કલર જાય તો પૈસા પાછા. (હાસ્યલેખ) પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘નીમાબહેન, હું
માર્કેટ જાઉં છું. તમારા માટે કંઇ લાવવાનું છે ?’
નિમાબહેનનાં પાડોશી આરતીબહેને પુછ્યું.
‘આરતીબહેન, દિવાળી
નજીક આવી રહી છે. તો સાથીયા પૂરવા માટેનાં રંગો માર્કેટમાં આવી ગયાં હોય તો તે
લેતાં આવશો પ્લીઝ ?’
‘એમાં પ્લીઝ શું કહેવાનું ? ચોક્કસ લઈ આવીશ. કયા કયા અને કેટલાં રંગો લાવવાનાં છે તે જણાવો.’
‘કાળા
સિવાયનાં જેટલાં પણ રંગો મળે એ લેતાં આવજો.’
‘કાળા સિવાયનાં કેમ ?’
“કાળો રંગ ‘અશુભ’ ગણાય. દિવાળી જેવાં ‘શુભ પર્વ’ માં એનો ઉપયોગ કરીને ‘અપશુકન’
શા માટે કરવાં જોઈએ ?’
“ ‘કાળો રંગ અશુભ ગણાય’ એ ખોટી માન્યતા છે, નીમાબહેન. જુઓને, આપણી આંખની કીકી પણ તો કાળી હોય
છે. આપણાં માથાનાં વાળ પણ કાળા (ઉમ્મર મોટી થતાં એ ગ્રે કે સફેદ થાય એ વાત જૂદી
છે) હોય છે. આકાશમાં છવાતાં અને સમૃધ્ધિ લાવતાં, વરસાદ આપતાં
વાદળો પણ કાળા હોય છે. કવિઓ તો એ જોઈને કહે પણ છે, ‘વરસો ક્યાં વિખરાઓ !’ વળી કોલસો પણ તો કાળો હોય છે, છતાં એ પોતે બળીને આપણને કેટલી ઉર્જા પ્રદાન કરે છે. અરે ! જગત નિયંતા
ક્રુષ્ણ ભગવાન પણ તો ખુદ કાળા હતા. તમે આ ગીત તો સાંભળ્યું જ હશે, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મૈં ક્યું કાલા ?’ તમે જરા વિચારો
કે સાથીયામાં કાળા રંગથી કેટલું સરસ
બેકગ્રાઉંડ બનશે. એનાથી કદાચ ‘સાથીયા હરીફાઈ’માં પહેલો નંબર તમને જ મળે એવું પણ થાય॰”
‘તમારી શુભેચ્છા બદલ આભાર, આરતીબહેન. એમ તો હું પણ મારા નાના પૌત્રને કોઇની નજર ન લાગે એટલે માટે
એના કપાળે મેશનું કાળું નાનું ટપકું કરું છું. પણ સાથીયામાં કાળો રંગ ? ના બાબા ના.’
આરતીબહેન
કદાચ નીમાબહેનને હજી પણ વધુ વિસ્તારથી સમજાવીને કાળા રંગ માટેની એમની આ ગેરમાન્યતા દૂર કરત. પણ
એમને જેમની સાથે માર્કેટ જવાનું હતું તે
લીનાબહેને બૂમ પાડીને કહ્યું,
‘આરતીબહેન, જલદી કરો.
મોડું થશે તો માર્કેટમાં ગિરદી વધી જશે’ એટલે આરતીબહેન
ત્યાંથી જતાં રહ્યાં॰
એવું નથી કે આરતીબહેન ની જેમ કાળો રંગ મારો
પ્રિય રંગ છે. ફક્ત કોઈ વસ્તુ કે કોઈ
વ્યક્તિનાં ‘બળી જવાથી’
થયેલો કાળો રંગ મને ભયાવહ લાગે છે, એ વાત સાચી છે. પણ મને તો સફેદ, ગુલાબી, લીલો વગેરે મેઘધનુષમાં આવતાં અને એ સિવાયનાં કોઈ હોય તો તે બધાં જ રંગ
ગમે છે. કોઈક વાર બીજી બધી બાબતો અનુકૂળ
હોય ત્યારે કાળો રંગ ચલાવી લેવામાં આવે છે. દાખલા તરીકે :
પ્રિયા (એક પાર્ટીમાં) : પેલો કાળો, જાડો અને કદરૂપો પુરુષ કોણ છે ?
નેહા : એ મારો હસબન્ડ છે.
પ્રિયા: સૉરી યાર, તેં લગ્ન કરી લીધા એ વાતની મને ખબર નહોતી.
નેહા : ઇટ્સ ઓકે. તેં નીચે પાર્કિંગ એરિયામાં
એક લાલ કલરની મર્સિડિઝ કાર પાર્ક થયેલી
જોઇ ?
પ્રિયા
: હા યાર. મસ્ત ચકચકિત લક્ઝુરિયસ કાર છે.
નેહા : એ કાર, ઉપરાંત
જુહુમાં 4 BHK ફ્લેટ
અને વિરારમાં કેમિકલની ફેક્ટરીનો માલિક છે, મારો હસબન્ડ.
પ્રિયા : વાવ ! હાવ લકી યૂ આર !
કોંગ્રેચ્યુલેશન્સ !
નેહા : થેન્કયુ .
કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે, અને નીચેવાળા એનું સેટિંગ કરે છે. છોકરી લગ્નને લાયક થાય, ૨૨ થી ૨૫ વર્ષની સુંદર અને નમણી નાગરવેલ જેવી હોય,
ત્યારે એની અને એનાં માબાપની એવી ડિમાન્ડ
હોય છે કે ‘છોકરો એટલે કે લગ્નોત્સુક યુવાન ભણેલો ગણેલો હોવો જોઈએ,
સારી જોબમાં હોવો જોઈએ, સમૃધ્ધ કુટુંબનો હોવો જોઈએ, પોતાનું ઘર અને ગાડી હોવાં જોઈએ, એનાં ભાઈ- બહેનોનો
વસ્તાર બહુ લાંબો નહીં હોવો જોઈએ, એકનો એક હોય તો તો બેસ્ટ (ના હોય તો ય વાંધો નહીં - લગ્ન પછી એને એકલો - પોતાનો કરતાં આપણને ક્યાં
નથી આવડતું ?) ઘરમાં
‘ડસ્ટબિન’ (ડોહાં-ડગરાં) ઓછામાં ઓછા
અથવા નહીં હોવા જોઈએ, છોકરો ગામડામાં નહીં પણ શહેરમાં રહેતો
હોવો જોઈએ.’ વગેરે
વગેરે... જેમ જેમ છોકરીની ઉમ્મર વધતી જાય, તેમ તેમ તેઓની ડિમાન્ડ એક પછી એક ઓછી થતી જાય છે. જ્યારે કન્યા ચાલીસીમાં પ્રવેશની નજીક આવી જાય, વાળમાં સફેદીની છાંટ આવી રહી હોય અને
છોકરી માટે કુંવારા છોકરાનો મેળ
પડતો ન હોય તો એ છેવટે બીજવરને પરણવા પણ
તૈયાર થઈ જાય છે.
જ્યારે છોકરો ૨૫ થી ૨૭ વર્ષનો થાય અને એને
માટે છોકરીની શોધ શરૂ થાય ત્યારે એની અને એનાં માબાપની ડિમાન્ડ એવી હોય છે કે ‘છોકરી સુંદર
હોવી જોઈએ, ભણેલી ગણેલી, એટલિસ્ટ
ગ્રેજ્યુએટ થયેલી હોવી જોઈએ, સારી જોબમાં હોવી જોઈએ (જેથી
પોતાને ઇન્કમમાં ટેકો થાય),
છોકરી સમૃધ્ધ ઘરમાંથી આવેલી હોવી જોઈએ (દહેજ સારું લાવે એ માટે), સ્માર્ટ હોવી જોઈએ. ટૂંકમાં
છોકરી સર્વગુણસંપન્ન - ગોરી, સુંદર, સુશીલ, ગુણવાન, ચારિત્રવાન, સુશિક્ષિત હોવી જોઈએ.’ છોકરાની ઉમ્મર જેમ જેમ વધતી જાય, માથે વાળ ઓછા થતાં જાય, પેટ ધીમે ધીમે બહાર નીકળવા
માંડે, તેમ તેમ એની ડિમાન્ડ પણ ઓછી થવા માંડે. ચાલીસીમાં પ્રવેશનાં
ભણકારા વાગવા માંડે પછી તો માબાપ પોતાના છોકરાના, છોકરી સાથે
‘ ૩૬ માંથી ૩૬ ગુણ ન મળે અને માત્ર ૬ ગુણ મળે તો પણ ઠીક, કે કુંવારી ન મળે તો ડિવોર્સી મળશે તો પણ ચાલશે’ પર
આવી જાય.
મોડર્ન યુગનાં માબાપ તો હવે પોતાનાં છોકરાને ‘છોકરી’ મળે અને છોકરીને ‘છોકરો’ મળે તો ય ગનીમત છે એમ માને છે. છૂટાછેડાનાં કેસ આજકાલ જે રીતે વધવા
માંડ્યાં છે, તે જોઈને આજકાલ માબાપ પોતાનાં છોકરા-છોકરીનાં લગ્ન લાંબા ટકી
જાય તો ‘ગંગા નાહયા’ એવો રાહતનો શ્વાસ લે છે.
એક રાજાનાં દરબારમાં રાજાને જાણવાનું મન થયું
કે દરબારમાં હાજર પરિણીત પુરુષોમાંથી
કેટલા પતિ ‘જોરુકા ગુલામ છે’ રાજાનાં આદેશથી મંત્રીએ દરબારમાં હાજર પતિઓને કહ્યું,
‘તમારામાંથી જે પોતાની પત્નીનાં કહ્યામાં છે
તે જમણી બાજુની લાઇનમાં ઊભા રહો અને બાકીનાં ડાબી બાજુની લાઇનમાં આવી જાઓ.’
જમણી બાજુની લાંબી લાઇન ચાતરીને, ડાબી બાજુએ એક પુરુષને ઊભો રહેલો જોઈને રાજા ખુશ થયો. એને શાબાશી આપતાં
પુછ્યું, ‘તું તારી પત્નીનો ગુલામ નથી ?’
પુરુષ નીચું જોઈને બોલ્યો, ‘હું છું પત્નીનો ગુલામ,
હુઝૂર. પણ મારી પત્નીએ કહી રાખ્યું છે, કે આ વાત મારે
ક્યારેય જાહેર ન થવા દેવી.’
એક કહેવત મુજબ તો એમ પણ કહેવાય છે કે ‘સ્ત્રીની
બુધ્ધિ પગની પાનીએ.’ તે છતાં પણ લગ્નજીવનનાં ઘણાં કેસમાં
સ્ત્રી એટલે કે પત્ની – પુરુષને એટલે કે પતિને પોતાની આંગળીનાં ટેરવે નચાવે છે. આ
વિષય પર કોઈ પીએચડી કરે તો આવા કેસનો આંકડો કેટલો મોટો છે તે ખબર પડે. મારું
માનવું છે કે ‘લગ્ન પહેલાં ભલે કદાચ સ્ત્રીની બુધ્ધિ પગની
પાનીએ રહેતી હશે, પણ લગ્ન પછી સ્ત્રીની બુધ્ધિ પાછી ઓરિજિનલ
જગ્યાએ - મગજમાં આવી જાય છે. અને લગ્ન પછી પુરુષની બુધ્ધિ ?.’ જવા દો એ વાત જ, મારે
અહીં એનાં વિષે વધુ કહીને ભાઈઓને નારાજ કરવા નથી.
મોટે ભાગેના પુરુષ વાદ- વિવાદ (ઝઘડા) નાં કાયર હોય છે, એટલે
પત્નીની ઘણી બાબત પોતાને ન ગમતી હોવા છતાં પણ અને ઘણી બધી બાબતોમાં પત્ની સાથે એ
સહમત ન હોવા છતાં પણ ‘કજિયાનું મોં કાળું’ એમ વિચારીને એ પત્નીને સરેન્ડર થઈ જાય છે. જે સરેન્ડર નથી થતા
એ દુ:ખી થાય છે અથવા એમનાં છૂટાછેડા થાય છે. હવે આ આડવાત છોડીને વળી પાછા આપણે
ઓરિજનલ વિષય ‘શ્યામ રંગ સમીપે ન જાવું’
પર આવીએ.
સુમનલાલ (લગ્નોત્સુક એવા એક યુવાનને) : તમે
મારી દીકરીને પરણશો તો એક નવીનકોર બી.એમ.ડબલ્યુ. કાર હું તમને ભેટમાં આપીશ.
પ્રિયાંક (લગોત્સુક ઉમેદવાર) : હું તમારી દીકરીને પરણું તો ખરો, પણ પછી અમારે ઘરે દીકરી જન્મે અને તે પણ જો તમારી દીકરી જેવી જ ‘ભીનેવાન’ (કાળી) હોય તો મારે તો એને
દહેજમાં એરોપ્લેન આપવાની તૈયારી રાખવી પડે. અને મારી એવી હેસિયત નથી. એટલે સૉરી.
હું તમારી દીકરી સાથે પરણવાની હા પાડી શકું એમ નથી.
ઉપરની રમૂજ છોકરીનાં શરીરનાં કાળા રંગથી
પ્રેરિત છે. બોલવામાં ભલે “ક્રુષ્ણ પણ તો કાળા જ હતા ને ?’ એમ કહીને કાળા રંગનું મહાત્મય દર્શાવવામાં આવતું હોય, પણ જીવનસાથીની
પસંદગી વખતે રૂપને (ખાસ કરીને છોકરીનાં) વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, એ વરવી વાસ્તવિકતા છે, જેને સ્વીકાર્યે જ છૂટકો.
હવે જમાનો થોડો બદલાયો છે, એટલે છોકરીઓની ડિમાન્ડમાં પણ ‘છોકરો ગોરો અને રૂપાળો - એટલે કે
હેન્ડસમ હોય’ એ વાત
ઉમેરાઈ ગઈ છે.
ચોથા ધોરણનાં એક ક્લાસમાં ટીચરે વિધાર્થીઓને પૂછ્યું: ‘મોટા
થઈને તમે શું બનવા માંગો છો?’
સચિને કહ્યું, ’હું મોટો થઈને સચિન તેંદુલકર
જેવો ક્રિકેટર બનવા માંગુ છું.’
સુનીલે કહ્યું, ’હું મોટો થઈને એન્જિનિયર બનવા
માંગુ છું.’
અસીતે કહ્યું, ‘હું મોટો થઈને બીઝનેસમેન
બનીશ.’
મીરાએ કહ્યું, ’હું મોટી થઈને પાયલટ બનવા
માંગુ છું.’
ધારાએ કહ્યું, ’હું મોટી થઈને ડૉકટર બનવા
માંગુ છું.’
અમીએ કહ્યું, હું મોટી થઈને બેન્કમાં મેનેજર
બનવા માંગુ છું.’
અલેલટપ્પુ અનિલ કઈ બોલ્યો નહીં એટલે ટીચરે એને
પુછ્યું, ‘અનિલ તું મોટો થઈને શું બનવા માંગે છે?’
અનિલે કહ્યું, “ હું
મોટો થઈને ‘બ્લેકમની’ એટલે કે ‘કાળુ નાણું’ બનવા માંગુ છું.”
અનિલની વાત સાંભળી સૌ અચરજથી એની સામે તાકી
રહ્યા. ટીચર પણ નવાઈ પામી ગયા અને
પૂછ્યું, ‘અનિલ, આવો વિચિત્ર વિચાર તને ક્યાંથી આવ્યો ? અને તારે શા માટે કાળુનાણું બનવું છે ?’
અનિલ બોલ્યો, “મેડમ,
મારા પપ્પા આજે સવારે મારી મમ્મીને ન્યુઝપેપર વાંચીને કહેતા હતા, ‘સરકારનું જાદુ
જોયું ? બધું કાળુ નાણું સફેદ થઈને બેન્કમાં જમા થઇ ગયું.’
“હું રંગે કાળો છું, બધા મારા કાળા કલરને
લીધે મારા પર હસે છે, આ સુનીલીયો તો મને ‘કલર જાય તો પૈસા પાછા’ એમ કહીને બહુ
ચીઢવે છે. એટલે જો હું કાળુનાણું બનું તો સરકાર મને સફેદ કરીને બેન્કમાં મોકલી આપે
ને ? એટલે મને તો ‘ડબલ ફાયદો’ થાય, એક તો મારો કલર ઉજળો થાય, અને ભણ્યા વગર
બેન્કમાં દાખલ થઇ જવાય.”
આ લેખની સમાપ્તિ હળવાશથી કરું :
ગ્રાહક : આ કાળી ટી શર્ટ છે તો સરસ, પણ એનો કલર તો નહીં જાય ને ?
દુકાનદાર : સાહેબ, કલર જાય તો પૈસા પાછા ! મારી ગેરંટી છે.
('અખંડ આનંદ' દીપોત્સવી વિશેષાંક, ઓક્ટોબર-નવેમ્બર-૨૦૨૫ માં પ્રકાશિત હાસ્યલેખ)
No comments:
Post a Comment