Wednesday 15 March 2017

પગાર વધારો.

પગાર વધારો.            પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી તારક્ભાઇના અવસાનથી હાસ્યજગતમાં એક ન ભરાય એવો ‘ખાલીપો’ વર્તાય  છે. પણ એમણે સર્જેલા ‘ટપુડા’ સહિતના તમામ પાત્રો આપણા દિલો દિમાગમાં વર્ષો સુધી સચવાયેલા રહેશે અને એ રીતે આપણે આપણા આત્મીયજન સમા તારક ભાઈને યાદ કરતા રહીશું. પગાર વધારાની વાત આવે એટલે આપણને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટી.વી. સીરીયલ ના નટુકાકા અને બાઘા યાદ આવે, જે એમના શેઠ,  ‘ગડા ઇલેક્ટ્રોનીક્સ’ ના માલિક જેઠાલાલ પાસે કાયમ પગારવધારો જ માગ્યા કરતા હોય છે.

મારી કામવાળી એ પણ એક દિવસ એની પોતાની એક આગવી સ્ટાઈલમાં  પગાર વધારો માંગ્યો.
-બુન, મું કાલથી કોમ પર નંઈ આવું.
-કેમ, કેમ ? તું કાલથી સ્ટ્રાઈક પર જાય છે? કયા મુદ્દા પર તું મારી સામે અસહકાર નું આંદોલન કરવા માંગે છે?
-મારાથી પહોંચી નઈ વળાતું.
-તે તારે વળી ક્યાં પહોંચી વળવાનું છે?
-આજ કાલ કરતા બે વરહથી મું તમારે ઘેર કોમ કરું સુ.
-અને હું ઈચ્છું છું કે વરસો વરસ સુધી મારે ઘરે તું જ કામ કરતી રહે.
-બસ, હવે તમે બીજી કોમવાળી હોધી લેજો.
-તારા હોવા છતાં મારે બીજી કામવાળી શું કામ શોધવી પડે?
-પણ કાલથી મું નંઈ આવું.
-તને થયું છે શું તે – ‘કાલથી નંઈ આવું’ નું ગાણું ગયા કરે છે?
-થવાનું હું ઉતું ? મને ટેમ નંઈ.
-ટાઈમ નથી, કેમ તેં બીજે કામ બાંધ્યું છે?
-ના, ચ્યોય કોમ નંઈ બાંધ્યું.
-તો ઘરમાં કોઈ સાજું – માંદુ છે?
-ના, ઘેર બધા હાજા નરવા સે.
-તો મારું કામ વધારે પડે છે?
-વધારે કોમથી ઘભરાઈ જાય એવી આ લસમી (લક્ષ્મી) નંઈ.
-તો પછી વાતમાં મોણ નાખ્યા વિના કહી દે ને કે વાત શી છે?
-આ તેલના ભાવ ચેટલાં વધી જ્યાં સે.
-પણ મેં તારી પાસે ક્યારેય તેલ મંગાવ્યું છે ?
-પણ મારો વર તો મંગાવે સે ને? જોતાં નંઈ આ મોંઘવારી ચેટલી વધી ગેઇ સે તે.
-હા, તારી એ વાત સો ટકા સાચી હોં. આ બોલપેનની રીફિલની જ વાત લઈએ તો પહેલાં ૨ રૂપિયાની આવતી રીફીલ હવે દસ રૂપિયાની આવે છે, અને પાર્કર જેવી સારામાની રીફીલ તો ૨૫ રૂપિયાની આવે છે.
-તંયે જ તો, આટલા પગારમાં હવે પોહાતું નંઈ.
-હં, વાત ત્યારે એમ છે – હવે સમજાયું કે તને પગાર વધારો જોઈએ છે. જો સાંભળ, તને એક બે  જોક્સ કહું:
(૧)   શેઠ: પણ તારે એકાએક પગાર વધારો શા માટે જોઈએ છે?
      નોકર: શેઠજી, કાલે મારા છોકરાંઓ પાડોશીના ઘરે જઈને જાણી આવ્યા કે તેઓ દિવસમાં બે વાર જમે છે.
(૨)  નોકર : શેઠ, આટલા ઓછા પગારમાં તો હું જિંદગીમાં ક્યારેય લગ્ન કરી શકીશ નહીં.
     શેઠ: એ માટે ભવિષ્યમાં તું મારો જ આભાર માંગીશ.
-બુન, તમારા જોક્સ મુને હમજાતા નંઈ. મારે તો પગાર વધારો જોઈએ સે, બસ.
-સારું, આવતા મહીને તારો પગાર વધારી આપીશ, બસ?
-ચેટલાં આલહો?
-એક કામના છસ્સો લે છે અને બે કામના બારસો લે છે તે હવે બારસો પચાસ કરી આપીશ.
-ખાલી પચાહ રૂપિયા વધારે?
-અમે બે જ તો જણ છે ઘરમાં, વાસણ પણ કેટલા ઓછા નીકળે છે, છતાં ચાલ તેરસો આપીશ, હવે તો ખુશ?
-વાહણ તો ઓસાં હોય સે પણ કચરા પોતા નંઈ કરવાના આટલા મોટા ઘરમાં?
-તે એના જ તો સો રૂપિયા  વધારે આપું છું ને? તારે કેટલા વધારે જોઈએ?
-બે કામના થેઈને પન્દરહો કરી આલો, હવે તો બધે એ જ ભાવ ચાલે સે.
-અરે, મેં કદી ઘરકામના પગારમાં આટલા ટકાનો વધારો નથી સાંભળ્યો, તેં સાંભળ્યો છે?
-ટકા બકાની મુને ખબર નંઈ પડે, મુને તો પંદરહો રૂપિયા જોઈએ.
-એમ તો મને હો મારા લેખના પંદરહો રૂપિયા જોઈએ, પણ કોઈ છે આપનાર ? મારાથી ફ્રસ્ટ્રેશનમાં કહેવાઈ ગયું.
-ના આલવા હોય તો ના આલતા,. કાલથી હાથે કોમ કરી લેજો.
-આમેય હું હાથેથી જ તો કામ કરું છું ને?
-જુઠું કાં બોલો ? બે વરહથી તો હું કોમ કરી આલું સુ.
-મેં તને કહ્યું તો ખરું કે વરસો વરસ તું જ કામ કરી આપે એવી (મને) શુભેચ્છા !
-તમે કોઈ કોઈ વાર હું બોલો સો તે જ મુને તો હમજાતું નંઈ.
-મને પણ નથી સમજાતું.
-કાલ આવું કે નંઈ આવું?
-આવજે ને તું તારે, બધા વગર ચાલે પણ તારા વગર ના ચાલે.
-પંદરહો આલવાના હોય તો જ આવું. બે વરહથી કોમ કરું સું પણ રૂપરડી એ વધારી નહીં.
-તે હું પણ ઘણા વખતથી  છાપામાં લેખો લખું છું, છતાં મારા લેખનો પણ કોઈએ રૂપિયો ય વધાર્યો નથી. ઉપરથી કેટલાક લેખના અડધા જ પૈસા આવ્યા છે, અને કેટલાક તો ગાલખાધ ખાતે એટલે કે માંડવાળ ખાતે જ મૂક્યા છે, મને મોંઘવારી નહીં નડતી હોય?
-તમારી વાત તમે જાણો બુન.
-જો, મારા લેખના પૈસા વધશે તો તને પણ તારા કામના પૈસા વધારી આપીશ.
-અને નહિ વધે તો?
-તો પણ તને આપું છું એ કરતા સો રૂપિયા વધારે આપીશ, હવે તો ખુશ ને?
-નંઈ પોહાય.
-તો મને હો નંઈ પોહાય.
-તો કાલથી કોમ કરવા નંઈ આવું કે?
-જેવી તારી મરજી.
-પસી પાસળથી  બોલાવા આવહો તો નંઈ  આવું.
-સારું. આગળથી બોલાવવા આવું તો તો આવશે ને ?
-પંદરહો આલવાના હોય તો જ.
-ભલે, મારે પંદરસો આપવાના હશે તો અને ત્યારે તને બોલાવીશ.
-બોઈલું ચાઈલું માફ કરજો, બુન. આવજો.
-ભલે, તું કાલથી નથી આવવાની છતાં તને કહું છું, ‘આવજે’

( એ ગઈ, પણ મને એક સારો પાઠ શીખવાડીને ગઈ. કમીટ કર્યા પછી  મારા લેખના અડધા જ પૈસા આપનાર તંત્રીને ફોન કરીને મેં કહી દીધું, ‘કાલથી હું તમારા છાપામાં લેખ નહિ લખું.’)
  


    


3 comments:

  1. પલ્લવીબેન, પબ્લીશર તમારા લેખની કદર પ્રમાણે મહેનતાણું ન ચૂકવે તો સરભર કરવા અમ વાચકો તૈયાર રહીશું. આવા હાસ્યલેખ ઘરકામ જેવા સસ્તા થોડા છે ?
    (અન્ય વાચકોની સંમતી વિના એન લાઇન બાહેધરી આપવી કેટલી સરળ છે !)

    ReplyDelete
  2. ધનેશભાઈ,
    તમારા જેવા કદરદાન વાચકો મળે એ જ અમારી લેખકોની મૂડી. ખૂબ ખૂબ આભાર.
    પલ્લવી

    ReplyDelete
  3. વાહ, ભાવવધારો શબ્દ સાથે આડકતરી રીતે પગારવધારો જોડાઇ જ જતો હશે?

    ReplyDelete