Sunday 22 November 2015

પુસ્તક અને પુરુષ.

પુસ્તક અને પુરુષ.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પત્ની: તમે પુરુષો!  કોઇ પણ સુંદર સ્ત્રીને જુઓ છો ત્યારે ભુલી જાઓ છો, કે તમે પરણેલાં છો.
પતિ: તારી ગેરસમજ થાય છે, પ્રિયે. ઊલટાનું ત્યારે જ તો અમને ખાસ યાદ આવે છે, કે અમે પરણેલાં છીએ.
પુસ્તક અને પુરુષ! આ બન્નેની સરખામણી કરતી વખતે આ જોક એટલા માટે યાદ આવી કે, પુરુષનું મુખારવિંદ જોઇને આપણે એ અનુમાન નથી કરી શકતાં કે એના મનમાં કયા વિચારો ચાલી રહ્યાં છે. જ્યારે પુસ્તકનું મુખપ્રુષ્ઠ જોઇને આપણે સમજી શકીએ છીએ કે એમાં શેના વિશે માહિતી આપી હશે. દાખલા તરીકે-  મુખપ્રુષ્ઠ એટલે કે પૂંઠા ઉપર નકશા દોર્યા હોય તો એમાં ભૂગોળ એટલે કે દેશવિદેશની  માહિતી હોય અને પૂંઠા ઉપર આંકડા આલેખ્યા હોય તો એમાં ગણિત વિશે માહિતી હોય.

આમ સરખામણીની દ્રષ્ટિએ જોઇએ તો પુરુષ કરતાં પુસ્તક વધુ સરળ અને સમજી શકાય એવું હોય છે.
પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ જો આ વાંચીને એમ કહે કે, આ વાત હમેશા સાચી નથી હોતી.  એક પુસ્તક- રેતીની રોટલી.- નું મુખપ્રુષ્ઠ જોઇને જો તમને એમ થાય કે આમાંથી રેતીની રોટલી બનાવવાની રેસીપી મળશે તો તમે ખોટાં પડશો. એ –પાકશાસ્ત્ર- નું નહીં,  પરંતુ- હાસ્યલેખો-નું પુસ્તક છે.  પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેનું આ પુસ્તક વિનોદભાઇને હાસ્યવિભાગના બદલે લાઇબ્રેરીના પાકશાસ્ત્રના વિભાગમાંથી મળી આવ્યું હતું. આ બધી વાત સાચી, પણ કેટલાંક અપવાદોને બાદ કરતાં તમે વિચારશો તો મોટા ભાગના કેસોમાં તમને મારી વાત સાચી લાગશે.

પુસ્તક અને પુરુષ’,  બંનેમાં સંખ્યાની દ્રષ્ટિએ સરખા અક્ષરો છે. જો કોઇ ભાષાજ્ઞાની આ વાત વાંચીને એવી દલીલ કરે કે ખોટું, પુરુષ શબ્દમાં ત્રણ અક્ષર છે, જ્યારે પુસ્તક શબ્દમાં સાડાત્રણ. માત્ર સ્વીકારવા ખાતર કે સામી દલીલ ન કરવા ખાતર આપણે એમની વાત સ્વીકારી લઈએ. પણ જરાક ઊંડાણપૂર્વક વિચારતાં માલૂમ પડશે કે સ્ત્રીપુરુષની અર્ધાંગિની છે. [ આમાં પણ અપવાદ રૂપ કેટલીક સ્ત્રીઓ અર્ધાંગિની ના બદલે બમણાંગિની હોય છે.]  એ હિસાબે પુરુષ સ્ત્રી વગર અધૂરો છે. એટલા ખાતર જ પુરુષ શબ્દમાં પુસ્તક શબ્દની સરખામણીએ અડધો અક્ષર ઓછો છે.

પુસ્તક અને પુરુષ, બંને શબ્દનો આરંભ ઉકારથી અને અંત ‘’અકારથી થાય છે. પરંતુ આકારની દ્રષ્ટિએ જોઇએ તો પુસ્તકમાં વિવિધતા અને પુરુષમાં વિચિત્રતા જોવા મળે છે. બંનેની આવ્રુત્તિ બહાર પડે ત્યારે નવાંનકોર, મજબૂત, સુગઠિત, સુંદર અને જોવાં ગમે તેવાં હોય છે. પરંતુ કાળક્રમે ઘસાઇને તેઓ નબળાં, ઢીલાં અને ફિક્કાં પડી જાય છે. પુસ્તક પાસે ભાર અને પુરુષ પાસે કાર હોય ત્યારે લોકો એમને માનની દ્રષ્ટિએ જુએ છે.

પુસ્તક અને પુરુષ, બંનેની સામે કોઇ ચાહકવર્ગ દ્રષ્ટિ માંડે નહિ ત્યાં સુધી બંને મૂલ્યવિહીન હોય છે. બંનેને સાચા કદરદાનની જરુર હોય છે. પુસ્તક ખરીદાયું ના હોય અને પુરુષ પરણ્યો ન હોય, ત્યાં સુધી બંનેનું મૂલ્ય અકબંધ રહે છે. એ પછી બંનેની કિંમત અડધી કે ક્યારેક નહિવત પણ થઈ જાય છે.
પસ્તીવાળો: બહેન, કોઇ ભંગાર-બંગાર આપવાનો છે?
બહેન: અમારા ઓફિસે ગયા છે, ઘરે આવે પછી આવજે.

આ તો એક જોક છે. પણ હકીકત એ છે કે, પુસ્તકને તો પસ્તીમાં આપીને એની થોડીઘણી કિંમત પણ ઉપજાવી શકાય છે, જ્યારે પુરુષને?
પુસ્તક અને પુરુષ, બંને પાસે ઘણું જ્ઞાન અને જાણકારી હોય છે. પરંતુ તે મેળવવા કે કઢાવવા આપણે ઘણા પ્રયત્નો કરવાં પડે છે. અનેક પ્રયત્નો બાદ પણ પૂરેપૂરી સફળતા નથી મળતી. જો કે પુસ્તક ન સમજાય તો એને સમજવા માટે ગાઇડ ઉપલબ્ધ હોય છે, જ્યારે પુરુષને સમજવા? તોબા! તોબા! આમ તો પુરુષો જ કહેતાં ફરે છે કે સ્ત્રીને સમજવી અઘરી છે. પણ એક સ્ત્રી તરીકે મને હમેશાં લાગ્યું છે, કે પુરુષોને સમજવા અઘરાં, ના, ના. અઘરાં નહિ, લગભગ અશક્ય જ છે. 
દાખલા તરીકે-
આપણે એને નજીકની દુકાનેથી ઘર માટે કંઇક ચીજ ખરીદવા માટે મોકલવા માંગીએ ત્યારે એ, થાકી ગયો છું નું બહાનું બતાવી, ખુરશીમાં બેસી ટી.વી. ઉપર ફાલતુ પ્રોગ્રામ્સ જોયા કરશે. પણ બે જ મિનિટ પછી જો આપણી સુંદર પડોશણ એને ઘણે દૂરની દુકાનેથી કશુંક લાવી આપવા કહેશે તો એનામાં શક્તિનો અજબ સંચાર થઈ જશે, અને ટી.વી. પર પ્રોગ્રામ જોવાનું છોડીને તરત જ જઈને કામ પતાવી આપશે.

પુસ્તક અને પુરુષ, એમાં પુસ્તકની સમ્રુદ્ધિ વધે ત્યારે એનાં પેજની સંખ્યામાં વધારો થાય છે. અને પુરુષની સમ્રુદ્ધિ વધે છે ત્યારે એના પેટના ઘેરાવામાં વધારો થાય છે. પુસ્તક જ્ઞાન આપે છે અને પુરુષ પગાર આપે છે. એકવાર મેળવેલું જ્ઞાન મોટેભાગે નાશ પામતું નથી. જ્યારે એકવાર મેળવેલો પગાર મહિનાના અંતે પૂરો થઈ જાય છે. કેટલીક વાર પગાર પહેલો પૂરો થાય છે અને મહિનો પછી. આવી પરિસ્થિતિમાં પુરુષ પાસે પગાર ઉપરાંતની કમાણી પણ માંગવી પડે છે. મોટા ભાગનાં પુરુષો આ બાબતમાં ઉદાર હોય છે, અને સ્ત્રીઓને તેઓ પગાર ઉપરાંતની કમાણી પણ આપી દે છે. પરંતુ કેટલાંક પુરુષો અતિ ઉદાર હોવાને કારણે શ્રી જ્યોતિંદ્ર દવેની ભાષામાં કહીએ તો સ્ત્રીઓને પગાર ઉપરાંત પ્રહાર પણ આપે છે.

પુસ્તકોને વ્યવસ્થિત રીતે ગોઠવીને કબાટમાં સરખાં મૂકી શકાય છે. જ્યારે જંગલમાં આડેધડ ઉગી નીકળેલાં ઝાડવાં જેવાં અસ્તવ્યસ્ત પુરુષોને ક્યાંય પણ ગોઠવીને રાખવાં અત્યંત અઘરાં છે. પુસ્તકો પર લાગેલી ધૂળને કપડાંથી ઝાપટીને સાફ કરી શકાય છે. પણ પુરુષોને લાગેલી ખરાબ ટેવો – વ્યસનોરુપી –ધૂળને કશાયથી ઝાપટીને સાફ કરી શકાતી નથી.
પુસ્તકો આપણી સાથે વાતચીત કરી શકતાં નથી. પુરુષો સાથે પણ લગભગ એવું જ હોય છે. તફાવત હોય તો માત્ર એટલો કે, વાતચીત દરમિયાન પુસ્તક પાસે આપણે નકામા હોંકારાની આશા પણ રાખતાં નથી.
અને અંતમાં એટલું જ કહેવાનું કે-
પુસ્તકો આપણે ધારીએ એટલાં વસાવી શકાય છે.


2 comments:

  1. બહુ સરસ લેખ. સરખામણી કરવી તો આવી.
    અભિનંદન.

    ReplyDelete
  2. Good one comic. story. Not correct

    ReplyDelete