વાત તમારે માનવી નહીં હોય તો એ વાંચીને ફાયદો પણ શું?
-એક વાત સમજ. ઋષિ મુનિઓના જમાનામાં ઇલેક્ટ્રીસીટી નહોતી. તેથી મોડી રાત સુધી જાગીને તેઓ કરે પણ શું? નહોતું ટી.વી. કે નહોતી રમાતી ક્રિકેટ મેચ. તેમને તો વળી છોકરાંઓ પણ નહોતાં, કે જેમને ભણાવતાં મોડું થાય. આ બધાં કારણોને લીધે તેઓ રાત્રે વહેલા સૂઈ શકતા હતાં અને તેથી જ સવારે વહેલાં ઊઠી શકતા હતાં.
-પણ તમને રાત્રે મોડે સુધી જાગવાનું કહે છે, કોણ? છોકરાંઓને  તો હું ભણાવું છું.
-એ માટે હું તારો આભારી છુ. અને મને કોઈ મોડે સુધી જાગવાની ફરજ નથી પાડતું. પણ આ તો હું રાત્રે મોડે સુધી જાગીને વાંચુ તો મારા જ્ઞાનમાં વધારો થાય, જે હું તમને વહેંચી શકું તો તમને લોકોને પણ લાભ થાય. આખરે આ ઘર પ્રત્યે, તમારા લોકો પ્રત્યે મારી કોઈ જવાબદારી ખરી કે નહીં?
-જવાબદારીનો એટલો જ ખ્યાલ હોય તો ઊઠો, અને બાબાને સ્કુલે મૂકી આવો.
-એમ કર ને. આજે એ લહાવો તું જ લઈ લે. તને પણ જવાબદારી નિભાવ્યાનો આત્મસંતોષ થાય.
-હે ભગવાન! ઊઘવામાં તો આ કુંભકર્ણને પણ હરાવી દે એવા છે. પણ સાંભળો, તમારી જેમ ભગવાન પણ જો દિવસ – રાત ઊઘ્યા કરતા હોત તો આ દુનિયાનું સુપેરે સંચાલન શી રીતે કરત?
-તને વળી કોણે કહ્યું કે ભગવાન જાગતા હોય તો જ આ દુનિયાનું સંચાલન સારી રીતે થાય?
-આવી સાદી સમજ તો સૌ કોઈને હોય.
-ત્યાં જ તારી ભૂલ થાય છે. જો તને એક જોક કહું એનાથી તને મારી વાત સમજાઈ જશે.
ડૉક્ટર: (દર્દીને) કેમ ભાઈ, કાલે દવા નહોતો લેવા આવ્યો?
દર્દી: ડૉક્ટર સાયેબ, કાલે મારો પડોશી ધનિયો ગુજરી ગયો.
ડૉક્ટર: એમ? એ શું મારી દવા લેતો હતો?
દર્દી: ના સાયેબ, એ તો એમ જ ગુજરી ગયો.
એટલે – હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ  શ્વાન તાણે. સમજી ગઈ?
બળ્યો તમારો જોક અને બળ્યો તમારો શ્લોક. નવરા લોકોએ ઘડી કઢેલી વાત. બાકી ભગવાન જો આ દુનિયાની સંભાળ ન લેતા હોત તો આ દુનિયાનુ સત્યાનાશ થાત.
-હજી ય તું માનવા તૈયાર નથી? ઠીક છે, જો તને બીજી જોક કહું.
-મારે નથી સાંભળવી તમારી જોક ફોક. હવે તમે ભગવાનને ખાતર પણ ઉઠો તો સારું.
-ભગવાન પોતે જ અત્યારે સૂતા છે, તો હું શા માટે ઊઠું?
-શું કહ્યું તમે? ભગવાન સૂતા છે, એમ?
-હાસ્તો, બોલ કાલે તેં કયો ઉપવાસ કરેલો?
-અગિયારસ.
-કઈ અગિયારસ?
-દેવસૂતી અગિયારસ.
-બરાબર, એ દિવસે ભગવાન શું કરે?
-કહેવાય છે કે ભગવાન એ દિવસે સૂઈ જાય છે.
-અચ્છા, પછી ભગવાન ઊઠે ક્યારે?
-દેવઊઠી અગિયારસે.
-એક્ઝેટલી. આવડી મોટી દુનિયાનું સંચાલન કરનારા ભગવાન પણ જો આટલું લાંબુ.... (એ ય, કેટલા દિવસો એ તું જ ગણી કાઢજે) સૂઈ શકતા હોય, તો હું તો સામાન્ય જણ! હું  માત્ર નવ વાગ્યા સુધી કેમ ઊંઘી ન શકું? માટે હવે તું જા સખી, અને મને નિરાંતે ઊઘવા દે.
-હે ભગવાન! આમને તો હવે શું કહેવું?







Wednesday 7 October 2015

અક્ષરો અને વ્યક્તિત્વ.

અક્ષરો અને વ્યક્તિત્વ.          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.


એક કોર્ટમાં ન્યાયમૂર્તિએ આરોપી પ્રત્યે દયા દાખવતાં કહ્યું, જો તમે લખી આપો કે આવો ગુનો ફરીથી તમે નહીં કરો, તો તમારી સજા હું માફ કરીશ. આરોપીએ તરત જ પેન લઈને  પેપર પર લખી આપ્યું. ન્યાયાધીશે એ પેપર જોયો, ઊંધો ચત્તો  કર્યો, આંખો ખેંચી ખેંચીને વાંચવાની ટ્રાય કરી, પણ એમાંનો એક પણ અક્ષર એમને ઊકલ્યો નહીં. એટલે આરોપીને એમણે પૂછ્યું, મોડર્ન આર્ટનું ચિત્ર હોય એવું તમારું આ લખાણ કઈ ભાષામાં લખાયેલું છે?  જરા વાંચી તો સંભળાવો.  આરોપી દયામણા અવાજે બોલ્યો, સાયેબ, મને તો ખાલી લખતાં જ આવડે સે, વાંચતા આવડતું નથ.

જેમને વાંચતા તો આવડતું જ હતું, પણ હાસ્યલેખો લખતાં પણ ઘણું સારું આવડતું હતું, એ પ્રસિધ્ધ સ્વર્ગસ્થ હાસ્યલેખક શ્રી બકુલ ત્રિપાઠી નો ખરાબ અક્ષરો ની બાબતે લખાયેલો એક લેખ જન્મભૂમિ પ્રવાસીની રવિવારની પૂર્તિમાં વાંચ્યા પછી, મારા પોતાના ખરાબ અક્ષરો પ્રત્યેની મારી અપરાધ ભાવના ઓછી થઈ છે. હું જ્યારે નાની હતી, (આમ તો હજી પણ હું નાની જ છું, એવું મને પોતાને, મારા વડીલો વિશે વિચારું તો અને ત્યારે લાગે છે) અને સ્કુલમાં ભણતી હતી, ત્યારે મારા અક્ષરો,  આજના મારા અક્ષરોના પ્રમાણમાં ઘણા જ ખરાબ હતા.

મારા ખરાબ અક્ષરો જોઈને મારા દાદા કહેતા,’આ છોકરી મોટી થઈને ચોક્કસ ડૉક્ટર થશે. પણ મારા દાદા સાથે મારા પપ્પાને ચોક્કસ કોઈ વેર હશે, તેથી એમની ભવિષ્ય વાણી ખોટી પાડવા એક વેકેશનમાં મારા પપ્પા મારા અક્ષરો સુધારવા મારા માટે એક સુલેખન પોથી લઈ આવ્યા. લાવ્યા એનો તો મને જરા પણ વાંધો નહોતો, પણ એ પોથીનો મારા દ્વારા બરાબર ઉપયોગ થાય છે કે નહીં, એ જોવાની એમણે ઝીણવટ ભરી કાળજી રાખી.

વેકેશનમાં જ્યારે મારાં બધાં બાલ સખા – સખીઓ ફરવા જતાં હોય, ટી.વી. જોતાં હોય, રમત રમતાં હોય અથવા કશું જ ન કરતાં હોય, ત્યારે મને આ અક્ષર સુધારણા અભિયાન માં પરાણે જોતરવામાં આવી તે  જરા પણ ગમ્યું નહીં.  મેં મારા નાના ભાઈને લખોટીઓ, છીપલાં, રંગીન પેન્સિલ, રબર, ગ્રીટિંગ કાર્ડ્સ, અને ચોકલેટ સહિતની અનેક વિધ ખાવાની  વસ્તુઓની લાલચ (લાંચ) આપી, અને પપ્પા ઘરે ન હોય ત્યારે મને સુલેખન પોથી લખી આપવાનું કહ્યું.

એક ક્ષણ તો એ પણ લાલચમાં લપેટાઈને લખી આપવા તૈયાર થઈ ગયો. પણ પછી પપ્પાનો માર પડશે તો?’ એવા વાહિયાત છતાં વાસ્તવિક વિચારે એણે લાલચ જતી કરી. છતાં હું નિરાશ ન થઈ.  આવો જ તું મરદનો બચ્ચો કે?’  કહીને મેં એને ઉકસાવ્યો, છતાં પણ  એ એના નિર્ણયમાં મક્કમ રહ્યો અને મને સુલેખન પોથી ન લખી આપી. મને લાગ્યું કે આપણી સરકાર પાસે મારા પપ્પા જેવા સ્ટ્રીક્ટ, વધુ નહીં ને  થોડા પણ માણસો હોય તો બાકીના બધા લોકો લાંચ લેવાનું ભૂલીને સીધા દોર થઈ જાય અને દેશમાંથી  ભ્રષ્ટાચાર સાવ નાબુદ નહીં થાય, તો પણ નહીવત તો થઈ જ જાય.

જો મારા અક્ષરો સુધરી જશે તો પછી હું ડૉક્ટર નહીં બની શકું અને દાદાની ભવિષ્ય વાણી ખોટી પડશે એમ મેં પપ્પાને સમજાવવાની ટ્રાય કરી,  અને ભાર પૂર્વક જણાવ્યું કે મારે તો ડોક્ટર જ થવું છે.  પણ પપ્પાએ મને કહ્યું, તારે ડૉક્ટર થવું હોય તો થા અને ન થવું હોય તો ન થા. પણ આવા કાળી શાહીમાં ઝબોળાયેલા મંકોડા પેપર પર ચાલી ગયા હોય એવા ગંદા તારા અક્ષરો ચલાવી લેવા હું હરગિજ પણ તૈયાર નથી પણ તમારે ક્યાં એ ચલાવવાના છે, એ તો મારા ટીચરનો પ્રોબ્લેમ છે એવું વાક્ય હું મનોમન બોલીને અટકી ગયેલી.

પપ્પા ન માન્યા તેથી મેં દાદાજીનું શરણું શોધ્યું. દાદાજી, તમે જ તો મારા અક્ષરો જોઈને કહ્યું હતું,  કે આ છોકરી ડૉક્ટર બનશે. તો પછી તમે પપ્પાને કેમ કંઈ સમજાવતાં નથી કે મારા અક્ષરો સુધારવાની જીદ છોડી દે?’

દાદાજીએ કહ્યું, બેટા, એને હું એમ કરવાનું કહી શકું તેમ નથી.
પણ કેમ દાદજી?, એ મારા પપ્પા છે, તો કેવા મને લડીને કહે છે,  તો તમે પણ તો એમના પપ્પા છો, તમે કેમ એમને લડીને કહેતા નથી?’
 બેટા, વાત જાણે એમ છે કે એ તારી સાથે જે કરી રહ્યો છે,  તે જ  કાર્ય મેં એની સાથે એ નાનો- તારા જેવડો હતો ત્યારે કર્યું હતું.
વ્હોટ ડુ યુ મીન – અક્ષર સુધારણા, દાદાજી?’
યેસ, માય ડાર્લિંગ ડોટર
ઓહ નો દાદાજી!,  આઈ કાન્ટ બીલીવ ઈટ. તમે આવું કર્યું? મારાપપ્પા સાથે? તમે જાણો છો દાદાજી, ઇન્ડાયરેક્ટલી તમે આવું કરીને  ભારત દેશને બબ્બે ડોક્ટરોથી વંચિત રાખ્યો.
હા બેટા, જાણું છું. પણ હજી પણ આ દેશને એક ડૉક્ટર મળી શકે એવી આશા મેં છોડી નથી.
એટલે?, દાદાજી  તમે મારા પપ્પાને સમજાવશો કે મારી અક્ષર સુધારણા ઝુંબેશ પડતી મૂકે?’
નો માય ડીયર ગર્લ, હું તો એવું નહીં કરું,  પણ તું મોટી થાય અને પરણે, પછી તારા ઘરે દિકરો કે દિકરી થાય, અને એના અક્ષરો પણ ગંદા હોય, તો તું એને સુધારવાનો પ્રયત્ન કરીશ નહીં, તો ભારત દેશને એક ડૉક્ટર જરૂર મળશે.
ઓહ  દાદાજી! એનો મતલબ તો એમ જ થયો ને કે, આ વેકેશનમાં તો મારે અક્ષર સુધારવાની મજૂરી કરવાની નક્કી જ છે.?  
સાંભળ,  છોકરી.  ખરાબ અક્ષરોને લીધે થતા ગેરફાયદા નો એક કિસ્સો તને સંભળાવું, જેનાથી તારો વિષાદ પ્રમાણમાં જરૂર ઓછો થશે.

વાત છે, ઓડેસા – ટેક્સાસની. ત્યાં રહેતા એક ડૉક્ટર રામચંદ્ર કોલ્લુરે એના રેમન નામના દર્દીને પોતાના હસ્તાક્ષરોમાં એંજીના (હ્રદયરોગ) ની  સારવાર માટેની દવા – આઈસોરડીલ લખી આપી હતી. ત્યાંની દવાની એક દુકાનના ફાર્માસીસ્ટ મી.  આપડાઈકે એ ડૉક્ટર ના અક્ષરો ખોટી રીતે  ઉકેલીને એને બ્લ્ડપ્રેશરની દવા લેન્ડીન આપી. હ્રદયરોગને બ્લડપ્રેશરની દવા માફક ન આવવાથી રેમન સાજો થવાને બદલે સ્વર્ગે સીધાવ્યો. રેમનના સ્વજનોએ ડૉક્ટર, ફાર્માસીસ્ટ અને દવાની દુકાનના માલિક પર કેસ કર્યો, અને સાડાચાર લાખ ડૉલર મેળવ્યા. 

'બોલ, હવે તારે ડૉક્ટર બનવું છે?’
ના, દાદાજી,  હું આ સુલેખન પોથી મારી જાતે જ આખી લખી નાંખીશ.
ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ,  ઓલ ધ બેસ્ટ.
થેંક્સ,  દાદાજી.

દાદાજીની આ વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે હવે પછી મેડિકલના અભ્યાસ ક્રમમાં પણ  સુલેખનનો એક સબ્જેક્ટ ફરજિયાત દાખલ કરવો જોઈએ. એની એન્ટરન્સ એક્ઝામમાં પચ્ચીસ ટકા માર્ક્સ અક્ષરોના રાખવા જોઈએ. મેડીકલ સ્ટુડન્ટની અક્ષરલેખન સ્પર્ધા દર મહિને યોજવી જોઈએ. અને સારા અક્ષરો વાળાને પ્રોત્સાહન મળી રહે તે માટે ચંદ્રકો આપવા જોઈએ.  સારા અક્ષરોને મોતીના દાણા સાથે સરખાવીને, જેના અક્ષરો સુંદર અને સુઘડ  હોય એને હૈદ્રાબાદી મોતીની માળાભેટ આપવી જોઈએ.

મેડીકલમાં યા ફાર્મસીમાં રોજનો એક પીરીયડ  એવો હોવો જોઈએ કે ડૉક્ટરો પ્રીસ્ક્રીપ્શન લખે અને કેમીસ્ટો તે સાચી રીતે વાંચી સંભળાવે. જેમ દ્રષ્ટિની ખામીવાળા પાયલટ ન બની શકે, તેમ અક્ષરોની ખામીવાળા એટલે કે ખરાબ અક્ષરો વાળા ડૉક્ટર ન બની શકે એવો કાયદો લાગુ પાડવો જોઈએ.
હસ્તાક્ષર નિષ્ણાંતો કહે છે, કે અક્ષરો એ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. પણ ગાંધીજીના ખરાબ અક્ષરો અને એમનું પ્રતિભાશાળી  વ્યક્તિત્વ જોતાં તો એ હકીકત ફલિત થાય છે, કે –

અક્ષરોને વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી.