Wednesday 5 August 2015

ચાલતો રે’ જે...[૧]

ચાલતો રે જે...[૧]           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ચાલતો રે જે.... ચાલતો રે જે  એ.. એ..એ.. એ.. આ ગીત કોઈ ગીતકારે ખુરશીમાં બેસીને લખ્યું હતું. કદાચ ખુરશીમાં બેસીને નહીં લખ્યું હોય, તો હીંચકે બેસીને લખ્યું હશે, અથવા તો ખાટલા પર બેસીને લખ્યું હશે. ટૂંકમાં આ ગીત એમણે બેસીને લખ્યું હશે, કેમ કે ચાલતાં-ચાલતાં તો ગીત લખી નહીં શકાય તે સમજી શકાય એવી વાત છે. અને આ ગીતકાર જો જીવનમાં ચાલવા કરતાં ઝાઝું બેઠાં રહ્યા હશે તો જ તેઓ ઝાઝાં ગીતો લખી શક્યા હશે, એની મને ખાતરી છે.

સ્વાનુભવે મને સમજાયું છે, કે બેસીને, સૂઈને કે સ્થિર ઉભા રહીને કરવાનાં કામો ચાલતા રહેવાથી અટકી પડતાં હોય છે. પરંતુ ઉપરની પંક્તિ લખનાર ગીતકારે તો આગળ વધીને [ફક્ત પંક્તિમાં જ]  વિસામો ન લેજે....વિસામો ન લેજે. એમ પણ કહ્યું છે. પણ પ્રેક્ટિકલી આ વિસામો ન લેજે વાળી વાત આપણે  હાર્ટ એટલે કે હ્રદય સિવાય  કોઈનેય લાગુ પાડી શકીએ એમ નથી. જો કે ક્યારેક હાર્ટનેય વિસામો લેવાનું મન થઈ આવે છે ખરું. પણ એનો વિસામો માણસને ક્યારેક હોસ્પિટલના ICCU  વિભાગનો તો  ક્યારેક સ્વર્ગનો  રહેવાસી બનાવે છે.

એકવાર અમે અમારી કારમાં બેસીને મહુડી ગયા હતા. પ્રભુના દર્શન કરતાં પણ ગરમ સુખડીનો પ્રસાદ અમને ત્યાં જવા માટે વધુ પ્રોત્સાહિત કરે છે. મહુડીથી પાછા વળતાં અમે વિસામો ન લેવાનું નક્કી કર્યું. પણ ગાંધીનગરથી અમદાવદ તરફ આગળ વધતાં અમારી કાર રસ્તામાં અટકી અને બૉનેટે સ્મૉકિંગ કરી ધુમાડા કાઢવા માંડ્યા. એના ડૉક્ટરે એટલે કે ડ્રાઇવરે બૉનેટ ખોલી , પ્રાથમિક તપાસ કરીને અમને રિપોર્ટ આપ્યો, ગાડી ગરમ થઈ ગઈ છે, અર્ધો કલાક પછી પાણી નાંખીશું પછી જવાશે.  ગાડીના ગરમ થવાની વાત સાંભળીને અમે સૌ ઠંડા થઈ ગયા.

આ રીતે અર્ધા રસ્તે પરાણે વિસામો લેવાની વાત અમને વસમી લાગી. અમારે ઘરે વહેલા પહોંચવું હતું, કેમ કે અમારે ટી.વી. પર ક્રિકેટ મેચ જોવી હતી. અમે ડ્રાઈવરને કહ્યું, રેડિયેટરમાં અત્યારે જ પાણી નાંખી દો તો ગાડી ઠંડી થઈને ચાલતી ન થઈ જાય?’  ગરમ રેડિયેટરમાં ઠંડુ પાણી નાંખીએ તો રેડિયેટર કાણું થઈ જાય એણે એનો એક્સપર્ટ ઓપીનીયન આપ્યો, જે સાંભળીને અમારે અમારી ઈચ્છા વિરુધ્ધ ચાલવું પડ્યું એટલે કે વિસામો લેવો પડ્યો.

આ તો જાણે અમારી ગાડીના ચાલવા ન ચાલવાની વાત થઈ પણ અમારા પડોશી વયોવૃધ્ધ કાકાએ ગીતકારની પંક્તિ  ચાલતો રે જે.. સાંભળી હશે. એટલે એમણે ડાકોરની યાત્રા, રણછોડજીનાં દર્શન ચાલતા જઈને ચાલતા આવવાની શરતે આરંભી. પણ તેઓ તો જતી વેળા રસ્તામાં જ માંદા પડી ગયા તેથી એમનો દિકરો એમને  કારમાં ઘરે લઈ આવ્યો. ડૉક્ટરે તગડી ફી લઈને દવા આપીને બે દિવસ નહીં ચાલવાની [પથારીમાં સૂઈ રહેવાની] સજા ફરમાવી. એટલે આ બનાવ ઉપરથી રણછોડરાયને પણ ચાલીને કોઇ મળવા આવે તે પસંદ નથી એવું તારણ કાઢી શકાય.

એક પ્રખ્યાત ગીતકારે, કદાચ રવીંદ્રનાથ ટાગોરે,  લખ્યું છે, કે તારી જો હાક સુણીને કોઈ ના આવે રે..તો તું એકલો જા ને રે  મતલબ કે આપણી હાક એટલે કે બૂમ સાંભળીને જો કોઈ આપણી સાથે ચાલવા ન આવે તો આપણે એકલા જવું. નહીંતર બૂમ સાંભળીને કોઈ તૈયાર થાય તો સાથે ચાલવા જવામાં કોઈ વાંધો નથી. પરંતુ  સાથે ચાલવા જવામાં એકબીજાની શરતો સ્વીકારવી પડે છે. મારા પતિ કહે છે, સવારમાં ચાલવા જઈએ. મને સવારમાં ઘરનું કામકાજ હોવાથી હું કહું છું, રાત્રે ચાલવા જઈએ. અમારા આ ઝઘડાનો ઉકેલ આપતા અમારા બાળકો કહે છે,  બપોરે જાવ.  હજી આ ઝઘડો ભારતની કોર્ટમાં દાખલ નહીં થયો હોવા છતાં ઉકલ્યો નથી.

પરંતુ એકવાર મારા પતિ મારા માટે કંઈ સરસ ભેટ લાવ્યા હતા અને હું મારી ઈચ્છા વિરુધ્ધ એ દિવસે એમની સાથે સવારે ચાલવા નીકળી હતી, ત્યારે અમારી વચ્ચે નીચે મુજબના સંવાદો થયાં.
-કેમ આટલી ધીમી ચાલે છે?
-મારી ચંપલની પટ્ટી તૂટું- તૂટું થઈ રહી છે.
-એક નવી ચંપલ ખરીદી લેજે.
-ભલે. આ સામે બંધાઈ રહેલું બિલ્ડિંગ સરસ છે, નહીં?
-હા, સારું છે. ભાવની તપાસ કરી આવજે.
-કેમ, લેવાનો વિચાર છે?
-એકાદ ફ્લેટ નોંધાવી દઈએ.

એ દિવસે હું ખુશ થઈ ગઈ. ચાલવા જવાના અનેક ફાયદા મને દેખાવા લાગ્યા. બીજે દિવસે મેં મારા પતિદેવને કહ્યું, ચાલો ચંપલ લેવા જઈએ. તો એમણે કહ્યું, હજી ચાલે ત્યાં સુધી આ ચંપલ ચલાવ પછી મેં ફ્લેટ નોંધાવવાની વાત કરી તો એમણે કહ્યું, હાલમાં તો સગવડ થાય એમ નથી. ત્યાર પછી તો મેં ચંપલ અને ફ્લેટ માટે એમને બે-ત્રણ વાર ફોસલાવવાના પ્રયત્ન કરી જોયા, પણ એમના આ વિચારો મક્કમ હતાં.

એ ઉપરથી મેં તારણ કાઢ્યું કે,
મનુષ્ય ચાલવા જાય છે ત્યારે એને ઝડપી વિચારો આવે છે, પણ એ વિચારો સારા હોવા છતાં મક્કમ નથી હોતાં.  તેથી ચાલવા જવા કરતાં ઘરે બેસવું  હિતાવહ છે. 

ઝડપી વાહનોના આ યુગમાં પગપાળા પ્રવાસે જવાની વાત જરા અજુગતી લાગે. હું જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી, ત્યારે મારા ક્લાસ ટીચરે મારો પગપાળા પ્રવાસ વિષય પર નિબંધ લખી લાવવા જણાવેલું. મેં આમ લખ્યું, મારા પપ્પા સરકારી અફસર હોવાને કારણે અમારી પાસે  ગવર્મેન્ટે આપેલી એક જીપકાર છે, જે  ગવર્મેન્ટે આપેલી હોવા છતાં ટનાટન ચાલે છે. એ ઉપરાંત અમારી પાસે અમારી પોતાની પ્રાઇવેટ કાર પણ છે. તેથી મારે પગપાળા પ્રવાસ કરવાનો દુ:ખદ સમય આવ્યો નથી. ભવિષ્યમાં પણ આવો કોઈ પ્રવાસ કરવાનું મેં વિચાર્યું નથી. છતાંય સંજોગોવશાત મારે આવો પગપાળા પ્રવાસ કરવો પડશે, તો હું એ વિષય પર નિબંધ જરૂર લખીશ.

મારા ટીચર મારી આ સેન્સ ઓફ હ્યુમર  સમજી શક્યા નહીં અને મને શિક્ષા કરી. જો એમણે મને ત્યારે જ  આ દિશામાં પ્રોત્સાહન આપ્યું હોત તો આજના હાસ્ય સાહિત્યમાં મારું સ્થાન અત્યંત આગળ- કદાચ પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવે પછીનું તરતનું હોત!  ખેર, લેટ ઇઝ બેટર ધેન નેવર. ના સિધ્ધાંત પ્રમાણે હાસ્યક્ષેત્રે તો હું હમેશાં મારી કલમ દ્વારા ચાલતા રહેવાનું પસંદ કરીશ.



2 comments:

  1. આશા વીરેંદ્ર8 August 2015 at 04:36

    તમારી કલમ આમ જ ટનાટન વિસામો લીધા વિના ચાલતી રહે એવું ઈચ્છું.પણ હા, એવું કરવામાં તમારી તબિયત ન બગદવી જોઈએ.મસ્ત લેખ, મજા આવી ગઈ.

    ReplyDelete
  2. ચાલતો રેજે ભાગ 2 લખાયો છે ?
    ગાડી ગરમ થઇ તેથી અમે ઠંડા થઇ ગયા.........મઝા આવી.
    --મનહર

    ReplyDelete