Wednesday, 27 June 2018

એક હળવું પ્રવાસ વર્ણન.


એક હળવું પ્રવાસ વર્ણન.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જયારે જયારે કોઈ પ્રવાસ વર્ણનની વાત નીકળે છે, ત્યારે ત્યારે મને મારા બાળપણની એક વાત યાદ આવે છે. એ વખતે હું પાંચમાં ધોરણમાં ભણતી હતી. એક દિવસ અમારા ક્લાસ ટીચરે અમને ક્લાસમાં બેસીને, ‘મારો પગપાળા પ્રવાસ’ એ વિષય પર નિબંધ લખવા જણાવ્યું, મેં લખ્યું :
‘મારા પપ્પાજી ગવર્મેન્ટ જોબમાં ઓફિસર છે, એટલે ગવર્મેન્ટે એમને એક જીપકાર વાપરવા માટે આપેલી છે. એ જીપ સરકારી હોવા છતાં ‘ટનાટન’ એટલે કે સરસ ચાલે છે. આ ઉપરાંત અમારી પાસે પોતાની માલિકીની એક પ્રાયવેટ કાર પણ છે. એટલે સદનસીબે મારે ‘પગપાળા પ્રવાસ’ કરવાનો દુખદ પ્રસંગ હજી સુધી ક્યારે પણ આવ્યો નથી, અને નજીકના ભવિષ્યમાં આવો કોઈ  પ્રવાસ કરવાની મારી ઈચ્છા પણ નથી. છતાં પણ ધારો કે મારે આવો કોઈ પ્રવાસ કરવાનો પ્રસંગ આવશે તો, તે વખતે હું આ વિષય ‘મારો પગપાળા પ્રવાસ’ પર નિબંધ જરૂરથી લખીશ.’ 
કમનસીબે મારા ક્લાસટીચર  મારી ‘સેન્સ ઓફ હ્યુમર’ સમજી શક્યા નહીં, અને એમણે મને શિક્ષા કરી. જો એ વખતે જ એમણે મને આ બાબતમાં પ્રોત્સાહન આપ્યું હોત, તો હાસ્યસાહિત્યમાં મારું સ્થાન ખુબ જ આગળનું – કદાચ પ્રસિદ્ધ હાસ્યલેખક સ્વર્ગસ્થ શ્રી જ્યોતીન્દ્ર દવે પછી તરતનું હોત. ખેર ! ‘લેટ ઈઝ બેટર ધેન નેવર’, મુજબ હું મારા લેખન દ્વારા આ દિશામાં મારા પ્રયત્નો ચાલુ રાખીશ.
આપણે ફરી પાછા મૂળ વિષય પર આવીએ તો, આવા-ગમનના ઝડપી સાધનો જેવા કે સ્કુટર, રીક્ષા, કાર, બસ, ટ્રેન, એરોપ્લેન વગેરે શોધાયા પછી, ‘પગપાળા પ્રવાસ’ કરવાનું ચલણ ઓછું જરૂર થઇ ગયું છે, પણ હજીસુધી નામશેષ નથી થયું.  હજી પણ લોકો – ખાસ કરીને ભારત દેશના  લોકો પોતાની માનતા પૂરી કરવા ડાકોર કે અંબાજી ચાલતા જાય છે કે નર્મદા નદીની પરિક્રમા કરે છે.   
અમારા પાડોશી ૬૨ વર્ષીય વડીલ જનુકાકા એકવાર એક સંઘ સાથે રણછોડરાયના દર્શન કરવા ચાલતા ડાકોર જવા નીકળ્યા. ‘જાય રણછોડ માખણ ચોર’ ના નારા સાથે જોશભેર બે દિવસ તો સારા ગયા. પણ ત્રીજા દિવસે જનુકાકા માંદા પડી ગયા, એમને તડકામાં ચાલવાને લીધે ‘સનસ્ટ્રોક’ થયો. એમનો દીકરો જઈને એમને કારમાં પાછા લઇ આવ્યો, બે દિવસના કમ્પ્લીટ બેડરેસ્ટ પછી તેઓ ઘરમાં ચાલી શક્યા.   
અત્યારના જમાનામાં યંગસ્ટર્સ લોકો બાઈક લઈને (બાઈકર્સ ગેંગ) દુનિયા ઘુમવા નીકળી પડે છે. પણ હવે ‘ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા...’ નું ચલણ ઓછું થઇ ગયું છે. હવે તો મોટેભાગેના લોકો ટ્રેન, બસ કે પ્લેન જેવા મુસાફરીના સાધનોનું એડવાન્સ બુકિંગ કરાવીને અને રહેવા માટે હોટેલનું બુકિંગ કરાવીને જ નીકળે છે.
ટુર પર જતા લોકો એ જગ્યાની યાદગીરી સચવાઈ રહે તે માટે ફોટા પાડે છે, વિડીઓ ઉતારે છે. ડીજીટલ કેમેરા અને સ્માર્ટ ફોનના આવી ગયા પછી, ભારતની વસ્તીની જેમ ફોટાની હસ્તી પણ અનલીમીટેડ થઇ ગઈ છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પ્રવાસની એટલી બધી પોસ્ટ અપલોડ કરે કે તે જોઇને આપણને શંકા થાય કે ‘આ લોકો ફરવા ગયેલા કે ફોટા પાડવા ?’ 
‘એન્જોઇન્ગ એટ કુલુમનાલી વિથ ધ હોલ ફેમીલી ફોર અ વિક’ એવી પોસ્ટ ફેસબુક પર મુકનાર અમારા એક મિત્ર ઘરે આવ્યા ત્યારે જોયું તો કોક જાણભેદુ મોરલો એમના ઘરે કળા કરી ગયેલો, રૂપિયા – પૈસા –ઘરેણા અને ઘણી ઘરવખરી ચોરાઈ ગયેલી. ‘આજકાલ સાલા ચોર લોકો પણ  સ્માર્ટ અને ટેકનોસેવી બની ગયા છે’,  એમ બબડીને એમણે પોલીસમાં ચોરીની ફરિયાદ લખાવી. તો પોલીસે એમને જ ધમકાવ્યા, ‘બહારગામ જાવ તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરીને મઝા તમે લોકો લુંટો છો, અને પછી ઘરવખરી લુંટાઈ જાય ત્યારે ફરિયાદ અમને કરવા આવો છો ?’
વર્ષો પૂર્વે સમ્રાટ અશોકે ધર્મનો સંદેશ ફેલાવવા ‘શિલાલેખો’ કોતરાવ્યા હતા. પણ ગુજરાતી પ્રવાસીઓ કયા હેતુથી પ્રવાસે ગયા હોય તે સ્થળે, ‘ઝાડના થડ’ પર કે ‘પહાડોના પથ્થર’ પર પોતાના નામો કોતરી કે ચીતરી આવે છે, તે રહસ્ય આજ સુધી અકબંધ જ રહ્યું છે. ‘પીન્કી અને પકીયો’, જીનીતા અને જીગ્નેશ’, ‘રમીલા અને રોશેશ’,  વગેરે વગેરે નામો પહાડોની એટલી ઊંચી શીલાઓ પર લખાયેલા હોય છે, કે એ જોઇને આપણને એમ થાય  કે આટલી મહેનત જો ભણવામાં કરી હોત તો પકીયો, જીગ્નેશ કે રોશેશ ગ્રેજ્યુએટ તો જરૂર થઇ શક્યા હોત.
સામાન્ય રીતે નિયમ એવો છે કે પ્રવાસમાં  ઓછામાં ઓછો સમાન – તમે પીઠ પર લઇને ચાલી શકો એટલો - રાખો તો પ્રવાસ સરળ રહે. પણ કેટલાક લોકો એટલો સમાન લઈને નીકળે છે જાણે તેઓ હમેશ માટે જઈ રહ્યા છે, કે ઘર ખાલી કરીને બીજે રહેવા જઈ  રહ્યા હોય તેમ લાગે છે. ગુજરાતી પ્રવાસીઓના સામાનમાં ખાવાની સામગ્રી એટલી બધી  હોય છે, કે જાણે એમને બીજે કશે ખાવાનું મળશે જ નહિ અને તેઓ ભૂખે મરશે. તેઓ ફરવા કે સ્થળો જોવા નહિ, પણ ડબ્બાપાર્ટી કરવા જ બહારગામ  જતા હોય એવું જોનારને લાગે છે.
અમારા પાડોશી શેફાલીબેન અને સમીરભાઈ અગિયાર દિવસ માટે કાશ્મીર પ્રવાસે જઈ આવ્યા. અમે એમની પાસે પ્રવાસની માહિતી લેવા ગયા, કેમ કે અમે પણ ત્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
શેફાલીબેન, તમારો કાશ્મીરનો પ્રવાસ કેવો રહ્યો? મેં ઉત્સુકતાથી પૂછ્યું.   ખુબ જ  સરસ, સખ્ખત મઝા આવી. (ગુજરાતીઓને મઝા પણ ‘સખ્ખત’ આવે)’   ‘અચ્છા ? ક્યાં ક્યાં ફર્યા ? શું શું જોયું ?’  ‘ગુલમર્ગ, સોનમર્ગ, દાલલેક... ને એવું બધું.’  ‘તમને વધારે શું ગમ્યું ?’  ‘બધું જ. પણ તમે સાંભળો તો ખરા. સૌથી સારું તો એ હતું કે અમારો ટુરવાળો ગુજરાતી રસોઈયાને સાથે લઈને આવ્યો હતો. હજી આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ ત્યાં તો ચા કોફીની સાથે બટાકાપૌવા – ઉપમા – ઇડલીસંભાર જેવો ગરમાગરમ નાસ્તો હાજર !’
      ‘અચ્છા ?’ ‘હા, અને ટાઈમ ટુ ટાઈમ લંચ તો ખરું જ. સૂપથી માંડીને ડેઝર્ટ સુધી બધું જ. સ્વીટ પણ રોજ હોય જ. સ્વાદ તો એવો હોય કે આપણને થાય કે આપણે આંગળા ચાટી જઈએ.’  ‘કોના, તમારા કે રસોઈયાના ?’  એવું પૂછવાની ઈચ્છા દબાવી રાખીને મેં પૂછ્યું કે ‘સૌથી અદભુત શું હતું ?’  ‘સૌથી અદભુત વાત તો એ હતી કે અગિયાર દિવસમાં એણે એક પણ અઈટમ કે શાક રીપીટ નથી કર્યા.  ‘ ? ? ? ‘  ‘અમે તો નક્કી જ કર્યું છે કે હવે પછી ક્યાંય પણ પ્રવાસે જઈશું તો આ ટુરવાળા સાથે જ જઈશું.’

No comments:

Post a Comment