ફિંગરપ્રિન્ટકી તો ઐસી કી તૈસી. (હાસ્ય
લેખ) પલ્લવી જિતેન્દ્ર
મિસ્ત્રી.
‘તમારું આઈડી પ્રૂફ આપો’ બેંકમાં ખાતું ખોલાવવા જવાનું
થયું, ત્યારે ઓફિસરે મને કહ્યું. મેં મારું આધારકાર્ડ
આપ્યું.
એમણે
પહેલાં આધાર કાર્ડ તરફ જોયું, પછી મારી તરફ જોયું, પછી કહ્યું, ‘આ નહીં ચાલે.’
‘કેમ નહીં ચાલે ?’ મને આશ્ચર્ય થયું.
‘ આ ફોટામાં તમે ઓળખાતાં નથી.’
‘એમાં મારો શું વાંક ? એ તો ફોટો પાડતી વખતે એ
લોકોએ જોવાનું હોય ને ?’ મેં કહ્યું.
‘મેડમ, તમારી પાસે બીજું કોઈ આઈડી પ્રૂફ હોય તો
આપો.’ (‘મારો ટાઈમ ખોટી ન કરો’) પાછળનું વાક્ય એ મનોમન બોલ્યા હોય એવું મને લાગ્યું.
‘ટાઈમ તો ફક્ત તમારો જ ખોટી થતો હશે નહીં ? અમે તો જાણે નવરાંધૂપ જ રહેતાં હોઈશું ?’ એવું
કહેવાનો મને વિચાર આવ્યો, પણ પછી મારામાં છુપાઈને બેઠેલું ડહાપણ બહાર આવ્યું, એટલે મેં
ચૂપચાપ મારું પાનકાર્ડ આપીને કામ ચલાવી લીધું.
‘મારી ઓળખાણનાં આધાર સમ મારું આધારકાર્ડ જ નિરાધાર સાબિત થયું ?’ મેં નિસાસો નાખ્યો.
‘આપણે દિવાળીમાં બહારગામ જવાનું છે એ પહેલાં તારે તારું નવું આધારકાર્ડ બનાવડાવી લેવું જોઈએ’ પતિદેવે સલાહ આપી.
નવું
આધારકાર્ડ કઈ બેંકમાં બની શકે એની માહિતી અમારી બેન્કના R.M.(રિલેશનશિપ મેનેજર) પાસે લીધી. પછી ફોટો સારો આવે
એ માટે મેં સરસ કપડાં પહેર્યાં, હળવો મેક અપ કર્યો. બરાબર તૈયાર થઈને અમે એ બેંકમાં ગયાં. બેંકમાં પ્રવેશતાંની સાથે જ ‘અંધેરા કાયમ રહે’ એવો અનુભવ થયો.
‘થોડીવાર પહેલાં જ ઇલેક્ટ્રિસિટી જતી રહી છે’ બેન્કનાં કર્મચારીએ જણાવ્યુ.
‘ટોરેન્ટ કંપની તો એની ઇલેક્ટ્રિસિટી સપ્લાય સર્વિસ માટે કાબિલે તારીફ છે’ કહીને મેં એની તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિ ફેંકી.
‘બિલ ભરવાનું ભુલાઈ ગયું છે, એટલે કંપનીએ
ઇલેક્ટ્રિસિટી કાપી નાખી છે.’ કર્મચારીએ મારી નવાઈ દૂર
કરતાં કહ્યું.
હું
બરાબર તૈયાર થઈને નીકળી હતી એટલે વીજળીદેવીની રાહ જોવા તૈયાર હતી. પણ બેન્કનાં
સ્ટાફે કહ્યું,
‘મેડમ, લાઇટ ક્યારે આવશે તે કહેવાય નહીં.’
હું ‘ટાઈમ મેનેજમેંટ’માં માનતી હોવાથી (સાફ શબ્દોમાં કહું
તો ‘સમયની ગુલામ’ હોવાથી) ‘લાઇટ આવવાની રાહ જોઈને બેસી રહેવું એના કરતાં નજીકમાં આવેલાં સ્ટાર
બજારમાં જઈને શોપિંગ કરવું સારું.’ મેં પતિદેવને કહ્યું. એમનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો.
‘ઘરમાં જોઈતી ચીજવસ્તુઓ લેવાની થઈ છે. શાક અને ફ્રૂટ્સ બિલકુલ નથી.’ મેં એવું કહ્યું એટલે પતિદેવ પરાણે મારી સાથે આવ્યા. પણ કારમાંથી નીચે
ઉતર્યા નહીં. ‘આપકે પૈર બહુત હસીન હૈ ઉસે જમીં પર મત ઉતારીએગા, મૈલે હો જાયેંગે.’
મને પાકિઝા ફિલ્મનો આ ડાયલોગ યાદ આવ્યો.
‘ભલે બેસો ત્યારે’ એમ મનોમન બબડીને હું
સ્ટારબજારમાં પ્રવેશી ગઈ. ખરીદી કરીને બિલ માટેની લાઇનમાં ઊભા રહી પૈસાની ચુકવણી
કરી, એમાં એક કલાક થયો. પછી બેન્કમાં ફોન કરી જોયો તો
ખબર પડી કે ‘વેરણ થયેલી વીજળી હજી આવી નથી.’
અમે
થોડે દૂર આવેલાં પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા ગયાં. પછી ત્યાંથી ઘણે દૂર
આવેલા ગૃહઉધોગ સ્ટોરમાં નાસ્તો લેવા ગયાં. આ બધામાં બે કલાક તો સહેજે થઈ ગયા. છતાં
બેંકમાં પાવર સપ્લાય ચાલુ નહોતો થયો, તે
જાણીને મને ઘણી નવાઈ લાગી. બેન્કની આ બ્રાન્ચ મોટી અને પ્રખ્યાત હતી, છતાં એમાં પણ આવી સમસ્યા આવી શકે, તો પછી
આપણા આવડા મોટા ભારતદેશમાં નાનીમોટી સમસ્યાઓ આવે તો એને સ્વાભાવિક ગણીને આપણે
-પ્રજાજનોએ આટલો બધો ઉહાપોહ શા માટે કરવો જોઈએ, ખરું કે
નહીં ?
‘હીરો ઘોઘે જઇ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો’ જેવી
લાગણી સાથે હું વીલા મોંએ ઘરે આવી. કપડાં બદલી
નાખ્યાં અને મેકઅપ પણ ધોઈ નાખ્યો.
બીજે
દિવસે બેંકમાં ફોન કરીને ‘ઇલેક્ટ્રિસિટી છે’, અને ‘આધારકાર્ડ માટેનું સર્વર પણ ચાલે છે’ તેની ખાતરી
કરી. ફરીવાર હું સજીધજીને અને પતિદેવ સાદાઈથી તૈયાર થઈને બેંકમાં ગયાં. એક સિનિયર
સીટીઝન ઓલરેડી આધારકાર્ડની પ્રોસેસ માટે બેઠા હતા. એમનું કામ પૂરું થયા પછી પણ
બેન્ક કર્મચારી બહેન સાથે સવાલ-જવાબમાં એમણે અર્ધો કલાક ખપાવ્યો. બહેનનાં મોં પર
કંટાળાનાં ભાવ વર્તાતા હતાં. મને ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે યંગસ્ટર્સ સિનિયર
સીટીઝનથી શા માટે દૂર ભાગે છે.
છેવટે
એ ગુંદરિયા ભાઈ મેનેજરની કેબિનમાં ગયા અને મારો વારો આવ્યો. મેં જૂનું આધાર કાર્ડ આપતાં કહ્યું,
‘મારે નવું આધાર કાર્ડ જોઈએ છે જેમાં ફોટો જોઈને
લોકોને ખબર પડે કે આ ફોટામાં જે બેન છે એ હું જ છું.’
એણે
સ્માઇલ કરીને પ્રોસીજર શરૂ કરી. દૂરબીન જેવું એક ડબ્બુ જેમાં ફક્ત બે આંખો જ સમાઈ
શકે, એ મારાં ચહેરા પર મૂક્યું અને બંને આંખો
પહોળી કરવા કહ્યું. મેં એ પ્રમાણે કર્યું પણ એનાથી એને સંતોષ ન થયો. એણે કહ્યું, ‘આંખો હજી પહોળી કરો.’
‘મારી સામે ડોળા કાઢતી હોય એમ આ મશીનમાં જો.’ પતિદેવ
બોલ્યા. મેં એમ કર્યું અને તરત જ એમાં સફળતા મળી. ડોળા
કાઢવાનું કામ તો સારી રીતે પતી ગયું.
પછી
એણે ફિંગરપ્રિન્ટ લેવા માટે બીજા એક મશીનની સ્ક્રીન પર મારા ડાબા હાથની ચારે
આંગળીઓ મુકાવી. ઇમેજ બરાબર ન આવતી હોવાથી એણે પોતાનાં હાથેથી મારી આંગળીઓ સ્ક્રીન
પર જોરથી દબાવી. તે છતાં જોઈએ એવી પ્રિન્ટ ન આવી. એટલે મારાં જમણા હાથની ચારે
આંગળીઓ મુકાવી, તો પણ ઇમેજ ન આવી. એટલે સેનિટાઇઝરથી હાથ સાફ
કરાવીને ફરીવાર ટ્રાય કરી, છતાં મારી ફિંગરપ્રિન્ટ ન
આવી.
મેં
કહ્યું, ‘તમે ફિંગરપ્રિન્ટ લેવાનું
માંડી વાળો, મારો ફોટો લઈ લો. મારે તો ફક્ત ફોટો સરખો
આવશે તો પણ ચાલશે.’
એણે
લાચારી વ્યક્ત કરતાં કહ્યું,‘જ્યાં સુધી ફિંગરપ્રિન્ટ
બરાબર ન આવે ત્યાં સુધી પ્રોસેસ આગળ ન થઈ શકે.’ પછી ઉમેર્યું, ‘મોટી ઉમ્મરે ફિંગરટિપ્સ ઘસાઈ જવાનાં
કારણે કોઈવાર આવો પ્રોબ્લેમ આવી શકે.’ આ સાંભળતાં જ ‘એક તો મારી ઉમ્મર મોટી થઈ ગઈ છે, ઉપરથી મારી
ફિંગરટિપ્સ ઘસાઈ ગઈ છે’ એ બંને વાતનો મને આઘાત લાગ્યો.
પછી
મને એક મજાકીયા વિચાર આવ્યો, ‘હવે હું મારા આ હાથો
વડે કોઈ ગુનો કરું તો પોલીસ મને ફિંગરપ્રિન્ટનાં આધારે પકડી ન શકે.’
‘લે મારું
ગળું. એ દબાવી એનાથી શરૂઆત કર.’ પતિદેવે મારો વિચાર
જાણી પ્રોત્સાહન આપતાં કહ્યું.
પણ
હવે- ‘બહોત ગઈ ઔર થોડી
રહી’ એવા જિંદગીનાં પડાવ પર આવીને, ઘસાયેલી ફિંગરપ્રિન્ટનો ફાયદો લેવા હું એક
નખશિખ ‘સન્નારી’, એક ‘દુન્નારી’ એટલે કે ‘ક્રિમિનલ’ શું કામ બનું ? આધારકાર્ડ બાબતે મને
નિરાશ થયેલી જોઈને બેંક કર્મચારીએ આશ્વાસન આપતાં કહ્યું, ‘તમે કોઈપણ સીવિક સેન્ટર પર જઈને આધારકાર્ડ કઢાવી શકશો.’
‘ચાલો ફરી પાછા સ્ટાર બજાર’ મેં કહ્યું અને પતિદેવ ભડક્યા,
‘કાલે તો ત્યાં જઈને કલ્લાક કાઢી આવ્યા. હજી શું લેવાનું બાકી રહી ગયું ? હવે હું ત્યાં નથી આવવાનો’
‘સ્ટારબજાર એટલે એકઝેટ સ્ટારબજારમાં નથી જવાનું. એની સામે સિવિક સેન્ટર આવેલું છે, ત્યાં જઈએ એમ કહું છું.’
‘તો એમ બોલને. તું તો મને ગભરાવી મૂકે છે.’
કોઈને
પણ ગભરાવવાનું મને ગમતું નથી. પણ માત્ર ગેરસમજનાં કારણે કોઈ ગભરાઈ જાય તો એમાં હું
શું કરી શકું ? અમે સિવિક સેન્ટરમાં ગયાં. ‘હું આધાર કાર્ડ માટે આવી છું’ તે જાણીને
એ વિભાગમાં ફોર્મ આપવા બેઠેલા ભાઈએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ‘ટોકન લેવાનો સમય સવારે ૧૦ થી ૧૨ નો જ છે, અને
અત્યારે સાંજના પાંચ થવા આવ્યા છે’
‘મારું આજનું તૈયાર થયેલું પણ નકામું જશે ?’ એ વિચારે મેં એમને વિનંતી કરતાં પૂછ્યું, ‘ટોકન
વગર ફોર્મ ન મળે ? અમે દૂરથી આવ્યાં છીએ અને સિનિયર
સીટીઝન પણ છીએ’
‘અહીં આવનારાઓ માં મોટે ભાગેનાં સિનિયર સિટીઝન જ હોય છે.’ એમનો બોલવાનો ટોન સાંભળીને મને લાગ્યું કે આ ભાઈ પણ સિનિયર સીટીઝન્સથી
કંટાળેલા લાગે છે. મારું પડી ગયેલું મોં જોઈને એમને દયા આવી હશે, એટલે અંદર બેઠેલા એક ભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘એ ઓફિસરને પૂછી જુઓ, જો એ હા પાડે તો ફોર્મ આપું.’
મેં
આશાભર્યા અવાજે ઓફિસરને પૂછી જોયું, એમણે કડક
અવાજે કહ્યું, ‘ફોર્મ લઈ
લો, પણ કલાક બેસવું પડશે. અને એ પછી પણ વારો નહીં આવે
તો કાલે પાછું પણ આવવું પડે, પછી કહેતાં નહીં કે મેં
તમને કહ્યું નહોતું.’
‘ભલે, નહીં કહીએ.’ ‘કાલે પાછું તૈયાર થઈને આવવું એ કરતાં આજે મોડે મોડે પણ કામ થઈ જતું હોય તો
પતાવી દઈએ’ એવું મને લાગ્યું. એટલે ફોર્મ ભરીને મારો
વારો આવે એની રાહ જોતી હું ખુરશીમાં બેઠી. તે વખતે મારાં માટે મને એક કહેવત યાદ
આવી, ‘ગરજવાનને અક્કલ ન હોય’ મોબાઈલનાં વધારે પડતાં ઉપયોગ માટે કાયમ ટોકતી એવી મેં આજે કંટાળેલા પતિદેવને મોબાઇલમાં ગેમ રમીને ‘ટાઈમ પાસ’ કરવાનું કહ્યું.
છેવટે
મારો વારો આવ્યો. ફરીથી મશીનમાં જોઈને મેં ડોળા કાઢવાની પ્રોસેસ કરી. પહેલાં
પ્રેકટિસ કરેલી એટલે એ કામ તો સારી રીતે થઈ ગયું. પછી વારો આવ્યો ફોટો પાડવાનો. કંટાળેલી હોવા છતાં મેં સ્માઇલ
આપ્યું એટલે ફોટો તો સારો આવ્યો, તૈયાર થવાની
મહેનત એળે ન ગઈ એટલું બસ. પછી વારો આવ્યો ચાર આંગળીઓની ફિંગરપ્રિન્ટ લેવાનો. ડાબા
હાથની આંગળીઓએ તો ત્યાં પણ સહકાર ન આપ્યો. બંને હાથના અંગૂઠા તો હડતાલ પર જ ઉતરેલા
હશે એટલે એમણે જરાપણ મચક ન આપી. એ તો ભલું થજો જમણા હાથનું કે એની ફિંગરપ્રિન્ટ
બરાબર આવી અને એનાથી કામ ચાલી ગયું. મારૂ નવું
આધાર કાર્ડ તૈયાર થઈને આવી ગયું.
આ
ઘટના નાં થોડા સમય પછી ‘દિવાળી’ પ્રસંગે અમારે અમારા
નાના દીકરા પાસે મસ્કત (ઑમાન) જવાનું
થયું. ત્યાં ઇમિગ્રેશન ઓફિસરે બાયોમેટ્રિક ટેસ્ટ માટે મશીન પર હાથ મૂકવાનું
કહ્યું. ઘભરાટમાં ડાબો હાથ મુકાઇ ગયો. પછી યાદ આવ્યું કે ‘એની
ફિંગરપ્રિન્ટ તો ઘસાઈ ગઈ છે’ હું હાથ બદલીને જમણો હાથ મૂકું
તે પહેલાં મારો પાસપોર્ટ જોઈને એમણે પુછ્યું,
‘ફ્રોમ ઈન્ડિયા ?’
‘યસ યસ’ મેં કહ્યું.
‘યુ મે ગો’ કહીને પાસપોર્ટમાં સિક્કો
મારીને એમણે એમનાં દેશમાં જવાનો દરવાજો મને ખોલી આપ્યો.
‘ફિંગરપ્રિન્ટકી તો ઐસી કી તૈસી, મેરા ભારત મહાન’ એવું મનોમન બોલીને હું ગૌરવપૂર્વક વિદેશમાં પ્રવેશી ગઈ. અને
બાળકો સાથે અમારી દિવાળી તો મજાની ગઈ॰
વાચક
મિત્રો.
તમારી
સૌની દિવાળી પણ સરસ મજાની જાય એ માટે અનેક
અનેક શુભેચ્છાઓ ! અને નુતન વર્ષના અભિનંદન !
(વિશ્વકર્મા વિશ્વ - દીપોત્સવી વિશેષાંક - ૨૦૨૫ માં પ્રકાશિત હાસ્યલેખ)
No comments:
Post a Comment