Wednesday 25 February 2015

કૌન બનેગા કરોડપતિ.

કૌન  બનેગા કરોડપતિ.                        પલ્લવી જિતેંદ્ર. મિસ્ત્રી.

-મીની, એ મી..ની. મીની ઇ ઇ ઇ ઇ ઇ ઇ.....
-શું છે, અમર? શા માટે રાડો નાંખો છો?
-મીની, અહીં આવ. આ ક્રોસવર્ડ[બુકસ્ટોલ] માંથી એક માણસ મોટું પાર્સલ લઈને આવ્યો છે.
-તો એટલામા આમ અમદાવાદથી ઠે..ઠ ભાવનગર સંભળાય એવી બૂમો પાડી રહ્યા છો?
-ભાન વગરની વાત ના કર. આ પાર્સલ તેં મંગાવ્યું છે?
-તમને શું લાગે છે? ક્રોસવર્ડ વાળો આપણો કંઇ સગો થાય છે, કે મંગાવ્યા વગર આવું મોટું પાર્સલ પધરાવવા આપણા ઘર સુધી લાંબો થાય?
-પણ એમાં છે શું, એ તો કહે.
-ભાઇસા, તમે તો બહુ અધીરા. કહું છું. પણ પહેલા એનું પેમેન્ટ તો કરો.
-એ પાછુ મારે કરવાનુ?
-તમે નહી કરશો તો શું પડોશી કરવા આવશે? કમાવા કોણ જાય છે, તમે કે હું?
-અત્યાર સુધી તો હું જ કમાવા જાઉં છું. પણ તારો છુટ્ટો હાથ જોતાં લાગે છે, કે હવે પછી કાલથી કદાચ તારે પણ કમાવા જવું પડશે.
-આ મેં પાંચેક હજારના ચોપડા શું ખરીદ્યાં કે તમારે ભૂખે મરવાનો વારો આવ્યો હોય એમ બૂમાબૂમ કરો છો  
-જો, સાંભળ. ભૂખે મરવા માટે અમે લેખકો હમેશા ટેવાયેલા જ છીએ. તેં પેલી જોક સાંભળી જ હશે:
 બૂક ખરીદનાર વાચક: [પ્રકાશકને] આ બુકની કિમત તમે ૫૦ રુપિયા અને ૫૦ પૈસા એવી કેમ રાખી છે? માત્ર ૫0 રુપિયા રાખી હોત, તો ના ચાલત?
  પ્રકાશક: હા ચાલત. પણ અમને થયું કે એના લેખકને પણ છેવટે કંઇક તો મળવું જોઇએ ને?
-એક લેખક હોવાની તમને શરમ આવે છે, અમર?
-જરા પણ નહી, મીની. લેખકોની સ્થિતિ માટે આ દેશના વાચકોને, તંત્રીઓને, પ્રકશકોને, શિક્ષણશાસ્ત્રીઓને કે નેતાઓને શરમ નથી આવતી તો અમને લેખકોને શા માટે શરમ આવવી જોઇએ? પણ એક લેખકની પત્ની થઈને તને એટલી પણ ખબર નથી,  કે ચોપડીઓ તો કદી ખરીદીને વંચાતી હશે? રુપિયા તે કંઇ આમ વેડફાતા હશે?
-ક્યારના રુપિયા રુપિયાના નામનુ રડ્યે રાખો છો, તો સાંભળો. હું તમને આમાથી એક કરોડ રુપિયા ના કમાઇ બતાવું તો તમે મને  ફટ  કહેજો.
-શું ઉ ઉ ઉ ઉ ? એક કરોડ રુપિયા? આ ચોપડીઓમાથી? તું  કોઇ ફેક્ટરી નાંખવાની છે? કે પછી  હોટકેક ની જેમ વેચાઇ જાય એવી કોઇ  બેસ્ટ સેલર બુક લખવાની છે?
-છી! તમને લેખકોને વિચાર પણ કેવા મુફલિસ જેવા આવે છે. હું તો આ જનરલ નોલેજની બુક્સ વાંચીને કૌન બનેગા કરોડપતિ પ્રોગ્રામમા ભાગ લઈશ અને એમાથી એક કરોડ રુપિયા કમાઇ લાવીશ.
-ઓહ નો! મીની.
-ઓહ યસ! અમર.
-નહિ મીની નહિ. તું આ ઉંધા રસ્તેથી પાછી વળ.
-કેમ, તમે જ તો પેલા કોઇ કવિ--- કોણ?  હ, યાદ આવ્યું,  કવિ નર્મદ. એમની લખેલી કવિતા ઘણીવાર મને સંભળાવો છો, ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું ...
-એય મીની. ચાલ, તે દિવસે તને પાંચાલીમા ગમી ગઈ હતી તે મોંઘામાની સાડી અપાવું.
-મારે નથી જોઇતી સાડી, અમર.
-ચાલ ડાર્લિંગ, તને ગોરધન થાળ મા ભાવતા ભોજન જમાડું.
-હું આજકાલ ડાયેટિંગ પર છું.
-ચાલ તને મલ્ટીપ્લેક્સમા નરેશ કનોડીયાની ગુજરાતી ફિલ્મ દેખાડું.
-એવી ધમકીથી હું ડરી જાઉં એવી નથી.
-ડીયર, ચાલ તને લો-ગાર્ડનમા ફરવા લઈ જાઉં.
-એ કરતાં તમે મારી મુંબઈ જવાની એર ટિકીટ બુક કરાવો. મારે કૌન બનેગા કરોડપતિ મા ભાગ લઇને કરોડપતિ [પત્ની]  બનવું છે.
-તું કરોડપતિ/પત્ની થઈશ કે નહી તે મને ખબર નથી. પણ આ જ રટ જો  ચાલુ રાખીશ તો મને રોડપતિ તું જરુર બનાવી દઈશ.
-બીજા બધાને તો તમે પોઝિટીવ થીંકીંગ કરવાનુ કહો છો અને મારા કેસમા જ કેમ તમને નેગેટીવ થીંકીંગ સુઝે છે?
-તારી સાથે ના પાસ્ટ એક્સ્પીરીયંસને આધારે એવું થાય છે.
-તો હવે પાસ્ટ ને છોડીને પ્રેઝન્ટ મા આવો.
-બોલ સ્વીટી. તને શું પ્રેઝન્ટ અપાવું?
-કે.બી.સી. મા ભાગ લેવાની પરમિશન આપો.
-એ નહી બને. એ વિચાર તો તું પડતો જ મૂક.
-અને નહી મૂકું તો?
-તો હું ચાલુ ટ્રેઇનની નીચે પડતું મૂકીને આપઘાત કરીશ.
-સ્ટેશને જાવ ત્યારે ટિફિન લેતા જજો. આજકાલ ટ્રેઇનો બહુ લેઇટ આવતી હોય છે.
-મારો અહીં જીવ જાય છે અને તને મજાક સૂઝે છે?
-નોટ એટ ઓલ. આઇ એમ વેરી સિરીયસ અબાઉટ ઇટ.  આજે ઓફિસથી આવો ત્યારે પ્રીતિ શાહના ક્લાસનુ એક ફોર્મ લેતા આવજો, પ્લીઝ!
-ફોર યોર કાઇન્ડ ઇન્ફર્મેશન મેડમ, પ્રીતિ શાહ ઇંગ્લીશ સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ના ક્લાસ લે છે. જનરલ નોલેજ ના નહી.
-આઇ નો ઇટ વેરી વેલ, સર. હું એમની પાસે ઇંગ્લીશ શીખીને પછી ઇંગ્લીશમા જનરલ નોલેજની જેટલી પણ બુક હશે તે બધી લાવીને વાંચી જઈશ.
-માય ગોડ, મીની. તું મારી સાથે આ કયા જનમનું વેર વાળવા બેઠી છે?
-ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ મી, અમર. આ મારું વેર નથી, પરંતુ તમારા પ્રત્યેનો મારો સાચા દિલનો પ્રેમ છે. આજ સુધી ગુજરાન ચલાવવા તમે ઘણી મજૂરી ... આઇ મીન મહેનત કરી. હવે હું તમને મદદ કરવા ધારું છું. એક કરોડ રુપિયા કમાઇ લાવીને તમારી દરિદ્રતા દૂર કરવા માંગુ છું.
-એ કામ તું દરિદ્રનારાયણ ભગવાન પર છોડી દે તો હું તારો ખૂબ આભારી થઈશ.
-બધાં જ કામો એમ આપણે ભગવાન પર છોડી દઈએ તો એમનો વર્કલોડ કેટલો વધી જાય. એમને બીજાં પણ કંઇ કામો કરવાના હોય કે નહી?
-ઠીક છે. ભગવાનને એમનું કામ કરવા દે.તું તારું કામ કર અને હું મારું કામ કરવા જાઉં છું.
-તમારું કામ? અત્યારે વળી તમને શું કામ છે?
-કેબલ ઓપરેટરને કહીને ટી. વી. ની બધી ચેનલો કઢાવી નાંખુ છું. જે જોઇ જોઇ ને તારું મગજ ખરાબ થઈ ગયું છે. પછી ના રહેગા બાંસ, ના બાજેગી બાંસુરી.
-ઓહ નો, અમર.
-ઓહ યસ, મીની.
-પ્લીઝ, અમર. ચેનલો બંધ ના કરાવશો. હું કે.બી.સી. મા ભાગ લેવાનો વિચાર પડતો મૂકું છું, બસ?
-અબ આયા ના ઊંટ પહાડ કે નીચે.
-હં અ અ અ અ. કોઇ ના નસીબમા કરોડ રુપિયા ના લખાયા હોય તો કોઇ શું કરી શકે?
આજની જોક:
રમેશ: સાંભળ્યું છે કે પેલો આનંદ લગ્ન પછી કરોડપતિ બની ગયો?

મહેશ: સાચી વાત છે, લગ્ન પહેલા એ અબજોપતિ હતો.

6 comments:

  1. ભલાઈનો જમાનો જ નથી રહ્યો. મારે પણ બૉક્સ પાછું આપી દેવું પડવાનું !
    હળવી મજાકોથી ભરેલો સરસ લેખ.

    ReplyDelete
  2. nk pallavi
    tamaari link mane khub j gami kaaranke [ 1 ] tamaari shaili halavi ane ramatiyaal chhe
    2 tame maanavswabhaavni sahaj nabalaaine vishay banaavi dhaardaar kataax karyo
    3 tunkaa samvaadni shaili darek vargnaa vaachakne game tevi chhe - dhanyawaad
    - ashvin desai australia

    ReplyDelete
  3. पल्लवीबेन,
    कौन बनेगा करोड़पति पर्वों आपनो हास्यलेख घणो ज गम्यो. आपनी शैली अति सरल अने मनोरंजक छे. अभिनंदन.
    धनेश भावसार (केनेडा)

    ReplyDelete
  4. કલ્પનાબેન, અશ્વિનભાઇ અને ધનેશભાઇ,
    મને પ્રોત્સાહન આપવા બદલ આપ સૌનો ખુબ આભાર માનું છું.
    પલ્લવી.

    ReplyDelete
  5. खूब सरस,
    लेख वांच्या पछी मजा आवि गई.

    ReplyDelete
    Replies
    1. આભાર, કમલેશભાઇ.
      પલ્લવી.

      Delete