Sunday 8 May 2016

શું કરવી છે આવી શોધખોળોને ?

શું કરવી છે આવી શોધખોળોને ?   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

દ્રશ્ય ૧ :
રમેશ: (ફોન પર) શું કરે છે મહેશ?
મહેશ: કંઈ નહીં ઘરમાં શાંતિથી બેઠો છું,  તું શું કરે છે?
રમેશ: હું પણ બેઠો જ છું, યાર એક સાથે ૪ રજાઓ આવવી જ ન જોઈએ. ઉનાળાના આ ભર  તડકામાં  હું તો ફમિલીને મૉલમાં,  હોટલમાં, ગાર્ડનમાં ...ફેરવી ફેરવીને કંટાળી ગયો. આજે તો કહી જ દીધું, તમારે જવું હોય ત્યાં જાઓ, હું ક્યાંય આવવાનો નથી.
મહેશ: અચ્છા, બધા દોસ્તો આજે મનિયાના ફાર્મ હાઊસમાં પાર્ટી કરવા જવાના છે, તારે આવવું છે?
રમેશ: અરે વાહ ! નેકી ઔર પૂછ પૂછ? બોલ કેટલા વાગ્યે જવાનું છે?

દ્રશ્ય ૨:
માલા: (પતિને) આજે હું બાર વાગ્યે મોનાના ઘરે જવાની છું, ઘરે પાછા આવતા મોડું થશે.  સાંજનું  જમવાનું  બનાવી રાખ્યું છે, આવું એટલે ગરમ કરીને ખાઈ લઈશું.
પતિ: મોનાના ઘરે કાલે જાય તો ન ચાલે? આજે રવિવાર છે તો અનિલને રજા હશે,આપણે એના ઘરે જઈ આવીએ તો?
માલા: અમે બધી ફ્રેન્ડ્સ મોનાના ઘરેથી મૉલમાં  શૉપિંગ કરવા જવાના છે. પણ વાંધો નહીં, હું તમારી સાથે અનિલભાઈના ઘરે આવું, પછી ત્યાંથી તમે મારી સાથે શૉપિંગ કરવા આવજો.
પતિ: અરે હોય કંઈ, ગાંડી? તું તારે મોનાને ઘરે જા અને નિરાંતે શૉપિંગ કરીને આવજે, અનિલના ઘરે જવાની કંઈ ઉતાવળ નથી, બીજી કોઈવાર જઈશું.

ઉપરના બે  દ્રષ્ટાંત એટલા માટે લખ્યા છે કે – પુરુષો નવરા પડે તો પાર્ટી કરવા અને સ્ત્રીઓ નવરી પડે તો શૉપિંગમાં જાય. એ જ  એમની ફેવરીટ પ્લેસ. પણ વૈજ્ઞાનિકો અલગ પ્રકારના ઈન્સાનો છે. એમની ફેવરીટ પ્લેસ કઈ? તો તે અલગ  અલગ હોય છે.

એક વૈજ્ઞાનિક: (પત્નીને) : બોલ, તને તારી વર્ષગાંઠના દિવસે ક્યાંફરવા લઈ જાઉં?
પત્ની: (ઉદારતાથી) તમારી ફેવરીટ પ્લેસ હોય ત્યાં લઈ જાઓ.
વૈજ્ઞાનિક: (પત્નીનો હાથ પકડીને) ચાલ તો પછી, આપણે મારી પ્રયોગશાળામાં જઈએ.

વૈજ્ઞાનિક ન્યૂટનની વાત કરીએ તો એક વાર તેઓ નવરા પડ્યા તો બગીચામાં જઇ સફરજનના ઝાડ નીચે બેઠા. લ્યો, આ તે કંઈ નવરાશની પળો ગુજારવાની જગ્યા છે કંઈ? આપણે નવરા પડ્યા હોઈએ તો લૉ ગાર્ડન જઈને કોઈ આઈસક્રીમની લારીએ  અથવા તો કોઈ ઢોસાવાળાના ટેબલે જઈને ગોઠવાઈએ.  કે પછી અમદાવાદના કાંકરીઆ તળાવની પાળે 
બેસી, આ કેટલું ઊંડું હશે? ખબર નથી પણ આબુના નખી લેક જેટલું ઊંડું તો નહીં જ હોય એવો રસમય વાર્તાલાપ કરીએ.

પણ ન્યૂટનભાઈને તો જગ્યાની ચોઈસ બોઈસ જેવું કંઈ નહોતું. કે નહોતો એમને ત્યાં સફરજનના ઝાડ નીચે બેસતાં સ્ટેટસ સિમ્બોલ નડ્યો. હવે કાગનું બેસવું અને ડાળનું પડવું ની જેમ ન્યૂટનનું બેસવું અને સફરજનનું પડવું  જેવી વાત બની. સફરજન એમના પગ પાસે પડ્યું છતાં એમણે સફરજન ખાધું નહીં. સફરજન કબજિયાત કરે છે, અને સર્વ રોગોનું મૂળ કબજિયાત છે  એવી ડબલ કહેવત એમણે સાંભળેલી હશે કે પછી સફરજન તરફ  એમને અરૂચિ હશે?  

એટલે સફરજન ઝાડ પરથી નીચે આવવાથી, એને હાથમાં લઈને ન્યૂટનજી આંખ મીંચીને વિચારમાં પડી ગયાં, આ સફરજન ડાળીએથી તૂટીને નીચે જ કેમ આવ્યું,  ઉપર આકાશમાં કેમ ન ગયું?’ ભેજાનું દહીં કરીને, ગહન વિચારમાં ડૂબીને, મરજીવા સમ એમણે  એક મોતી એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શોધી કાઢ્યું, કે જેને લીધે સફરજન ઉપર જવાના બદલે પૃથ્વી પર નીચે આવ્યું.

કોલંબસે અમેરિકા ખંડ શોધી કાઢેલો ત્યારે એમને જેવો આનંદ થયેલો, કંઈક અંશે એવો જ આનંદ ન્યૂટનને પોતાના આ ગુરુત્વાકર્ષણના બળના સિધ્ધાંતની શોધ બદલ થયો. પણ એમને શું ખબર કે છ્ઠ્ઠા – સાતમા ધોરણમાં ભણતાં વિધાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં એક નવો નિયમ યાદ રખવાનો (ગોખવાનો) થયો. એ તો જાણે ઠીક છે, સમજ્યા – આટલા બધા નિયમોની સાથે એક વધુ . પણ આમ ને આમ છાશવારે ન્યૂટન  જેવા ઉત્સાહી માણસો નવું નવુંકંઈ કંઈ શોધ્યા કરે, તો આપણે તે કેટકેટલા નિયમો યાદ રાખીએ?

છતાંય માની લઈએ કે , વૈજ્ઞાનિક નિયમો યાદ રાખવાથી આપણને ફાયદો થાય છે, તો યાદ રાખીએ પણ ખરા. પણ મને તો એમાં કંઈ ફાયદો જણાતો નથી. ન્યૂટનજીએ આ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તે પહેલાં પણ માણસ ઝાડ પરથી, ઘર પરથી કે ઊંચા પહાડ પરથી પડતાં નીચે પૃથ્વી પર જ આવતો. ( હા, કમનસીબે કોઈ વાર એનો આત્મા ઉપર પહોંચી જતો ખરો) અને આજે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયા પછી પણ તે નીચે જ પડે છે. તો પછી આ નિયમ હોય કે ન હોય, શું ફરક પડે છે? હા, કોઈ એવો નિયમ શોધાય કે માણસ ઉપરથી નીચે પડે ત્યારે અધવચ્ચે એ પોતાની જાતને ક્યાંક અટકાવી શકે, તો એ  નિયમ આપણને ફાયદાકારક થાય ખરો.

સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક શ્રી આલ્બર્ટ આઈનસ્ટાઈન એકવાર ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ડાઈનિંગ કારમાં જઈને બેઠા. તેઓ વાંચવાના ચશ્મા પોતાના કમ્પાર્ટમેન્ટમાં ભૂલી આવ્યા હતા, એટલે એમની બાજુમાં બેઠેલા શખ્સને મેનૂ કાર્ડ વાંચી સંભળાવવા કહ્યું. એ માણસે આઈનસ્ટાઈનને નમ્રતા પૂર્વક કહ્યું, માફ કરજો જનાબ, હું પણ આપની માફક અભણ જ છું.’ આ સાંભળીને અનેક શોધખોળોના પ્રણેતા આઈનસ્ટાઈનને કેવું લાગ્યું હશે?

વૈજ્ઞાનિકો તો હંમેશા નવી નવી શોધખોળો અને સંશોધનો કરતાં જ રહે છે.  એનો લાભ છે તો ગેરલાભ પણ છે. વિજ્ઞાન આશિર્વાદ રૂપ છે કે શ્રાપરૂપ?’  એ વિષય સદીઓથી ચર્ચાતો રહ્યો છે. સઘળા રોગોનું મૂળ કબજિયાત છે એમ સઘળા દુ:ખોનું મૂળ વિજ્ઞાન અને એની શોધખોળ જ છે  એમ મારું માનવું છે. તમે નથી માનતા ને? તો વાંચો આગળ.

માણસે વ્હીલ એટલે કે ચક્રની શોધ કરી.એણે બળદ, ઊંટ, ઘોડાં, બકરાં જેવા પ્રાણીઓને જોડીને ગાડાં બનાવ્યાં. પછી સાઈકલ, સ્કુટર, ગાડી, બસ, અને વિમાનની શોધ કરી. શું ફાયદો થયો એમાંથી? રોજેરોજ રસ્તાઓ પર ટ્રાફિક જામ’,  નો પાર્કિંગ ના પ્રોબ્લેમ અને જીવલેણ એક્સિડન્ટ  ના સમાચારોથી ન્યૂઝપેપર્સ ભરાયાં તે જ કે બીજું કંઈ?

ઉપરથી પેટ્રોલ –ડિઝલની અછત, ખાતર પર દિવેલ  જેવું હવામાં ધૂમાડાથી થતું પ્રદૂષણ. ઉપરાંત ચાલવાના અભાવે થતાં ડાયાબિટિશ, મેદસ્વિતા અને બ્લડપ્રેશર જેવા રોગો મળ્યાં. શું ફાયદો થયો આ ચકરડું એટલે કે ચક્ર શોધીને? આજકાલ તો માણસ નિરાંત, ફેમિલી, સુખ,  બધું જ વિસારે પાડીને પોતે જ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા આખો દિવસ અને ક્યારેક તો રાત્રે પણ (ઓવર ટાઈમ્) ચકરડાની જેમ ગોળ ગોળ ઘૂમી રહ્યો છે.

આવી તો કેટકેટલી શોધો, અણુથી માંડીને એટમબોમ્બ માણસે કરી છે, અને હજી કરી જ રહ્યો છે. આ શોધખોળોથી માણસનું જીવન સુખી અને સરળ અને સરવાળે દુ:ખી અને દુર્ગમ બન્યું  છે. જો આવું જ હોય તો મનમાં માત્ર આ જ સવાલ ઊઠે છે ‌

શું કરવી છે આવી  શોધખોળોને?’

2 comments:

  1. બેન ખુબ સરસ લખો છો.....
    અભિનંદન

    ReplyDelete
  2. આભાર, મંજુલાબેન.

    ReplyDelete