Wednesday 2 September 2015

આજ કરે સો કાલ કર.

આજ કરે સો કાલ કર.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મિહિર, તને હજારો વાર કહ્યું છે કે સ્કૂલેથી આવે,  એટલે તરત તારા બૂટને એની જગ્યાએ  શૂ-રેકમાં મૂકી દેવાનાં,  અને તારી સ્કૂલબેગને તારી રૂમમાં તારા ટેબલ પર મૂકી દેવાની.
-મમ્મી, પછીથી મૂકી દઈશ.
-એમાં પાછું મૂરત જોવાનું છે કે? અત્યારે મૂકી દેવામાં શું વાંધો છે?
-મમ્મી, હું નીચે મારા ફ્રેન્ડ્સ સાથે રમવા જાઉં છું.
-અરે, અરે! એય મિહિર, ઊભો રહે, તારો યુનિફૉર્મ તો બદલીને જા.
-મારા બધાં ફ્રેન્ડ્સ ક્રિકેટ રમવા ભેગાં થઈ ગયાં છે. મને મોડું થાય છે. યુનિફોર્મ પછી આવીને બદલીશ.
-થઈ રહ્યું. તું રમીને આવશે  ત્યાં  સુધીમા યુનિફોર્મ ગંદો થઈ જશે.
-સર્ફ એક્સલ હૈ ના?
-હૈ, પર તેરે લિયે નહીં હૈ. તું તો રમવા જાય ત્યારે યુનિફોર્મને વ્હાઈટ માંથી બ્લેક માં ફેરવી લાવે છે. આ ટાઈ-મોજાં તો ધોવાની બકેટમાં મૂકીને જા.
-મ..મ્મી...કહ્યુંને પછી બધું સરખું કરું છું.
-તારા આ પછી- પછી ના મંત્રજાપથી હું ત્રાસી ગઈ છું.
-ઓકે, મમ્મી. હવેથી હું પછી ના બદલે બાદમેં શબ્દ યુઝ કરીશ, પછી તો ચાલશે ને?
-તારી સાથે તો કેમ કામ લેવું તે જ સમજાતું નથી.
-આવીને સમજાવું છું, મમ્મી.  બાય બાય...

આ મિહિરની મમ્મી, એટલે કે મારી ફ્રેંડ હર્ષા. એને પછી શબ્દની ભારે એલર્જી છે. એકે એક કામ એ હમણાં જ થઈ જાય એવો આગ્રહ રાખે છે. કારણ કે પછી શબ્દની જે મજા છે, જે મહત્વ છે, તે એને સમજાયાં જ નથી. હર્ષા જેવા તો અનેક મનુષ્યો આ જગતમાં શોધવા જઈએ તો મળી આવે છે, કે જેઓ કામ તરતથાય એવી થીયરીને અનુસરે છે.

આવા લોકો આ થીયરીને ફક્ત પોતાના પૂરતી સિમીત રાખતા હોત તો વાત જુદી હતી. પરંતુ તેઓ તો – ઘરનાં સભ્યો, પડોશીઓ, સોસાયટીનાં રહીશો, નગરનાં પ્રજાજનો, રાજ્યના લોકો, દેશના વતનીઓ, અરે આ વિશ્વ સુધ્ધાંના માણસો,  આ થીયરી ચુસ્તપણે અનુસરે એવો આગ્રહ રાખતા હોય છે. પરિણામે  તેઓ પોતે તો હેરાન થતાં જ હોય છે, પણ અન્યને પણ હેરાન કરે છે.

આવાં  લોકોએ, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ જેવી પંક્તિ આત્મસાત કરી લીધી હોય છે. એમને નવી પંક્તિ,  આજ કરે સો કલ કર, કલ કરે સો પરસોં, પરસોં ભી ક્યા કરના, જબ જીના હૈ બરસો ની અસરકારકતા વિશે જરા પણ ખબર જ નથી. અમારા જેવા કોઈ હિતેચ્છુ એમને આ નવી અને સાચી પંક્તિ કહે તો પણ તેઓ પોતાની અજ્ઞાનતા (મૂઢતા) વશ સ્વીકારતાં નથી.

જરા શાંત મગજે વિચારો દોસ્તો, કે ભગવાને જ્યારે આપણને સો વર્ષ જેટલું  લાં...બુ આયુષ્ય આપ્યું છે, અને આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પોતાની નવી નવી શોધખોળો દ્વારા એને સો વર્ષથી ય વધુ લાંબુ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, ત્યારે જાણે આપણે આવતી કાલે જ મરી જવાના હોઈએ એટલી ઉતાવળ, હાયવોય કે દોડધામ આપણે શા માટે કરવી જોઈએ?  એમાં તમને કયું ડહાપણ દેખાય છે?

-એ..ય,  શું કરે છે? મારી ફ્રેંડ  હર્ષા, મારા ઘરનાં ડ્રોઈંગરૂમમાં વાવાઝોડાની જેમ ધસી આવીને પૂછે છે.
-ટીવી જોઉં છું. હું ઠંડે કલેજે જવાબ આપું છું.
-એ તો આંધળાને ય દેખાય એવી વાત છે.
-એટલે જ તને નથી દેખાતું, કેમ?
-વાયડી થા મા. ઊઠ, ચાલ, ઊભી થા.
-આ બાજુની ખુરસી ખાલી જ છે, એમાં બેસતાં તને કાંટા વાગે છે?
-મારે બેસવું નથી. કેરી લેવા જવાનું છે, ચાલ મારી સાથે.
-આટલો પ્રોગ્રામ પતી જવા દે, પછી જઈએ.
-ત્યાં સુધીમાં કેરીઓ બધી વેચાઈ જશે.
-તો વાંધો નહીં, મારે કેરીઓ નથી જોઈતી.
-પણ મારે તો જોઈએ છે ને,  છુંદો બનાવવાનો છે.
-યાર, છુંદાને લાયક કેરીઓ હજી બજારમાં આવી નથી.
-કેરીની લાયકાત જોવા બેસીશું તો છુંદો બનાવવાનો રહી જશે.
-આજ સુધી કોઈ વર્ષે રહી ગયો છે? તું ચિંતા છોડ,  હું તને કેરી લાવી આપીશ. હવે તો નિરાંતે બેસ.
-નિરાંતે બેસવાનો ટાઇમ નથી,  બજારમાંથી મુન્ના(મિહિર)ની બુક્સ લાવવાની છે.
-મિહિરનું રિઝલ્ટ આવી ગયું?
-રિઝલ્ટ તો આવ્યા કરશે, પાસ તો થવાનો જ છે, ને? આ તો વરસાદ આવે તે પહેલાં  એની પાંચમાની બુક્સ લાવી દઉં તો પૂંઠાં ચઢાવી દઉં, પછી નિરાંત.
-તો હમણાં ક્યાં નિરાંત નથી?
-તારે હશે,  મારે તો હજી કેટકેટલાં કામ બાકી છે.
-હર્ષા, સાંભળ. તને બે મિનિટની એક વાર્તા કહું. એકવાર એક માણસ એક ઝાડ નીચે સૂતો હતો. ત્યાંથી પસાર થતાં બીજા એક માણસે એને આશ્ચર્યથી પૂછ્યું:
-એ..ય, શું  કરે છે?
-દેખાતું નથી ? સૂતો છું.
-એ તો દેખાય છે, પણ કેમ સૂતો છે? કંઈ નોકરી-ધંધો નથી કરતો?
-નોકરી-ધંધો? એ શું કામ કરવાનો?
-એનાથી પૈસા મળે.
-પછી?
-પછી એ પૈસા બેંકમાં મૂકવાના.
-પછી?
-પછી શું, ઘડપણમાં નિરાંત ને?
-તો હમણાં ક્યાં નિરાંત નથી?

તારી સાથે તો વાત કરવી જ નકામી છે,’  કહીને હર્ષા ત્યાંથી ચાલી ગઈ. એ જો થોડી વધારે વાર મારી પાસે બેઠી હોત તો હું એને સમજાવત કે મારી સાથે વાત કરવી કેટલી કામની છે. પણ મારી બીજી ફ્રેંડ રીના, હર્ષા જેવી નહીં, એ તો સ્વભાવે સાવ અલગ જ.

-આ તે કેવી વાત થઈ? મારા ઘરે આવેલી રીનાએ મને પૂછ્યું.
-હજી કંઈ વાત જ ક્યાં થઈ છે?  પણ કહે તો ખરી કે કઈ વાત કેવી થઈ? મેં પુછ્યું.
-સાંભળ્યું છે કે તું હાસ્યલેખો લખે છે, ને તારા પહેલા પુસ્તકને કંઈ રાજ્ય સરકારનું ઈનામ-બીનામ મળ્યું છે.
-હા, વાત સાચી છે, પણ તેનું શું છે?
-લે, તારા પુસ્તકને ઈનામ મળ્યું હોય, અને તારી ક્લોઝ ફ્રેન્ડ હોવા છતાં, તેં મને જણાવ્યું ન હોય, અને તે પુસ્તક તેં મને ભેટ ન આપ્યું હોય, એ તે કેવી વાત થઈ?
-જો સાંભળ રીના, તું મારી  ક્લોઝફ્રેંડ છે, અને એ જ પદ પર ટકી રહે, એટલે કે મારી ક્લોઝ્ફ્રેન્ડ જ રહે એટલા માટે જ મેં તને એ પુસ્તક નથી આપ્યું.
-એ હું કંઈ જાણું બાણું નહીં, લાવ અત્યારે ને અત્યારે જ મને તારું પુસ્તક જોઈએ.
-વાંચવા જોઈએ છે, કે રાખી મૂકવા?
-એની તારે શી પંચાત?
-કેમ નહીં, મારું પુસ્તક કેવું છે તે મારે જાણવું તો જોઈએ કે નહીં? જો ને, સગાં-સંબંધી અને મિત્રો- બધાં થઈને મેં લગભગ ૭૦ જણને મારું પુસ્તક ભેટ આપ્યું. મારી રોયલ્ટીના પૈસા તો આ પુસ્તક ખરીદવામાં જ વપરાઈ ગયાં.તું જ કહે,  ખરીદીને પુસ્તક વાંચે, એવા સાહિત્ય રસિક આત્મીયજનો આ જગતમાં કેટલાં? એ વાત તો જવા દે, ભેટમાં મળેલું પુસ્તક વાંચીને, એટલીસ્ટ પ્રતિભાવ આપે, એવા વાચકો કેટલાં? હું સદનસીબ છું,  કે મને તો આવા થોડાં લેખિત અને થોડાં મૌખિક  અભિપ્રાયો મળ્યાં છે ખરાં.
-જો, એક વાત સમજી લે, તારે દુખી થવું હોય તો પ્રતિભાવની અપેક્ષા રાખવી.

આટલું કહીને એ મારું પુસ્તક લઈ ગઈ. પછી બીજું, ત્રીજું અને ચોથું પુસ્તક પણ લઈ ગઈ. હવે એ તારું પાંચમું પુસ્તક ક્યારે આપે છે?’ ની ઉઘરાણી કર્યા કરે છે. અને હું પણ એની માંગણી સંતોષવાની દિશામાં કામ કરી જ રહી છું. પણ હું જ્યારે એની પાસેથી અગાઉના મારા ચાર પુસ્તકો વિશેનો પ્રતિભાવ માંગું છું,  ત્યારે એ પછી આપીશ કહીને વાતને ટાળે છે. આથી પછી શબ્દનું  મહત્વ મને વધુ સમજાયું છે. સાથે સાથે બીજી એક મહત્વની વાત પણ સમજાઈ છે કે, દોસ્તોનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે. 

આમ પછી શબ્દ આટલો મહત્વનો હોવા છતાં, કેટલાંક પછી- વિરોધી તત્વો આપણને કેટલીક બાબતમાં હેરાન કરે છે ખરાં. દાખલા તરીકે-

*૧૫ મી તારીખ સુધીમાં વીજળીનું બીલ નહીં ભરશો,  તો વીજળીનું જોડાણ કાપી નાંખવામાં આવશે.
*દસ તારીખ પછી મેન્ટેનન્સ ચૂકવનારને ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.
-૨૫મી તારીખ સુધીમાં ફી ન ભરનારનું સભ્યપદ રદ કરવામાં આવશે.

આપણે તો આવતી કાલ ની વાત,  આજે  વિચારવા તૈયાર  નથી હોતા, પણ કેટલાક ફિલસુફ લોકો ગોલ સેટીંગ ના મજાનાં શીર્ષક હેઠળ – તમે  કાલે કેવાં હશો તે વિચારો. , તમે એક વર્ષમાં શું કરવા ધારો છે તે વિચારો , પાંચ વર્ષ પછી તમે પ્રગતિનાં કયા સોપાનો સર કર્યા  હશે તે ધારો. વગેરે વગેરે કહીને આપણને ગેરમાર્ગે દોરે છે.

એક કવિએ કહ્યું છે કે- ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જો જાનકી નાથ  એટલે કે સ્વયં ભગવાન રામ પણ  સવારે શું થવાનું છે તે ન જાણતાં હોય, તો આપણે તો પામર મનુષ્યો! આપણે આવતી કાલની ચિંતા કરવાની કોઈ જરૂર ખરી?




2 comments:

  1. બહેનપણી હજુ પણ પુસ્તકો લઇ જવાનું ચાલુ રાખે તો તૈયારી રાખજો થોડા મહિનાઓ પછી કબાટ માગવા આવશે....

    ReplyDelete