Friday 24 February 2017

રાશિ ભવિષ્ય.

રાશિ ભવિષ્ય.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.  
    
-માધુરી, આજનું છાપું ક્યા છે? શશાંકે ઊઠતાવેંત ડ્રોઈંગ રૂમમાંથી  બૂમ પાડીને પૂછ્યું.
-એ ત્યાં જ ક્યાંક પડ્યું હશે, જરા બરાબર જુઓને. માધુરીએ કિચનમાંથી જવાબ આપ્યો.
-અહીં તો ક્યાય દેખાતું નથી.
-તું બ્રશ કરી લે, ત્યાં સુધીમાં હું ચા બનાવી દઉં, પછી તને છાપું શોધી આપું છું.
-તું પણ ખરી છે ને, જાણે છે કે મારે ૮.૦૫ ની બસ પકડવાની છે, સવારમાં માંડ માંડ પાંચ-દસ મિનિટ છાપું વાંચવા મળે, પણ તું છાપું ઠેકાણે રાખે તો ને?
-શોધી આપું છું ભાઈસા’બ. સવારના પહોરમાં છાપા માટે થઈને શું કકળાટ કરે છે.
-હું ફક્ત રાશિભવિષ્ય જોઈ લેત.  
-એટલે જ તો છાપું સંતાડી દીધું છે. – માધુરી ધીમેથી બબડી.
-શું કહે છે, સંભળાતું નથી. જરા મોટેથી બોલ.
-ચાય લો, ચાય ગરમ.
માધુરી શશાંકને ચા નો કપ પકડાવે છે. પછી છાપું શોધવાના નાટકમાં બીજી બે પાંચ મિનિટ કાઢી નાખે છે. જે દિવસે શશાન્કનું  રાશિભવિષ્ય ખરાબ આવ્યું હોય ત્યારે માધુરી આવું જ કરે છે. કારણકે શશાંક રાશિભવિષ્યમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. ખરાબ ભવિષ્ય વાંચતા જ એ ખુબ નિરાશ થઇ જાય છે. આજે પણ શશાંકને મોડું થતું હોય ચા પીને ગુસ્સે થઈને નહાવા જતો રહે છે.
-જડ્યું કે નહિ મધુ? શશાંક નહાઈને આવીને તૈયાર થતા થતા માધુરીને પૂછે છે.
-શું જડ્યું કે નહિ? માધુરી જાણતી હોવા છતાં અજાણ હોવાનો ઢોંગ કરે છે.
-છાપું વળી, બીજુ શું?
-હા હા, જડ્યું ને. ડાઈનીંગ ટેબલ પર નાસ્તો તૈયાર છે. તું નાસ્તો કરી લે  ત્યાં સુધી હું વાંચી સંભળાવું.  
-વેરી ગુડ, આનું નામ પત્ની કમ સેક્રેટરી, વાંચ, વાંચ.
-હં, સાંભળ, મુંબઈની નવરાત્રી એટલે મેગા ઇન્ડસ્ત્રી... ઇન્દોરમાં  રામજન્મભૂમિના સરઘસ પછી તોફાનો અને કરર્ફ્યું... ઉર્દૂને બીજી સત્તાવાર ભાષા બનાવવા માટેનો ખરડો યુ.પી. વિધાનસભાએ પસાર કર્યો.. એર ઇન્ડિયાની એરબસોમાં  સેંકડો ઉતારુઓ બે મહિના સુધી જીવના જોખમે પ્રવાસ ખેડતા રહ્યા...
-મધુ, મધુ, મધુ...બસ કર.
-કેમ, કેમ કેમ ? સમાચારો ઈન્ટરેસ્ટીંગ નથી?
-છે, પણ મારી પાસે એ બધા માટે સમય નથી, મારું રાશિભવિષ્ય વાંચ જલ્દી.
-ઓહ શશાંક, તને કેટલીવાર કહ્યું કે રાશિભવિષ્ય તદ્દન બોગસ હોય છે.
-તો તું તારું રાશિ ભવિષ્ય નહિ વાંચતી, મારું તો વાંચ.
-ઓકે. અં અં.. હં.  ‘ગૃહજીવનમાં શાંતિ, મિલન – મુલાકાત સફળ.’ માધુરી એક સારું વાક્ય બોલે છે.
- લાવ, મને જોવા દે જોઊં.
-અરે ! ઊભો તો રહે, મને મારું ભવિષ્ય તો જોવા દે.
-કેમ, હમણા જ તો તેં કહ્યું કે રાશિ ભવિષ્ય બોગસ હોય છે, હવે કેમ જોવું છે તારે તારું ભવિષ્ય?
-એમ જ. મારી કઈ રાશિ, સિંહ ને? અરરરર ..
-કેમ, કેમ શી વાત છે?
-સિંહ રાશિ વાળા માટે લખ્યું છે, ‘મનની મુરાદ મનમાં રહે, પણ યશ મળે.’
-યશ ? યશ કોણ ? તારો કોઈ કોલેજ ફ્રેન્ડ ? એ મળવાનો છે આજે ?
-ના રે ના. મારા એવા નસીબ ક્યાંથી?
-લે, મારી સાથે રહીને તું ય નસીબમાં માનતી થઇ ગઈ?
-શું થાય, ગધેડા સાથે ગાય બાંધે તો ભુંકતા નહીં તો ઊંચું ડોકું કરતા તો શીખી જ જાય ને ?
-એટલે, તું કહેવા શું માંગે છે, હું...
-તને મોડું નથી થતું?
-ઠીક છે, હું નીકળું, સાંજે તારી વાત છે.
શશાંક જાય છે. માધુરી વિચારે છે, ‘હાશ ! આજની એક દિવસની શશાંક તરફની રાશિ ભવિષ્યની આફત તો ટળી.’ પણ બીજા દિવસે શશાંક છાપું માંગે છે અને માધુરી મોડું  મોડું એને છાપું પકડાવે છે. શશાંક એનું રાશિ ભવિષ્ય વાંચે છે:
-‘મળેલી તક ઝડપી લેશો’ વાહ વાહ ! આપણે ઘણા દિવસથી આપણે બહાર ગામ જવાનું વિચારીએ છીએ તો આજે જ રજાની અરજી મૂકી દઉં.
-છાપાવાળા વળી કયા દિવસે સાચું ભવિષ્ય છાપે છે, ભલું હશે તો આજે જ તારા બોસ તને ડબલ ડયુટી સોંપશે. 
-રાશિ ભવિષ્ય કોઈ દિવસ ખોટું પડે જ નહીં, તું જોજે તો ખરી.
શશાંક ઓફિસે જવા નીકળે છે. સાંજે પાછો ફરે ત્યારે એ ખુશખુશાલ હોય છે.
-જો હું નહોતો કહેતો કે રાશિ ભવિષ્ય કદિ ખોટું પડે જ નહીં? આજે મેં તક ઝડપી લીધી તો રજા પણ મંજુર થઇ ગઈ અને L.T.A. પણ મંજુર થઇ જશે.
-એમ, તો લે આજનું છાપું અને વાંચ તારું રાશિ ભવિષ્ય.
-‘તબિયતની કાળજી રાખવી, ધારેલું કામ થાય નહીં.’  આ શું? મેં સવારે વાંચેલું તે તો કઈ જુદું જ હતું.
-તે મેં તને ગઈકાલનું છાપું પકડાવેલું.  હવે તો ખાતરી થઇ ને કે રાશિ ભવિષ્ય સાચા હોતા નથી?
-એમાં તો એવું છે ને કે એકાદ વખત રાશિ ભવિષ્ય ખોટું પડે પણ ખરું, બાકી નવ્વાણું ટકા તો એ સાચું જ હોય છે.

-હે ભગવાન ! આને હવે કોણ સમજાવે? બબડતી માધુરી રસોઈ કરવા કિચનમાં જતી રહી.     

1 comment:

  1. એકાદ વખત રાશિ ભવિષ્ય ખોટું પડે પણ ખરું, બાકી નવ્વાણું ટકા તો એ સાચું જ હોય છે.

    ReplyDelete