Sunday 20 March 2016

ઈનામી સ્પર્ધાઓ.

ઈનામી સ્પર્ધાઓ.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

-મીતા, જમવાનું તૈયાર છે?
-દસ પંદર મિનિટ થોભો, મીતેષ.
-પણ મારે ઓફિસે જવાનું મોડું થાય છે.
-પ્લીઝ મીતેષ, માત્ર દસ મિનિટ?
-ઓકે, પણ અત્યારે સવારના પહોરમાં એવું તે શું અગત્યનું કામ કરી રહી છે તું?
-આ ન્યૂઝપેપરના ઈનામી સ્પર્ધાના જવાબ લખી રહી છું.
-પણ એ બધા તો કામકાજમાંથી પરવારીને બપોરના તારા આરામના સમયમાં પણ કરી શકાય ને?
-ચોક્કસ કરી શકાય અને કાયમ હું એમ જ કરું છું. પણ આજે આ સ્પર્ધાનો ફોર્મ મોકલવાનો છેલ્લો દિવસ છે, એટલે લખીને તમને આપી દઉં તો તમારી ઓફિસમાંથી માણસ ન્યૂઝ્પેપરની ઓફિસમાં જઈને આપી આવે ને?
-તો છેલ્લી ઘડી સુધી બેસી શા માટે રહી? આવા કામ થોડા વહેલા કરી દેવા જોઈએ ને?
-આમ અકળાઈ શું જાવ છો મીતેષ? દર વખતે તો હું બીજા કે ત્રીજા જ દિવસે જવાબો લખીને રવાના કરી દઊં છું. પણ આ વખતે સ્પર્ધા અઘરી હતી અને એક સવાલનો જવાબ નહોતો આવડતો એટલે રહી ગયું.
-તો પડતું મૂકવું તું ને આવું કામ? એક વખત જવાબ ન મોકલે તો શું રહી ગયા?
-એ વાત તો બરાબર, પણ  નસીબ જોગે આપણને કદાચ આ વખતે જ ઈનામ મળી જાય તો?  મેં તો આપણા પડોશમાં મોનાબહેનને પણ પૂછ્યું હતું, પણ એમણે જવાબ ન કહ્યો.
-એમને જવાબ નહીં આવડતો હોય.
-અરે એવું તે કંઈ હોતું હશે? રાત્રે જ મેં એમને એમના પતિ મનીષભાઈને સવાલ પૂછતા જોયાં હતાં, અને સવારે એમના દિકરાને કવર લઈને બહાર જતો પણ મેં જોયો ને.
-જબરી જાસૂસી કરે છે તું તો. ડિટેકટીવ તરીકે ઓફિસ ખોલે તો ધમધોકાર ચાલે. બોલ છે વિચાર?
-મારે કંઈ ઓફિસ બોફિસ નથી ખોલવી.આવી થોડી ઈનામી સ્પર્ધામાં નંબર લાગી જાય અને ઈનામ જીતીને તમને થોડી મદદરૂપ થાઉં તો પણ ઘણું.
-પણ હાલ તો તું  મને ઓફિસે સમયસર  જવામાં મદદરૂપ થાય તો સારું,  મારે મોડું થાય છે. તું જવાબ પછી કોઈ બીજાને પૂછી જોજે.
-મેં પિયર ફોન કરીને મારા ભાઈને જવાબ પૂછી લીધો છે.
-ઓહ! આવા નકામા કામ માટે STD ફોનના ખર્ચા કરાતા હશે?
-નકામું કામ? અરે નંબર લાગી જાય તો પૂરા હજાર રૂપિયાનું ઇનામ મળશે.
-બહુ ખુશ ન થઈ જા. તારા જેવા તો લાખો લોકો આવા ફોર્મ ભરીને મોકલતા હશે. એ લોકો કોને કોને ઈનામ આપે? ઘણી તો સ્પર્ધા જ બોગસ હોય છે.
-હું તમને કમાણી કરવામાં મદદરૂપ થવા ઈચ્છું છું પણ તમને તો કોઈ કદર જ નથી, કોઈ જાતનો ઉત્સાહ જ નથી.
-ઓફિસે જવાનું મોડું થતું હોય ત્યારે કયા પુરુષને આવી વાતે ઉત્સાહ જાગે?
-ઓફિસે જાણે તમે એકલાં જ જતા હશો? આ બજુવાળા મોનાબહેનના હસબન્ડ મનીષભાઈને જુઓ. એમણે ઓફિસમાંથી અડધા દિવસની રજા લઈને મોનાબહેનને ઈનામી સ્પર્ધાની એક વાર્તાનો અંત લખી આપ્યો.
-હું એવા અંત ફંત લખવા ઓફિસમાંથી રજા લઉં ને તો મારો હિટલર બૉસ મારી નોકરીનો જ અંત લાવી દે.
-તમે તમારા બૉસથી આટલા ઘભરાઓ છો કેમ?
-કેમ, મેં કંઈ લખી આપ્યું છે કે મારે માત્ર તારાથી જ ઘભરાવું?
-દર વખતે બસ નોકરી, નોકરી અને નોકરી. આ તે નોકરી છે કે ગુલામી?
-એ આપણે પછીથી નક્કી કરીએ તો કેમ રહેશે? હાલ તો તું જમવાનું પીરસ. આપણો રીંકુ ક્યાં છે? એ  હજી જમવા કેમ ન આવ્યો?
-એ વાર્તા લખી રહ્યો છે.
-શુંઉઉઉ? રીંકુ અને વાર્તા? આવો ચમત્કાર શી રીતે થયો?
એ તો એના એક ફ્રેન્ડને વાર્તા સ્પર્ધામાં હજાર રૂપિયાનું ઈનામ મળ્યું એટલે એને જોઈને રીંકુને પણ વાર્તા લખવાનું મન થયું. આજે સવારથી રીંકુ એમાં જ બીઝી છે.
-ઓહ ગોડ ! આ ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે?
-મીતેષ પ્લીઝ, લ્યો આ કવર, તમે એના પર આ પેપરમાં લખ્યું છે તે સરનામું કરો, ત્યાં સુધીમાં હું તમારે માટે ગરમ ગરમ રોટલી ઉતારું.
-હે ભગવાન! મને તો  થાય છે કે હું આવી તમામ ઇનામી સ્પર્ધાઓ બંધ કરવા માટેનું કોઈ ઈનામ આપણા ઘરમાં જાહેર કરું.
વાચકમિત્રો! તમને નથી લાગતું કે આવી ઈનામી સ્પર્ધાઓ, આપણામાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવામાં પ્રેરક બળ પૂરું પાડે છે? તમે મારી જ વાત લ્યો ને. હાસ્યલેખિકા તરીકેની મારી કારકિર્દીની શરૂઆત જ ઈનામી સ્પર્ધાથી થયેલી. અને પ્રથમ પુસ્તક હાસ્યપલ્લવ ને સાહિત્ય અકાદમી તરફથી ઈનામ મળતાં આ કારકિર્દીને વેગ મળ્યો. માટે જ કહું છું કે ઈનામી સ્પર્ધાઓ ચાલુ રહેવી જ જોઈએ.

રમેશ: જો મનુ, આ સિલ્વરકપ મને દોડવાની સ્પર્ધામાં મળ્યો હતો.
મનુ: એમ? કેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો?
રમેશ: ત્રણ જણ. હું, આ  કપનો માલિક અને એક પોલીસ કોન્સ્ટેબલ!   






No comments:

Post a Comment