Wednesday 28 June 2017

પુનર્જન્મ.

પુનર્જન્મ.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-અલ્યા મનીયા, બહુ ખા ખા કરીશ તો આવતા જન્મે ભૂંડ નો અવતાર મળશે.
હું મારી ફ્રેન્ડ નીતાના ઘરે મળવા ગઈ હતી ત્યારે એની દીકરી  મીનલે, એક મોટો વાડકો ભરીને દાળ ભાત ખાઈ રહેલા એના નાના ભાઈ મનીષને કહ્યું.
-ભૂંડ એટલે શું દીદી ? ઈંગ્લીશ મીડીયમમાં ભણતા મનીષે પૂછ્યું.
-ભૂંડ એટલે પીગ, ડફોળ. એટલું પણ નથી આવડતું ? પપ્પાને કહીને તને ગુજરાતી મીડીયમમાં દાખલ કરાવી દેવા જેવો જ છે.   મીનલે કહ્યું.
-ઓહ ગોડ ! મારી નાખ્યા. એમ કહેતા મનીષ જમતા જમતા ઊઠી ગયો.
-કેમ મનીષ, જમવાનું અધૂરું છોડીને ઊઠી ગયો ? મેં એને પૂછ્યું.
-આન્ટી, તમે સાંભળ્યું નહીં, આ ટુનટુન (મીનલ) શું બોલી તે ? ના, બાબા ના. મારે આવતા જન્મે ‘ડર્ટી પીગ’ નથી બનવું.
-અરે ! પણ તું તો કહેતો હતો ને કે – ‘પુનર્જન્મ – બુલશીટ !’ તું ક્યારથી પુનર્જન્મમા માનતો થઇ ગયો ? મીનલે એને પૂછ્યું.
-જ્યારથી ન્યુઝપેપર વાળા પુનર્જન્મ પર મોટા મોટા લેખો છાપતા થઇ ગયા ત્યારથી.
-તું ન્યુઝપેપર વાંચે છે ? મેં નવાઈ સાથે એને પૂછ્યું ?
-હા આન્ટી, હું રોજ ઈંગ્લીશ ન્યુઝપેપર વાંચું છું.
-એ તો ઠીક, છાપાવાળા તો કંઈપણ લખે, એ બધું કંઈ  સાચું થોડું જ હોય ?.
-આન્ટી, યુ વોન્ટ બીલીવ, પણ ‘રીઇન્કારનેશન’ એટલે કે ‘પુનર્જન્મ’ના  ટ્વેન્ટી જેટલા  કેસીઝ તો આપણા સાયન્ટીસ્ટ લોકો પ્રૂવ કરી ચૂક્યા છે. સો..પુનર્જન્મ ઈઝ નોટ.. તમે લોકો પેલું શું કહો છો....?
-અંધશ્રધ્ધા ?
-યસ, ઇટ ઈઝ નોટ અંધશ્રદ્ધા  કે ઠગવિદ્યા. ઇટ ઈઝ ફેક્ટ, આઈ મીન ...
-સત્ય એટલે કે હકીકત ?  
-યસ, યસ. એજ..  સત્ય – હકીકત.
વૈજ્ઞાનિકો તો પુનર્જન્મ વિષે હમણા થોડા સમયથી માનતા થયા, પણ આપણા ઋષિ મુનિઓ તો સદીઓ પહેલાં કહી ગયા હતા કે – ‘પુનરપિ જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ’, એટલે કે  ‘ફરીથી જન્મવું, ફરીથી મરવું, ફરીથી માતાના ઉદરમાં સુવાનું.’
થોડા વર્ષો પહેલાની વાત છે. મારી ફ્રેન્ડના જેઠનો દીકરો ચેતન મોટરબાઈક લઈને વડોદરાથી અમદાવાદ આવવા નીકળ્યો. રસ્તામાં નડીયાદમાં એની બાઈક એક ટેમ્પો સાથે અથડાઈ, આ બનાવથી આઘાત પામેલા એના આત્માએ એના દેહને છોડી દીધો. ત્રીસ વર્ષનો યુવાન ચેતન ઘડીના છઠ્ઠા ભાગમાં ‘અચેતન’ થઇ ગયો.
આમ તો પુનર્જન્મની વાતો રોમાંચક લાગે, આત્માને નવો દેહ મળે, નવું રહેઠાણ મળે, પણ એક વાત નથી સમજાતી કે – ત્રીસ વર્ષના યુવાન સુંદર દેહને ત્યજીને આત્માએ નવું રહેઠાણ શોધવા શા માટે ભટકવું જોઈએ ? વળી એની યુવાન પત્ની અને નવજાત બાળકની સંભાળ, એનો આત્મા કે જે નવા દેહમાં વસી ગયો છે, તે લેવા આવશે ?  
પુનર્જન્મના કિસ્સા વધતા જશે પછી તો આવું પણ થશે –
-એય મહેશિયા, તારે મને એક લાખ રૂપિયા આપવાના છે.
-લાખ રૂપિયા ? નરેશીયા, તું પાગલ તો નથી થઇ ગયો ને ?
-હજી સુધી તો નથી થયો, પણ તું પૈસા પાછા ન આપે તો થઇ જાઉં પણ ખરો, અને તને ખબર તો હશે જ કે   પાગલ માણસ કંઈ પણ કરી શકે.
-જો નરેશ, હું તને બરાબર ઓળખું છું, તું કોઈને લાખ રૂપિયા તો શું, લાખ પૈસા પણ..અરે ! પૈસાની વાત તો છોડ, લાખ  કાંકરાય પરખાવે એવો નથી. એ તો કહે, તેં મને રૂપિયા આપ્યા ક્યારે ? કોઈ લખાણ છે તારી પાસે ?
-ના, પણ ગયા જનમમાં મેં તને બીઝનેસ કરવા લાખ રૂપિયા આપ્યા હતા, એ મને બરાબર યાદ છે.
-ગયા જનમમાં ? જા રે જા.  -  ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’
-સાચું કહું છું, મહેશ. મેં તને રૂપિયા આપ્યા હતા, અને તે પાછા આપ્યા વિના જ તું ગુજરી ગયેલો.
-જો નરેશ, આ વાતને તુ સાચી માનતો હોય, તો આ જન્મમાં પણ હું તને રૂપિયા આપ્યા વિના જ ગુજરી જવાનું પસંદ કરીશ.
-તો તારે મને આવતા જન્મમાં રૂપિયા આપવા પડશે, એમ તું છટકી નહીં શકે, સમજ્યો ?
-એક વાત કહું, નરેશ ? તારે કોઈ  સારા મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે.
આ મહેશ – નરેશ નું પછી શું થયું તે ખબર નથી. પણ વર્ષો પહેલાં (મારા મમ્મી-પપ્પા હતા, અને તેઓ યુવાન હતા ત્યારે),  એવા ‘છાયાશાસ્ત્રી’ ઓ હતા, જેઓ તમારો પડછાયો માપીને તમારા ગયા જન્મથી માંડીને આ જન્મના અંત સુધીનો ઈતિહાસ (ભૂત -વર્તમાન-ભવિષ્ય) બધું કહી આપે. જોયા તો નથી પણ સાંભળ્યું છે કે આજે પણ આવા ‘છાયાશાસ્ત્રી’ઓ અસ્તિત્વ ધરાવે છે.
મારી મમ્મીને આવા એક ‘છાયાશાસ્ત્રી’ એ કહ્યું હતું, ‘ગયા જન્મમાં તમે તમારી બીમાર માતાની સેવા ચાકરી કરવાની છોડીને સાસરે જતા રહ્યા હતા, તેથી આ જન્મમાં તમને માતાનું સુખ ન મળ્યું, પણ પતિનું સુખ ભરપુર મળ્યું.’ મારા મમ્મી-પપ્પાનું દામ્પત્યજીવન મધુર હતું. પણ મારી મમ્મી છ મહિનાની હતી, ત્યારે જ મારા ‘આજીમા’ (મમ્મીના મમ્મી) મૃત્યુ પામ્યા હતા.
મારી મમ્મીને એના ગયા જન્મના ખોટા કર્મનું ફળ આપવા, આ જન્મમાં મારી આજીમાએ યુવાન વયે મરવું પડે, એ વાત ન્યાયની દ્રષ્ટિએ મને યોગ્ય નથી લાગતી. ખેર ! હશે, એ મારા આજીમાના આગલા જન્મના કોઈ ખોટા કર્મનું ફળ હશે એમ માની લઈએ. આ ‘છાયાશાસ્ત્ર’ કે ‘જ્યોતિષશાસ્ત્ર’, બેમાંથી એકેયમાં ઊંડા ઉતરવા જેવું નથી. કેમ કે એ ‘ક્વિક સેન્ડ’  એટલે કે  ‘કળણ’ જેવું છે, જેટલા બહાર નીકળવા મથીએ એટલા ઊંડા ઊતરી જવાય.
સામાન્ય રીતે ફિલ્મોમાં જોખમી સીન હીરોના બદલે એના ડુપ્લીકેટ ભજવતા હોય છે. પરંતુ ‘માર્શલ આર્ટ’ ના કિંગ ગણાતા જેકીચાને એની એક ફિલ્મ ‘આર્મર ઓફ ગોડ’ મા ખુબ ઊંચેથી કૂદવાનો સીન જાતે ભજવ્યો, અને એમ કરતા એમનું માથું પથ્થર સાથે જોરથી અફળાયું. સાત કલાકના જોખમી ઓપરેશન બાદ એ જીવી ગયા અને માનવા લાગ્યા કે ‘આ મારો પુનર્જન્મ છે – મને નવું મળેલું જીવન પરમાત્માની  બક્ષિસ છે.’ એમને ખબર નહોતી કે જુનું મળેલું જીવન પણ પરમાત્માની જ બક્ષિસ હતી. પરંતુ આ ઘટના બાદ તેઓ ખુબ જ પરમાર્થી બની ગયા. પ્રભુ આવા જીવોને પુન: પુન:  પુનર્જન્મ આપતા રહેજો.
વર્જિનિયા યુનીવર્સીટીના વિજ્ઞાની પ્રોફેસર ઇયાન સ્ટીવન્સને તો સંશોધન કરી ‘ટ્વેન્ટી કેસીઝ ઓફ રીઇનકાર્નેશન’ ‘ નામનો લેખ લખ્યો, જેમાં પુનર્જન્મના વીસેક જેટલા કેસો રજૂ કર્યા છે. આમાનો એક કેસ ભારતનો પણ છે. રસૂલપુર ગામના ‘જસબીર જાટ’ નામના છોકરાનો આત્મા કોઈ કારણસર એનો દેહ છોડી ગયો. એ જ સમયે ‘વદેહી’  ગામના ‘શોભારામ’ નામના શખ્સનો આત્મા દેહની શોધમાં ભટકતો હતો તે, જસબીરના દેહમાં પ્રવેશી ગયો.
આમ ડીપોઝીટ કે ગેરન્ટી આપ્યા વિના, ભાડું ઠરાવ્યા વિના, અનધિકૃતપણે પ્રેવેશેલા શોભારામના આત્માને કારણે જસબીરનો દેહ સચેતન થયો. પણ એ માંસાહારી જીવ સંપૂર્ણપણે શાકાહારી થઇ ગયો. સંસ્કૃત ભાષામાં પુનર્જન્મની (ખરેખર તો એના પાછલા જન્મની) વાતો કરવા લાગ્યો, જેમાંની ૯૮% વાતો સાચી હતી.
એ બધું જે હોય તે, પણ આ રીતે જો ભટકતા આત્માઓ પડતર દેહો પર ગેરકાયદેસર કબજો જમાવતા થઇ જશે, તો ભવિષ્યમાં કેવી વિકટ પરિસ્થિતિ સર્જાશે ? કદાચ આત્માઓ વચ્ચે મનપસંદ દેહો મેળવવા તીવ્ર સ્પર્ધા અને પરિણામે ઝપાઝપી પણ થાય. અથવા તો આ કામ માટે એજન્ટ આત્માઓ ઓફીસ ખોલીને દેહના એડવાન્સ બુકિંગની પધ્ધતિ અમલમાં મૂકે એવું પણ બને. મને તો જો કે બેઉ બાજુની ચિંતા થાય છે, કે ‘મારા આ દેહને કેવો આત્મા મળશે, અને મારા આ આત્માને કેવો દેહ મળશે?’
થોડા વર્ષો પૂર્વે એક ન્યૂઝપેપરમાં વાંચ્યુ, -‘રહસ્યમય મૃત્યુ પછીના ૨૫ વર્ષ બાદ બ્રુસ-લી નો પુનર્જન્મ.’ પહેલાં તો મને આ વાંચીને નવાઈ લાગી, પછી આગળ વાંચતા ખબર પડી કે ‘કુંગ-ફૂ’ ના કલાકાર મરહૂમ અભિનેતા ‘બ્રુસ-લી’ ની ૨૫ મી મૃત્યુતિથિ   હોંગકોંગવાસીઓએ ખૂબ માનભેર ઉજવીને એણે યાદરૂપે પુનર્જીવિત કર્યો. ત્યાંના એક હોટેલમાલિકે તો ‘બ્રુસ-લી-કાફે’ નામની નવી રેસ્ટોરાં શરુ કરી, જેમાં વાનગીઓના નામ – ‘કુંગ-ફૂ-કરી’, ‘ફીસ ઓફ ફ્યુરી’, ‘બીગ-બોસ-બર્ગર’, ડ્રેગનસૂપ’ વગેરે રાખ્યા.
પુનર્જીવન ની આ રીત મને બહુ ગમી. કદાચ મારા મૃત્યુના ૨૫ વર્ષ બાદ ભારતનો કોક વીરલો મારા નામ ઉપરથી મને પુનર્જીવન આપવા ‘પલ્લવ-કાફે’ નામની રેસ્ટોરાં શરુ કરે, અને મારા પુસ્તકોના લેખોના નામ પરથી વાનગીઓના  નામ ‘ઉછીનું-ઊંધિયું’, ‘ચોકસાઈ-બિરીયાની’, અવમૂલ્યન-દાળભાત’,  ‘જોરૂકા ગુલામ- બટરરોટી’, ‘એડમીશન-આઈસ્ક્રીમ’, મર્સી-કિલિંગ-ભજીયા’ કે ‘તથાસ્તુ-મુખવાસ’ રાખે તો એ ખરેખર મારો પુનર્જન્મ હશે જ હશે.     
    



Wednesday 21 June 2017

પ્રાર્થના: હમ કો ધનકી શક્તિ દેના.

પ્રાર્થના: હમ કો ધનકી શક્તિ દેના.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એક ધર્મગુરુએ એક બાળકને પૂછ્યું:
-શું તું દરરોજ રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરે છે ?
-હા.  બાળકે જવાબ આપ્યો.
-અને રોજ સવારે ?
-ના.
-કેમ, સવારે પ્રાર્થના કેમ નથી કરતો ?
-સવારે પ્રાર્થના કરવાની શી જરૂર છે ? રાત્રે તો અંધારામાં ડર લાગે છે એટલે પ્રાર્થના કરું છું.
દુઃખમેં સુમિરન સબ કરે સુખમે કરે ન કોઈ, જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહેકા હોય? ‘
મતલબ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ, સુખમાં યાદ કરતા નથી. આમ પણ સુખમાં કરવા જેવા કેટકેટલા કામો હોય છે, એટલે પ્રાર્થનાનો  ટાઈમ જ ક્યાં રહે છે ? ટીવી પર ક્રિકેટમેચ જોવાની હોય, બાળકો અને પત્નીને થીએટરમા  ફિલ્મ જોવા લઇ જવાના હોય, કિટી પાર્ટીમાં કૂથલી કરવા (સોરી ચર્ચા કરવા) જવાનું હોય, ક્લબમાં લંચ અથવા ડીનર  લેવા જવાનું હોય, સોનીને ત્યાં ઘરેણા (સુખમાં સોની દુઃખમાં રામ ?) લેવા જવાનું હોય, દરજીને ત્યાં કપડા સીવડાવવા જવાનું હોય....અને આ દરજીઓ...? મૂવા ધક્કા પણ કેટલા ખવડાવે છે ?
-ગ્રાહક: ભગવાને આ આખી દુનિયા છ દિવસમાં બનાવી અને તને એક કોટ બનાવતા વીસ દિવસ લાગ્યા ?
-દરજી: ઉતાવળે કરેલું કોઈ કામ સારું નથી થતું, તમે દુનિયાની દશા જોઈ રહ્યા છો ને ?
આ બધી જફાઓમાં આપણને મરવાની ફુરસદ નથી હોતી, તો પ્રાર્થના કરવાનો સમય તો રહે જ ક્યાંથી? મને આપણી હિન્દી ફિલ્મોમાં આવતી પ્રાર્થના ખુબ ગમે છે. ફિલ્મના  હીરોને જીવન મરણમાં ઝોલા ખાતી (લોહીલુહાણ)  હાલતમાં સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે. ડોક્ટર કહે છે: ‘ઇનકી બચનેકી ઉમ્મીદ બહુત કમ હૈ.’ અને ઓપરેશન થીએટરનો દરવાજો બંધ થાય છે.
હીરોની મા અથવા એની હિરોઈન મંદિરમાં દોડી જાય અને મોટા અવાજે પ્રાર્થના લલકારવા માંડે. એક બાજુ પ્રાર્થના પૂરી થાય અને બીજી બાજુ ઓપરેશન પૂરું થાય. શોલે ફિલ્મના ગબ્બરસિંગ ના ડાયલોગ - ‘જબ તક બસંતીકે પાંવ ચલેંગે મેરી બંદુક રુકેગી, જબ બસંતીકે પાંવ રુકેંગે મેરી બંદુક ચલેગી’ એના જેવું કંઈક આપણને લાગે. પછી  ડોક્ટર બહાર આવીને કહે: અબ ખતરા ટલ ગયા હૈ, આપ લોગ પેશન્ટસે મિલ શકતે હૈ.’
અહીં તમે પ્રાર્થનાની શક્તિ તો જુઓ, જે હીરોની બચવાની ઉમ્મીદ ઓછી હતી, તે તરત જ  આઈસીયુ રૂમની પથારીમાંથી ઊભો થઈને, દુશ્મના અડ્ડામાં હથિયાર વગર જઈને બંદુક અને હથિયારધારી  તમામ દુશ્મનોને ખતમ કરી નાખે છે. નિર્માતા – નિર્દેશક શું એમ માને છે કે આપણે સાવ અક્કલ વગરના – ઉલ્લુ છીએ ? (છીએ તો ખરા જ ને, ત્યારે જ તો આવી ફિલ્મ જોવા જઈએ છીએ ને ?)  
હમણા થોડા દિવસ પર ટીવી ની એક હિન્દી  સીરીયલની હિરોઈન પોતાને દુઃખોમાંથી છોડાવવા માતાના ફોટાની સામે આંખો મીંચીને પ્રાર્થના કરતી હતી, ‘મદદ કરો સંતોષી માતા, મદદ કરો સંતોષી માતા...’ મેં ધ્યાનથી જોયું તો એ સંતોષી માતાનો નહીં પણ જગદંબા માતાનો ફોટો હતો.
હવે તમે જ કહો એને મદદ કરવા કોણ આવે, અંબામાં કે જેમના ફોટાની સામે બેસીને એ પ્રાર્થના કરી રહી છે એ, કે સંતોષીમાતા કે જેને એ પોકારી રહી છે તે ? બંનેને એમ થાય  કે ‘જેને બોલાવે છે એ  મદદ કરશે જ ને ?’ અથવા તો બંનેને એમ થાય કે ‘આને શું મદદ કરવી, આ તો અમને ઓળખાતી સુધ્ધાં નથી.’
તમે કાન્તીભાઈ પાસે પૈસા લેવા જાઓને કહો કે - મગનભાઈ, મને  પાંચસો રૂપિયા આપોને, પ્લીઝ. બે દિવસમાં પાછા આપી દઈશ. તો કાન્તીભાઈ તમને મદદ કરે ખરા ? ન કરે અને કહે –‘ સોરી છગનભાઈ, મારું નામ મગનભાઈ નથી કાન્તીભાઈ છે, તમે મને અત્યારથી જ ઓળખાતા નથી તો પૈસા લીધા પછી તો ઓળખશો જ ક્યાંથી ? અને ઓળખ્યા વગર પૈસા કોને  પાછા આપશો ?’
એટલે પ્રાર્થના કરવી પણ સહેલી નથી, ઘણું ધ્યાન રાખવું પડે છે. જો કે સંગીત શીખવા કરતા પ્રાર્થના કરવી સહેલી ખરી. સંગીતમાં તો સાત સૂર – સા, રે, ગ, મ, પ, ધ, ની, સા.. શીખવા પડે જ્યારે પ્રાર્થનામાં તો બે  જ સૂર – એક ફરિયાદી સૂર- ’હે ભગવાન !આ દુનિયામાં કરોડો માણસ છે, તેમાંથી એક હું જ મળ્યો તે મારા માથે  દુખના ઝાડ ઉગાડ્યાં ? તને કોણે દીનદયાળ કહ્યો ? તું તો સાવ નિર્દયી છે.’
અને બીજો સૂર યાચક એટલે કે ભિક્ષુક સુર –
-‘હે પ્રભુ ! મારી દસ લાખની લોટરી લગાડી દે, હું તને સવાશેર પેંડા ચઢાવીશ.’
-હે ભગવાન ! શેફાલી સાથે મામલો ફીટ કરી દે, સજોડે અંબાજી આવીને દર્શન કરીશ.
-હે ભગવાન ! પંદર લાખની ઉઘરાણી બાકી છે, એ આવી જાય તો પાંચ બ્રાહ્મણ જમાડીશ.
એક પ્રેગનન્ટ  લેડી એના પહેલા બાળકને માનસિક રીતે તૈયાર કરી રહી હતી:
-જો બન્ટી બેટા, ભગવાન થોડા સમયમા તારે માટે એક નાનો ભાઈ મોકલશે.
-મારે ભાઈ નથી જોઈતો.  પટ્ટ કરતો બન્ટીએ જવાબ આપ્યો.
-કેમ, તારે ભાઈ કેમ નથી જોઈતો ?
-બસ એમ જ, ભગવાનને કહેજે કે મોકલવો જ હોય તો મારા માટે તબડક તબડક કરતો ઘોડો મોકલે.
આમ ભગવાન પાસે કોઈ ઘોડો માંગે તો કોઈ હાથી માંગે, કોઈ ‘દુશ્મનના દાંત ખાટા કરી નાખજે’ એવું માંગે તો કોઈ ‘હરીફને હંફાવજે’ એવું માંગે. એક વખત એક ભાઈની અતિ ભક્તિથી  પ્રસન્ન થઈને  પ્રભુ બોલ્યા, ‘માંગ માંગ માંગે તે આપું, પણ એક વાત યાદ રાખજે તને મળશે એ કરતાં તારા પાડોશીને બમણું મળશે, કેમ કે એણે તારા કરતાં વધુ ભક્તિ કરી છે.’
આ સાંભળીને ઘણું વિચારીને એ ભાઈએ માંગ્યું, ‘પ્રભુ ! મારી એક આંખ જતી રહે એવું કરો.’ આવી છે આપણી પ્રાર્થના અને આપણી માંગણી. શતાવધાની સાસુમાઓ પ્રભુના નામની માળા ફેરવતા ફેરવતા ચારેકોર બધું જ ધ્યાન રાખતી હોય છે, ‘કૃષ્ણ કૃષ્ણ મારા વાલા –દયા રાખજે, એ મીતાવહુ, દૂધ દોઢ લિટર લેજે. હરિઓમ હરિઓમ  – મીતાવહુ,  દાળ બે વાડકી ઓરજે,  શાંતિ શાંતિ.’
એકવાર ભગવાન વિષ્ણુ કાનમાં રૂ ના પૂમડા ખોસીને બેઠા હતા. એક દિવસ ગયો, બે દિવસ ગયા, અઠવાડિયું ગયું. પછી લક્ષ્મીજીથી ન રહેવાયું એટલે પૂછ્યું, પ્રભુ, તમે કાનમાં રૂ ના પૂમડા કેમ ખોસી રાખ્યા છે, મારી વાત તમને સાંભળવાની નથી ગમતી ?’ ભગવાન બોલ્યા, ‘દેવી, એવું નથી. વાત જાણે એમ છે કે - આ પૃથ્વીવાસીઓની પ્રાર્થના સાંભળી સાંભળીને હું બોર થઇ ગયો છું. મને લાગે છે આમ ને આમ લાંબુ ચાલ્યું તો હું પાગલ થઇ જઈશ. તેથી કાનમાં પૂમડા ખોસી રાખ્યા છે, દેખાવું ય નહીં ને દાઝવું ય નહીં, એટલે કે - સાંભળવું ય નહીં અને પાગલ થવું ય નહીં.’
અને છેલ્લે એક આધુનિક પ્રાર્થના સાથે ધ એન્ડ:

‘હમ કો ધન કી શક્તિ દેના ધન સંચય કરે, દૂસરોકી જય સે પહેલે ખુદકી જય કરે.’   

Wednesday 14 June 2017

ઉનકા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની ?

ઉનકા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની ?  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ડોક્ટર: આટલું બધું શી રીતે વાગ્યું ?
દર્દી: હસવા ગયો એટલે.
ડોક્ટર: હસવાથી કોઈ ઘાયલ થાય એવું પહેલીવાર જોયું.
દર્દી: મારી પત્ની પડી ગઈ, એ જોઇને મને હસવું આવ્યું, અને..
ડોક્ટર: સમજી ગયો, આવો ડ્રેસિંગ કરી આપું.
છાપામાં આજે આ જોક વાંચ્યો, અને મને ભૂતકાળના મારા એક ભવ્ય ભૂમિપતન ની યાદ આવી ગઈ. એકવાર મારા ઘરના વરંડાના પહેલાં પગથીયાથી પલાળેલા કપડાની વજનદાર ડોલ સાથે હું ગબડી પડી, અને અમે બંને છેક છેલ્લે (છઠ્ઠે) પગથીયે પંહોચી ગયા.
‘આને તો પહેલેથી જ દાદર ચઢવા-ઉતરવાની આળસ છે’, મોટોભાઈ બોલ્યો. ‘અરે, પણ સાચવીને ચાલવું જોઈએ ને, ક્યાંક વાગી બેસે તો ?’ મમ્મીએ સચિંત કહ્યું. એ સિવાય આ ઘટનાની નોંધ પાડોશી સુધ્ધા એ લીધી નહીં,  હા, ત્યાં રમતાં બે ચાર છોકરાઓ હસી પડ્યા ખરા.
ઘરના બીજા વડીલ સભ્ય બોલ્યા, ‘જરા સાચવીને ચાલવાનું રાખ, ક્યાંક હાડકા ભાંગશે તો ઉપાધી થશે.’ હાડકા ભાંગવાનો મારો સ્વભાવ નથી કે શોખ પણ નથી.  પણ  અહીં ‘મૃગજળ’ થી ઊંધી પરિસ્થિતિ થઇ, આરસના પગથીએ પડેલું પાણી મને દેખાયું નહીં, અને હું પડી. પણ જ્યારે ઘરનાને જ સાચું કારણ જાણવાની પડી ન હોય ત્યારે બહારનાઓને શું દોષ દઈ શકાય?
કોઈ વ્યક્તિને એના સ્થાનેથી ગબડાવી પાડવામાં આપણને કોઈ કારણની જરૂર નથી પડતી, પણ આપણે આપણા સ્થાનેથી ગબડી પડીએ તો એના અનેક જાણ્યા-અજાણ્યા, માનીતા-અણમાનીતા કારણો હોઈ શકે છે. એકવાર એક સાઈટ પર બંધાતા નવા મકાનના હોજમાં,  એ મકાનના કોન્ટ્રાકટર ભાઈ પડી ગયા. એમના હાથમાં મકાનનો નકશો હતો, અને એમનું ધ્યાન નકશામાં હતું, એટલે એમને પાણી ભરેલો હોજ દેખાયો નહીં અને એમાં ખાબક્યા. સામાન્ય  રીતે કોઈ પણ નકશો માણસને માર્ગ સુઝાડે, આ મકાનના નકશાએ એમને માર્ગ ભુલાવ્યો.
ત્યાં કામ કરતા મજૂરો દોડી આવ્યા, અને સિમેન્ટની ગુણી ઉંચકતા હોય એમ ટીંગાટોળી કરીને ઊંચકીને એમને બહાર કાઢીને તડકે સૂકાવા મૂક્યા. દરરોજ આ જ મજૂરોને ગધેડા, સુવ્વર, કે ખચ્ચર કહીને સંબોધતા એ કોન્ટ્રાકટર ભાઈએ આજે તો એમને  ‘થેંક્યું’ કહ્યું. (ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે.)
‘કશુંક ન દેખાવાને’ કારણે (પગથીએ પાણી અને પાણી ભરેલો હોજ), ઘટેલા પતનના બે કિસ્સા આપણે જોયા એટલે કે જાણ્યા. પણ અમારા મિત્રનો યુવાન પુત્ર ‘કશુંક દેખાવા’ (રૂપસુંદરી) ના કારણે પડ્યો (એના પ્રેમમાં), એટલું ઓછું હોય એમ વડીલોના વિરોધ છતાં એની સાથે એ ‘લગ્નબંધન’ માં પણ પડ્યો, હવે એ કબુલ કરે છે કે એ દુખમાં પડ્યો છે. ખેર ! જેવા જેના નસીબ. પડવું એ માનવ સહજ નબળાઈ છે, એમાં કોઈ શું કરી શકે?
આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે, ‘ખાડો ખોદે તે પડે.’ પણ કેટલીકવાર કોઈ નિર્દોષ માણસ પણ એ ખાડામાં અજાણતા પડી જાય છે. અહીં મને જાણીતા હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટનો એક કિસ્સો યાદ આવે છે. જ્યારથી એમને ડાયાબીટીશ થયો છે, ત્યારથી ડોક્ટરની સલાહથી એમણે રોજ અમદાવાદના એમના વિસ્તાર મણીનગરમાં  આવેલા કાંકરિયા તળાવના ચક્કર લગાવવાના શરુ કર્યા છે.
એક દિવસ અચાનક એ રસ્તામાં પડેલ ખાડામાં પડ્યા. ‘કાલે જ્યાં હતો રસ્તો સરળ, એ આજે આવો ઉબડ ખાબડ ક્યાંથી થઇ ગયો ?’ એવો કવિ ટાઈપનો સવાલ અમદાવાદ નગરપાલિકાને પૂછવા કરતા અમે વિનોદભાઈને જ પૂછ્યું, ‘વિનોદભાઈ, આમ અચાનક ધરતીપ્રણામનું રહસ્ય શું ?’
વિનોદભાઈ હસીને બોલ્યા, ‘થયું એવું કે હું રોજની ટેવ મુજબ વહેલી સવારે કાંકરિયાના કિનારે કિનારે ચાલવા નીકળ્યો, (તે વખતે કાંકરિયા તળાવ અવિકસિત હાલતમાં હતું), ત્યારે મારી નજર કાંકરિયાની પાળે આપઘાત કરવા જનાર યુવાન પર પડી. ‘આપઘાત કરવો એ એક ગુનો છે’ એવું એને સમજાવવા હું મારી રોજીંદી ઝડપ કરતા વધારે ઝડપથી ચાલવા ગયો, મારું ધ્યાન એ યુવાનમાં હતું એટલે મને ખાડો દેખાયો નહીં, અને હું પડ્યો.’
-પછી શું થયું ?’ ના મારા સવાલના જવાબમાં એ બોલ્યા,
-‘પછી હું જેને બચાવવા માંગતો હતો, એ યુવાને આવીને મને બચાવ્યો, એટલું જ નહીં, એણે મને કહ્યું, - ‘આપઘાત કરવો હોય તો આ ખાડો કામ નહીં લાગે, આ તળાવ બાજુ આવો.‘
-ઓહ ગોડ ! પછી ?
-‘પણ તારે આપઘાત કરવો છે શું કામ ?’ એમ મેં એને પૂછ્યું તો એણે કહ્યું –‘આજે મેં એક હાસ્યલેખ વાંચ્યો.’
આટલું સાંભળ્યા પછી મેં વિનોદભાઈને આગળ કંઈ પણ  (એ હાસ્યાલેખના લેખક કોણ હતા ?) પૂછવાનું માંડી વાળ્યું,  લેખક કોઈ પણ હોય શું ફરક પડે ?
પતનની વાત નીકળી છે, ત્યારે મને એક બહુ જૂનો કિસ્સો યાદ આવે છે. ૨૦ મી જુલાઈ, ૧૯૯૨ ની વાત છે. આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે એમની શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ હતો. સમારંભના  અંતે આપણા તે વખતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા ઉભા થવા જતા પોતાની શારીરિક સમતુલા જાળવી શક્યા નહીં,  અને પોતાના સ્થાનેથી ગબડી પડ્યા.
આ દેશની પરિસ્થિતિ જોતાં તો મને એમ જ લાગે છે, કે કોઈ પણ સાચો શાસક શારીરિક તો ઠીક પોતાની માનસિક સમતુલા પણ સાચવી શકે નહીં. એમને સત્તાસ્થાનેથી ગબડાવી નાખવા ઉત્સુક લોકો તૈયાર જ બેઠા હોય છે. અહીં મને એક બીજી રસપ્રદ વાત યાદ આવે છે.
ભારત દેશમાંથી ચીનમાં ‘કરચલા’ ની નિકાસ થાય છે. આ કરચલાના બોક્સ ઢાકણ વગરના ખુલ્લા જ હોય છે. આ જોઇને એક વિદેશીએ કુતુહલપૂર્વક પૂછ્યું, ‘આ જીવતાં કરચલા આ ખુલ્લા બોક્સમાથી બહાર ન નીકળી જાય ?’ પેકિંગ કલાર્કે કહ્યું, ‘ના સાહેબ, જેવો કોઈ કરચલો બોક્સની સાઈડ પર ચઢી બહાર નીકળવાની કોશિશ કરે કે તરત જ બાકીના કરચલાઓ એના પગ ખેંચી પાડી નાખે.’ રાજકારણની વાત જવા દો, આપણા સમાજમાં પણ આવી જ સ્થિતિ નથી ?
પણ વાત થતી હતી આપણા રાષ્ટ્રપતિના શારીરિક પતનની. તેઓ નસીબદાર હતા કે એમને કોઈએ ‘બરાબર સાચવીને ઊભા નહીં થાઓ તો પડી જ જવાય ને ?’ અથવા ‘પડશો તો હાડકાં ભાંગશો અને ઉપાધી કરશો’ એવું કોઈએ કહ્યું નહીં. ઉપરથી પ્રધાનો ઉપરાંત એમના પત્ની વિમળાજીએ એમને ઉભા થવામાં મદદ કરી.

અમને અફસોસ હોય તો ફક્ત એક જ વાતનો કે – આ ઘટનાની નોંધ એકેએક છાપાવાળાએ લીધી, એમની ગબડી પડ્યાની તસવીર સુધ્ધા પહેલે પાને પ્રસિદ્ધ કરી, અને અમે પડ્યા ત્યારે ? કોઈએ એક લીટી સરખી પણ – બહારના પાને નહીં તો અંદરના પાને પણ – પ્રસિદ્ધ કરી ? કોઈએ ટપકા સરખી પણ નોંધ લીધી ? અમને ઉઠાડવા કોઈએ હાથ સરખોય લંબાવ્યો ? કોઈએ ‘કેમ છે, બહુ દુખતું તો નથીને ?’ એવી પૃચ્છા સુધ્ધાં કરી ? મૈ પૂછતી હું – ક્યા  ‘ઉનકા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?’   

Wednesday 7 June 2017

આરંભે શૂરા.

આરંભે શૂરા.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-મનીષભાઈએ બે દિવસથી યોગના ક્લાસ જોઈન કર્યા છે, રોજ સવારે એ સ્કુટર લઈને જાય છે, હું વિચારું છું કે હું પણ એમની સાથે સાથે કાલથી યોગ શીખવા જાઉં.

એક સાંજે  પતિદેવે ઓફીસથી આવીને અમારી પડોશમાં રહેતા મનીષભાઈ સાથે યોગના ક્લાસમાં જવાની ઈચ્છા મારી સામે પ્રગટ કરી.ઓફીસ જવાના સમય સિવાય ઘરમાં ભરાઈ રહેતા પતિ યોગના ક્લાસમાં જાય તો મને આનંદ જરૂર થાય, પણ...

-તમારે યોગ શીખવા જવું હોય તો જાવ, પણ એ મનીષભાઈની સાથે સાથે જવાનું રાખશો તો જઈ રહ્યા.
-કેમ આવું કહે છે ?
-‘ચાર દિવસકી ચાંદની, ફિર અંધેરી રાત’ જેવું મનીષનું ખાતું છે.’  એવું  મનીષભાઈના વાઈફ રશ્મિબેન કહેતા હતા.
-તેં પૂછ્યું નહીં કે -  ‘આવું કેમ?’
-ના, કેમ કે હું કંઈ પૂછું તે પહેલાં જ  રશ્મિબેને મને જણાવ્યું, ‘મનીષનું કામકાજ બધી બાબતમાં ‘આરંભે શૂરા’ જેવું છે,  શિયાળો શરુ થાય એટલે એ ક્લબમાં દોડવા જવા તૈયાર થઇ જાય, આપણી દોડવીર પી.ટી. ઉષાના આ ભાઈને દોડવામાં બે ચાર દિવસ માંડ થયા હોય, ત્યાં કોઈ જગ્યાએ એ ‘લાફિંગ ક્લબ’ માં જવા માંડે, લાફિંગ ક્લબમાં  એકાદ અઠવાડિયું હસીને બેવડ વળી જાય, એટલે વળી એને કોઈ જીમમાં જવાનું ભૂત ભરાય.’ મને લાગે છે કે જીમમાં જવાનું ભૂત ભાગી ગયું હશે, અને રામદેવબાબાનો કોઈ શિષ્ય એમને ભટકાયો હશે, એટલે હવે મનીષભાઈએ યોગના ક્લાસમાં જવાનું શરુ કર્યું હશે.
-અચ્છા ! એમનો ઈતિહાસ આવો ભવ્ય હશે એની મને ખબર જ નહીં. 
   
બીજા બધાની બહુ ખબર નથી, પણ અમુક ગુજરાતીઓ માટે આ કથન -‘આરંભે શૂરા’ એ બહુ પ્રચલિત છે. કાર્ય ગમે તેટલું અઘરું કેમ નહીં હોય, ગુજરાતી એ તરત જ કરવા તૈયાર થઇ જાય છે, અને  પછી એટલી જ ત્વરાથી – બલકે એના કરતા પણ વધુ ઝડપથી એની એ કામ કરવાની તત્પરતા ઓછી થઇ જાય છે.

‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એ પંક્તિ કોઈ ગુજરાતીએ જ, અને કોઈ ગુજરાતીને ધ્યાનમાં લઈને જ બનાવી હશે. આ પંક્તિ ‘આરંભે શૂરા’ વ્યક્તિઓએ બરાબર આત્મસાત કરી હશે એમ લાગે છે. કેમ કે ‘આરંભે શૂરા’ વ્યક્તિ કોઈ પણ કામનો આરંભ કરીને, ‘આ કામ મારા વગર પૂરું નહીં જ થાય’,  એવો મિથ્યા ગર્વ ત્યાગીને, ટૂંક સમયમાં જ એ કામ બીજાને કરવા માટે છોડી દે છે.

શુક્લપક્ષ (સુદ) ના ચાંદની જેમ કોઈ નવું કામ કરવાની ધગશ ક્રમશ: વધતી જાય છે, પછી  કૃષ્ણપક્ષ (વદ) ના ચાંદની જેમ ‘આરંભે શૂરા’ વ્યક્તિની કામ કરવાની તત્પરતા દિવસે દિવસે ઓછી થઈને પછી નામશેષ થઇ જાય છે. પરંતુ  એનો અર્થ એવો નથી કે ગુજરાતી હારી જવાથી કે નિરાશ થઇ જવાથી કોઈ કામ છોડી દે છે, પરંતુ બીજું વધારે એક્સાઈટીંગ કામ કરવા માટે એ પહેલું હાથ પર લીધેલું કામ છોડે છે.

એક પછી એક નવા નવા, વધુ ઉત્સાહપ્રેરક કામો હાથ પર લેવાની અને છોડી દેવાની એની ચમત્કારી શક્તિથી અંજાઈને ઈર્ષ્યાવશ અન્ય લોકો એને ‘આરંભે શૂરા’ કહીને વગોવે છે. પરંતુ ગુજરાતી લોકો સહ્રદયી હોવાને લીધે, આવા વગોવણીખોર લોકોને ઉદારતાથી માફ કરી દે છે.

કૂથલીખોર લોકોને તો ખાલી બોલવાનું એટલે એમને ખબર જ નથી, કે કોઈ પણ નવું કામ કરવાની તૈયારી બતાવવી એ કેટલું કઠીન, અને એ કામનો પ્રારંભ એ કેટલું કઠીનતમ કાર્ય છે. એને માટે હિંમત, ધૈર્ય, સમય, સાધનો, ઉત્સાહ, નિર્ણયશક્તિ,  નિરીક્ષણશક્તિ,  વગેરે કેટલું બધું જોઈએ.

ગુજરાતીમાં બીજી પણ એક કહેવત છે, ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.’ મતલબ કે જે કાર્ય તું કાલે કરવાનો છે, તે આજે કર, આજે કરવાનો છે તે અત્યારે જ કર.’ આ કહેવતથી ઉત્સાહમાં આવી જઈને હું મારી ફ્રેન્ડ હર્ષાના ઘરે કાલે (ગુરુવારે) જવાનું હતું તેના બદલે આજે (બુધવારે) પહોંચી ગઈ.

એને બુધવારે સિવણના કોઈ ફાલતુ (ફાલતુ એટલા માટે કે મનીષ મલ્હોત્રા જેવા ફેશન ડીઝાઈનર ના જમાનામાં અત્યારે કોણ સીવણ શીખવાની જહેમત કરે ?)  ક્લાસમાં જવાનું હતું. મેં એને ‘કાલ કરે સો આજ કર...’ ની પંક્તિ સંભળાવીને કહ્યું, 
‘તારે બુધવારના ક્લાસ મંગળવારે ભરી આવવા જોઈએ ને?’ એણે મારી સામે વિચિત્ર નજરે જોયું.

એના ગળે મારી વાત ન ઉતરી, એણે ઘરના બારી-બારણા બંધ કર્યા, લાઈટ-પંખો બંધ કર્યા અને તાળું-ચાવી હાથમાં લીધા, એટલે મારે પણ ના છૂટકે એની સાથે એના ઘરની બહાર નીકળવું પડ્યું. રસ્તામાં એણે મને કહ્યું, ‘એક નવી કહેવત આવી છે, તને કામ લાગે એવી છે, સાંભળ – આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, પરસો ભી ક્યા કરના જબ જીના હૈ બરસો ?’
 અહાહા ! આ તો વળી કંઈ નવી જ ફિલોસોફી ! ‘આરંભે શૂરા’ ને બરાબર કામ લાગે એવી. મારી કવિતા (કાલ કરે સો આજ કર..) સાંભળીને કામ શરુ કરવાનું, અને હર્ષાની કવિતા (આજ કરે સો કલ કર, કાલ કરે સો પરસો..) સાંભળીને કામને પાછળ ઠેલવાનું.  
-આ બધા શેના સળીયા છે ? હર્ષાની સાથે નીકળીને બસ સ્ટોપ તરફ ચાલતા ચાલતા રસ્તામાં એક મેદાન પર પડેલા લોખંડના ઘણા બધા સળીયાઓ જોઇને મેં એને પૂછ્યું.
-આ એક હોસ્પિટલ છે.
-હોસ્પિટલ ? પણ અહી તો અડધી પડધી દીવાલો અને થાંભલાઓ જ દેખાય છે.
-હા, પણ આ પ્લોટ હોસ્પિટલ બાંધવા માટેનો છે. એની શિલારોપણ વિધિ આપણા મુખ્યમંત્રીએ કરેલી.
-વિજયભાઈ રુપાણીએ?
-ના, એ પહેલાના મુખ્યમંત્રી...
-આનંદીબેન પટેલે ?
-ના, એથી પણ પહેલાંના...
-યુ મીન, નરેન્દ્ર મોદીએ ?
-હા, ત્યારનું આ બાંધકામ એમનું એમ જ છે.
-એમનું એમ ક્યાં છે, આ તો ખંડેર લાગે છે. અને આ બાજુના ખાડાઓ શેના છે ?
-અહી શાળા બનવાની છે.
-અરે વાહ ! તો તો તારા પાવકને ઘરની સાવ નજીક સ્કુલ મળી રહેશે.
-તું ઘણી આશાવાદી છે, નાના પાવકની વાત જવા દઈએ, પણ મારો મોટો અનિલ બે વર્ષનો હતો ત્યારે આની શુભ શરૂઆત થઇ હતી, હવે એ છઠ્ઠામાં આવ્યો છે, છતાં પરિસ્થિતિ એમની એમ છે. કદાચ મારા અનિલનો બાબો છઠ્ઠા ધોરણમાં આવશે ત્યારે એને આ સ્કુલમાં (જો એ સ્કુલ બંધાશે તો)  ભણવા મળશે.
-મને લાગે છે કે આ મકાનનો આરંભ તો થયો છે, પણ એનો અંત (કમ્પ્લીશન) નક્કી નથી.

બધા જ કંઈ ગાંધીજી જેવા મક્કમ મનના હોતા નથી કે પ્રતિજ્ઞા લઈને શરૂઆત કરે કે – ‘હવે તો આઝાદી લઈને પછી જ સાબરમતી આશ્રમમાં પગ મૂકીશ.’ લોકોને ખબર જ હોય કે ‘ગાંધીજી  જે બોલે તે કામ  પાર પાડીને જ જંપે.’ આમ જુઓ તો આ વાત સારી ગણાય, પણ એમાં ‘કામ પૂરું થશે કે નહીં થાય?’ ની કોઈ ઉત્તેજના રહેતી નથી.

જ્યારે ‘આરંભે શૂરા’ લોકો કંઈ કામ હાથ પર લે ત્યારે બાકીના લોકોમાં શરત લાગે છે, ‘બોલ, એ આ કામ પતાવશે કે નહીં ? મારા હિસાબે નહીં જ પતાવે, લાગી શરત ?’ને પછી ચટપટી શરુ થાય – ‘કામ કરશે કે નહીં કરે ?’ કોઈ વાર આપણે શરત જીતીએ અને કોઈ વાર હારીએ, પણ ખરી મજા તો આ રમતમાં જ આવે.

કોઈ વ્યક્તિ આ વિષય ‘આરંભે શૂરા’ પર મહાનિબંધ લખે તો એને પીએચડી (ડોકટરેટ) ની ડીગ્રી તો મળતા મળે, પણ આપણને વાંચવા કેટલો મસ્ત નિબંધ મળે. એક ઉત્સાહી વ્યક્તિએ એટલે કે મેં તો આ થીસીસ લખવાનો આરંભ પણ કરી દીધો છે, જેની પહેલી કડીરૂપે આ લેખ ‘આરંભે શૂરા’ તમારી સેવામાં પ્રસ્તુત કર્યો છે.