Wednesday 18 October 2017

ધ્વનિ પ્રદૂષણ.

ધ્વનિ  પ્રદૂષણ        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

આજથી લગભગ ત્રણેક મહિના પહેલાની વાત છે. એક સવારે અમારી સોસાયટીમાં એક મોટી (લાંબી) કવર્ડ ટ્રક આવીને ઊભી રહી. અમે રહીએ છીએ   બિલ્ડિંગમાં, અને ટ્રક આવીને  ઊભી રહી બી બિલ્ડિંગમાં. થોડીવાર  મેં રાહ જોઇ, પણ ચા-બીડી પીવા ગયેલા ડ્રાઇવર અને મજૂરો આવ્યા નહીં એટલે મારી ધીરજનો અંત આવ્યો. કૂતુહલવશ મેં સોસાયટીના મેઇન ગેટ પર ઇન્ટરકોમથી વોચમેનને પૂછ્યું, દૂબેજી, યે ટ્રકમેં કીસકે ઘરકા સામાન આયા હૈ?’  બહેનજી, ટ્રકમેં કીસી કે ઘરકા સામાન નહિં આયા હૈ પર બી મેં દૂસરે માલેકે ફીલેટ (ફ્લેટ) ૨૦૪, કા ફર્નીચર બનાનેકા સામાન આયા હૈ.  દૂબેજીએ માહિતી આપી. 
હવે મારા કૂતુહલની જગ્યા આશ્ચર્યએ લીધી. બી-૨૦૪, અને અમારો એ-૨૦૪ એક સરખા ૨-બી એચ કે (૨ બેડરૂમ હોલ કીચન) ના ફ્લેટ. અમારી એક બેડરૂમની દિવાલ કોમન. આટલા નાના ફ્લેટનું ફર્નીચર બનાવવા માટે આટલી મોટી ટ્રક ભરીને સામાન? મેં તરત મારા પતિદેવ જીતેંદ્રને બાલ્કનીમાં બોલાવ્યા.
-તમે જરા અહીં આવોને.
-કેમ, શું કામ છે?
-જુઓ, આ બી બિલ્ડિંગમાં એક ટ્રક આવી છે.
-હા, તે કોઈના ઘરનો સામાન આવ્યો હશે.
-ના જી, એમાં ઘરનો નહીં, પણ ઘરના ફર્નિચર બનાવવાનો સામાન છે.
-ન હોય. આટલી મોટી ટ્રક ભરીને ફર્નિચરનું સામાન? તને કોણે કહ્યું?
-ગેટ પરથી દૂબેજી કહ્યું.  આ સામાન બી-૨૦૪ માં આવ્યું છે.
-તો તો હશે જ.પણ આટલું બધું તે શું કરાવવાનું હશે?
 -એ તો ઠીક, પણ આપણા ઘરનું સામાન જ્યારે એક  ટ્રક ભરીને થયું ત્યારે તમે કહેતા હતાં કે ,’આપણા ઘરનું સામાન ઘણું વધારે છે, ઓછું કરવું જોઇએ.  હવે શું કહો છો બોલો?
-એ જ કે આપણું હવે આવી બનશે. આટલું ફર્નિચર બનાવતા ખાસીવાર, દિવસો નહીં પણ મહિનાઓ થશે. આપણી બન્નેની વોલ કોમન છે, તો ઠકાઠક ના અવાજથી આપણે હેરાન થઈ જઇશું.
અને ખરેખર એવું જ થયું. પૂરા ત્રણ મહિના સુધી  હથોડાના ઠકાઠકના અવાજથી અમારી દિવસની ઊંઘ હરામ થઈ ગઈ. રાત્રે તો અમે સોસાયટીના નિયમ મુજબ ૧૦ વાગ્યે કામ બંધ કરાવી દેતા હતા,  પણ આખો દિવસ ધ્વનિ પ્રદૂષણ સહન કરવું જ પડ્યું. એક દિવસ કૂતુહલવશ એટલું તે શું કરાવ્યું હશે?’ એ વિચારે હું બી-૨૦૪ મા ફર્નિચર જોવા ગઈ. જોયું તો દિવાલોમાં, છતમાં, ફ્લોરમાં,  ઠેર ઠેર લાકડું જ લાકડું જડાવેલું. મને પેલા રાજાની વાર્તા યાદ આવી. એક રાજા એકવાર મહેલની બહાર નીકળ્યો ત્યારે એના પગમાં ધૂળ લાગી. એણે મહેલમાં આવીને હુકમ કર્યો, આખી પૃથ્વીને ચામડાંથી મઢી દો જેથી પગમાં ધૂળ ન લાગે. બસ, એવું જ બી-૨૦૪ વાળાએ કરાવ્યું, ચામડાંને બદલે લાકડાંથી આખા  ફ્લેટને મઢાવ્યો.
પણ આપણે અહીં વાત કરતા હતાં ધ્વનિ પ્રદૂષણની. બિલ્ડિંગમાં એક દિવસ રાત્રે અચાનક ખૂબ જોર-શોરથી મ્યૂઝિકનો અવાજ સંભળાવા લાગ્યો. એ વિશે તપાસ કરવા દરવાજો ખોલ્યો, તો પડોશીએ માહિતી આપી, ત્રીજા માળે રોમેશભાઈ ૩૫ હજારની મ્યૂઝિક સીસ્ટમ લાવ્યાં છે. ધ્વનિ પ્રદૂષણકી ઐસી કી તૈસી, બધાંને ખબર તો પડવી જોઇએ કે અમારી પાસે આવી મોંઘામાંની મ્યૂઝિક સીસ્ટમ છે.  બિલ્ડિંગમાં પાંચમા માળનો મોનીલ જ્યારે જ્યારે એની કાર લઈને સોસાયટીમાંથી બહાર નીકળે ત્યારે એની કારના લાઊડ મ્યૂઝકથી બધાંને ખબર પડે કે મોનીલ જઈ રહ્યો છે. આને  ન્યૂસન્સ વેલ્યુ કહેવાય,  બીજુ શું?
આમ તો અમારી સોસાયટીના ફ્લેટ માણસોના રહેવા માટે બનાવ્યાં છે, પણ એમાંના કેટલાક રહેવાસીઓ પરોપકારી હોવાને લીધે પોતાની સાથે કૂતરાને પણ રાખે છે. સામાન્ય પણે કૂતરાએ ચોર આવે ત્યારે ભસીને પોતાની ફરજ નીભાવવી જોઇએ, પણ અમારા એક પડોશીનો કૂતરો એનું મન થાય ત્યારેવારંવાર ભસે છે. સામેની સી-બિલ્ડિંગમાં રહેતો બીજો કૂતરો એનો જવાબ ત્યાંથી ભસીને આપે છે. આમ બન્ને કૂતરા વચ્ચે જુગલબંધી ચાલે છે. એ અમારાથી સહન ન થવાને લીધે અમે એને ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ. કાશ! કૂતરાંઓ પણ માણસની જેમ મોબાઈલ ચેટિંગ કરતાં હોત!
અમારાં બિલ્ડિંગમાં ક્યારેક બિલાડી આવે છે, પણ એ એટલા ધીમા અવાજે મ્યાંઉ મ્યાંઉકરે છે, કે એ અમને ધ્વનિ પ્રદૂષણ જેવું નથી લાગતું. હા, કબૂતરોનો સતત ઘૂ ઘૂ ઘૂ અવાજ અમને ધ્વનિ પ્રદૂષણ લાગે છે ખરો. ક્યારેક બગીચામાં ભેગી થઈ જતી કાબરો પણ એમના અવાજથી કકળાટ કરી મૂકે છે. પણ માણસ જેવા માણસને અમારી મુશ્કેલી નથી સમજાવી શકતા તો પંખીઓને વળી શું કહેવું?
મહેશ: તારી દ્રષ્ટિએ સૌથી સુખી દંપતિ કોણ?
રમેશ: બહેરો પતિ અને મૂંગી નાર એ લોકો સૌથી સુખી.
આ તો એક જોક છે. પણ એના પર  થોડો વિચાર કરતાં મને એ બરાબર નથી જણાતો. જો પતિ બહેરો જ હોય તો પત્ની ભલેને ગમે તેટલો બબડાટ કરે, શું ફરક પડે? હા, એમના પડોશીઓને કદાચ એથી ધ્વનિ પ્રદૂષણ લાગે ખરું.અને ધારોકે પત્ની મૂંગી હોય તો પતિ તો આમ જ સુખી, એણે બહેરા હોવાનું જરૂરી નથી. હા, એમના બહુ બોલતાં છોકરાંઓ ક્યારેક ધ્વનિ પ્રદૂષણનું કારણ બની શકે ખરાં.
છોકરાંઓ તો હાથમાં સાધન (ડ્રમ, વ્હીસલ, વાસણ વગેરે) આવી જાય તો ધ્વનિ પ્રદૂષણ ફેલાવે પણ એમના કરતાં એમના મા-બાપ વધારે અવાજ કરે છે, દીપ, ગેલેરીમાં ન જા. દીપ, હીચકા પર ન ચઢ, પડી જશે. દીપ, ટેબલ ફેનથી દૂર રહે, આંગળી આવી જશે. આમ તો નાના બાળકની કાલીઘેલી બોલી સાંભળીને કાનમાં ઠંડક પહોંચે છે, પણ મા-બાપને જ્યારે એ આખો દિવસ સાંભળવી પડે છે, ત્યારે -  
મહેમાન: બીટ્ટુ, તારો નાનો ભાઇ બોલતાં શીખી ગયો?
બીટ્ટુ: હા, અંકલ, હવે અમે બધાં એને ચૂપ રહેતાં શીખવાડવાની ટ્રાય કરી રહ્યાં છીએ.
ભાડેના ઘરમાં રહીને, ઉંચા ભાડા ભરીને કંટાળેલી મારી એક ખાસ ફ્રેંડ રીનાને પોતાની માલિકીનો ફ્લેટ લેવો હતો. એણે ન્યૂઝ પેપરમાં હાલમાં બંધાઈ રહ્યા હોય એવા અને બંધાઈ ચૂક્યા હોય એવા ઘણા ફ્લેટની જાહેરાતો જોઈ. એમાંથી પોતાની પસંદગી પ્રમાણે કેટલાક ઘર  શોર્ટ લીસ્ટ કર્યા. એની શરતો ઘણી હતી. લોકાલીટી સારી હોવી જોઈએ, ફ્લેટને કનેક્ટેડ રોડ પાકો હોવો જોઈએ, પોતાની કાર માટે પોતાનું પાર્કિંગ હોવું જોઈએ, ફ્લેટની ડીરેક્શન સાઉથ-વેસ્ટ હોવી જોઈએ, ફ્લેટ ટોપ ફ્લોર પર ન હોવો જોઈએ, સોસાયટીનું પોતાનું કોમન ગ્રાઉન્ડ હોવું જોઈએ, માર્કેટ ઘરની નજીક (વોકેબલ ડીસ્ટન્સ) હોવું જોઈએ, વગેરે વગેરે.
3 મહિનાના સમયમાં એણે લગભગ ૮૨ મકાનો જોયા. પછી એની શરતો મુજબનું, એની પસંદગી પ્રમાણેનું ઘર મળ્યું. સૌથી વધારે હાશ એના પતિને થઈ, ચાલો ઘર એક ખોજ અભિયાન પૂરું થયું. એક સારો દિવસ જોઈ, નજીકના થોડા મિત્રો અને સગાઓને બોલાવી કુંભ ઘડો મૂકીને, કથા કરાવી ને મહેમાનોને  સ્વરૂચિ ભોજન કરાવીને એ લોકો હોંશે હોંશે  નવા ઘરમાં શીફ્ટ થયાં

થોડા દિવસ બાદ અચાનક મારે કંઈ કામ અંગે એના એરીયામાં જવાનું થયું,  હું એના ઘરે ગઈ. મેં જ્યારે એને કહ્યું, યાર, ઘર તો તારું સુપર્બ છે,  ઈન્ટિરીયર પણ બહુ જ સરસ બનાવ્યું છે. તો એ મોટો નિસાસો નાંખીને બોલી, યાર, બાકી બધું તો સરસ છે, પણ આ સામે જે પાર્ટી પ્લોટ છે, ત્યાં જે રાત્રે  લગ્ન હોય ત્યારે ખુબ ભીડ થાય છે, વાહનોનો, મ્યુંઝિકનો ખુબ અવાજ આવે છે. ફ્લેટ લીધો ત્યારે જ જો આ વાત ધ્યાનમાં આવી હોત તો અહીં ફ્લેટ લેત જ નહીં. આ અવાજથી તો તોબા તોબા! 

No comments:

Post a Comment