Wednesday 7 June 2017

આરંભે શૂરા.

આરંભે શૂરા.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-મનીષભાઈએ બે દિવસથી યોગના ક્લાસ જોઈન કર્યા છે, રોજ સવારે એ સ્કુટર લઈને જાય છે, હું વિચારું છું કે હું પણ એમની સાથે સાથે કાલથી યોગ શીખવા જાઉં.

એક સાંજે  પતિદેવે ઓફીસથી આવીને અમારી પડોશમાં રહેતા મનીષભાઈ સાથે યોગના ક્લાસમાં જવાની ઈચ્છા મારી સામે પ્રગટ કરી.ઓફીસ જવાના સમય સિવાય ઘરમાં ભરાઈ રહેતા પતિ યોગના ક્લાસમાં જાય તો મને આનંદ જરૂર થાય, પણ...

-તમારે યોગ શીખવા જવું હોય તો જાવ, પણ એ મનીષભાઈની સાથે સાથે જવાનું રાખશો તો જઈ રહ્યા.
-કેમ આવું કહે છે ?
-‘ચાર દિવસકી ચાંદની, ફિર અંધેરી રાત’ જેવું મનીષનું ખાતું છે.’  એવું  મનીષભાઈના વાઈફ રશ્મિબેન કહેતા હતા.
-તેં પૂછ્યું નહીં કે -  ‘આવું કેમ?’
-ના, કેમ કે હું કંઈ પૂછું તે પહેલાં જ  રશ્મિબેને મને જણાવ્યું, ‘મનીષનું કામકાજ બધી બાબતમાં ‘આરંભે શૂરા’ જેવું છે,  શિયાળો શરુ થાય એટલે એ ક્લબમાં દોડવા જવા તૈયાર થઇ જાય, આપણી દોડવીર પી.ટી. ઉષાના આ ભાઈને દોડવામાં બે ચાર દિવસ માંડ થયા હોય, ત્યાં કોઈ જગ્યાએ એ ‘લાફિંગ ક્લબ’ માં જવા માંડે, લાફિંગ ક્લબમાં  એકાદ અઠવાડિયું હસીને બેવડ વળી જાય, એટલે વળી એને કોઈ જીમમાં જવાનું ભૂત ભરાય.’ મને લાગે છે કે જીમમાં જવાનું ભૂત ભાગી ગયું હશે, અને રામદેવબાબાનો કોઈ શિષ્ય એમને ભટકાયો હશે, એટલે હવે મનીષભાઈએ યોગના ક્લાસમાં જવાનું શરુ કર્યું હશે.
-અચ્છા ! એમનો ઈતિહાસ આવો ભવ્ય હશે એની મને ખબર જ નહીં. 
   
બીજા બધાની બહુ ખબર નથી, પણ અમુક ગુજરાતીઓ માટે આ કથન -‘આરંભે શૂરા’ એ બહુ પ્રચલિત છે. કાર્ય ગમે તેટલું અઘરું કેમ નહીં હોય, ગુજરાતી એ તરત જ કરવા તૈયાર થઇ જાય છે, અને  પછી એટલી જ ત્વરાથી – બલકે એના કરતા પણ વધુ ઝડપથી એની એ કામ કરવાની તત્પરતા ઓછી થઇ જાય છે.

‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એ પંક્તિ કોઈ ગુજરાતીએ જ, અને કોઈ ગુજરાતીને ધ્યાનમાં લઈને જ બનાવી હશે. આ પંક્તિ ‘આરંભે શૂરા’ વ્યક્તિઓએ બરાબર આત્મસાત કરી હશે એમ લાગે છે. કેમ કે ‘આરંભે શૂરા’ વ્યક્તિ કોઈ પણ કામનો આરંભ કરીને, ‘આ કામ મારા વગર પૂરું નહીં જ થાય’,  એવો મિથ્યા ગર્વ ત્યાગીને, ટૂંક સમયમાં જ એ કામ બીજાને કરવા માટે છોડી દે છે.

શુક્લપક્ષ (સુદ) ના ચાંદની જેમ કોઈ નવું કામ કરવાની ધગશ ક્રમશ: વધતી જાય છે, પછી  કૃષ્ણપક્ષ (વદ) ના ચાંદની જેમ ‘આરંભે શૂરા’ વ્યક્તિની કામ કરવાની તત્પરતા દિવસે દિવસે ઓછી થઈને પછી નામશેષ થઇ જાય છે. પરંતુ  એનો અર્થ એવો નથી કે ગુજરાતી હારી જવાથી કે નિરાશ થઇ જવાથી કોઈ કામ છોડી દે છે, પરંતુ બીજું વધારે એક્સાઈટીંગ કામ કરવા માટે એ પહેલું હાથ પર લીધેલું કામ છોડે છે.

એક પછી એક નવા નવા, વધુ ઉત્સાહપ્રેરક કામો હાથ પર લેવાની અને છોડી દેવાની એની ચમત્કારી શક્તિથી અંજાઈને ઈર્ષ્યાવશ અન્ય લોકો એને ‘આરંભે શૂરા’ કહીને વગોવે છે. પરંતુ ગુજરાતી લોકો સહ્રદયી હોવાને લીધે, આવા વગોવણીખોર લોકોને ઉદારતાથી માફ કરી દે છે.

કૂથલીખોર લોકોને તો ખાલી બોલવાનું એટલે એમને ખબર જ નથી, કે કોઈ પણ નવું કામ કરવાની તૈયારી બતાવવી એ કેટલું કઠીન, અને એ કામનો પ્રારંભ એ કેટલું કઠીનતમ કાર્ય છે. એને માટે હિંમત, ધૈર્ય, સમય, સાધનો, ઉત્સાહ, નિર્ણયશક્તિ,  નિરીક્ષણશક્તિ,  વગેરે કેટલું બધું જોઈએ.

ગુજરાતીમાં બીજી પણ એક કહેવત છે, ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.’ મતલબ કે જે કાર્ય તું કાલે કરવાનો છે, તે આજે કર, આજે કરવાનો છે તે અત્યારે જ કર.’ આ કહેવતથી ઉત્સાહમાં આવી જઈને હું મારી ફ્રેન્ડ હર્ષાના ઘરે કાલે (ગુરુવારે) જવાનું હતું તેના બદલે આજે (બુધવારે) પહોંચી ગઈ.

એને બુધવારે સિવણના કોઈ ફાલતુ (ફાલતુ એટલા માટે કે મનીષ મલ્હોત્રા જેવા ફેશન ડીઝાઈનર ના જમાનામાં અત્યારે કોણ સીવણ શીખવાની જહેમત કરે ?)  ક્લાસમાં જવાનું હતું. મેં એને ‘કાલ કરે સો આજ કર...’ ની પંક્તિ સંભળાવીને કહ્યું, 
‘તારે બુધવારના ક્લાસ મંગળવારે ભરી આવવા જોઈએ ને?’ એણે મારી સામે વિચિત્ર નજરે જોયું.

એના ગળે મારી વાત ન ઉતરી, એણે ઘરના બારી-બારણા બંધ કર્યા, લાઈટ-પંખો બંધ કર્યા અને તાળું-ચાવી હાથમાં લીધા, એટલે મારે પણ ના છૂટકે એની સાથે એના ઘરની બહાર નીકળવું પડ્યું. રસ્તામાં એણે મને કહ્યું, ‘એક નવી કહેવત આવી છે, તને કામ લાગે એવી છે, સાંભળ – આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, પરસો ભી ક્યા કરના જબ જીના હૈ બરસો ?’
 અહાહા ! આ તો વળી કંઈ નવી જ ફિલોસોફી ! ‘આરંભે શૂરા’ ને બરાબર કામ લાગે એવી. મારી કવિતા (કાલ કરે સો આજ કર..) સાંભળીને કામ શરુ કરવાનું, અને હર્ષાની કવિતા (આજ કરે સો કલ કર, કાલ કરે સો પરસો..) સાંભળીને કામને પાછળ ઠેલવાનું.  
-આ બધા શેના સળીયા છે ? હર્ષાની સાથે નીકળીને બસ સ્ટોપ તરફ ચાલતા ચાલતા રસ્તામાં એક મેદાન પર પડેલા લોખંડના ઘણા બધા સળીયાઓ જોઇને મેં એને પૂછ્યું.
-આ એક હોસ્પિટલ છે.
-હોસ્પિટલ ? પણ અહી તો અડધી પડધી દીવાલો અને થાંભલાઓ જ દેખાય છે.
-હા, પણ આ પ્લોટ હોસ્પિટલ બાંધવા માટેનો છે. એની શિલારોપણ વિધિ આપણા મુખ્યમંત્રીએ કરેલી.
-વિજયભાઈ રુપાણીએ?
-ના, એ પહેલાના મુખ્યમંત્રી...
-આનંદીબેન પટેલે ?
-ના, એથી પણ પહેલાંના...
-યુ મીન, નરેન્દ્ર મોદીએ ?
-હા, ત્યારનું આ બાંધકામ એમનું એમ જ છે.
-એમનું એમ ક્યાં છે, આ તો ખંડેર લાગે છે. અને આ બાજુના ખાડાઓ શેના છે ?
-અહી શાળા બનવાની છે.
-અરે વાહ ! તો તો તારા પાવકને ઘરની સાવ નજીક સ્કુલ મળી રહેશે.
-તું ઘણી આશાવાદી છે, નાના પાવકની વાત જવા દઈએ, પણ મારો મોટો અનિલ બે વર્ષનો હતો ત્યારે આની શુભ શરૂઆત થઇ હતી, હવે એ છઠ્ઠામાં આવ્યો છે, છતાં પરિસ્થિતિ એમની એમ છે. કદાચ મારા અનિલનો બાબો છઠ્ઠા ધોરણમાં આવશે ત્યારે એને આ સ્કુલમાં (જો એ સ્કુલ બંધાશે તો)  ભણવા મળશે.
-મને લાગે છે કે આ મકાનનો આરંભ તો થયો છે, પણ એનો અંત (કમ્પ્લીશન) નક્કી નથી.

બધા જ કંઈ ગાંધીજી જેવા મક્કમ મનના હોતા નથી કે પ્રતિજ્ઞા લઈને શરૂઆત કરે કે – ‘હવે તો આઝાદી લઈને પછી જ સાબરમતી આશ્રમમાં પગ મૂકીશ.’ લોકોને ખબર જ હોય કે ‘ગાંધીજી  જે બોલે તે કામ  પાર પાડીને જ જંપે.’ આમ જુઓ તો આ વાત સારી ગણાય, પણ એમાં ‘કામ પૂરું થશે કે નહીં થાય?’ ની કોઈ ઉત્તેજના રહેતી નથી.

જ્યારે ‘આરંભે શૂરા’ લોકો કંઈ કામ હાથ પર લે ત્યારે બાકીના લોકોમાં શરત લાગે છે, ‘બોલ, એ આ કામ પતાવશે કે નહીં ? મારા હિસાબે નહીં જ પતાવે, લાગી શરત ?’ને પછી ચટપટી શરુ થાય – ‘કામ કરશે કે નહીં કરે ?’ કોઈ વાર આપણે શરત જીતીએ અને કોઈ વાર હારીએ, પણ ખરી મજા તો આ રમતમાં જ આવે.

કોઈ વ્યક્તિ આ વિષય ‘આરંભે શૂરા’ પર મહાનિબંધ લખે તો એને પીએચડી (ડોકટરેટ) ની ડીગ્રી તો મળતા મળે, પણ આપણને વાંચવા કેટલો મસ્ત નિબંધ મળે. એક ઉત્સાહી વ્યક્તિએ એટલે કે મેં તો આ થીસીસ લખવાનો આરંભ પણ કરી દીધો છે, જેની પહેલી કડીરૂપે આ લેખ ‘આરંભે શૂરા’ તમારી સેવામાં પ્રસ્તુત કર્યો છે.        

   

1 comment:

  1. સુંદર અવલોકન અને પ્રસ્તુતી...

    ReplyDelete