Wednesday, 4 October 2017

શાંતિ અને સ્વતંત્રતા.

શાંતિ અને સ્વતંત્રતા.          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

રમેશ: એક ધીરજવાન, ઉદાર, સહનશીલ, શાંત, પ્રેમાળ અને મહેનતુ સદગ્રુહસ્થ ગયા વરસે જ ગુજરી ગયો.
મહેશ: અચ્છા? પણ એના આટલા બધા સદગુણોનો પરિચય તને શી રીતે થયો?
રમેશ: ગયા મહિને જ હું એની વિધવાને પરણ્યો છું.
આમ રામ ના બાણ તો જેને વાગ્યા હોય એ જ જાણે, બાકી તો ગુજરી જનાર ગ્રુહસ્થને પોતાને પણ ખબર નહીં હોય, કે પોતે આવો સદગ્રુહસ્થ હતો અને પોતાનામા આટલા બધા સદગુણોનો ભંડાર ભર્યો પડ્યો હતો.
આ વાત તો એટલા માટે યાદ આવી કે, ૧૯ એપ્રિલ, ૨૦૧૩ અને શુક્રવારના રોજ અખબાર દિવ્ય ભાસ્કર મા એક રસપ્રદ કિસ્સો વાંચવા મળ્યો. ઘણીવાર રસપ્રદ કિસ્સો હાસ્યાસ્પદ પણ હોય છે, એ વાત તમને એ કિસ્સો વાંચવા-જાણ્યા પછી સમજાશે.
૧૬ એપ્રિલ,૨૦૧૩ ને મંગળવારે બપોરે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમા ઠીક ઠીક કહી શકાય એવી તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. અને એ સાથે જ અનેક લોકો પોતાના ઘરમાંથી નીકળીને રસ્તા પર દોડી આવ્યા. કદાચ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ મા આવેલા વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ આવી હશે, એટલે જીવ બચાવવા લોકો રસ્તા પર આવી ગયા હશે.
રસપ્રદ કિસ્સો એ છે કે, આ વખતે અમદાવાદ શહેરના પોશ ગણાતા સેટેલાઇટ એરિયામા રહેતા એક નિવ્રુત મહિલા પ્રોફેસરે ભૂકંપના ભયથી એસ ટી ડી-પી સી ઓ ધરાવતા પોતાના પતિને ફોન કરીને તરત ઘરે આવી જવા આદેશ કર્યો. અહીં ફોન કરવાની વાત પરથી એક આડ વાત યાદ આવી  ગઈ.
અમેરિકા ના ટ્વીન ટાવર્સ પર આતંકવાદી (ઓસામા બિન લાદેન) દ્વારા હુમલો થયો, ત્યારે એ ટાવર્સમા ઓફિસ ધરાવતા એક પતિ મહાશયને પત્નીએ મોબાઇલ પર ફોન કર્યો:
Wife: where are you just now?
Husband: in my office, darling. Where else where?
આતંકવાદીઓના હુમલાથી અજાણ અને માશુકાના ઘરમા એના  પ્યારમા ગિરફ્તાર એવા આ પતિ મહાશયે પત્નીના સવાલનો જવાબ ખુબ કેઝ્યુઅલી આપી દીધો. ( પતિ મહાશયો-સાવધાન! પત્ની જ્યારે સવાલ પૂછે ત્યારે ચોકસાઇ કરીને જવાબ આપવાનો અને પત્નીએ પણ એટલીજ સરળતાથી પતિને છુટાછેડા આપી દીધા. આમ પતિ  એક આતંકવાદીના હુમલામાથી બચી ગયો, પણ બીજામા સલવાઇ ગયો.
હવે પાછા આપણે મૂળ વાત પર આવીએ અને અમેરિકાથી ઈન્ડિયા આવી જઇએ. સેટેલાઇટમા રહેતી નિવ્રુત મહિલા પ્રોફેસરે ફોન કરીને એસ ટી ડી- પી સી ઓ સંભાળતા પતિને તરત  ઘરે આવી જવા આદેશ આપી દીધો. તોફાની વિધ્યાર્થીઓ જેમ શિક્ષકના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરે તેમ જ પતિએ પણ પત્નીના આદેશનું ઉલ્લંઘન  કર્યું. કદાચ ભૂકંપ કરતાં પણ એમને એમની પત્નીનો ડર વધુ લાગતો હશે, એટલે ઘરે આવવાના બદલે તેઓ કોઇ આશ્રમમા જતા રહ્યા, એટલું જ નહીં, એમણે પોતાનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધો. ( ના રહેગા બાંસ, ના બાજેગી બાંસુરી )  
સુતેલા સિંહને છંછેડો તો હજી કદાચ તમારા બચવાના થોડા ઘણા ચાન્સ ખરા, પણ ગુસ્સે ભરાયેલી પત્નીને છંછેડીને કોણ બચી શકે ?  મોબાઇલ પર જવાબ ના મળવાથી અને પતિના ઘરે ના આવવાથી ધૂંવાપૂંવા થયેલી પત્ની સીધી નજીકના પોલીસ સ્ટેશન પર પહોંચી, અને પોતાના પતિ વિરુધ્ધ જૂઠી ફરિયાદ લખાવી.
મારા પતિને અમારી પડોશમા રહેતી એક અંધ યુવતિ સાથે આડા સંબંધો હોવાથી તેઓ પોતાની પ્રેમિકાને લઈને ભાગી ગયા છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે અંધ યુવતિ તો એના ઘરમાં જ છે.
બીજા દિવસે એટલે કે બુધવારે પતિ મહાશયે મોબાઇલ સ્વીચ-ઓન કર્યો, ત્યારે પોલીસે એમને પોલીસ સ્ટેશને બોલાવ્યા. પતિદેવે રાત્રે ૯ વાગ્યે પોલીસ મથકે હાજર થઈને સ્પસ્ટતા કરી કે, મારે કોઇની સાથે આડા કે ઊભા, સીધા કે ત્રાંસા, કોઇ જ જાતના કોઇ ગેરકાનુની સંબંધો નથી. મારું ચાલે તો—મતલબ કે તમે રજા આપો તો હું મારી પત્ની સાથેના તમામ સંબંધો પણ બંધ કરી દેવા તૈયાર છું, પત્નીના ત્રાસથી કંટાળીને હું એક આશ્રમમા પહોંચી ગયો છું અને મને ત્યાં ખુબ ફાવી પણ ગયું છે, ત્યાંથી મને હવે મારા ગ્રુહસ્થાશ્રમમા પાછા ફરવાની કોઇ ઇચ્છા નથી.
એક પતિ એવા પોલીસની સંપૂર્ણ સહાનુભૂતિ આ બિરાદર પ્રત્યે હોવા છતાં પોતાની ફરજ બરાબર બજાવીને એણે આ પતિને સ્વગ્રુહે પાછા  ફરવા સમજાવ્યો. (પતિ બન્યો એ પતી ગયો)   અંતે અનિચ્છાએ  એ પતિ પોતાની પત્ની સંગે સ્વગ્રુહે સંચર્યો. આમ ભૂકંપનો આંચકો એક પતિ માટે ક્ષણિક આનંદરુપ જ પુરવાર થયો. ( better  luck next time )

આ બાબતને લગતી એક જૂની અને જાણીતી જોક છે :
પત્ની: આપણો છોકરો અનેક ઠોકરો ખાવા છતાં સુધરતો નથી. મને લાગે છે કે હું મરી જઈશ પછી જ એને અક્કલ આવશે.
પતિ: ભગવાન કરે એ દિવસ જલદી આવે.
ભગવાન પણ આવા દુખિયારા પણ આશાવાદી પતિદેવોની ઇચ્છાઓ પર જલદી ધ્યાન આપતા નથી. એટલે બિચારાઓ ગલીએ ગલીએ ગાતા ફરે છે, ઉપરવાલા દુખિયાકી નાહી સુનતા રે. જો કે આમાં ઈશ્વરનો પણ શું વાંક ? અહીં તો મુહલ્લે-મુહલ્લે અને ગલીએ-ગલીએ આવા સેંકડો શાહજહાં ટાંપીને જ બેઠા છે. તાજમહાલ બનાવવા જમીનો લઈ રાખી છે, બસ, મુમતાજ ક્યારે મરે છે, એની જ રાહ જોવાઇ રહી છે.
(પર મુશ્કિલ તો યે  હૈ કી...મુમતાજ મરતી કહાં હૈ ?)
અને અંતે એક જોક દ્વારા આ લેખનું સમાપન કરું:
જજ: છગનલાલ, હવે લગ્નના પચાસ વરસ પછી તમને છુટાછેડા જોઇએ છે, કેમ?
છગનલાલ: અરે, ના રે જજસાહેબ. છુટાછેડા તો મારા પિતાજીને જોઇએ છે.
જજ: ઓહ! પણ લગ્નના આટલા બધા વરસ પછી છુટાછેડા લેવાનું કંઇ કારણ?
છગનલાલ:સાહેબ, માણસ જીવનના અંત ભાગમાં તો  શાંતિ અને સ્વંતંત્રતા ઝંખે કે નહીં?

No comments:

Post a Comment