Monday 25 March 2024

 દેવું (હાસ્યલેખ) :  વિશ્વકર્મા વિશ્વ – દિવાળી અંક – 2023     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

પત્ની : મને મન થાય છે કે આ દિવાળીએ આપણે આપણી જૂની કાર વેચીને  નવી લઈએ.

પતિ : તને ખબર નહીં હોય તો જણાવી દઉં કે આપણી જૂની કારના બદલામાં માત્ર એક સ્કૂટર આવી શકે.

પત્ની : મને એટલી તો ખબર છે  કે આપણી જૂની કારના બદલામાં નવી કાર નહીં આવી શકે. પણ એનાથી નવી કારનું ડાઉનપેમેન્ટ તો થઈ જાય ને ?  

પતિ : પછી બાકીની રકમ કોણ ભરશે ?

પત્ની : એને માટે લોન લઈ લેવાની. પછી હપ્તે હપ્તે ભરપાઈ કરી દેવાની.

પતિ : યુ મીન કે આપણે દેવું કરવાનું ? તને ખબર છે, ૨૦૨૩ ના ચાલુ વર્ષે દરેક ગુજરાતીના માથે દેવું વધીને  ૪૮૦૦૦ રૂપિયા થયું છે. એ મુજબ ગણીએ તો આપણાં બે નું મળીને રૂપિયા ૯૬૦૦૦ નું દેવું થાય.

પત્ની : આપણે તો કોઈ પાસે એક રૂપિયો પણ ઉધાર નથી લીધો, પછી આટલું મોટું  દેવું થયું શી રીતે ?

પતિ : તું નિયમિત છાપું નથી વાંચતી કે ? આ વર્ષે છાપામાં અનેકવાર મોટાં અક્ષરે મથાળું બાંધીને છપાયું  છે : દરેક ગુજરાતીના માથે દેવું વધીને  વર્ષ ૨૦૨૩માં  રૂપિયા ૪૮૦૦૦ થઈ ગયું છે.

પત્ની : સંસ્કૃતમાં  એક કહેવત છે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત મતલબ કે  દેવું કરીને પણ ઘી પીઓ. મેં જો કે કોઈ દિવસ આવું કર્યું નથી. એનું કારણ એ નથી કે મને ઘી ભાવતું નથી કે દેવું કરવામાં હું માનતી નથી. દેવું કરવામાં હું માનતી હોઉ તો પણ મારાં જેવી ઓછી જાણીતી લેખિકાને રૂપિયા ઉધાર આપે કોણ ? હા, મૂર્ધન્ય લેખક બન્યા પછીની વાત જુદી છે. પછી તો એક કરતાં એકવીસ હજાર લોકો રૂપિયા આપવા તૈયાર થઈ જાય અને તે પણ જેટલાં જોઈએ એટલાં. પણ પછી જરૂર ના હોય ત્યારે એ રૂપિયા મળે તો પણ આપણને શું કામના, ખરું ને ?

પતિ : દેવું કરવું કે ન કરવું  એ વિશે તારા માનવા કે ન માનવાથી હકીકતમાં કોઈ ફરક પડતો નથી. કે આપણાં માથે રહેલું ૯૬ હજાર રૂપિયાનું  દેવું મટી જવાનું નથી. હા, હું મારા વિલમાં એટલું લખી  શકું કે – મારાં માથે કોઈ દેવું નથી અને કોઈ દેવું મળી આવે તો એને માટે મારાં વારસદારો જવાબદાર નથી. પછી મારી આ વાત માન્ય  રાખવી ન રાખવી એ સરકારની મરજી.

પત્ની : એ તો ઠીક પણ જો આપણાં  પૂર્વજો પરંપરા પ્રમાણે  લખી ગયાં હોય કે – હાલમાં મારા માથે  એક પણ  રુપિયાનું  દેવું નથી. પરંતુ મારા મૃત્યુ બાદ જો કોઈ દેવું મળી આવે તો મારા વારસદારોએ ભેગાં મળીને એ સરખે ભાગે ચૂકવવું.  તો એ આપણે  ચૂકવવું પડશે ? એ કેટલું મોટું હશે ? આનાથી તો ગુજરાતીમાં કહેવાતી  એક કહેવત જેટલી લાંબી તમારી ચાદર હોય એટલાં જ પગ પસારવા એ ખોટી જ પુરવાર થવાની ને ?

પતિ : તું સાંભળ તો ખરી. આજનાં  અખબારમાં ખાતર પર દિવેલ  જેવા બીજા એક સમાચાર પણ છે – આપણાં ભારત દેશનું દેવું ૫૪૩ અબજ ડૉલર છે.

પત્ની : ડૉલરને રૂપિયામાં કન્વર્ટ કરે તો કેટલાં રૂપિયા થાય ?

પતિ : ગણિતમાં જેમની માસ્ટરી હોય એ લોકો ગણી કાઢશે. કેમ કે દેવાને કારણે મારું  ચિંતાગ્રસ્ત મન આ ગણતરી માટે હમણાં તૈયાર નથી. હું તો ચકરાવે ચઢ્યો છું, એ વાત વાંચીને કે આખા વિશ્વ પર તો અધધધ...૧૮૮ લાખ કરોડનું દેવું છે. આટલું મોટું દેવું ચૂકવવા વિશ્વ પાસે કેટલી સંપત્તિ છે તેની મને ખબર નથી એટલે ચિંતા થાય છે.

પત્ની : સાંભળો, તમારી ચિંતા ઓછી કરવા માટે તમને એક જોક કહું : 

બેસણામાં આવનાર : સાંભળ્યું છે કે તમારાં પતિ તમારાં માટે સારી એવી સંપત્તિ છોડી ગયાં છે ? 

મરનારની પત્ની : હા. નાના નાના બે પુત્રો અને ત્રણ  પુત્રીઓ.

પતિ : તારી વાત સાંભળીને મને વિચાર આવે છે કે  આપણાં સંતાનો આપણી સંપત્તિ છે કે જવાબદારી ?’

પત્ની : પુરાણકાળથી આધુનિકકાળ સુધીમાં  સંતાનોની સંખ્યામાં  જે રીતે  ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં આ સવાલનો  જવાબ સમજવો સાવ સહેલો છે. હવે તો મા-બાપને એક બાળક પણ ભારે પડે છે. અને એટલે જ આજકાલ  માબાપ  DINK મતલબ કે ‘Double Income No Kids’ ની ફોર્મ્યુલા અપનાવી રહ્યાં છે.

પતિ : મા-બાપને જે કરવું હોય તે કરે, એની મને ચિંતા નથી. મને ચિંતા આ અખબારની છે. એ  લખે છે કે – ગુજરાત સરકાર દર વર્ષે ૨૨ હજાર કરોડ રૂપિયા ( પાછળ કેટલાં મિંડા આવતા હશે ?) વ્યાજ પેટે ચૂકવે છે. મને ચિંતા એ વાતની થાય છે કે સરકાર વ્યાજના તો આટલા રૂપિયા ચૂકવે છે, પણ મૂડીના ચૂકવી શકશે ખરા ? આપણે સાવ દેવામુક્ત ક્યારે થઈશું ?

પત્ની : તમારું તો પેલા કાજી દુબલે  ક્યું ?’  તો કહે સારે ગાંવ કી ફિકર જેવુ છે.

પતિ : એક રાજભક્ત તરીકે મારે એટલીસ્ટ આટલી ફિકર તો કરવી જ જોઈએ ને ?  સાચું કહું તો – મારે માથે એક રુપિયાનું પણ દેવું નથી એવી મારાં મગજમાં ભરાયેલી હવાનો ફુગ્ગો  અખબારના આ સમાચારે એક જ ઝાટકે ફોડી નાખ્યો.  

પત્ની :  તમે એમ માનો એવા નથી, ખરું ને ? સાંભળો તમને બીજી એક જોક કહું : 

લીલા: મોડી રાત સુધી સળવળ સળવળ થાવ છો, ઊંઘતા પણ નથી. તમને થયું છે શું ?

મહેશ : પડોશી જશુભાઇને કાલ સુધીમાં બાર હજાર રૂપિયા આપવાના છે, એ હું હજી ભેગાં  કરી શક્યો નથી એની મોટી ચિંતા છે, જેના કારણે મારી ઉંઘ વેરણ થઈ છે.

લીલાએ પતિનો મોબાઈલ લીધો જશુભાઈનો નંબર લગાવ્યો અને કહ્યું, જશુભાઇ, તમને આપવાના રૂપિયાની વ્યવસ્થા એમનાથી હજી સુધી થઈ શકી નથી. પણ જેવાં રૂપિયા ભેગાં થશે કે તરત તમને આપી દઇશું.  ફોન બંધ કરીને લીલા  બોલી, લ્યો, તમે હવે શાંતિથી ઊંઘી જાઓ, હવે જશુભાઇ જાગશે.

પતિ : આપણાં દેશમાં આવાં income tax ભરનારા બિચારા જશુભાઇઓની ઊંઘ લોન લઈને પૈસા ભરપાઇ ન કરનાર માફતિયાઓને કારણે જ તો વેરાન થઈ રહી છે.  દારૂ પીને મરનારાઓ, એક્સિડંટમાં મરનારાઓ, પાક નિષ્ફળ જતાં દેવું ન ચૂકવી શકવાના કારણે આત્મહત્યા કરતાં ખેડૂતોના ઘરવાળાઓને પણ આવા જશુભાઇઓ જ તો નિભાવે છે.

પત્ની : દેવું ન પડે એ કારણે કેટલાંક સામાન્ય માણસ દેવું કર્યા પછી ઘરેથી ભાગી જાય છે અને અસામાન્ય માણસ દેશમાંથી ભાગી જાય છે. કેટલાંક નબળા મનના માણસો લેણદારોની ઉઘરાણીથી તંગ આવીને જીવનમાંથી ભાગી જાય છે એટલે કે આત્મહત્યા કરે છે. સરકાર બિચારી મજબૂર થઈને આમાનાં કેટલાંકનું  દેવું માફ પણ કરે છે. કેટલાંકને દેવું ચૂકવવા માટે લોન પણ આપે છે, અને લોન લેનાર આપઘાત ન કરે એ ડરથી લોન માફ પણ કરે છે, ખાસ કરીને ધરતીપુત્ર એવાં ખેડૂતોનું. એ વાત સાચી છે, પણ આપણાં જેવાં બિનખેડૂતોનું કોણ રણીધણી ?

પતિ : તને ખબર છે કે દેવું કર્યા બાદ આપણાં જેવા સામાન્ય સ્થિતિનાં કેટલાંક લોકો અંધશ્રધ્ધાના માર્ગે પણ ઉતરી જાય છે ?

પત્ની :  હા. અને એમના માટે સમાજનાં કહેવાતા સંતોએ કે બાબાઓએ કેટલાંક ઉપાયો બતાવ્યા છે.

પતિ : દાખલા તરીકે ?

પત્ની : દાખલા તરીકે - રવિવારનાં  દિવસે સ્નાન કરી પોતાની લંબાઈ બરાબર એક કાળો દોરો લેવો અને તેને એક નાળિયેર પર બાંધી દેવો. આ નાળિયેરની પૂજા કરી  કરજમુક્તિના મંત્રો સાથે  નદીમાં વહાવી દેવું. શનિવારે  સરસવના તેલથી એક માટીનું કોડીયું ભરવું. તેના પર બીજું કોડીયું,  ઢાંકી તેને નદી કિનારે  જમીનમાં સૂર્યાસ્ત સમયે દાટી દેવુ  મંગળવારે શિવ મંદિરમાં મસૂરની દાળ ચઢાવવી અને ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ: મંત્રનો જાપ કરવો. આવા તો બીજા અગણિત ઉપાયો છે.

પતિ : પણ તને ખબર છે, આવા ઉપાયો અજમાવવાથી દેવું ઘટવાના બદલે વધે છે ?’

પત્ની : મે આવા ઉપાયો કદી અજમાવ્યા નથી એટલે મને એની નથી ખબર. પણ મને લાગે છે કે આપણે  દેવાપુરાણ ઘણું ચલાવ્યું,  એ હવે બંધ કરીએ ? તમે મને માત્ર એટલું કહો કે આ દિવાળીએ તમે નવી કાર લો છો કે નહીં ?

પતિ : આજ સુધી કોઈ પતિએ પત્નીની વાત ન માની  હોય એવું બન્યું છે ખરું ?

પત્ની : ચાલો, ત્યારે આપણી આ  દિવાળી તો મજાની જવાની.

મારાં વહાલાં વાચકમિત્રો, તમારી દિવાળી પણ મજાની જાય, તમારી દરેક શુભ મનોકામનાઓ  પૂરી થાય એવી શુભેચ્છા સાથે નવાં વર્ષના અભિનંદન  

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment