Saturday 26 March 2016

મર્સી કિલિંગ.

મર્સી કિલિંગ.         પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

પોલીસ: અબે એય બદમાશ, ચલ નીચે ઉતર,  ક્યા કરતા હૈ?  
રાહદારી: કુછ નહીં, કુછ નહીં સાબ.
પોલીસ: કુછ નહીં કે બચ્ચે, મૈં અંધા હૂં ક્યા? તાલાબ કી દિવાર કે ઉપર ક્યું ચઢા થા?
રાહદારી: યૂં હી ... ઐસે હી... ઘુમ રહા થા,  સાબ.
પોલીસ: ઘૂમને કે લિયે તેરે બાપ કે બગીચે કમ પડ ગયે થે જો તાલાબ કી દિવાર પે ઘૂમને કે લિયે ચઢ ગયા? તાલાબ મેં કૂદ કે મરને કા ઈરાદા હૈ ક્યા?
રાહદારી: નહીં સા, મૈં ક્યું મરુંગા?
પોલીસ:  અબે, તૂ તો મરેગા હી, સાથમેં મુઝે ભી મરવાયેગા. તૂ મરેગા તો મેરી નોકરી ચલી જાયેગી, મેરે બીવી બચ્ચે ભૂખે મર જાયેંગે. ચલ ગધે –   ચલ પુલીસથાને- વહીં જેલમેં મરના.
રાહદારી: ભૂલ હો ગઈ સા, માફ કર દો, જાને દો, દુબારા મરને કી બાત કભી સપને મેં ભી નહીં સોચૂંગા.
પોલીસ: ઠીક હૈ, ઈસ બાર તો જાને દેતા હૂં. દુબારા કભી ખુદકુશી કરનેકી કોશિશ  કી તો મૈં તુઝે જિંદા નહીં છોડૂંગા.
આપણા ભારત દેશમાં ખુદકુશી એટલે કે આપઘાત કરવો એ એક ગુનો ગણાય છે. તમે શાળા, કોલેજ કે જીવનની અન્ય પરીક્ષામાં નિષ્ફળ જાઓ તો બહુ બહુ તો તમારો સમય, શક્તિ અને રૂપિયા (અને ક્યારેક મા – બાપ) બગડે છે. પણ આપઘાત કરવાની પરીક્ષામાં નિષ્ફળ જાઓ તો તમે ગુનેગાર ઠરો છો, તમારા પર કાયદેસર રીતે કેસ ચલાવી શકાય છે. એ લોકોને મરતાને મારવાની મજા આવતી હશે? તમે કદાચ વાઘની બોડમાં જઈને જીવતા પાછા આવી શકો, પણ એકવાર કાયદાની ચુંગલમાં ફસાયા પછી એમાંથી છૂટવા માટે તમારે જે પ્રયત્ન અને પરિશ્રમ કરવા પડે તે કર્યા બાદ તમને એમ થયા વિના રહે નહીં કે આના કરતાં તો મરી ગયા હોત તો વધુ સારું થાત!
માણસને જે રીતે જીવવાનો હક્ક છે એ રીતે જ એને મરવાનો હક્ક પણ હોવો જોઈએ. એમાં સરકારની દખલગીરી ન હોવી જોઈએ. આપઘાત ને ગુનો ગણવાને બદલે પરાક્રમ ગણવું જોઈએ. અને તેથી જ આપઘાત કરનારને – જો એ જીવી જાય તો એને પોતાને, અને મરી જાય તો એના વતી એના સગા વહાલાઓને પરમ આપઘાત વીર ચક્ર એનાયત કરવું જોઈએ. જેથી અન્ય લોકોને આ દિશામાં આગળ વધવાનું બળ અને પ્રોત્સાહન મળી રહે. ભારત દેશની વસ્તી વધારાના ફણીધરને નાથવાના ઉપાયોમાંથી આ એક સરળ અને આવકાર દાયક ઉપાય છે.
ઓસ્ટ્રેલિયામાં તો મરવા માંગનાર વ્યક્તિને મર્સી કિલિંગ માટે મશીનની સગવડ પૂરી પાડવામાં આવે છે. એક મશીનમાં ‘YES’ અ‍ને  ‘NO’ ના બે બટન હોય છે. એની સામે બેસીને તમે ‘YES’ નું બટન દબાવો એટલે તમારું કામ તમામ થઈ જાય.( આપણે ત્યાં જોકે લગ્નના ઉમેદવારને આવી સગવડ મળે છે ખરી)
માની લો કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ મર્સી કિલિંગનો કાયદો માન્ય ગણાતો થાય તો  શું થાય?
-હાય ડેડ,  -મીતેષ.
-શું થયું દિકરા, કેમ હાય હાય કરે છે? – ભગુભાઈ.
-પપ્પા, હું તો તમને પૂછતો હતો કે તમે કેમ છો?
-બસ બેટા, હવે તો ભગવાન ક્યારે ઉપાડી લે તેની રાહ જોઉં છું.
-એના માટે ભગવાન પર ભરોસો રાખીને બેસવાથી કંઈ વળે નહીં. મર્સી કિલિંગ ઓફિસરનો સંપર્ક કરો ડેડ.
-મર્સી કિલિંગ ઓફિસર? એ વળી કઈ બલાનું નામ છે?
-એ છે દેવદૂત, હું  કાલે એની એપોઇન્ટ્મેટ લઈને તમને એની ઓફિસમાં લઈ જઇશ.  
એક મર્સી કિલિંગ ઓફિસનું દ્રશ્ય:
ડૉક્ટર કાતિલ: આવો આવો સર, ભલે પધાર્યા.
ભગુભાઈ:  મીતુ, આ તો આપણું સ્વાગત એ રીતે કરે છે જાણે વેવાઈ પધાર્યા હોય.
ડૉક્ટર કાતિલ: અમારે મન અમારા ક્લાયન્ટ વેવાઈથી કમ નથી. બોલો તમારી શી સેવા કરું?
મીતેષ: અમે મર્સી કિલિંગ વિશે જાણકારી લેવા આવ્યા છીયે.
ડૉક્ટર કાતિલ: ગુડ, વેરી ગુડ. તમારા જેવા જુવાનિયાઓ થી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા બુઢ્ઢાઓ અમારી સેવા લેવા ઉત્સુક છે. બેસો, તમારું નામ વેઇટિંગ લીસ્ટ માં લખી લઉં.
મીતેષ: રેલ્વેની  જેમ અહીં પણ વેઇટિંગ લીસ્ટ? કન્ફર્મ નંબર જોઈતો હોય તો શું કરવાનું?
ડૉક્ટર કાતિલ: કન્ફર્મ નંબર જોઈતો હોય તો તત્કાલ માં ઓન આપીને નંબર કઢાવી શકાય.
ભગુભાઈ: આમાંય પાછો ભ્રષ્ટાચાર?
મીતેષ: ઓહ ડેડ ! આને ભ્રષ્ટાચાર ન કહેવાય, કમ્ફર્ટ કહેવાય.
ભગુભાઈ: પણ જેની પાસે પૈસાની સગવડ ન હોય તે શું કરે?
ડૉક્ટર કાતિલ: સરકારી કર્મચારીઓ માટે સરકારે ઈચ્છામૃત્યુ પેંશન યોજના બહાર પાડી છે. બાકીનાઓને ખાનગી કંપનીઓ લોન આપે છે.
ભગુભાઈ: અને પછી એ લોન ભરપાઈ કોણ કરે, મરનારનો બાપ?
ડૉક્ટર કાતિલ: બાપ કરે કે દિકરો, એની સાથે અમને નિસ્બત નથી. અમારે તો અમારો કસ્ટમર ખુશીથી અને શાંતિથી મરે એ જ જોવાનું. લો આ ફોર્મ ભરો. તમે કયા પ્રકારનું મોત ઈચ્છો છો તે લખો.પાણીમાં ડૂબીને, આગમાં ઝંપલાવીને, હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી પડતું મૂકીને, ખાવામાં ઝેર ખાઈને, વેક્યૂમ ઈંજેક્શનથી, રિવોલ્વરની ગોળીથી, તલવારની ધારથી, ખંજરની અણીથી, વાહન નીચે એક્સિડન્ટથી, આત્કવાદીઓના જુલમથી, બોમ્બ બ્લાસ્ટ્થી કે પછી...
ભગુભાઈ: બસ કરો ડૉક્ટર, મારો જીવ ચૂંથાય છે.
ડૉક્ટર કાતિલ: આવા સખત મૃત્યુથી ન મરવું હોય તો અમારી પાસે સોફ્ટ રસ્તાઓ પણ છે. અમે તમને કવિની કવિતાઓ કે હાસ્યલેખકોના લેખો સંભળાવીને  શાંત મૃત્યુ પણ આપી શકીએ છીએ. બીજા ખાનામાં લખો – તમે મરણ માટે કયું સ્થળ પસંદ કરશો. આ દેશ કે પરદેશ? ધાર્મિક સ્થળ કે હિલ સ્ટેશન? નદી કિનારો કે દરિયા કિનારો? વળી તે સ્થળે જવા તમે કયું વાહન પસંદ કરશો, કાર, બસ, ટ્રેન કે પ્લેન? ત્યાં રહેવા માટે કેવી હોટલ પસંદ કરશો, સાદી, ટુ સ્ટાર, થ્રી સ્ટાર, ફાઈવ્સ્ટાર કે પછી કોઈ ધર્મશાળા? ગેસ્ટહાઉસ અને મેદાનમાં તંબુમાં રહેવાની પણ અમે સગવડ આપીએ છીએ. ટુંકમાં અમે અમારા કસ્ટમરની લગભગ તમામ ઈચ્છાઓ પૂર્ણ કરીએ છીએ.
ભગુભાઈ: એ બધું તો ઠીક, પણ આ બધો ખર્ચ કોણ ભોગવે?
ડૉક્ટર કાતિલ: ઓફકોર્સ, મરનાર જ વળી.
ભગુભાઈ: તો તો મરવાનું પણ મોંઘું થયું ભાઈ.
ડૉક્ટર કાતિલ: સાથે સાથે મરવાનું મજાનું પણ થયું કે નહીં?
ભગુભાઈ:મરવાનું તે કોઈ દિવસ મજાનું લાગતું હશે?
ડૉક્ટર કાતિલ: એકવાર તમે અમારા હાથે મરી તો જુઓ, પછી તમે બીજે ક્યાંય નહીં જાવ. આઈમીન- તમારા દિકરા અને દિકરાના દિકરા પણ મરવા માટે અમારે ત્યાં જ આવશે.
મીતેષ: ટુંકમાં તમે અમારા ફેમિલી મર્સી કિલર બની જશો.
ડૉક્ટર કાતિલ: હા. મર્યા બાદ પણ અમે તમને અમારી સેવા આપીશું. તમારા મૃતદેહને દાટવા કે બાળવા,  સાદા લાકડાથી કે ચંદનના લાકડાથી બાળવા, કે પછી ઈલેક્ટ્રીક ભાઠ્ઠીમાં બાળવા, એ વિધિ કોના હાથે કરાવવી, કોને કોને આ વિધિમાં આમંત્રિત કરવા, આમંત્રિતો માટે હાઈટી કે લંચ કે ડિનર રાખવું, એનું મેનૂ શું રાખવું, વગેરે બધું જ તમારી ઈચ્છા પ્રમણે અમે ગોઠવી આપીશું.
મીતેષ:આ સિવાય બીજું કંઈ?
ડૉક્ટર કાતિલ: મરનારને જો કોઈ શખ્શ પર વેર વાળવાનું બાકી રહી જતું હોય તો અમારા માણસો એ કસર પણ પૂરી કરી આપશે. કોઈ પાસે  પૈસાની ઉઘરાણી બાકી રહી જતી હોય તો તે પણ અમે પતાવી આપીશું. જો કે આવી સેવાઓનો એક્સટ્રા ચાર્જ થશે. પણ અમારી સેવાઓમાં કંઈ જ કહેવાપણું નહીં રહે. અમારે મન તો ગ્રાહક નો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ આવતા વર્ષે તો અમને આ ક્ષેત્રમાં ગોલ્ડમેડલ મળવાની શક્યતા પણ છે.
મીતેષ: All the Best.
ડૉક્ટર કાતિલ: થેક્યૂ! તમે બીજા પાંચ ક્લાયન્ટ લઈ આવો તો તમને અમારી  ફીમાં વીસ ટકા ડીસ્કાઉન્ટ પણ મળશે.
ભગુભાઈ: ભલે, અમે વિચાર કરીને જણાવીશું.
ડૉક્ટર કાતિલ: જેમ બને એમ જલ્દી જણાવજો. નહીંતર વેઇટિંગ લીસ્ટ્માં તમારો નંબર પાછળ જતો રહેશે તો તમારે મરવા માટે ઘણી પ્રતિક્ષા કરવી પડશે.
ભગુભાઈ: ભલે, ચાલ મીતેષ. હવે તો નિરાંતે એમ પણ નહી બોલી શકાશે કે હે ભગવન! મને ઉપાડી લે.



2 comments:

  1. વાહ પલ્લવીબેન, હાસ્ય લેખ માટે કેવો મજાનો વિષય શોધી કાઢ્યો છે !

    આ લેખ વાંચી કોઈને મરવાનું મન થઇ જાય તો નવાઈ નહિ ! એનો યશ તમને જરૂર મળશે ! હા... હા... હા... !!!

    ReplyDelete
    Replies
    1. વિનોદભાઈ તમારો અભાર! પણ વાંચીને લોકો મરશે તો મને યશ નહીં અપયશ મળશે. :) સૌ વાચકો ઘણું જીવો અને મસ્ત રહો એવી શુભકામના!

      Delete