Monday 25 March 2024

 

કાયાકલ્પ ( હાસ્યલેખ) વિશ્વકર્મા વિશ્વ 27-01-2024        પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મારે  ડ્રેસ  સિવડાવવો છે.

હું મારા લેડિઝ ટેલરની દુકાનમાં એક નાનાં સ્ટૂલ પર ડ્રેસડિઝાઇનની બુક જોતી બેઠી હતી, ત્યારે એક ગોળમટોળ બહેને આવીને ટેલરમાસ્ટરને કહ્યું. એ બહેનનાં શરીરનો ઘેરાવો જોઈને દરજીના હાથમાંથી કાતર અને મારા હાથમાંથી બુક સરકીને નીચે પડ્યાં.

કેટલાં મીટર કાપડ જોઈશે ?’ કોઠીકાય બહેને અમને બાઘાં બની ગયેલાં જોઈને ભવાં તંગ કરતાં પુછ્યું.   

આઠ મીટર કાપડ જોઈશે. દરજીએ મનોમન એ બહેનનું માપ કાઢી લઈને કહ્યું.

લો, પૂરું આઠ મીટર કાપડ છે. ટાઈટ કે લુઝ, મને જે રીતનું સારું લાગે એવું ફીટીંગ કરજો

તમને તો બેમાંથી એકે ફીટીંગ સારું નહીં લાગે. મારાં મોંમાથી બહાર નીકળવા મથતાં શબ્દોને મેં પરાણે અંદર ધકેલ્યા.

શું સિલાઈ લેશો ?’ કોઠીકાય બહેનનું માપ લેવા મથી રહેલાં, કપાળે જામેલાં પ્રસ્વેદબિંદુ લૂછતા ટેલરે બહેનનાં એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, હજાર રૂપિયા થશે.  ઠીક છે, તૈયાર થઈ જાય એટલે ફૉન કરજો કહીને કોઠીકાય વટભેર વિદાઇ થઈ ગઈ.

આવો ડ્રેસ કરાવવો છે, કેટલાં મીટર કાપડ જોઈશે ?’ મેં બુકમાંથી પસંદ કરેલી એક ડિઝાઇન બતાવતાં ટેલરને પુછ્યું. કાચી સેકન્ડમાં મારું માપ કાઢી લઈને એણે કહ્યું. પાંચ મીટર. અને સિલાઈ શું થશે?’ એવા મારાં સવાલના જવાબમાં  એણે કહ્યું, સાડા સાતસો  રૂપિયા.   

કોઠીકાયનાં ડ્રેસ માટે આઠ મીટર કાપડ જોઈએ, અને મારો ડ્રેસ માત્ર પાંચ મીટર કાપડમાંથી ? કોઠીકાયનાં ડ્રેસની હજાર રૂપિયા સિલાઈ અને મારાં ડ્રેસની  માત્ર સાડા સાતસો રૂપિયા ? કોઠીકાયનાં ડ્રેસને બનતાં પંદર દિવસ લાગે અને મને માત્ર આઠ દિવસમાં ડ્રેસ બનાવી આપવાનું કહ્યું ?  તમે જ કહો હવે મને આમાં  પેલી કોઠીકાયનાં જેવી વી.આઈ.પી. ફિલિંગ્સ ક્યાંથી આવે ?

એક્સ્પ્રેસ ટ્રેન માટે લોકલ ટ્રેનને જેમ સાઈડટ્રેક કરી દેવામાં આવે, એમ હું દુકાનમાં હું પહેલાં આવી હતી છતાં મને બાજુ પર રાખીને માસ્ટરે કોઠીકાયને પહેલાં અટેન કરી. આ કારણથી ઓઝપાયેલી દશામાં હું ત્યાંથી નીકળી તો મને બાજુમાં આવેલી દુકાનનાં દરજીએ બોલાવીને ધીમા અવાજે  કહ્યું, બહેન, હું તમને પેલા કરતાં ઓછા કપડામાં અને ઓછી સિલાઈમાં ડ્રેસ કરી આપીશ, એ બદમાશ તો કપડું ખાઈ જાય છે, તમે કહો તો સાબિત કરીને બતાવું.  

મને એવી કોઈ સાબિતીમાં રસ નહોતો. કેટલાંક માણસો  પૈસાખાઉ હોય છે એવું મેં સાંભળ્યું હતું, આ ટેલર કાપડખાઉ હશે મારે શું ? જેને જે ખાવું હોય તે ખાય, મારે કોઈ ભાવ નહોતો ખાવો. પણ આ દરજીઓ આપણને આલતુ-ફાલતુ એટલે કે ઓર્ડિનરી ગ્રાહક સમજી બેસે તે  કેમ ચાલે? 

હું ત્યાંથી નીકળીને બસસ્ટોપ પર પહોંચી. ખાસ્સીવાર લાઇનમાં ઊભી રહી. ત્યાં એક ભીમકાય સજ્જન આવીને સૌથી આગળ ઊભા રહી ગયા. લોકોએ એમને લાઇનમાં પાછળ ઊભા રહેવા માટે બૂમાબૂમ કરી મૂકી. પણ એ ગોળમટોળ  સજ્જન લાઇન માટે બનાવેલી રેલિંગમાં સમાઈ શકે એવા નહોતા.

બસ આવી ત્યારે એ ભીમકાય સજ્જન રુઆબભેર બસમાં સૌથી પહેલા ચઢ્યા, અને બે જણની સીટ પર એકલા બેઠા. અમે ધક્કામુક્કી કરીને બસમાં ચઢ્યા. જો કે લાઇનમાં આગળ હોવાને કારણે બેસવા સીટ મળી ખરી. અમે બે જણની સીટ પર બે જણ બેઠાં હતા, છતાં એક પ્રોઢ બહેને અમને વિનંતી કરીને થોડાથોડા ખસીને એમને  બેસવા માટે થોડી જગ્યા કરી આપવા કહ્યું.  અમે એમને બેસવા જગ્યા તો કરી આપી, પણ મારો દુભાયેલો જીવ થોડો વધારે દુભાયો.

પેલા ભીમકાય ભાઈ મોડા આવીને બસમાં પહેલા ચઢે, બે જણની સીટ એકલા રોકીને બેસે અને આપણી સિંગલ સીટની પણ લોકોને ઈર્ષ્યા આવે તો જીવ બળે કે નહીં તમે જ કહો. મેં વિચાર્યું કે આવો અન્યાય હવે વધુવાર સહન નથી જ કરવો. ગમે તેમ કરીને આ ભૂખડીબારસ જેવો મારો દેખાવ બદલીને સમૃધ્ધિસભર ભરાવદાર દેખાવ લાવવો જ પડશે. સરગવાની સિંગ જેવી મારી સોટીકાય કાયાને ગોળમટોળ કોળા જેવી કોઠીકાય માં  પરિવર્તિત કરવી જ પડશે. અને તે જ ઘડીએ મેં મારી કાયાકલ્પ  કરવાનો દ્રઢ સંકલ્પ  કર્યો.

આ અગાઉ મેં જેટલા પણ સંકલ્પ કર્યા છે, ત્યારે સગાં-વહાલાં, ઓળખીતા-પાળખીતા કે મિત્રો, જે કોઈ મળે અને આ બાબતે વાત નીકળે (વાત નીકળે એવા પ્રયત્નો હું કરતી જ) એમને હું મારા સંકલ્પ વિશે જણાવતી. આ રીત ઉત્તમ નહોતી, કારણકે આ રીતે મારા સંકલ્પની જાણ બહુ ઓછા લોકોને થતી,એટલે હું ઓછા લોકો પાસેથી  કંઇ કરી બતાવવાની પ્રેરણા લઈ  શકતી.

પણ આ વખતે મોટા પાયે કંઇ કરી બતાવવું જોઈએ, એવા વિચારોમાં હું અટવાયેલી હતી, ત્યારે ગેસ પર મૂકેલું દૂધ ઊભરાઇ ગયું. એ ભલે ઉભરાયું પણ મને એક સોલીડ ઉપાય મળી ગયો. બે દિવસ પછી આવતી મારી વર્ષગાંઠ પર તમામ પરિચિતોને  તમારી સમક્ષ હું એક સંકલ્પ લેવાની છું. એમ જણાવીને આમંત્રણ પાઠવી દીધું.

નિયત સમયે સૌ મહેમાનો આવી ગયાં. મારો સંકલ્પ જાણવાની એમની તાલાવેલી (??)ને  હોલ્ડ પર રાખીને મેં પહેલાં કેક કટિંગ વિધિ પતાવી, પછી દરેક પ્રસંગે હોય છે એવો મહેમાનોનો મનગમતો  કાર્યક્રમ જમણવાર  પતાવ્યો. છેવટે સૌની ઉત્કંઠા ઉજાગર કરવાનો સમય, એટલે કે મારો સંકલ્પ લેવાનો સમય આવી ગયો.

મેં ખાસ હરિદ્વારથી મંગાવેલ ગંગાજળ ભરેલી ચાંદીની ઝારી લીધી, તુલસી ક્યારે જઈને હથેળીમાં જળ લઈને બધાં સાંભળે એ રીતે સંકલ્પ કર્યો, ચાહે પૃથ્વી રસાતાળ જાય, ભલે સાતે આસમાન ફાટી પડે, ભલે ભારી ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠે, આવા લાખો કરોડો વિઘ્ન આવે કે પછી ખુદ ઈશ્વર સ્વર્ગમાથી આવીને મને સમજાવે, તો પણ  હું મારો કાયાકલ્પ( સોટીકાયમાંથી પોઠીકાય થવા)નો સંકલ્પ નહીં ચૂકું.      

મારા આ સંકલ્પને ત્યાં હાજર રહેલા સૌ લોકોએ (મારાં ઘરના સભ્યો સિવાય) તાળીઓના ગગડાટથી વધાવી લીધો. મહેમાનોએ મને પૂરા દિલથી શુભેચ્છાઓ પાઠવી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન મતલબ કે કર્મ કિયે જા ફલકી ઇચ્છા મત કર હે ઇન્સાન મુજબ મેં સંકલ્પ કરવાનું મારું કામ સારી રીતે કરી લીધું એનો મને સંતોષ થયો. બસ, હવે એક જ સવાલ હતો,  જાડા થવા માટે ઉપાય શું કરવો ?’

મને મારી વર્ષગાંઠ પ્રસંગે મહેમાનો તરફથી ઢગલેબંધ સલાહ મળી હતી. એમાંની એક - ખૂબ બધા ઘી, દૂધ, માખણ, ચીઝ, મીઠાઇ  ખાવાની  સલાહ મેં પ્રથમ અમલમાં મૂકી. એનાથી હું જાડી તો ન થઈ પણ હું એ બધાથી ઉબાઈ ગઈ, મને અપચો રહેવા લાગ્યો  અને લોહીમાં કોલેસ્ટ્રોલ વધ્યું તે નફામાં. બીજી સલાહ પ્રમાણે અમુક તમુક આયુર્વેદિક દવાઓ અને કાઢા બે મહિના પીધા. એનાથી પૈસા ઓછા થયા પણ મારા શરીર પર ચરબી જરાય ન વધી. અન્ય એક સલાહ મુજબ જિમમાં જઈને બે મહિના જુદી જુદી એકસરસાઈઝ કરી પણ એનાથી પણ મારૂ શરીર એક આની પણ ન વધ્યું, ઊલટું ઘટ્યું હોય એવું મને લાગ્યું. અન્ય એક સલાહ મુજબ મેં કામકાજ છોડીને આરામ કરવાનું શરૂ કર્યું, એનાથી હું  આળસુ બની, ઘરનું શિડ્યુયલ ખોરવાઈ ગયું પણ મારો કાયાકલ્પ ન થયો.

મેં કાયાકલ્પ કરવાના સંકલ્પ માટેનાં મારા તમામ હથિયારો હેઠા મૂકી જ દીધા હતાં, ત્યાં જ એક દિવસ.....

તમારે જાડા થવું છે ?’ મારાં સંકલ્પ વિશે જાણતા, મારી સોસાયટીમાં રહેતા એક પાતળા બહેને મને પુછ્યું.

 હા, આવી સળેકડી જેવી કાયા લઈને મારે મરવું નથી  હું ઉપાય બતાવું ?’   નેકી ઔર પૂછ પૂછ ?’

મારી પાસે આયુર્વેદનાં ઘણાં  પુસ્તકો છે, જેમાં કાયાને તંદુરસ્ત રાખવાના અને રુષ્ઠપુષ્ઠ બનાવવાના ઉપાયો આપ્યા છે..   તો તમે કેમ એ વાંચતા કેમ નથી ?’    અનેકવાર વાંચી લીધા છે.  તો પછી તમે આવા પાતળા  કેમ છો?’  મારા સવાલના જવાબમાં એ બોલ્યાં,  એનું કારણ એ છે કે હું પુસ્તકો વાંચું છું ખરી, પણ ફોલો નથી કરી શકતી, મારી સંકલ્પશક્તિ તમારા જેવી દ્રઢ નથી ને. એમણે મને ચણાના ઝાડ પર ચઢાવી.  મને વિચારમાં પડેલી જોઈને એમણે ઉમેર્યું, તમે કહો તો હું તમને અડધી કિમતે એ પુસ્તકો આપી શકું છું.

મને એમની આ ઓફર ગમી. અડધી કિમતે એ પુસ્તકો ખરીદીને હું ઘરે આવી ત્યારે હવે મારો સંકલ્પ પૂરો થશે એ વિચારે મારી ખુશીનો પાર નહોતો. પણ મારાં ઘરના સભ્યોને મારું આ પગલું ખાસ રુચ્યું  હોય એમ મને લાગ્યું નહીં. પણ સંકલ્પ પૂરો કરવા માટે ક્યારેક ઘરનાં લોકોને નિરાશ કરવા પણ પડે  એમ વિચારીને મેં મન મનાવ્યું. તે પછી મેં એક પુસ્તક ખોલીને વાંચ્યું. કોઈપણ કાર્ય કરતાં પહેલાં એ કાર્ય વિષે તમારાં મગજમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. મારાં મગજમાં તો કોઈ શક કે સવાલ હતો જ નહીં, એટલે આગળ વાંચ્યું, તંદુરસ્ત રહેવા કે રુષ્ઠપુષ્ઠ થવા માટે  તમારી આજુબાજુનાં વાતાવરણમા અને લોકોમાં એવો ભાવ લાવવો જરુરી છે. હું એ માટે કટિબધ્ધ થઈને પતિદેવ પાસે પહોંચી.

સાંભળો છો ?’ મારાં કોમળ સ્વરથી  નવાઈ પામીને છાપું હટાવી એ મારી તરફ જોઈ રહ્યા.

તમે મને આજથી જાડી કહીને બોલાવશો?’  હું જાણે સરકસનું પ્રાણી હોઉ એમ પહેલાં તો એ મને નવાઇથી જોઈ રહ્યા, અને પછી ખડખડાટ હસી પડ્યા. આમાં હસવા જેવુ શું છે?’ મેં જરા ચિડાઈને પુછ્યું.  તું પહેલાં અરીસામાં તારું શરીર જો અને પછી કહે.   મને ખબર છે કે હું જાડી નથી પણ તમે મને એમ કહીને બોલાવશો તો તમારી જીભ ઘસાઈ નહીં જાય.   એવું ખોટું હું શા માટે બોલું ?’   મારા સંકલ્પ ખાતર પણ નહીં ?’ મેં એમણે ઈમોશનલ બ્લેકમેલ કરવાની ટ્રાય કરી.  જોઈશ કહીને એમણે પાછું છાપામાં મોં ખોસી દીધું. અને અનુભવને આધારે એમનું આ જોઈશ એનો અર્થ  ના એ વાતની મને ખબર હતી.

જ્યાં પોતાના જ સહકાર આપવા તૈયાર ન હોય ત્યાં પારકાની આશા તો કરાય જ શી રીતે ?’ હું નિરાશ થઈ ગઈ. એમના અસહકારનાં કારણે  મારો સંકલ્પ ડગી ગયો. પણ ભલે, આજે નહીં તો કાલે,  હું મારા આ કાયાકલ્પનાં સંકલ્પને તો પૂરો કરીને જ જંપીશ. કઈ રીતે ?’ તમને કોઈ ઉપાય ખબર હોય તો કહોને પ્લીઝ.  

No comments:

Post a Comment