Tuesday 19 July 2016

બોસનો ડિટેકટીવ પટાવાળો.

બોસનો  ડિટેકટીવ પટાવાળો.      પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અમારી ઓફીસ આવેલી છે. ત્રણ મહિલાઓ સહીત અઢાર વ્યક્તિઓનો બનેલો અમારો સ્ટાફ મેળો છે. બે પટાવાળાઓ પણ છે, જેમાનો એક પટાવાળો સીધો સાદો  અને બીજો પટાવાળો – પટાવાળો  ઓછો અને ડિટેકટીવ વધારે લાગે છે. બોસની ગેરહાજરીમાં એ સવાયા બોસ ની જેમ વર્તે છે. એને અમે સ્ટાફનો સભ્ય ગણતાં નથી, કારણ કે એને ઓફીસના સામાન્ય નિયમો લાગુ પડતાં નથી.

જો કે એમ તો પેલી ત્રણ મહિલાઓ પણ અવાર નવાર નિયમોનો ભંગ કરે છે, પણ એમને તો અમે સ્ટાફના સભ્ય તરીકે સ્વીકારીએ છીએ. એટલું જ નહિ, પણ એમ કરવામાં અમે ગર્વ અને આનંદની લાગણી પણ અનુભવીએ છીએ. અમારું ચાલે તો એ ત્રણ માંથી એકાદને અમે અમારા ઘરના સભ્ય તરીકે પણ સ્વીકારી લઈએ. પણ કાયમ કંઈ આપણું ધાર્યું  ઓછું જ થાય છે? એકાદ બે જણે તો આવું ધારીને એ અમલમાં મુકવાની ટ્રાય પણ કરેલી, પણ...જવા દો ને એ વાત જ. એમના જે હાલ થયેલા તે જોઇને અમે તો એ ખ્યાલને મનમાંથી સદંતર ભૂસી નાખ્યો હતો. અને આમ પણ હિંદુ કાયદો ક્યાં બીજી પત્ની કરવાની પરવાનગી આપે પણ છે?

હા, તો આપણે વાત કરવાની છે પેલા મનસ્વી, બોસના માનીતા, બોસના ચમચા, બોસના જમણા હાથ જેવા ગણાતા પટાવાળા શંકર ની. બોસની કેબીનની બહાર બેસીને એ ઘણીવાર નિરાંતે હથેળીમાં તમાકુ અને ચૂનો મસળતો હોય, અથવા જાસુસી નવલકથા વાંચતો હોય. (આમ તો પાછો એ ભણેલો ગણેલો છે.) જો એ જાસુસી નોવેલ ફક્ત વાંચતો જ હોત અમને કંઈ વાંધો નહોતો, કેમ કે ચોપડીઓ વાંચતા લોકો અમને ગમે છે, એમાંય અમારી લખેલી ચોપડીઓ વાંચતા લોકો તો અમને વિશેષ ગમે છે અને વાંચીને અમને પોઝીટીવ ફીડબેક આપતા લોકો તો અતિ વિશેષ ગમે છે. 

પણ પટાવાળો શંકર તો એની ડિટેકટીવગીરીની અજમાયેશ અમારા સ્ટાફના માણસો પર પણ કરતો. શંકરની ચકોર નજરથી અમારી કોઈ પણ  વાત છાની રહેતી નહિ. એના દ્વારા સ્ટાફની રજે રજ માહિતી બોસને મળતી. શંકરની પત્ની પાર્વતી બોસના બંગલે ઘરકામ કરતી. અત્યાર સુધીમાં શંકરની ડિટેકટીવ- કલાનો ભોગ અમારામાંના દરેક જણ (મારા સિવાય) બન્યા હતા, અને એટલે જ બધા એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા.

એની હાજરીમાં અમે વાતો કરવાનું લગભગ ટાળતા અથવા વાત કરતી વખતે ખુબ જ સતર્ક રહેતા. વાત કર્યા વિના છૂટકો ન હોય ત્યારે અત્યંત ધીમા અવાજે, લગભગ એક બીજાના કાનમાં મોઢું નાખીને વાત કરતા. મહિલા સ્ટાફ સાથે આ રીતે વાત કરવાની આવે ત્યાર પુરતો શંકર અમને ખુબ ગમતો. અરે, અમે તો ઇશારાઓની ભાષા પણ વિકસાવી હતી, પણ એમાંય અમને ક્યારેક વહેમ પડતો કે શંકર આ બહેરા – મૂંગાની ભાષા પણ સમજે છે.

અત્યાર સુધી તો હું શંકરથી બચતો આવ્યો હતો, પણ એકવાર મને પણ એનો પરચો મળી જ ગયો. મારા નાના દીકરાને ઈંગ્લીશ મૂવી જોવું હતું, શુક્રવારે મૂવી બદલાઈ જવાનું હતું, એટલે એ જીદ લઈને બેઠો હતો કે, ‘પપ્પા, મને ગુરુવાર સુધીમાં મૂવી બતાવો.’ મૂવીની સાથે પોપકોર્ન અને થમ્સઅપ ની પણ ડિમાન્ડ કરી હતી. એ માટે મારે ઓફિસમાં જુઠું બોલીને રજા લેવી પડે એમ હતું, એવું મે બાબાને જણાવ્યું તો એને એ સાહજિક લાગતું હતું.

મે કહ્યું, ‘બેટા, હું તારા જેવડો હતો ત્યારે કદી જુઠું બોલ્યો નહોતો.’ તો એ કહે, ‘અચ્છા, તો પપ્પા તમે ક્યારથી જુઠું બોલવાનું શરુ કર્યું?’ હવે હું મૂંઝાયો. જો મારા બોસને સાચું કહું કે – મારે મારા બાબાને ફિલ્મ જોવા લઇ જવા માટે રજા જોઈએ છે, તો એ મને નોકરીમાંથી પાણીચું પકડાવી દે અને કહે – જાવ, તમતમારે આજથી રોજ હવે તમારા બાબાને મૂવી બતાવવા સ્વતંત્ર છો. અને જો ખોટું બહાનું બતાવીને રજા લઉં તો બોસના ડિટેકટીવ ચમચા પટાવાળા શંકરની બીક, એ ગમે તે રીતે જાણીને બોસને કહી દે તો મારું આવી બને.

મારી પત્ની મારી સાથે આ બાબતે નારાજ હતી. એના સિવાય હું બીજા કોઇથી ડરું તો એનું એકહથ્થુ  શાસન લજવાય ને? એ દિવસે એણે મને કહ્યું, ‘બોસ કંઈ વાઘ છે કે એનાથી આટલા ડરો છો?’ મેં કહ્યું, ‘બોસનું તો ઠીક, એમને તો બહાનું કાઢીને બનાવી/મનાવી લેવાય, પણ તું અમારા પટાવાળા શંકરને ઓળખતી નથી.’ આ સાંભળીને એ તુચ્છકારથી બોલી, ‘ધત તેરી કી. એક પટાવાળાથી આટલા બધા ડરો છો? શરમ છે તમને. અરે, એક આટલી અમથી વાત તમે એનાથી છુપી રાખી નથી શકતા?’ પત્નીના મહેણાંથી વીંધાયેલો હું પહેલા ખીજવાયો, પછી લજવાયો અને અંતે મને પાનો ચઢ્યો, કે હવે તો મારે કોઈ પણ હિસાબે શંકરથી છાનું રાખીને બાબાને પિક્ચર બતાવવું જ. 

બીજે દિવસે ઓફિસમાં મે  બોસને કહ્યું, ‘સર, મારા કાકાનું અવસાન થયું છે, અને એમને સ્મશાને લઇ જવાના છે, એટલે મારે અડધા દિવસની રજા જોઈએ છે. ‘એમ, શું થયું હતું તમારા કાકાને?’ એમણે પૂછ્યું. ‘જ..જ..જી? હાર્ટફેલ’ મે થોથવાતા કહ્યું. ‘ઠીક છે, તમે જાવ.’ બોસે કહ્યું. મને આસાનીથી રજા મળી ગઈ એટલે હું બોસની કેબિનમાંથી નીકળીને ખુશખુશાલ ચહેરે મારા ટેબલ  પાસે આવ્યો અને અને મારી બેગ લઈને બહાર નીકળ્યો. સામે જ મારા કલીગ મી. દવે મળ્યા એમને તાળી  આપી. ફિલ્મ બતાવી મેં બાબાને ખુશખુશાલ કર્યો અને મારી વાઈફની તારીફ મેળવી.

બીજે દિવસે ઓફીસ ગયો એટલે બોસનું તેડું આવ્યું. હું કેબીનમાં ગયો એટલે એમણે પૂછ્યું, ‘કેવી લાગી કાલે ફિલ્મની સ્ટોરી?’ ધુનમાં ને ધૂનમાં મારાથી બોલાઈ ગયું, ‘’ફંટાસ્ટીક’ પણ પછી મને ટ્યુબ લાઈટ થઇ એટલે મે ફેરવી તોળ્યું, ‘સર, સ્ટોરી, શાની સ્ટોરી?’ હવે બોસ તાડૂક્યા, ‘શરમ નથી આવતી તમને? તમે સીનીયર ઓફિસર થઈને એક ફિલ્મ જોવા માટે મારી આગળ જુઠું બોલ્યા? અને કાકાનું વગર કારણે હાર્ટફેલ કરી એમને મારી નાખ્યા?’

મે દયામણા અવાજે ક્ષોભ પૂર્વક એમની માફી માંગી. અને કહ્યું, ‘સર, મારો એવો બદ ઈરાદો નહોતો. પણ આ તો બાબાની જીદ હતી, એટલે મારે એમ કરવું પડ્યું, આઈ એમ વેરી સોરી, સર.’ એમણે કહ્યું, ‘ઠીક છે, પહેલી વાર આવું બન્યું છે, એટલે ચેતવણી આપીને તમને જવા દઉં છું, પણ ફરીવાર બનશે તો હું ચલાવી નહિ લઉં. મે ડોકું હલાવ્યું અને ત્યાંથી નીકળી ગયો.
બહાર નીકળીને હું વિચારવા લાગ્યો, ‘બોસને મારી ફિલ્મ જોવા જવાની વાતની કેવી રીતે ખબર પડી ગઈ? પછી વિચાર્યું કે આ બોસ લોકોને કુટુંબ પ્રેમ જેવું કંઈ હોતું હશે કે નહિ? એ કદી એમના બૈરી છોકરાને સિનેમા જોવા કે ફરવા લઇ જતા હશે કે નહિ?’  આવી પરિસ્થિતિમાં પણ મને શેઠ – નોકરની એક જોક યાદ આવી ગઈ.

એક દુકાનમાં શેઠ બેઠા હતા, અને નોકર કંઈ લેવા ગોડાઉનમાં  ગયો હતો. ત્યાં જ એક ભિખારી  આવીને શેઠને કશુંક આપવા આજીજી કરવા લાગ્યો. શેઠ ગુસ્સે થઈને બોલ્યા, ‘કહ્યું ને અત્યારે દુકાનમાં કોઈ માણસ નથી, પછી આવજે.’ એટલે ભિખારી બોલ્યો, ‘શેઠ, થોડી વાર માટે તમે જ માણસ બની જાવ અને મને કશુક આપોને, બહુ ભૂખ લાગી છે.’

હું વિચારમાં હતો ત્યાં જ શંકર ભટકાયો. એના હાથમાં જાસુસી નવલકથા હતી અને હોઠો પર મને જોઈને આવેલું ‘મર્માળુ’  અને ‘ભેદી’ સ્મિત. હું બધી વાત સમજી ગયો. મને થયું, ‘કાશ! જાસુસી નવલકથાઓ લખાઈ જ ના હોત!’ 

No comments:

Post a Comment