Tuesday 8 March 2016

સ્ત્રી સ્વાતંત્ર્ય.

સ્ત્રી સ્વાતંત્ર્ય.       પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

લીલી: અલી ચંપા, તેં સાંભળ્યું, લોકો ચંદ્ર પર જઈ આવ્યા?
ચંપા: હા બહેન, સાંભળ્યું તો ખરું, પણ શું કરીએ, આપણને ઘરકામમાંથી ફુરસદ મળે તો ક્યાંક જઈએ ને?

સ્ત્રી સ્વાતંત્ર્ય ના આજના યુગમાં સ્ત્રીઓ દ્વારા થતી આવી વાતચીત સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો. એક લેખિકા તરીકે મારે કલમ નામનું શસ્ત્ર ઉઠાવીને ઘરકામની ગુલામીમા સબડતી આવી અનેક સ્ત્રીઓને મુક્તિ અપાવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા સમજાવવો જોઈએ. પણ એ માટે મારે શું કરવું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલને હિટલરના હુમલાથી પણ નહોતી થઈ એવી ચિંતા મને આ ગુલામીમાં સબડતી સ્ત્રીઓને માટે થઈ.

શું કરવું?  શું કરવું?’ ના મનોમંથનમાં હું ડૂબી હતી. ત્યાં જ રણમાં મીઠી વીરડી જેવા એક સમાચાર મને ન્યૂઝ પેપરમાં વાંચવા મળ્યા. એક પ્રખ્યાત લેખકના પુસ્તક, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા નો રીવ્યૂ એમાં છપાયો હતો. જે વાંચીને મારું રોમે રોમ પુલકિત થઈ ઊઠ્યું, હું ખુશીથી નાચી ઊઠી અને અત્યંત પ્રોત્સાહિત થઈ ગઈ. ટ્રેલર આટલું સરસ છે,  તો ફિલ્મ કેટલી અસરકારક હશે! એ વિચારે પ્રેરિત થઈ, મારી અતિ પ્રિય એવી બપોરની ઊંઘ છોડીને, અમદાવાદના ઉનાળાના ભડભડતા તાપમાં હું એ પુસ્તક ખરીદવા  માર્કેટમાં આવેલી દુકાનમાં ગઈ.  

ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં પુસ્તકો ખરીદવા કરતાં, લેખકો પાસેથી માંગી લાવીને અથવા લાઈબ્રેરી માંથી લાવીને વાંચવાનો રિવાજ છે. છતાંય પુરુષોની ગુલામીમાં સબડતી મારી વહાલી બહેનો માટે, હું એ રિવાજ ભંગ કરીને, પુસ્તક સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  ખરીદીને લઈ આવી. આ પુસ્તકની સાઈઝ અત્યંત દળદાર હતી. છતાંય કૂલીની કે કોઈની ય મદદ વિના, હું જાતે પોતે એ પુસ્તક ઊંચકીને ઘરે લઈ આવી.

ઘરે આવ્યા પછી મને થયું,’ લાવ પહેલા જરા આરામ કરી લઉં અને પછી નિરાંતે  પુસ્તક વાંચીશ. હવે ઘરમાં જ આવ્યું છે તો ક્યાં નાસી જવાનું છે  પરંતુ પછી મારામાં રહેલી એક જાગૃત સ્ત્રીએ મને લલકારી ને યાદ કરાવ્યું, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તેથી આરામ હરામ કરીને હું એ પુસ્તક લઈને વાંચવા બેઠી. પુસ્તક ઉઘાડીને જોયું તો પ્રસ્તાવનાના પચાસ પાના! પ્રસ્તાવના તો ન વાંચીએ તો પણ ચાલે,  એ વાંચવી જરૂરી?’  એવો પ્રશ્ન મારા મને કર્યો.

પણ હું પાછી નિડર કવિ નર્મદના ગામ સુરતની હોવાથી કવિશ્રી કહી ગયેલા તે વાત, ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું યાદ આવી. એટલે છેવટે હતી એટલી હિંમત ભેગી કરીને મેં પુસ્તક, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  વાંચવાનું શરુ કર્યું. જેમ જેમ હું એ પુસ્તક વાંચતી ગઈ તેમ તેમ મારી આંખ ઊઘડતી ગઈ. આમ તો હું ઉઘાડી આંખે જ પુસ્તક વાંચતી હતી, પણ મારા કહેવાનો મતલબ એ કે પુસ્તક વાંચીને મારો અંતરાત્મા જાગી ઊઠ્યો. મેં એનો અમલ કરવાનું નક્કી કર્યું. 

મેં મારી તમામ ઉદાસી ખંખેરી નાંખી અને નવા અભિગમ સાથે જીવવાનો નિર્ણય લીધો. એ દિવસે સાંજથી જ મેં સ્ત્રી સ્વાતંત્ર્ય અભિયાન શરૂ  કરી દીધું. મારા પતિને જરા પણ ન ગમતી, પરંતુ મને ગમતી એવી મોરપિંછ રંગની સાડી મેં પહેરી. એ ઓફિસેથી આવ્યા ત્યારે હંમેશ મુજબ જાતે દરવાજો ખોલવા જવાને બદલે, મેં મારા દિકરાને મોકલ્યો. એ ઘરમાં આવ્યા ત્યારે ન તો મેં હંમેશનું સ્મિત ફરકાવ્યું, કે ન તો પાણીનો ગ્લાસ એમને ધર્યો.

મારી સામે આવીને એમણે પૂછ્યું, તબિયત ઠીક નથી?’ મેં જરા રૂક્ષતાથી કહ્યું, ઠીક છે. એમણે લાગણીસભર અવાજે પૂછ્યું, પિયરમાં કોઈ માંદુ છે?’ મેં એકાક્ષરી જવાબ આપ્યો, ના. પછી એમની નજર ત્યાં ટેબલ પર પડેલા પુસ્તક સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  પર પડી અને વધુ કંઇ જ ન કહેતાં તેઓ કપડા બદલવા જતા રહ્યા. પુસ્તકનો આવો અસરકારક  પ્રભાવ જોઈ હું ખુશ થઈ. બીજે દિવસે મારી ફ્રેન્ડ જૈમિનીને એ પુસ્તક વાંચવા આપ્યું, જેથી સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા એને પણ  સમજાય અને એ બાબતમાં એ પણ કંઈ વિચારે અને અમલમાં મૂકે,  તો એનો પણ જન્મારો થોડો સુધરે.

પુસ્તક વાંચીને જૈમિની તો એવી પ્રભાવિત થઈ કે, એણે મને કહ્યું, અરેરેરે! આ પુસ્તક મને પહેલાં કેમ ન મળ્યું? મારી તો આટલી જિંદગી એળે જ ગઈ ને? પણ ઠીક છે, હવે હું મારી રીતે જીવીશ. એણે  એ દિવસે એના પતિને પૂછ્યું,” અમને  સ્રીઓને અમારા ઘરકામના બદલામાં પૈસા કેમ નથી મળતાં?’  એના પતિ વિનોદરાયે કહ્યું, તમારા ખર્ચા જ એટલા બધા હોય છે કે ગણવા બેસીએ તો અમારે પુરુષોને પૈસા લેવાના થાય. 

જૈમિનીએ મક્કમ પણે નિર્ણય લીધો અને એના પતિની ઘણી વિનવણી છતાં, હવે હું તમારી ગુલામી વધુ સમય સહન કરવા નથી માંગતી કહીને એ પોતાના પાંચ વર્ષના પુત્ર હર્ષને લઈને  પિયર ચાલી ગઈ. જૈમિનીના પિયરથી હર્ષની સ્કુલ ઘણી દૂર પડતી હોવાથી, નિયમિત પણે લેવા આવતા સ્કુલવાન વાળાએ આવવાની ના પડી દીધી.

જૈમિની આ બાબતથી થોડી મૂંઝાઈ, પણ સ્ત્રી સ્વાતંત્ર્યના અડગ નિર્ણયના કારણે એણે બીજા રિક્ષાવાળાને ડબલ પૈસા આપવાના ઠરાવીને નક્કી કરી લીધો. એના પતિ વિનોદરાય રસોઈ કળામાં માહેર ન હોવાથી સવારે રેસ્ટોરન્ટમાં અને સાંજે  લૉ ગાર્ડનની લારીઓ પર જમવા લાગ્યા. પંદર દિવસમાં એમને એટલી બધી એસિડિટી થઈ ગઈ કે ડોક્ટરને કન્સલ્ટ  કરવા પડ્યા અને દવા ચાલુ કરી. જૈમિનીએ વિનોદરાયની કોઈ પણ વાત સાંભળવાની ના પાડી ત્યારે વિનોદરાયે એના મા બાપને વાત કરી જૈમિનીને સમજાવીને ઘરે મોકલવા જણાવ્યું.


પોતાના મા બાપની વિનવણીથી અને પતિની આવી હાલત જોઈને  જૈમિની પીગળી અને પોતાના ઘરે પાછી ફરી. હિસાબ કર્યો તો રિક્ષાના, બહાર જમવાના અને ડૉક્ટરના મળીને સાડા સાત હજાર રૂપિયા ખર્ચાઈ ગયા હતા. સ્ત્રી સ્વાતંત્ર્ય એમ કંઈ સસ્તામાં થોડું જ મળે?  વિનોદરાય બીજા જ દિવસે એ પુસ્તક, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા  અમારા ઘરે આવીને સોફામાં ફગાવીને જતા રહ્યાં. 

No comments:

Post a Comment