Wednesday 7 March 2018

બસ – યાત્રાની મજા.


બસ – યાત્રાની મજા.            પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

રિક્ષા, કાર, ટ્રેન કે એરોપ્લેનની મુસાફરી કરતાં બસની મુસાફરીની મજા જ કંઈ અનેરી હોય છે. બસ અને તે પણ કોઇ પ્રાયવેટ કંપનીની લક્ઝરી બસ નહીં, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટની અને “સોનેપે સુહાગા” ની જેમ અમદાવાદ શહેરની એ.એમ.ટી.એસ. (અમદાવાદ મ્યુનિસીપલ ટ્રાન્સપોર્ટ સર્વીસ)  ની બસમાં એટલીસ્ટ એકવાર તો બેસી જોવા જેવું ખરું. બેસવા માટે જગ્યા ન મળે તો ઊભા ઊભા પણ એકવાર તો બસમાં મુસાફરી જરૂર કરવી.
અમદાવાદમાં બસની મુસાફરી કરવા માટે આપણે સર્વ પ્રથમ તો બસ-સ્ટોપ પર પહોંચીએ, એટલે ત્યાં ઊભેલા બધાં બે-પગાંઓની નજર આપણા તરફ મંડાય. અરે, બે-પગાંજ શું કામ, ત્યાં આસપાસમાં ઘાસ ચરતી ગાયો પણ એકવાર તો આપણી સામું જુએ અને પછી પાછી ઘાસ ચરવામાં મગ્ન થઈ જાય. જાણે સરકસના  તંબુમા કોઇ  નવતર પ્રાણી પ્રવેશ કરતું હોય તેમ સૌ કોઈ આપણી તરફ જોઇ રહે. આપણે પણ જો  એક સર્વગ્રાહી નજર એ બધાં પર દોડાવીએ તો બધાં પોતપોતાની નજર બીજે વાળી લે, જાણે આપણી તરફ જોવાની એમને કંઈ પડી જ નથી એવું બતાવે.
પરંતુ જો એમની સામે જોવાને બદલે સંકોચવશ આપણી નજર મા-ભોમ તરફ  નીચી રાખીને તડકાથી બચવા ક્યાંક છાંયડો દેખાય તો શોધીએ અને બસ-સ્ટોપની પાછળ જઈને ઊભા રહીએ તો ત્યાં સુધી એ બધાંની નજર “આપણે ડીસેક્શન ટેબલ પર પડેલા દેડકા” હોઈએ એમ આપણી સામે તાકતી રહે. પછી આપણે  આપણી કાંડા ઘડિયાળમાં જોઇએ એટલે બે-ચાર જણ અનુકરણ કરીને પોત-પોતાની ઘડિયાળમાં જુએ. આપણે બસ આવવાની દિશામાં નજર કરીએ એટલે બે-ચાર જણ પણ એ દિશામાં જુએ. એટલે આપણને લાગે કે બસની પ્રતીક્ષામાં ઊભેલાં આ ટોળાએ આપણો પણ એમનામાં સમાવેશ કરી લીધો છે. 
આપણે જરા સેટલ થયા હોઈએ ત્યાં જ બીજા કોઈ શખ્સ બસ-સ્ટોપ પર આવે અને આપણો ચહેરો અનુકૂળ લાગે તો પૂછે, “૪૫ અંદર ગઈ?” અહીં  “અંદર” નો અર્થ “જોધપુર ગામમાં” એમ કરવાનો. આપણે જો કહીએ કે, “ખબર નથી” તો આપણે જાણે અભણ-ગમાર હોઈએ એવું એનું મોઢું થાય.અને જો કહીએ કે, “હા, ક્યારની  અંદર ગઈ છે.” તો એ પ્રસન્નવદને કહેશે, “તો તો હમણાં  આવવી જ જોઈએ.” દૂરથી લાલ રંગનું વાહન આવતું દેખાય એટલે બધાં “સાવધાન” ની સ્થિતિમાં આવી જાય.
બસને આવતી જોઇને બસ-સ્ટોપની પાછળ ઊભેલાઓ આગળ આવી જાય,  મમ્મી ત્યાં રમી રહેલા એના બાળકનો હાથ પકડી લે, બસ-સ્ટોપના પાટિયા પર બેસીને બીડી પી રહેલા ગામડીયા જેવા લાગતા ભાઇ બીડી ફેંકીને એના પગ નીચે પડેલા જોડામાં ઉતારે. બસ નજીક આવે અને નંબર વંચાય ત્યારે, “ હત્તારીની, આ તો ૪૫ ના બદલે ૪૯ નીકળી.”  અને પાછા ૪૫ મા જનારા “વિશ્રામ” ની સ્થિતિમા આવી જાય. અને ૪૯ માં જનારા લોટરી લાગી હોય એવા ઉત્સાહમાં આગળ આવી વિજયી મુદ્રામાં  બસમાં આરોહણ કરે.
કોઈ વાતોડિયા ભાઇ કે બહેન પૂછે, “ આ ૪૯ તો પાલડી થઈને કાલુપુર સ્ટેશન  જવાની,  નહીં?” આપણે ફક્ત ડોકું હલાવીએ તો પણ “તમારે ક્યાં જવાનું?” એમ પૂછે. આપણે જવાબ આપીએ, “લાલ દરવાજા.” એટલે એ આગળ ચલાવે, “ મારે તો અપના બજાર જવાનું છે.  ૪૪ કે ૪૫ આવે તો આપણું કામ થાય.” એવામાં ૪૫ નંબરની બસ આવે એટલે જાણે રાહ ભટક્યા મુસાફરને મંઝિલ મળી ગઈ એમ બધાં ઉત્સાહપૂર્વક એમાં ચઢી જાય.
અમદાવાદની બસોમાં “આ બેઠકો સ્ત્રીઓ માટે ખાલી કરવી.” એવું લખ્યું હોવા છતાં ત્યાં પુરુષો (યુવાનો પણ)  આરામથી બેસી ગયાં હોય છે, જાણે એમને વાંચતાં જ નથી આવડતું. અને કોઇ  સ્ત્રી (વૃધ્ધા સહિત) એ સીટ પોતાના માટે ખાલી કરાવવાનો આગ્રહ નથી રાખતી, જાણે એમણે પણ વાંચ્યું જ નથી. કંડક્ટરો પણ આ બાબતે અલિપ્ત જ રહે છે. ઘણાં કંડક્ટરો મુસાફરોની ટિકીટના પૈસા લીધા પછી બાકીના પૈસા પાછા આપવાનું ભૂલી જાય છે. કોઈ પેસેંજર આ પૈસા પાછા માંગે તો તેઓ  મોઢું બગાડીને વિના રકઝકે મનોમન બબડીને પૈસા આપી દે છે.
અમદાવાદની જનતા જરા અનોખી છે. બીજું કોઇ પણ ક્ષેત્ર હોય “પેલા કરતાં હું કેમ પાછળ રહી જાઉં?” એ વિચારીને પેલાને ગબડાવીને પણ આગળ નીકળી જાય. પણ એ જ વ્યક્તિ અહીં બસમાં ચઢ્યા પછી, કંડક્ટરના વારંવાર આગળ વધો’, આગળ જાવ  કહેવા છતાં આગળ વધવાનું નામ જ ન લે. જાણે આગળ ઊભા રહેવાના વધારે પૈસા આપવાના ન હોય. મુંબઈની લોકલ ટ્રેનમાં અંધેરીથી ચર્ચગેટ જનારો, બેઠક મળતાં બીજી જ પળે આરામથી આંખો મીંચી દે એટલે કે સૂઈ  જાય. પણ એ.એમ.ટી.એસ.ની બસમાં બેસનારો ભલેને  કાલુપુર સ્ટેશનથી ઠેઠ બોપલ સુધી કેમ ન જવાનો હોય, અર્ધો પોણો કલાક ભલે થાય પણ આંખનું મટકુંય નહીં મારે. “ ન જાણે કેમ દિકરી પરણાવવા જતો હોય અને દાગીના લુંટાય જવાના ના હોય!” જો કે બસમાં કેટલાક ગાફેલ લોકોના દાગીના ખરેખર લુંટાય ગયાના કિસ્સા પણ બન્યા છે એની ના નહીં પડાય.બસની ભીડમાં  ઘણાના ખીસ્સા કપાયા છે અને કેટલાકના પર્સ, મોબાઈલ છીનવાઈ ગયાના કિસ્સા પણ બન્યા છે ખરા,  એટલે ચેતતો નર સદા સુખી એ વાત તો સાચી.
ઘણાં આયોજનવાળા માણસો બસમાં ચઢતાં પહેલાં જ ટિકીટના પૈસા કાઢી રાખે છે. તો ઘણાં સાહસિકો બસમા ચઢ્યા પછી, ભીડમાં, ચાલુ બસે, સરકસનો ખેલ કરતાં હોય એમ, પૈસા કાઢે છે. પૈસા કાઢવા કોઈવાર એમણે પકડેલું હેંડલ છોડવું પડે છે, અને એમ કરતાં કોઇ વાર કોઇ પેસેંજર પર પડે (કોઇ સ્ત્રી પર પડે તો ખાસ) “ સ્વસ્તિ વચનો “  સાંભળવા પડે છે.  “ઊતરવા માટે આગળ જાવ” એમ નિશાન સાથેનું લખાણ વાંચ્યા છતાં પણ કોક વિરલા બસના પાછળના બારણેથી ઊતરવાનો આગ્રહ રાખે છે, પરિણામે ચઢનારા અને ઉતરનારા પેસેંજરો વચ્ચે ઘર્ષણ થાય છે. ઘણાં શાંત જીવવાળા બસ એના સ્ટોપ પર આવીને ઊભી રહે,  પછી સીટ પરથી ઊભા થાય છે, અને ગર્ભવતી મહિલાની માફક ધીરે ધીરે ચાલીને નીચે ઊતરે છે. એવામાં બસ જો ફરી ચાલુ થઈ જાય તો આ મહાનુભવો બૂમ પાડે છે, “ આસ્તે આસ્તે” અને કંડક્ટરના જલ્દી ઉતરો ની સાથે તેઓ વટ પૂર્વક નીચે ઉતરે છે.
બસમાં બેઠા પછી કેટલીક બહેનો એક-બીજાની સાડીઓ-પર્સ- બંગડી-બુટ્ટી વગેરેનું નિરીક્ષણ કરે છે. ઘણી હિમ્મતવાન બહેનો તો, “ આ ક્યાંથી લીધું? કેટલામાં લીધું? “ વગેરે પ્રશ્નોથી વાતચીત પણ શરુ કરી દે છે. અને સામે હોંશિલી બહેન હોય તો જાણે વર્ષો જુના બહેનપણા હોય એટલી આત્મિયતાપૂર્વક વાતોએ વળગે છે.  તો વળી કેટલાંક વાચક જીવો બસમાં બેઠા ત્યારથી ચોપડીમાં માથું ઘાલે તે એમનું ઊતરવાનું સ્ટોપ આવે ત્યારે જ માથું બહાર કાઢે, કેમ ન જાણે આવતી કાલે જ એમની પરીક્ષા ન હોય. આજકાલ તો લોકો ચોપડીને બદલે મોબાઈલની દુનિયામાં એવા ખોવાઈ જાય છે કે જાણે એમના સિવાય બીજા કોઈનું આ દુનિયામાં અસ્તિત્વ જ નથી.  જ્યારથી અમદાવાદમાં બી.આર. ટી.એસ. ની બસો શરુ થઈ છે, ત્યારથી એ.એમ.ટી.એસ.ની બસોનું મહત્વ થોડું ઘટ્યું છે. આમ છતાં બસ-યાત્રા બીજી બધી મુસાફરી કરતાં અનોખી હોય છે, જેમણે એ કરી હોય તે જ જાણે. 
પંચલાઈન:  જો બસ કંડક્ટર ચાલુ બસે સૂઇ જાય તો કોઇ પેસેંજરની ટિકીટ નહીં ફાટે, અને જો બસ ડ્રાઈવર ચાલુ બસે સૂઈ જાય તો બધા પેસેંજરોની ટિકીટ ફાટી જાય.

1 comment:

  1. સરસ લાગ્યું આપની સ્ટાઈલ બકુલ ત્રિપાઠી જેવી લાગી. મઝા આવી.

    ReplyDelete