Monday, 3 November 2025

 

હું અને મારા '' (હાસ્યલેખ)     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મારાં સુખ-દુખનાં સાથી, જીવનની રોલર કોસ્ટરનાં ચઢાવ-ઉતારનાં સાક્ષી, મારી સફળતા-નિષ્ફળતાનાં સહભાગી, અમારો સથવારો વર્ષો જૂનો. એકવાર અમારાં લગ્નની છેતાળીસમી એનીવર્સરી પર મેં મારા એટલે કે મારા પતિદેવને સવાલ પૂછ્યો :

તમે મને શા માટે પરણ્યા ?’   

 મારી જેમ તને પણ આશ્ચર્ય થાય છે ખરું ને - કે - હું શા માટે પરણ્યો ?’ 

 “ના. જરા પણ નહીં. મારો સવાલ તો એ હતો કે તમે મને શા માટે પરણ્યા ?”

પરંપરા ને કારણે.’

પરંપરા ને કારણે ? એ કઈ રીતે ? મને કંઈ સમજાયું નહીં.’

હું સમજાવું. મારા પપ્પા મારી બાને પરણ્યા. મારા દાદા મારી દાદીને પરણ્યા. મારા પરદાદા મારી પરદાદીને પરણ્યા...

બસ, બસ, બસ.

બસ તો પછી. વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા સાચવવા જ હું તને પરણ્યો.’

એ તો તમે મારા બદલે કોઈને પણ પરણ્યા હોત તો આ પરંપરા સચવાઈ જ હોત ને ? પણ લગ્ન માટે મને જ પસંદ કરવાનું કોઈ ખાસ કારણ?’

કારણ તો - મારી બાએ તારા માટે કહ્યું કે- આ છોકરી તારા માટે સારી છેએટલે હું તને પરણ્યો.”

આ તે કેવી વાત છે ? તમારાં બાએ કહ્યું અને તમે માની લીધું ? ધારો કે તમારાં બાએ કહ્યું એથી  વિપરીત  હું સારી ન હોત અને તમને મારી સાથે ના ફાવ્યું હોત તો ?’

તો હું બાને એમનાં સજેશન બદલ બ્લેઇમ કરી શકત ને ?’

ઓહહ ! ઘણું ખતરનાક લૉજિક છે તમારું તો

અરે ! હું તો બે ઘડીની ગમ્મત કરતો હતો. લગ્નજીવનમાં પતિ-પત્નીએ એકબીજા સાથે મજાક કરતાં રહેવું જોઈએ. નહિતર  લાંબા ગાળે લગ્નજીવન બોરિંગ થઈ જાય.

વાત તો તમારી સાચી છે.

ચાલ, મારી વાત છોડ. તું કહે – તું મને શા માટે પરણી ?’

તમારું સારું એજ્યુકેશન (સી.એ.), તમારાં બા-પપ્પાનો સારો સ્વભાવ અને ઘરનું હળવાશભર્યું વાતાવરણ જોઈને હું તમને પરણી.

લે, તારી પાસે તો પરણવા માટે મારા કરતાં સારા કારણો હતાં.

આમ પણ પુરુષો કરતાં સ્ત્રીઓ પાસે પરણવા માટે સારા કારણો  હોય જ છે.

તું  આ આખીય વાતને આમ જનરલાઇઝ ન કર.

સારું, નહીં કરું બસ ? પણ તમે એ તો સ્વીકારો છો ને કે મારી સાથેનાં આટલાં - ૪૬ વર્ષનાં લગ્નજીવનમાં તમે સુખી તો છો ?’

મારી વહાલી જીવનસંગિની, તું જરા ધ્યાનથી સાંભળ. સુખી લગ્નજીવન એક મીથ એટલે કે ભ્રમણા છે. અને એ વાત તારા જેવી એક  સફળ હાસ્યલેખિકા...

એક મિનિટ. આ સફળ હાસ્યલેખિકા વાળી વાત પણ એક મીથ એટલે કે ભ્રમણા છે ?”

અરે હોય કાંઇ ? હાસ્યલેખોની તારી પ્રકાશિત થયેલી  છ બુકમાંથી ત્રણ બુકને તો સાહિત્ય અકાદમી નું પહેલું - બીજું ઈનામ મળ્યું  છે ને ?  એટલે એ કોઈ મીથ એટલે કે ભ્રમણા તો નથી. હા, એ વાત સાચી કે તેં લખવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં હું આ વાત  નહોતો માનતો.

એમાં તમારો કંઇ વાંક નથી. મોટે ભાગે તો બધે જ - ઘર કી મુરગી દાલ બરાબર જેવું જ  હોય છે. પણ તમે આટલા વર્ષે મને હાસ્યલેખિકા તરીકે સ્વીકારી એનો મને ઘણો ઘણો જ આનંદ છે.

અરે ગાંડી ! તારા આનંદથી વધીને મારા માટે બીજું કંઇ જ નથી. ફક્ત તારા આનંદ માટે જ તો હું ખાઉં છું, પીવું છું, હરુ છું, ફરું છું અને જીવું છું.

એ માટે હું તમારી તહે દિલ સે આભારી છું.

તારી આભાર વિધિ પૂરી થઇ હોય તો હવે તું જમવાનું બનાવી દે, પ્લીઝ.  

કેમ, તમને બહુ ભૂખ લાગી છે ?’

એ તો જમવામાં તું શું બનાવવાની છે તેના પર આધારિત છે. તેં પેલી જોક સાંભળી છે ?”

પત્ની : જમવામાં હું શું રાંધુ ? 

પતિ : કંઇ પણ રાંધ. તારા હાથનું તો ઝેર પણ હું ખાઈ લઇશ.

પત્ની : પણ મને ઝેર રાંધતાં આવડતું નથી.

પતિ :  તું જે રાંધે છે તે કંઇ ‘’  કમ છે ?

આ જોક સંભળાવીને તમે મને શું કહેવા માંગો છો ? મારી રસોઈ સારી નથી હોતી ? લગ્નનાં છેતાલીસ વર્ષ પછી તમે મને કહો છો કે મારી રસોઈ સારી નથી ?’

માણસમાં ક્યારેક તો સાચું બોલવાની હિમ્મત આવે કે નહીં ? એ વાત સાચી છે કે મને જરા મોડી આવી છે. પણ તું જ તો કહેતી હોય છે કે - લેટ ઈઝ બેટર ધેન નેવર’”

હું તો એવું ઘણું બધું કહેતી હોઉ છું. પણ તમને સાંભળવાની ક્યાં ફુરસદ  હોય છે જ ?’

લે, હું તો અમસ્તી - મસ્તી કરી રહ્યો હતો અને તું તો સિરિયસ થઈ ગઈ.

હું પણ મસ્તી જ કરી રહી હતી.એટલું મધુરું લગ્નજીવન આપણું, જાણે શિયાળે ઊનું ઊનું તાપણું’”

તેં તો મને કવિ શ્રી મુકુલ ચોક્સીની કવિતા યાદ કરાવી દીધી : 

કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ ના સુખી થયાનો છે.

પલ્લુ તારી તરફ નમ્યા નો તને, અને મને આનંદ ઉચે ગયાનો છે.’”

ચાલો, એ જ નામ પર આજે તમારી કોઈ ફેવરિટ વાનગી થઈ જાય, બોલો શું ખાવું છે ?’

કંઇ પણ બનાવી દે, હું તો માત્ર જમવાની વિધિ પતે એટલે જ જમતો હોઉ  છું.

ઠીક છે. તો પછી કિચનમાં જઈને જોઉં કે ત્યાં અને ફ્રીઝમાં શું શું પડ્યું છે. એ મુજબ કંઇ પણ (ઝેર સિવાય) બનાવી દઉં છું, ઓકે ?’  

મારા વહાલાં વાચક મિત્રો,

રણુજાનાં રાજા, અજમલજીનાં બેટા, વિરમદેવનાં વીરા, રાણી નેત્રાનાં ભરથાર.....મારો હેલો સાંભળો હો ઓ ઓ જી. ગુજરાતી સુપરહિટ ફિલ્મ- રણુજાના રાજા રામદેવ પીર નું આ સુપરહિટ ગીત તો તમે સાંભળ્યુ જ હશે. એ મુજબ વિવિધ નામધારી - તમારા ભાઈ’,  મારી નણદી પ્રતિમાબહેનનાં વીરા,’ મારાં સાસુમા નંદુબહેનનાં દીકરા’,  મારા દીકરાઓ જિગરનાં બાપુ એમ અને સાકેતનાં પપ્પા’, મોટી પુત્રવધૂ ભાર્ગવીનાં પપ્પા’,  નાની પુત્રવધૂ પૂજાનાં ડેડ અને મારા પૌત્ર કવીશ અને આયાંશનાં દાદુ, મારા એટલે કે  મારા પતિદેવ ઉપનામ ભલે ગમે તેટલાં  હોય – નરસિંહ મહેતાનાં એક ભજન  મુજબ  –. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ  હોયે.

એવી જ રીતે મારા  શ્રી જિતેન્દ્ર મિસ્ત્રી  પણ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર.... અલગ અલગ રોલમાં અલગ અલગ ભૂમિકા ભજવે. પણ અંતે તો  હેમનું હેમ  એટલે કે સોના સરીખા વ્યક્તિત્વવાળા ખરા. લગ્નજીવનની યાત્રામાં અમે બંને એકબીજાનાં પૂરક. મારાં વ્યક્તિત્વ વિકાસમાં એમનો ડાયરેકટ - ઇનડાયરેકટ ઘણો મોટો ફાળો. એક ઉદાહરણ આપું :વર્ષો પહેલાં હું ડ્રાયવિંગ સ્કૂલમાં જઈને કાર ચલાવતાં શીખી હતી.આવડી ગઈ હતી, પણ પ્રેકટિસની જરૂર હતી. ઉદારદિલ એવા એમણે મારું પાકું લાયસન્સ આવ્યું કે તરત જ નવીનકોર ફિયાટકાર મને એકલીને (સાથે કોઈ નહીં) પ્રેકટિસ કરવા માટે લઈ જવાની રજા આપી. ફક્ત આ જ નહીં આવી અનેક બાબતો માટે મારા પર વિશ્વાસ મૂકવા બદલ એમની દિલથી આભારી છું. આખરે લગ્નજીવનનો પાયો જ તો વિશ્વાસ અને વફાદારી છે.   

જો કે – ‘Men are from Mars and Women are from Venus’ પુસ્તકનાં  લેખક ‘John Gray’ નાં મત મુજબ પુરુષ અને સ્ત્રી બંને અલગ અલગ ગ્રહનાં રહેવાસી હોવાથી બંનેમાં સ્વભાવમાં સામ્ય કરતાં અસામ્ય ઘણું. એટલે ઉત્તર અને  દક્ષિણ ધ્રુવ જેટલું ભલે ન હોય પણ એનાથી થોડું ઓછું, પણ  હોય છે ખરું. દાખલા તરીકે –“ મને ગળ્યું ભાવે તો મારા ને ખાટું ભાવે. મને ઠંડકમાં મજા આવે, એમને સમશીતોષ્ણ હવામાન જોઈએ. મને કામકાજ કર્યા વિના બેસી રહેવું ભાગ્યે જ ફાવે, એમને... જોજો પાછા તમે એમને માટે કશું ખોટું ધારી લેતા. અમારા આળસુ જરાય નહીં.”

મને કંઇ ચા પીવાની આદત-બાદત નથી. ચા પીવા જોઈએ જ એવું આપણને કંઇ નહીં એવું (કાયમ નિયત સમયે ચા મળી જતાં) અમારાં સગાં-વહાલાં અને મિત્રોને મારા કહેતા રહેતા.  પણ મને કોઈવાર ચા બનાવવામાં  મોડું થાય તો એ કહે,

બપોરના સાડા ત્રણ થયા, ચાલ ને હવે ચા બનાવવાની હોય તો બનાવી દે ને

અને ન બનાવવાની હોઉ તો ?’ એમની કહેવાની રીતથી અકળાઈને એવો સવાલ  હું પૂછું. એ કંઇ જવાબ ન આપે એટલે હું કહું,

એમ કરો, આજે ચા તમે બનાવો.  

મારી પાસે એટલો ટાઈમ નથી, મારે બહુ કામ છે

અચ્છા ! અને મને તો કોઈ કામ જ નથી કેમ ? હું નવરી જ બેઠી છું એમ ?’

ના, એવું નહીં. પણ તારા જેવી સરસ ચા મારાથી બને નહીં, એટલે હું તને કહું છું.  

ઓળખું તમને. વખાણ કરીને મારી પાસે કામ કઢાવવાની આ તમારી એક રીત જ છે.

એવું બોલીને હું  જે કોઈ પણ કામ કરી રહી હોઉં તે તત્પૂરતું  બાજુ પર મૂકીને ચા બનાવી દઉં છું. લગ્નજીવનમાં આટલા બધાં વર્ષો સાથે પસાર કર્યા પછી બંનેમાંથી કોને, ક્યારે, શું જોઈશે અથવા કોણ, કયારે શું કહેશે એ અમને બંનેને સારી રીતે ખબર. હા, કોઈવાર એના લીધે ટેકન ફોર ગ્રાન્ટેડ જેવું  થઈ જાય ખરું.

મને શોપિંગ પર જવું ખૂબ ગમે. (ભાગ્યે જ કોઈ સ્ત્રી આમાં અપવાદ રૂપ હશે.) મારા ને શોપિંગમાં જવાનો સખત કંટાળો. (ભાગ્યે જ કોઈ પુરુષ આમાં અપવાદ રૂપ હશે)  એટલે મોટેભાગે તો એ મારી સાથે આવવા તૈયાર થાય જ નહીં. પસંદગીની  બાબતમાં મારી નિર્ણયશક્તિ થોડી નબળી અને એનો અપયશ હું તારીખ પ્રમાણે આવતી મારી રાશિ  લિબ્રા એટલે કે તુલા ને આપું છુ. શોપિંગમાં જેટલાં ઓપ્શન વધારે એટલી હું વધારે કંફ્યૂઝ થાઉં.

મારા તો મારી સાથે આવે નહીં. એટલે મેં એક ઉપાય શોધી કાઢેલો. દુકાનમાં મને ગમતી સાત-આઠ કુર્તિઓના ફોટા પાડીને પતિદેવને વોટ્સ એપમાં મોકલી આપું. એ કહે,

પિંકવાળી અને યલોવાળી સારી છે.  

પણ એ તો કોસ્ટલી છે.

કેટલાંની છે ?’  

આટલાં....ની છે.

હંઅ... મોંઘી તો છે, પણ તને ગમી તો  લઈ લે  

એમનાં આવા જ જવાબની અપેક્ષા મને હોય. ક્યારેક એ કહે,

આ બહુ સારી નથી લાગતી તો પછી મને ગમી હોવા છતાં એ ખરીદવાનો આગ્રહ હું છોડી દઉં. પણ હા, છેતાળીસ વર્ષ પહેલાં મુરતિયાની પસંદગી વખતે હું પસંદગીમાં મક્કમ રહી હતી અને એ કારણે અમે જીવનસાથી બન્યા. લગ્નજીવનની શરૂઆતમાં અને વચ્ચે થોડો આર્થિક સંઘર્ષ વેઠયો, પણ હવે સ્થિતિ સંતોષપૂર્વકની  છે. આ ઉમ્મરે સૌથી વધુ આનંદ (ખરેખર તો રાહત) તબિયત સારી છે અને બંને છોકરાઓ એમનાં જીવનમાં બધી રીતે સેટ છે એનો છે. જો કે હવે જમાનો બદલાઈ રહ્યો છે. પહેલાં ના જમાનામાં છોકરો-છોકરી લગ્ન કરીને સેટ થતાં, હવે પહેલાં સેટ થઈને પછી લગ્ન કરે છે. બંને ઓપ્શન સારાં જ છે.   

રજનીગંધા ફિલ્મનું એક ગીત છે. અધિકાર યે જબ સે સાજન કા હર ધડકન પર માના મૈંને. મૈ જબ સે ઉન કે સાથ બંધી  યે ભેદ તભી જાના મૈંને. કિતનાં સુખ હૈ બંધન મેં.  લગ્નજીવનનાં નૈતિક - સામાજિક નીતિ-નિયમોનાં બંધનમાં રહીને હું મારી પૂરેપૂરી સ્વતંત્રતા (સ્વચ્છંદતા નહીં) માણું છું.

હું ઈચ્છું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે “અમારો ઇંદ્રધનુષ જેવો સપ્તરંગી (ખાટ્ટો-મીઠો, ગળ્યો-તીખો, કડવો-તૂરો, ચટપટો) સથવારો કાયમ રહે.”

મારા વિષે લખું તો પાનાના પાનાઓ ભરાય. પણ અત્યારે આટલું જ. મારે તો મારાં વાચકમિત્રોની ધીરજનો પણ ખ્યાલ રાખવાનો કે નહીં ?

આ હાસ્યલેખ છે તો એનું સમાપન પણ હળવાશપૂર્વક એક  જોકથી કરું.   

પત્ની: (પતિને) : જુવો, આ રેશમની સાડી હું આજે જ ખરીદી લાવી છું. કેટલી સુંદર છે નહીં? દુકાનદાર કહેતો હતો કે, એક કીડાની આખા વર્ષની મહેનતનું આ પરિણામ છે.

પતિ: (પત્નીને) : ડાર્લિંગ, એ કીડો બીજો કોઈ નહીં, પણ હું જ છું.  

(અમારા એ જેવા છે તેવા : ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી સંપાદિત પુસ્તકમાં મારો હાસ્યલેખ. 2-11-2025)

 

                                  

No comments:

Post a Comment